ધિક્કારનાં ગીતો

આત્મદયા એ માણસની આંતરિક સમસ્યા છે. એમાં બીજાનો વાંક કાઢવાનો કોઈ મતલબ નથી.

દીપક સોલિયા

કોઈ ઘરડું, બીમાર કૂતરું રસ્તાના કિનારે હાંફી રહ્યું હોય એ જોઈને આપણામાં દયા જાગી શકે. દયા એક કૂણી, હૂંફાળી અને પ્રેમાળ લાગણી છે. એમાં કડવાશ નથી. અને છતાં એક દયા એવી પણ હોય છે જેમાં રહેલી કડવાશ આસાનીથી જોઈ શકાય છે. એ દયા છે, આત્મદયા, સેલ્ફ પિટી.

આત્મદયાથી પીડાતા લોકોને પોતાની જાતની તો દયા આવતી જ હોય છે કે અરરર… મારી સાથે કેવું કેવું થઈ રહ્યું છે… પ્રેમિકા મને છોડી ગઈ છે… શેઠે મને નોકરીમાંથી કાઢી મૂક્યો છે… દુનિયામાં મારા દેશની પૂરતી ઇજ્જત નથી… ઘરમાં મારા કામની કોઈને કદર નથી… આ પ્રકારની દયામાં જાત પ્રત્યેની કરુણા ઉપરાંત અન્ય લોકો પ્રત્યેની દાઝ પણ વણાયેલી હોય છે. શાંત કરુણા અને ઉગ્ર ક્રોધના કોકટેલ જેવી આ લાગણીને વર્ણવવા માટે બીજો કોઈ શબ્દ ન જડતો હોવાથી એક હાથવગા શબ્દ વડે કામ ચલાવીએ. એ શબ્દ છે, ભડાસ.

હિન્દી ફિલ્મોમાં આવા ભડાસ-ગીતો અનેક છે, જેમાં એક તરફ હીરો (કે હિરોઈન) પોતાની જાત પ્રત્યે દયા-પ્રેમ-કરુણા-લાચારી પણ અનુભવે અને બીજી તરફ પ્રેમનો અપેક્ષિત રિસ્પોન્સ ન આપનાર સામેના પત્ર પર તેને દાઝ પણ ચડતી હોય. આવા એક ગીતની ચર્ચા ચાલી રહી હતીઃ મેરે મહબૂબ કયામત હોગી... તર્જ અને ગાયકીની દૃષ્ટિએ અત્યંત સુંદર એવા આ અતિ પ્રચલિત ગીતમાં હીરો આત્મદયાથી પચપચી રહ્યો છે અને કડવાશથી ખદબદી રહ્યો છે. અને માટે એ કહી રહ્યો છે કે મેરી તરહ તૂ આહેં ભરે/ તૂ ભી કિસી સે પ્યાર કરે/ ઔર રહે વો તુઝસે પરે. સાદા શબ્દોમાં કહીએ તો જેમ મારી વાટ લાગી તેમ તારી પણ વાટ લાગે એવું હું ઇચ્છું છું.

આવી અભિવ્યક્તિને કોઈ પણ રીતે તંદુરસ્ત ગણી શકાય નહીં. હા, એને સ્વાભાવિક ગણી શકાય. માણસ માત્ર દાઝને પાત્ર એ ન્યાયે કોઈ આપણને ભાવ ન આપે, આપણને તરછોડી જાય, આપણી સાથે ગેમ ખેલી જાય ત્યારે જાત પ્રત્યે દયા આવે અને સામેવાળા/વાળી પર દાઝ ચડે એ સહજ છે. પણ આવી સ્થિતિમાં આત્મદયા કરતાં વધુ સ્વસ્થ અભિગમ એ જ હોઈ શકે કે ચાલો, ઠીક છે, યે ભી દેખ લિયા… કંઈક શીખવા મળ્યું.

દાખલા તરીકે ગાલિબનો એક શેર છેઃ

ઇન આબલોં સે પાંવ કે ઘબરા ગયા થા મૈં
જી ખુશ હુઆ હૈ રાહ કો પુર-ખાર દેખ કર

આબલોં એટલે ફોલ્લા. પગમાં પડેલા ફોલ્લા જોઈને હું ગભરાઈ ગયેલો, પણ પછી હું રાજી થઈ ગયો એ જોઈને કે આગળના રસ્તામાં કાંટા બહુ છે. અચ્છી બાત હૈ. હવે કાંટા વાગશે. એટલે ફોલ્લા ફૂટશે. અને હું સાજો થઈશ. યે હૂઇ ના બાત. આ શેરના આરંભમાં આત્મદયા છે. કવિ પગના ફોલ્લાથી દુઃખી છે. એ સ્વીકારે છે કે ફોલ્લાને લીધે હું ગભરાઈ ગયો હતો. પછી આગળના રસ્તે કાંટા જોઈને કવિ વધુ ગભરાવો જોઈએ કે હવે ફોલ્લા પર કાંટા વાગશે તો મને વધુ પીડા થશે. પણ ના, કવિ ઉલટાનો રાજી થઈને કહે છે કે સારું થયું, હવે ફોલ્લા ફૂટવાની ‘મોસમ’ આવી રહી છે. પ્રેમમાં પછડાટ મળે, કે પરીક્ષામાં નાપાસ થવાય કે જીવનમાં કોઈ વાતે નિષ્ફળતા મળે ત્યારે માણસની પહેલી પ્રતિક્રિયા આત્મદયાની હોઈ શકે. ત્યાં સુધી મામલો સહજ છે, પણ પછી જરા દિમાગ લગાવીને એ સમજવા જેવું હોય છે કે નિષ્ફળતા સબક શીખવવા આવી છે. પ્રેમની પછડાટ તો આપણી અંદર રહેલી વેવલી આત્મદયાને (પરુથી ભરાયેલા ફોલ્લાને) રિપેર કરવાનો અવસર છે.

આમાં તો બીજાંઓનો આભાર માનવાનો હોય કે હે મિત્ર, તારા લીધે મારામાંથી જે ઢીલાશ, નબળાઈ, પોચટતા હતી તેને બહાર આવવાનો મોકો મળ્યો અને હવે તેનાથી મુક્ત થવાની મને એક તક મળી. અસલી લોચો અંદર હોય છે. એને બહાર લાવવામાં અન્ય વ્યક્તિ ફક્ત નિમિત્તની ભૂમિકા ભજવે છે.

માટે, આપણા હૃદયમાં ક્યારેક અન્ય પ્રત્યે ભડાસ જાગે કે ભડાસ-સભર હિન્દી ફિલ્મી ગીત સાંભળીને આપણને સારું લાગે ત્યારે સ્વસ્થ ચિત્તે એ સમજવું જરૂરી છે કે પેલી જે ભડાસ છે એ અંદરૂની મામલો છે, ભડાસનું કારણ સામેની વ્યક્તિ નથી, ભડાસ માટેની પૂર્વસામગ્રી પહેલેથી જ મનમાં ધરબાયેલી હતી, દારૂગોળો અંદર જ હતો. સામેની વ્યક્તિ તો ફક્ત કાંડી ચાંપે છે. પછી મોટો ભડકો થાય, દિલમાં બહુ ચચરે, અંદર ખૂબ બધી ભડાસ અનુભવાય તો સમજવું કે મારી અંદર ઘણું પરું હતું, હું પોતે આત્મદયાથી ખદબદી રહ્યો હતો. જેનામાં પહેલેથી જ આત્મદયા નથી કે ઓછી છે એવી વ્યક્તિ તો પ્રેમમાં ઠોકર ખાધા પછી ખુમારી દાખવશે. જેમ કે, ફિલ્મ અનોખી રાતનું એક શાનદાર ગીત છેઃ

મિલે ના ફૂલ તો કાંટો સે દોસ્તી કર લી
ઇસી તરહ સે બસર હમને ઝિંદગી કર લી

આ શેર આમ તો આખેઆખો આત્મદયાથી તરબતર છે… ફૂલ તો ન મળ્યા અમને જિંદગીમાં એટલે અમે કાંટાથી દોસ્તી કરી લીધી અને આવી જ રીતે જિંદગી ગુજારી લીધી. પણ ના, આ ગીત આત્મદયાને લગતું નથી. આ ગીત જરા વિશિષ્ટ છે. આગલો શેર જુઓઃ

અબ આગે જો ભી હો અંજામ દેખા જાયેગા
ખુદા તરાશ લિયા ઔર બંદગી કરી લી

આત્મદયામાં બહુ જીવી લીધું. ઉપરવાળા સમક્ષ બહુ કરગરી લીધું. પણ કેમેય નિવેડો આવ્યો નહીં, સમસ્યા ઉકલી નહીં તો પછી ઠીક છે, હવે જે થાય તે જોયું જશે. અબ આગે જો ભી અંજામ દેખા જાયેગા.

ખરેખર અનોખી એવી ફિલ્મ અનોખી રાતના આ અનોખા ગીત વિશે વધુ વાત આવતા લેખમાં.


(ક્રમશઃ)


શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com