જીના શેઠ

“વીણાવેલી” નો પ્રસન્ન અને ચિરકાલીન ગરબો
“ઊગ્યો સખી”
ઊગ્યો સખી સૃષ્ટિનો શૃંગાર હાર ચાલ્ય ચાલ્ય જોવાને ચંદ્રમા
જોને પ્રેમઘેલી ભૂમિનારના દેદાર, જોને ડોલે સૃષ્ટિ આનંદમાં..ઓહો
ધન્ય ! ધરા સુંદરી ! તને ચતુર ચંદ્ર તુજ કાન્ત
શાન્તિ પાઠ પઠાવતો સાધીને એકાંત
ધરણી, ૫ડી પતિને પાય, શિક્ષા શિરે ધરે રે,
ગુણિયલ ગોરી પતિ ગુણ ગાય શાન્તિ ચિત્તે સ્મરે રે
ધરોને બેન ધરતીમાતાનું કહ્યું કાન, પ્રીતેથી કરો સંસાર સુધારસ પાન.
સાખી :
ચંદ્ર સુખે ચિડાઈને, તારાના મુખ શ્યામ
સદ્ગુણીનું સુખ ભાળીને, રમે દુષ્ટના રામ
સખી, જેને પતિનું માન-તેના ગાયે ગંધર્વ ગાન
પામે દેવી સમાન સન્માન રમે રમાઇ રસિક થઈ તાન.
ધરણી નાર સમ ગૃહિણીઓ, સેવે સ્વામી પાય
ચતુર ચંદ્રસમ ધણી મળે જય જય ત્યાં ઊચરાય.
શ્રી દેશી નાટક સમાજ
નાટક : ‘વીણાવેલી’ (૧૮૯૯)
રચનાર : ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી
સંગીત : શ્રી નારાયણદાસ નાયક અને દલસુખરામ નાયક
પ્રાસ્તાવિક
“વીણાવેલી’ નાટક એટલે ‘દેશી’ એટલે કે ભાંગવાડીના તખ્તે રજૂ થયેલું ડાહ્યાભાઈનું ખૂબ જ પ્રખ્યાત સર્જન જેણે તેમને કીર્તિ અને કલદાર બંને અપાવ્યાં. આ નાટકમાં વસ્તુ નિરૂપણની એમની રીતિ વધુ સ્વાભાવિક બની હતી. તેની કથાવસ્તુ અને ગીતોને કારણે આ નાટક ખૂબ જ લોકપ્રિય થયું હતું. જેમાં આ ગરબો ડાહ્યાભાઈની કલ્પનાશક્તિ અને સૃષ્ટિસોંદર્યનો આહલાદક અનુભવ કરાવે છે.

ગરબામાં આવતી કલ્પનાની ભવ્યતા વાંચતાં કવિ નાનાલાલે પોતાની કૃતિઓમાં જે કલ્પનાઓ આપી હતી તેના પહેલાં રંગભૂમિ ઉપર આવાં કલ્પનાં ચિત્રો પ્રાપ્ત થયાં છે એ એતિહાસિક રીતે નોંધપાત્ર ઘટના ગણાય. અહીં ભૂમિ નારનું ચિત્ર, પતિના ગુણગાન ગાતી ગુણિયલ ગોરીનું ચિત્ર અને આવી સ્ત્રીનાં ગાંધર્વ પણ ગુણગાન ગાય છે તેવું એક ચિત્ર પણ જોવા મળે છે.
પહેલા અંકના ત્રીજા પ્રવેશમાં વીણા, વેલી અને બીજાં લોકપ્રિય પાત્રોના મુખે આ ગરબો રાગ-માઢમાં ગવાતો હતો.
આ નાટકમાં રાજ કઠિયારાની ભૂમિકા મા. મૂળચંદ નાયક કરતા અને ધમલા માળીની ભૂમિકા મા. કાસમભાઈએ કરી હતી. શ્રી દેશી નાટક સમાજની નવ દાયકાની આવરદામાં “વીણાવેલી’ નાટક એક પાયાના પથ્થર સમાન ગણી શકાય. આ સિવાય ‘અશ્રુમતી’, ‘ઉમાદેવડી’ અને ‘ઉદયભાણ’ ડાહ્યાભાઈનાં યશસ્વી નાટકો છે.
કથાવસ્તુ અને પ્રેરણા
ડાલ્યાભાઈના પરિવારનો ધર્મ જૈન હોવાથી તેઓ આ પરંપરાની જૈન ધર્મની કથાઓમાંથી પ્રેરણા લઈ નાટકોના વિષયો મેળવતા હતા. ૧૮૯૯માં રજૂ થયેલ ‘વીણાવેલી’ નાટક એ ‘કાનડ કઠિયારાનો રાસ’ નામે જૈન રાસો અને શેક્સપિયરની ‘કિંગ લીઅર’ની મિશ્ર પ્રતિકૃતિ હતી. .

વાર્તા કંઈક આવી હતી
ચંપાગઢના રાયસિંહને વીણાસુંદરી અને વેલીસુંદરી નામે બે દીકરીઓ હતી. વીણાસુંદરીની મા ગુજરી ગઈ હતી. વીણાસુંદરીએ પોતાની ચતુરાઈ તથા વિદ્યાના બળથી પોતાનો સંસાર કેવી રીતે સુધાર્યો તથા વેલીસુંદરી લક્ષ્મીના મદમાં વિદ્યા વિના કેવી પસતાઈ એની વાત આ નાટકમાં રજૂ થઈ હતી.
જે સમયે ગુજરાતમાં સ્ત્રી-કેળવણીનો વિચાર સરખો ન હતો એ સમયે લેખકે આ દિશામાં ઉત્તમ પ્રયોગ કર્યો હતો. આ સાથે કુંભાર ધમલા માળીનું ‘કૉમિક’ હાસ્યરસ માટે પ્રયોજાયેલું હતું. કૉમિક વિલન ‘ધમલો માળી’એ ડાલ્યાભાઈએ ગુજરાતી રંગભૂમિને આપેલું આ પ્રકારનું ચિરંજીવ પાત્ર છે. આ નાટકમાં ગરબાની કલાત્મક રજૂઆતનો પ્રયોગ પણ પહેલી વાર થયો.
આસ્વાદ
કવિએ જે શબ્દચિત્ર ખડું કર્યું છે તેમાં કોઈ સખી તેની અન્ય સખીને આનંદમાં ડોલતી સૃષ્ટિ અને ચાંદનીના પ્રકાશથી દેદિપ્યમાન બનેલી ધરતીના દેદાર કરવાનું સૂચવતી દેખાય છે. વાતો કરવાવાળી સુંદરીઓ છે તેથી અહીં કવિએ ધરતી માટે પણ ‘ધરાસુંદર’ વિશેષણ વાપર્યુ છે. ધરતીને સુંદરી ગળ, ચંદ્રને એનો પતિ મની, ચાંદની રાતમાં એકાંતમાં એ પોતાની પ્રિયાને શાંતિ પાઠ પઢાવતો હોય એનું સુંદર ચિત્ર કવિએ ઉપસાવ્યું છે. તો પ્રિયા પણ પ્રીતમથી સવાઈ છે. તે પણ પતિને પાયે પડી એની શિક્ષા મથે ચડાવતી હોય એવી મધુર કલ્પના કવિએ અહીં કરી છે.
જોકે, આ ધરતી અને ચંદ્રની વાત માંડીને કવિને વાત તો કરવી છે સાંસારિક પતિ-પત્નીઓની. આદર્શ દાંપત્ય એ છે કે જેમાં પત્ની ગુણિયલ હોય અને એ શાતચિત્ત રાખીને પોતાના પતિના ગુણ ગાતી હોય. આમ અહીં સ્ત્રી પાસેથી કવિ શાંતિ, સમજદારી અને સ્થિરતાની અપેક્ષા રાખે છે અને જો એ અપેક્ષા સંતોષાય તો રિવૉર્ડ પણ સરસ મળે છે એમ આગળ ઉપર સ્પષ્ટ પણ કરે છે.
જેમ માતાને જોઈ-જોઈને પુત્રી શીખે તેમ ધરતીતમાત! પાસેથી આપણે પણ સહનશીલ બનવાની શીખ મેળવવાની છે. ધરતીમાતા ચંદ્રની વાત કાને ધરતા જોઈ ગૃહિણીઓ પણ પોતાના પતિને માનથી અપનાવી લેવાની શિક્ષા મેળવશે. પતિને તનોતન અને મનોમન, વિચારોથી, સદ્ગુણોથી અપનાવવાથી એનો સંસાર સુધરશે, વિક્સશે, આગળ વધશે અને શાંતિપૂર્ણ અને આનંદપૂર્ણ બનશે.
આમ, અહીં ચંદ્ર સાથે પતિની, સંસારના સુખની તુલના થતી દેખાય છે. સ્ત્રીને માનસિક રતે તેયાર કર્યાં પછી હવે કવિ વધુ એક કલ્પનામાં સરી જાય છે કે ચંદ્ર પણ ધરતી આજ ભક્તિ જોઈને ખુશ થાય છે અને તારાના મુખ શ્યામ થઈ જાય છે (અહીં ‘તારા’ની દુષ્ટ તત્વ તરીકે કલ્પના કરવામાં આવી છે) તો દુષ્ટોને આ સદ્ગુણીનું રુપ જોઈને નવાઈ લાગશે, ઈર્ષ્યા થશે, (એના રામ ૨મી જશે). આવી વાત કરીને કવિ સદ્ગુણ કેળવી સંસારમાં સુખી થવાની આશા જન્માવે છે.
આટલું કહી કવિ પોતાની વાતમાં આગળ વધે છે અને Return and Reward ની વાત કરે છે. સાંસારિક લોકની વાત તો થઈ ગઈ કે પતિના ગુણ ગાતી સ્ત્રીનો સંસાર સુખમય બને છે અને દુષ્ટોના રામ રમી જાય છે એ તો બરાબર પણ આવી સ્ત્રીની કીર્તિ તો ઠેઠ દેવલોક સુધી પહોંચે છે. જેને પતિનું માન હોય, ગાંધર્વ પણ એનાં ગુણગાન ગાય છે એ દેવી સમાન સન્માન પામે છે. સંસારના સર્વે ક્ષેત્રે એનો વિજય થાય છે અને એ સતી જેવી શક્તિ કેળવે છે.
એવી ધરતી જેવી ખમતીધર પોતાના પતિના પગો સેવે, અર્થાત દ્રવ્યથી પતિના પગની સેવા કરીને નહીં, પણ ભાવથી પતિને પ્રેમ આપી, મુશ્કેલીમાં હિંમત અને ધીરજ આપીને એના પગ સ્થિર કરે. એની સાથે સરખે સરખી જવાબદારી સ્નેહપૂર્વક વહન કરે. સમજણથી સંસાર ચલાવે ત્યારે સર્વત્ર એનો જયજયકાર થાય છે. એવી સ્ત્રીઓના ગુણગાન ગાઈન કવિ અહીં પણ મૃઠી ઊંચેરા સાબિત થયા છે.
આમ તો આ ગરબો લગભગ ૧૨૫ વર્ષ પૂર્વેની રચના છે સ્વરરચના પણ થોડી અટપટી છે, પણ તેના સ્વરનો ગુંજારવ મન-હદયને પરિતૃપ્ત કરનારો છે ગીતમાં જાણે આનંદનો ફુવારો ઊડતો હોય એવી અનુભૂતિ થાય છે. આ આનંદ બાહ્ય આનંદ નથી પણ ભીતરનો, આંતરમનનનો આનંદ છે. જે કુદરત, પ્રેમ અને એકતા સાથે સંકળાયેલો છે.
સમીક્ષા
અહીં ગરબાના માધ્યમથી અને ધરતી અને ચંદ્રનું રૂપક લઈને કવિએ બધાં પતિ-પત્નીઓ સામે સુંદર દાખલો બેસાડ્યો છે. નાટકમાં સ્ત્રી-કેળવણીના નવીન વિચારની સાથે-સાથે તેમણે નાટકનાં આવાં ગીતોમાં સ્ત્રીઓને મૂલ્ય આધારિત શિક્ષણ આપી તેમની લાગણીઓને કેળવી છે અને તેમની ભાવનાઓને નવો વેગ આપ્યો છે. આમ તો પ્રત્યક્ષ બોધ આપવાની તેમની શૈલી છે તેમ છતાં એ ક્યાંય ખૂંચતી કે ખટકતી નથી.
આ ગીતમાં પણ તેમની રુચિ અને વૃત્તિ અનુસાર તેમણે આડકતરી રીતે શીલનો મહિમા ગાયો છે અને નીતિના સબળ પાયા પર શબ્દોની ગૂંથણી કરી છે જે ધન્યવાદને પાત્ર છે.
સંદેશ
ઈશ્વરે નિર્મિત કરેલી સૃષ્ટિમાં બધું સત્યમ્ શિવમ્ સુંદરમ્ છે. એ શાશ્વત સત્ય છે. એ સૃષ્ટિમાંથી આપણે સુંદરતા લઈ સુંદર બનવાનું છે અને આનંદ લઈ આનંદમય બનવાનું છે.
પ્રકૃતિ આપણને દરરોજ નવું જીવન આપે છે એમ પ્રેમમાં પણ મનુષ્યે નિત્ય નૂતન રહેવાનું છે.
પૂનમની રાત જેમ ચાંદનીથી શોભે છે એમ જ સંસારમાં સ્રી પોતાના સુખી દાંપત્યજીવનથી શોભે છે. એની સમજદારી જ એના સંસારને ચાર ચાંદ લગાડે છે. એના હર્યાભર્યા સંસારના અને એના પ્રેમાળ વ્યવહારનાં ગાંધર્વો પણ ગુણગાન ગાય છે.
કવિ વિશે
ડાહ્યાભાઈનાં નાટકોનું આકર્ષક તત્ત્વ તેમનાં ગીતો હતાં. તેમના પ્રસન્ન દાંપત્યના રસઝરતાં ગીતો ‘ઉદયભાણ’, ‘વીણાવેલી’, ‘મોહિનીચંદ્ર’ ઇત્યાદિ નાટકોનાં આભૂષણ સમાં હતાં. એમાં શુદ્ધ, સાત્વિક, નિર્મળ પ્રેમની ભાષા અને ભાવો હદયને અનેરો આહ્લાદ અર્પતાં. તો વળી કેટલાંક ફિલસૂફી પ્રેરતાં ગીતો લોકરુચિને પોષતાં અને ઘડતાં. સાંભળનારને પ્રેરણા થાય એવાં ગીતો પણ મધુર કંઠે ગુંજી ઊઠતાં. આ ગીત તેનું ઉત્તમ ઉદાહરણ છે.

તો બીજી બાજુ એમનાં નાટકોમાં મૂકેલા ગરબા રસની રેલમછેલ વહાવતા. કવિ દયારામના રાસ-ગરબાઓ પછી ડાહ્યાભાઈના રાસ-ગરબાઓએ વર્ષો સુધી શરદ રાત્રિઓને ભાવભીની અને સ્નિગ્ધ બનાવી છે. જેમાં ગાનારની મધુર હલક ઉપરાંત સાજિંદાઓનો પણ મહત્ત્વનો ફાળો હતો. ડાહ્યાભાઈ જાતે પણ સ્વરાંકન કરતા તો એમની નાટક મંડળીમાં પાટણ-વડનગરના નાયક ભાઈઓ, દલસુખરામ નાયક અને નારાયણદાસ નાયક, હતા જે સંગીતકલાના અચ્છા જાણકારો હતા. વાદ્યોમાં સારંગી, તબલાંની સાથે હાર્મોનિયમ પર ઉસ્તાદ દુર્લભજી નાયકના સૂરો ભળતા ત્યારે રંગમંચ પર નવી રંગત રેલાતી,
તેમના રાસ-ગરબામાં
“અશ્રુમતી’નો – શું નટવર વસંત થેઈ થેઈ નાચી રહ્યો…
“વીણાવેલી’નો – ઊગ્યો સખી સૃષ્ટિનો શણગાર…
“મોહિનીચંદ્ર’નો – ચોકને આંગણે ચાંદની રે ઝીલે રૂપેરી રંગ…
“ઉમા દેવડી’નો – રૂડી રઢિયાળી રાત ચાલોને રમવા ચતુરા ચોકમાં…
ખૂબ જાણીતા બન્યાં હતા.
શરૂઆતમાં તેમણે “નવીન’ ઉપનામ રાખીને રચનાઓ કરી હતી. એ વખતે એમની કવિતાઓ ગુજરાતીઓના જીવનને રજૂ કરતી અને તેમના ગરબા મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગરની લોકપ્રિય ગુજરાતણો હોંશે-હોંશે અને ધીમી હલકે મદભરી રીતે આનંદ-ઉલ્લાસથી ગાતી અને શેરીઓ ગજાવતી.
ડાહ્યાભાઈનું વિશિષ્ટ યોગદાન
રંગભૂમિના સંસ્કારી સાહિત્યશિલ્પી તરીકે ઓળખાતા ડાહ્યાભાઈ ધોળશાજીએ પૌરાણિક, એતિહાસિક, સામાજિક અને રજવાડી એમ ચાર પ્રકારનાં નાટકોમાં બધાં મળીને કુલ ચોવીસ નાટકો લખ્યાં છે. ડાહ્યાભાઈએ નાટક કોઈ સાહિત્યકૃતિ નહીં પણ રંગભૂમિ ઉપર ભજવવાની કૃતિ છે એવી સ્પષ્ટ સમજ સાથે લખ્યાં. એમણે પોતાનાં નાટકોમાં બોલાતી ભાષાનો ઉપયોગ કર્યો અને સામાન્ય માણસને નાટકમાં પાત્ર તરીકે સ્થાન આપીને ગુજરાતી નાટકનું કલેવર બદલી નાખ્યું. પ્રેમાનંદની જેમ જિવાતા જીવનનાં પાત્રો આપીને તેમણે એક નવી વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિ ઊભી કરી. અગાઉ ભજવાયેલાં નાટકોમાં ક્રિયાનો વેગ ઓછો હતો. એમણે ક્રિયાયોગ અને પ્રસંગ આયોજનમાં નોંધપાત્ર કામ કરી બતાડ્યું.

તેમણે પોતે નાટકની કલા તરીકે ઉપાસના કરી અને સાથે નાટકની કલાને સમાજમાં ઉચ્ચ સ્થાન મળે તે માટેના પણ પ્રયત્નો કર્યાં. આમ તેમણે સર્જનાત્મક અને પ્રગતિશીલ બંને કામો એટલાં જ સંન્નિષ્ઠતાથી કર્યા. એક બાજુ તેમણે આંતરરાષ્ટ્રીય લેખકો (શેક્સપિયર, મોલિયેર વ.) અને આંતરરાષ્ટ્રીય થિયેટરની સારી બાજુ અપનાવી તો બીજી બાજુ આપણા ગરબાના સંગીત તેમ જ દંશ્યક્ષમતા વિકસાવ્યાં. પરંપરા પ્રમાણે ધોતિયું એ એમનો પહેરવેશ હતો, પણ તેઓ વિચારોથી ઘણા મૉર્ડન અને એડવાન્સ હતા.
તેમણે ૧૮૯૨માં ‘ભોજરાજ’ નાટકમાં સંગીત વિભાગમાં હાર્મોનિયમને પ્રથમવાર સ્થાન આપ્યું તો તેમના ‘ઉમાદેવડી’ નાટકમાં રંગમંચ પર પ્રથમવાર વરસાદનું દશ્ય રજૂ કરવામાં આવ્યું હતું. પરાકાષ્ઠાનાં દંશ્યોમાં ટેબ્લો (ડ્રામેટિક સીન્સ)ની રચનાની તરકીબ પણ તેમણે દાખલ કરી. તેમણે સળંગ હાસ્યરસનું નાટક આપવાને બદલે હાસ્યરસ માટે ઉપકથાની યોજના કરી જે પ્રથા પછી તો ખૂબ પ્રચલિત થઈ ગઈ. તેમની સંસ્થાને શ્રીમંત ગાયકવાડ સરકારનો આશ્રય મળ્યો હતો. જે રીતે મુંબઈમાં તેમના ‘અશ્રુમતી’ નાટકને સફળતા મળી હતી અને તેઓ મુંબઈમાં નાટ્યક્ષેત્રમાં છવાઈ ગયા હતા, બીજી નાટકમંડળીઓ માટે તેઓ અદેખાઈનો વિષય બન્યા હતા. તેમને પાનમાં ઝેર આપવામાંઆવ્યું હતું. એમ વાત વહેતી થઈ હતી. એ સત્ય હોય કે નહીં ડાહ્યાભાઈ જાનહાનિમાંથી ઊગરી ગયા (આવો જ એક બનાવ ફૂલચંદ માસ્તર સાથે બન્યો હોવાનું પણ કહેવાય છે.)
રોચક વાતો
ટણીએ કર્યો જાદુ…
ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી ૧૮૮૪-૮૫માં અમદાવાદની મિશન હાઈસ્કૂલમાં સંસ્કૃતના શિક્ષક હતા. ફાજલ સમયમાં આ ભાવનાશાળી જુવાન જૈન બાળકો અને સાધુઓને દેરાસરમાં જઈને સંસ્કૃત શીખવતો. ડાહ્યાભાઈને નાટક જોવાનો શોખ. ૧૮૮૮માં વણિક વીરચંદ ગોકળદાસ ભગત અમદાવાદમાં નાગોરી શાળાની પડાળીમાં ભોજકોની પાસે કેશવલાલ શિવરામ અધ્યાપકે લખેલું ‘સંગીત લીલાવતી’ નાટક ભજવતા હતા.

ડાહ્યાભાઈને તો એ નાટકનું એટલું બધું આકર્ષણ હતું કે એનો ખેલ તેમણે પંદરથી વીસ વાર જોયો હતો. એકવાર ડાહ્યાભાઈ નાટક જોતા હતા. પોતાના પ્રિય ગાયનનો ‘વન્્સમૉર’ માગ્યો. બે-ત્રણ વાર વન્સમૉરની લાગણી પૂરી થઈ તોપણ આ રસિકપ્રેક્ષકે માગણી ચાલુ રાખી ત્યારે રંગમંચ પરના કલાકારે કટાક્ષમાં કહ્યું. “એક વાર નાટક કંપની કાઢી જુઓ તો ખબર પડે કે વન્સમૉર કેમ અપાય છે.” ડાહ્યાભાઈને આ પડકાર ઝીલી ક લેવાનું મન થયું. ૧૮૯૯ના અંત ભાગમાં વીરચંદ ગોકળદાસ ભગતની કંપની ભાંગી. કેશવલાલે ‘દેશી નાટક સમાજ’ નામ આપીને કંપની ચાલુ રાખી અને ડાહ્યાભાઈ તેના ભાગીદાર બન્યા.
આવો જ એક બીજો બનાવ પણ બન્યો હતો.
મુંબઈની કેટલીક ગુજરાતી નિશાળના માસ્તરો ‘હરિશ્ચંદ્ર’ નાટકનો એક સોલ્ડ આઉટ શૉ મેળવવા ‘ફલુઘૂસ’ પાસે ગયા. એ વખતે વિક્ટોરિયા નાટકમંડળીનો ભાર ફરામજી ગુસ્તાદજી દલાલ ચલાવતા. (લોકોએ તેમને રમૂજી ઉપનામ પાડયું હતું “ફલુઘૂસ’) એક ખેલ માટે માસ્તરોએ ૩૦૦ રૂપિયા આપવાની તૈયારી બતાવી, પણ ફ્લુઘૂસે ૫૦૦ રૂપિયા માગ્યા. માસ્તરોએ ભાવ કરવાનો પ્રયત્ન કર્યો એટલે ફ્લુઘૂસનો પિત્તો ગયો. કહેઃ “જા, જા વાનિયા! તારે વેપલો કરવો હોય તો મૂક ૫૦૦ રૂપિયા મારા ટેબલ પર અને નહિ તો નીચી મૂંડી કરી ચાલતો થા.”
એ વખતે બધી નાટક મંડળીઓ પારસીઓની હતી. હિંદુ-ગુજરાતીઓની એક પણ નહોતી. ફ્લુઘૂસની વાત સાંભળી નરોત્તમ નામના એક મહેતાજીને લાગી આવ્યું. બોલ્યા : “જો જો, હિંદુ ગુજરાતીઓ પણ પોતાની નાટક મંડળી શરૂ કરશે.”
આ સાંભળી ફ્લુઘૂસ વધારે વીફર્યા : “અલ્યા વાનિયા ! તું સ્ટેજ ઉપર એક ઉંદરડી સરખી પણ ચલાવી નહીં શકે.”
આ રીતે અપમાનિત થયેલા મહેતાજીઓ પહોંચ્યા રણછોડભાઈ પાસે. કહે : “દક્ષિણીઓ નાટકમંડળીઓ ચલાવે, પારસી નાટકમંડળીઓ ચાલે. ઉર્દૂ નાટકમંડળીઓ ચાલે, તો આપણી નાટકમંડળી કેમ નહીં ?”
રણછોડભાઈએ પહેલાં તો એ મહેતાજીઓને થોડા વાર્યા, પણ પછી તેમની ધગશ જોઈ ૧૮૮૬માં પ્રગટ થયેલા પોતાના નાટક “લલિતા દુ:ખદર્શક’ની પાંચ નકલ તેમના હાથમાં મૂકી. પેલા નરોત્તમભાઈ કહે છે, “આ નાટક તો મેં ૬૫ વખત વાંચ્યું છે.” પછી તો એ નાટક ભજવવા માટે રણછોડભાઈના આશીર્વાદ સાથે ૧૮૭૮ના જૂનની પાંચમી તારીખે ‘ગુજરાતી નાટકમંડળી’ની શરૂઆત થઈ.
પછી તો ગુજરાતી નાટકમંડળીએ આ નાટકના ૯૦ જેટલા પ્રયોગ કર્યા. આમ, ‘ફ્લુઘૂસ’ની તુમાખી ગુજરાતી નાટકમંડળીના જન્મ માટે નિમિત્ત રૂપ બની.
ક્રમશઃ
સુશ્રી જીનાબેન શેઠનો સંપર્ક આ વિજાણુ સરનામે થઈ શકે છેઃ jeenavsheth@gmail.com
