માહિતી જંક્શન
વિશાખા મોઠિયા
આપણા હિન્દુ પૌરાણિક શાસ્ત્રોમાં, જીવ સૃષ્ટિનાં પ્રાણીઓ – પક્ષીઓ પણ આગવું મહત્ત્વ ધરાવે છે તેમજ પૂજનીય છે. તેઓ કોઈને કોઈ દેવી – દેવતા સાથે તેના વાહન તરીકે જોડાયેલા છે; એ પણ કોઈને કોઈ ઉદ્દેશ્ય સાથે. જેમ કે – ભગવાન શિવ સાથે નંદી (આખલો), માતા પાર્વતી સાથે સિંહ અથવા વાઘ, ભગવાન ગણેશ સાથે મુષક (ઉંદર), માતા સરસ્વતી હંસ સાથે, ભગવાન કાર્તિકેય મોર સાથે, ભગવાન વિષ્ણુ ગરુડ સાથે, માતા લક્ષ્મી ઘુવડ સાથે વગેરે. આજે વાત કરીશું, માતા લક્ષ્મીના વાહન – ઘુવડ વિશે. જાણીશું કે – જે પક્ષીને આટલું અપશુકનિયાળ માનવામાં આવે છે, એ સુખ – સમૃદ્ધિ તેમજ ધનના દેવી માતા લક્ષ્મીનું વાહન કઈ રીતે બન્યું ? સાથે જાણીશું તેની સાથે જોડાયેલ અમુક માન્યતાઓ તેમજ વિશેષતાઓ વિશે.

દિવાળીનો તહેવાર માતા લક્ષ્મીની પૂજા સાથે જોડાયેલ છે. લોકો આ દિવસે પોતાના ઘરો – દુકાનોમાં માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરે છે. અને માતા પાસે સુખ – સમૃદ્ધિ તેમજ ધન – ઐશ્વર્યની પ્રાપ્તિના આશીર્વાદ મેળવે છે. માતા લક્ષ્મી સમુદ્રમંથન દરમિયાન સમુદ્રમાંથી ઉત્પન્ન થયા હતા અને ત્યારબાદ ભગવાન વિષ્ણુને પરણ્યા હતા. માતા લક્ષ્મી કમળના આસન પર બિરાજેલ જોવા મળે છે. તેની બંને બાજુ હાથી તેની સૂંઢથી પાણીનો છંટકાવ કરતા જોવા મળે છે. તેની બાજુમાં તેનું વાહન ઘુવડ જોવા મળે છે. માતા લક્ષ્મીનાં કુલ આઠ સ્વરૂપો છે, જેમાં – આદ્ય (આદિ) લક્ષ્મી કે મહા લક્ષ્મી, ધન લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, સંતાન લક્ષ્મી, ગજ લક્ષ્મી, વિજયા લક્ષ્મી, ઐશ્વર્ય લક્ષ્મી, વીર (ધૈર્ય) લક્ષ્મી વગેરે આવે છે. દિવાળીમાં માતા લક્ષ્મીની પૂજા ‘ શ્રીયંત્ર ‘ સાથે કરવામાં આવે છે.
માતા લક્ષ્મી અને તેના વાહન ઘુવડની પૌરાણિક કથા
સમગ્ર સૃષ્ટિ નિર્માણના કાર્ય પછી જીવસૃષ્ટિનાં જીવો – પ્રાણી, પક્ષી વગેરેની રચના (ઉત્પન્ન) કરવામાં આવી હતી. પ્રાણી, પક્ષી વગેરેની રચના થઈ ગયા બાદ હવે દેવી – દેવતાઓને તેનું વાહન પસંદ કરવાનું હતું. એટલા માટે તમામ દેવતાઓ પોતાના વાહનની પસંદગી માટે ધરતી પર વિચરણ કરવા આવ્યા હતા. તમામ દેવી દેવતાઓના વાહનોની પસંદગી થઈ ગયા બાદ, એકમાત્ર લક્ષ્મીજી જ વાહન પસંદ કરવામાં બાકી હતા. દરેક પ્રાણી – પક્ષી એવું ઇચ્છતા હતા કે માતા લક્ષ્મી વાહન તરીકે તેમને પસંદ કરે અને એ માટે એ લોકોએ માતા લક્ષ્મીને આગ્રહ પણ કર્યો હતો કે તમારા વાહન તરીકે અમને પસંદ કરો.
એના જવાબમાં માતા લક્ષ્મીએ કહ્યું કે – તેઓ કારતક મહિનાની અમાસની રાતે ધરતી પર વિચરણ કરવા આવશે. એ સમયે જે પક્ષીની સૌપ્રથમ નજર મારી સમક્ષ પડશે (જે પક્ષી મારી નજરમાં પહેલું આવશે) એને હું મારા વાહન તરીકે સ્વીકારીશ. સૌ આ વાત સાથે સહમત થયા. માતા લક્ષ્મી કારતક મહિનાની અમાસની રાતે ધરતી પર વિચરણ કરવા નીકળ્યા. અમાસની રાતે એટલું ગાઢ અંધારું હતું કે કોઈ પ્રાણી કે પક્ષી કશું જોઈ શકવા સમર્થ નહોતા. ઘુવડ એકમાત્ર એવું પક્ષી હતું જે આવા ઘોર અંધારામાં પણ સ્પષ્ટપણે જોઈ શકતું હતું. આથી ઘુવડ જેવું માતા લક્ષ્મીને જોઈ જાય છે કે તરત જ એની સામે ચાલ્યું જાય છે અને માતા લક્ષ્મી સમક્ષ ઉપસ્થિત થઈ જાય છે. અને માતા લક્ષ્મી ઘુવડને તેના વાહન તરીકે સ્વીકારી લે છે.
અન્ય એક કથા પણ છે – ઘુવડને અપશુકનિયાળ માનવામાં આવતું હોવાથી, તેને ઘણાં લોકો લક્ષ્મીજીના બહેન અલક્ષ્મીનું વાહન પણ કહે છે. માતા લક્ષ્મી સુખ – સમૃદ્ધિ, ધન – ઐશ્વર્યના દેવી છે, અને આ બાજુ તેનાથી વિપરીત દેવી અલક્ષ્મી દુર્ભાગ્ય, ઝઘડો – કંકાસના દેવી છે. જ્યાંથી દેવી લક્ષ્મી ચાલ્યા જાય છે, ત્યાં અલક્ષ્મીનો વાસ થાય છે. અલક્ષ્મી એ લક્ષ્મીજી જ્યાં જાય ત્યાં તેની પાછળ જાય છે.
ઘુવડ વિશેની માન્યતાઓ –
ઘુવડનું ઘરની પાસે આવીને અથવા તો ઘરની છત પર બેસીને બોલવું એ અપશુકન માનવામાં આવે છે. લોકોમાં એવી માન્યતા છે કે – ઘુવડ બોલે એટલે નક્કી કોઈકનું મૃત્યુ થશે અથવા તો કૈંક અનહોની કે નુકસાન વગેરે થશે. એનો અવાજ લોકોમાં ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે ભય ઉત્પન્ન કરે છે.
ઘુવડ માતા લક્ષ્મીની બાજુમાં ઊભેલું જોવા મળતું હોવાથી, તેને માતાનાં વાહન કરતા, તેના સાથી તરીકે વધારે માનવામાં આવે છે. ઘણી જગ્યાએ માતા લક્ષ્મી હાથી પર સવાર થયેલા જોવા મળે છે.
માતા લક્ષ્મીનાં વાહન તરીકે ઘુવડની વિશેષતાઓ – હવે, ઘુવડને થોડુંક સકારાત્મક દૃષ્ટિથી જોઈએ અને સમજીએ.
ઘુવડ એક નિશાચર પક્ષી છે, જે રાતે જ જોવા મળે છે. કારણ કે તેની આંખો દિવસનો પ્રકાશ જોઈ શકતું નથી, માત્ર રાત્રીના સમયે જ તે જોઈ શકે છે. તેની ગોળમટોળ મોટી આંખો ગાઢ અંધકારની આરપાર પણ બધું જ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. ઉડતી વખતે તેની પાંખો અવાજ નથી કરતી, એટલે એ આજુબાજુ ઉડતું હશે તો પણ એની પાંખો ફફડવાનો અવાજ નહીં આવે. એની ગરદન ચારેકોર જોવા માટે ફરી શકે છે. એનો અવાજ થોડોક ભય ઉત્પન્ન કરનારો હોય છે. ઘુવડને પણ સંદેશાવાહક પક્ષી તરીકે ઓળખવામાં આવે છે.
ઘુવડ એ ક્રિયાશીલ પક્ષી છે. જે રાત્રીના સમયે કોઈને પણ ખલેલ પહોંચાડ્યા વિના ચુપચાપ કાર્ય કરે છે. એની ગોળમટોળ આંખો ગાઢ અંધકારમાં પણ કશાંકની શોધને દર્શાવે છે. એ ચૂપચાપ દરેક વસ્તુઓનું સ્પષ્ટપણે નિરીક્ષણ કરે છે. ઘુવડનું બોલવું એ એક પ્રકારની ચેતવણીનો સંદેશ છે, તમને સચેત કરવાનો ~ સાવધાન કરવાનો.
માતા લક્ષ્મીના વાહન તરીકે આપણને સંદેશો આપે છે કે – જો તમે એની જેમ સતત કાર્યશીલ રહેશો, મહેનત કરશો તો લક્ષ્મીજી ત્યાં જરૂર આવશે. સાચી સંપત્તિ દેખાવ માટે નહીં પણ મૌન રહીને કમાવવામાં છે. એનું મૌન એ શાણપણ છે. કોઈ પણ કાર્ય હંમેશા જાગ્રત રહીને, સ્પષ્ટ રીતે કરવું. એની આંખો આપણને જ્ઞાનની ખોજ કરવાનો, સતત નવું શીખવાનો સંદેશ આપે છે. કારણ કે જ્ઞાન અને શાણપણ વિના કમાયેલી સંપત્તિ નકામી હોય છે, તે અહંકારને જન્મ આપે છે. શાણપણથી ધન – સંપત્તિ કમાવવાનો અર્થ અહીં મહેનત, પ્રામાણિકતા, આધ્યાત્મિકતા, શિસ્તતાથી કમાવવાનું છે. જો વ્યક્તિમાં આ ગુણો કેળવાયેલા હશે તો, એના ઘરે સુખ – સમૃદ્ધિનો કાયમી વાસ રહેશે. જો કોઈ કંઈક ખોટું કરતું હોય, તો ઘુવડ તેને ભવિષ્યમાં થનારા નુકસાન વિશે આગાહ કરવા માટે સંકેત આપે છે. તેને ખોટા માર્ગેથી પાછો વાળવા માટે ચેતવે છે. કારણ કે માતા લક્ષ્મી સાથે તે ‘સંપત્તિનાં એક રક્ષક’ તરીકે છે. જ્યાં ધનનો દુરુપયોગ થતો હશે ત્યાં એ ચેતવણી આપવા આવશે જ. ઘુવડનું બોલવું એ તમને ડરાવવા કરતાં સાવધાન કરવા માટે વધારે હોય છે કે – જો સંપત્તિનો સતત દુરુપયોગ થશે તો, અલક્ષ્મી એટલે કે દુર્ભાગ્ય, ગરીબી આવતા વાર નહીં લાગે. સંપત્તિનાં એક રક્ષક તરીકે તે લોકોને કમાયેલું ધન સારા માર્ગે અને જરૂર મુજબ વાપરવાનું કહે છે.
વિશેષ બાબતો
– ઘુવડને સંસ્કૃતમાં ઉલુક કહેવામાં આવે છે. આથી, માતા લક્ષ્મી ઉલુક ~ ઘુવડ પર સવારી કરતા હોવાથી, તેને ઉલુકવાહિની પણ કહેવામાં આવે છે.
– આદિવાસી ભીલ અને ગોંડ જાતિના લોકો તેની લોક ચિત્રકલામાં ઘુવડને ખાસ મહત્ત્વ આપે છે. તેઓ પ્રકૃતિને પૂજતા હોવાથી, પક્ષીઓને પણ પોતાની કલામાં આધ્યાત્મિક તેમજ એક પરંપરાની દૃષ્ટિએ સ્થાન આપે છે.
– ગ્રીક માયથોલોજીમાં, ઘુવડ એ ત્યાંના દેવી એથેના સાથે જોવા મળે છે. દેવી એથેના શાણપણનાં દેવી છે. અહીં ઘુવડ સભાનતા અને સતર્કતાનું પ્રતિનિધિત્વ કરે છે.
તો આ વાત હતી, શાંત અને ડાહ્યા ઘુવડની. જે પક્ષીને આજુ સુધી આટલું અપશુકનિયાળ માનવામાં આવતું હતું, એ આટલા સારા ગુણો ધરાવે છે !!! એ જાણીને મને – તમને અને સૌને આશ્ચર્ય પમાડે એવું છે.
સુશ્રી વિશાખા મોઠિયાનો સંપર્ક vishakhawriter@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
