ઝવેરચંદ મેઘાણી

[ઢાળ : ચારણી કુંડળિયાનો]

ઘટમાં ઘોડાં થનગને, આતમ વીંઝે પાંખ,
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ :

આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે
વિશ્વભરના યુવાનોની આંખો અડે;
પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે,
ગરુડ-શી પાંખ આતમ વિષે ઊઘડે.

કેસરિયા વાઘા કરી જોબન જુદ્ધ ચડે,
રોકણહારું કોણ છે? કોનાં નેન રડે ?

કોઈ પ્રિયજન તણાં નેન રડશો નહિ !
યુદ્ધ ચડતાને અપશુકન ધરશો નહિ!
કેસરી વીરના કોડ હરશો નહિ!
મત્ત યૌવન તણી ગોત કરશો નહિ !

રગરગિયાં-રડિયાં ઘણું, પડિયાં સહુને પાય;
લાતો ખાધી, લથડિયાં – એ દિન ચાલ્યા જાય;

લાત ખાવા તણા દિન હવે ચાલિયા,
દર્પભર ડગ દઈ યુવકદળ હાલિયાં;
માગવી આજ મેલી અવરની દયા,
વિશ્વસમરાંગણે તરુણદિન આવિયા.

અણદીઠાંને દેખવા, અણતગ લેવા તાગ,
સતની સીમો લોપવા, જોબન માંડે જાગ :

લોપવી સીમ, અણદીઠને દેખવું,
તાગવો અતલ દરિયાવ – તળિયે જવું,
ઘૂમવાં દિગ્દિગંતો, શૂળી પર સૂવું:
આજ યૌવન ચહે એહ વિધ જીવવું.


૧૯૩૧માં પ્રકાશિત થયેલ કાવ્યસંગ્રહ ‘યુગવંદના‘માંથી


સામગ્રી સ્રોતઃ વિકિસ્રોત