નિસબત

ચંદુ મહેરિયા

ફેબ્રુઆરી ૨૦૨૫થી દેશમાં ‘ એક દવા, એક ભાવ અને એક ગુણવત્તા’ નો કાયદો અમલી છે. આ કાયદા હેઠળ દર્દીઓને નક્કી ભાવે જ યોગ્ય ગુણવતાની દવાઓ મળી રહે તેથી દવા વિક્રેતાઓએ દવાઓનું ભાવપત્રક જાહેરમાં દર્શાવવું અનિવાર્ય છે. પરંતુ એનો ક્યાંય અમલ થતો નથી. દવાઓના આસમાનને આંબતા ભાવો અને તેની પ્રાઈસ ટુ રિટેલર તથા મેક્સિમમ રિટેલ પ્રાઈસ(M R P)માં  અકલ્પ્ય તફાવતથી  દેશની સુપ્રીમ કોર્ટ પણ હેરાન છે. રૂ.૩,૦૦૦ છૂટક કિંમતની કેન્સરની દવાની એમ આર પી અધધધ રૂ. ૨૭,૦૦૦ છે. જે ઈન્જેકશન રિટેલર સુધી માત્ર રૂ. ૩,૫૨૦માં પહોંચે છે તેની M R P રૂ. ૨૨,૪૩૭ છે. ૧૦ ગણા, , ૧૦૦ ગણા અને ૧૦૦૦ ગણા વધુ ભાવ દર્શાવતી આ દવાઓ વચ્ચેના નાણાં ક્યાં જાય છે?  અને માંદગીના બિછાને પડેલા બેબસ દર્દીઓ અને તેમના પરિવારજનોની મજબૂરીનો લાભ કોણ ઉઠાવે છે? તેવો પ્રશ્ન પણ દેશની સૌથી મોટી અદાલતને થયો છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

સર્વોચ્ચ અદાલતે  દવાઓના ભાવમાં રહેલા અંતરની ટીકામાં ‘લાચાર તથા ગરીબ દર્દીઓની જાહેર લૂંટ’ ,  ‘ સામુહિક જનસંહાર’  અને ‘ અમાનવીય શોષણ’  જેવા આકરા શબ્દોનો ઉપયોગ કર્યો છે. જાન્યુઆરી-૨૦૨૫ થી ડિસેમ્બર-૨૦૨૫ વચ્ચેના ૮૦મા નેશનલ સેમ્પલ સર્વેનો નિષ્કર્ષ છે કે દેશમાં માંદગીનું પ્રમાણ એટલે કે બીમાર લોકોની સંખ્યા વધી છે. વળી આજે પણ તેમની આરોગ્ય સંબંધી સારવાર માટેની નિર્ભરતા ખાનગી હોસ્પિટલો પર જ વધારે છે. તેને કારણે તેઓની આવકનો એક મોટો હિસ્સો બીમારીમાંથી સાજા થવામાં ખર્ચાય છે. ગરીબ અને મધ્યમ વર્ગને ખાનગી હોસ્પિટલોની મોંઘી સારવાર પોસાતી તો નથી પરંતુ તેમની પાસે બીજો વિકલ્પ પણ નથી. હોસ્પિટલના સારવારના ખર્ચ ઉપરાંત મોંઘી દવાઓના ખર્ચથી તેમની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થાય છે.

પ્રાઈવેટ ડોકટરો અને દવાખાના દર્દીને  તેમની હોસ્પિટલમાં આવેલી ફાર્મસીમાંથી જ દવાઓ ખરીદવાની ફરજ પાડે છે. અંદરના દર્દી તરીકે દાખલ થયેલા દર્દીઓને તો હોસ્પિટલની જ ફાર્મસીની દવાઓ આપવામાં આવે છે. દર્દીને કઈ  દવા કઈ કંપનીની આપવી તે ખાનગી હોસ્પીટલની મુનસફી પર હોય છે. દવા ઉત્પાદક કંપનીઓ અને ખાનગી દવાખાનાઓ વચ્ચે સાંઠગાંઠ હોય છે. દવા ઉત્પાદક કંપનીઓ પ્રાઈવેટ મેડિકલ સર્વિસ આપનારાઓને મોટા માર્જિનંથી દવાઓ આપે છે બદલામાં તે તેમની કંપનીની જ દવાઓ દર્દીને આપે છે. અહીં દર્દી પાસે વધુ સસ્તી અને વધુ સારી દવા ખરીદવાનો વિકલ્પ જ રહેતો નથી. જો કોઈ દર્દી આવો આગ્રહ રાખે તો પ્રાઈવેટ હોસ્પિટલ તેમના ઈલાજની જવાબદારીથી હાથ ધોઈ નાંખે છે. એટલે લાચાર દર્દી બીજું કંઈ કરી શકતો નથી.

આરોગ્ય એ રાજ્ય યાદીનો વિષય છે. કેન્દ્ર અને રાજ્યોએ આરોગ્ય સંબંધી ઘણાં કાયદા ઘડ્યા છે. ૨૦૧૩ના દવાના ભાવ નિયંત્રણના આદેશમાં એમઆરપીની મર્યાદા આંકી છે. પરંતુ ખાનગી દવાખાના અને દવા ઉત્પાદક કંપનીઓ વચ્ચેની લેણદેણ અને સાંઠગાંઠમાં જે દવાઓ કંપનીઓ મોટા માર્જિનથી આપે છે તેના પર કોઈ નિયંત્રણ કરી શકતા નથી. દવાઓનો આવશ્યક વસ્તુ ધારામાં સમાવેશ કરવામાં આવ્યો છે. નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીની રચના દવાઓના ભાવોના નિર્ધારણ અને નિયંત્રણ માટે  કરવામાં આવી છે. ૨૦૧૯માં તેણે કેન્સરની બિન સૂચિબધ્ધ ૪૨ દવાઓના ભાવોમાં ટ્રેડ માર્જિન  ૩૦ ટકા સુધી સીમિત કરવાનો પ્રયોગ કર્યો હતો. તેને કારણે ૫૨૬ બ્રાન્ડેડ દવાઓની કિંમતો ૯૦ ટકા જેટલી ઘટી હતી. એટલે સરકાર અને તેનું તંત્ર ધારે તો દવાઓના ભાવો અને માર્જિન પર નિયંત્રણ લાવી શકે છે.

મોંઘીદાટ દવાઓને કારણે જેમની આર્થિક સ્થિતિ નબળી હોય તેવા દર્દીઓની કમર ભાંગી જાય છે. મોંઘી દવાઓ ખરીદી ન શકતાં દર્દીઓ તેમનો ઈલાજ અધવચ્ચે છોડી દેતા હોય છે. નાણાંના અભાવે તેઓ ડોકટરે સૂચવ્યા મુજબનો દવાઓનો કોર્સ પૂરો કરી શકતા નથી કે દવાનો ડોઝ ઘટાડી દે છે. તેને લીધે તેમની બીમારી મૂળમાંથી જતી નથી અને ફરી ઉથલો મારે છે.

નફાખોરી અને વધુ કમાવાની લાલચ તથા આરોગ્ય ક્ષેત્રમાં ખાનગી સેવાઓનો ઈજારો ગરીબો અને વંચિતોને સારી આરોગ્ય સેવાઓ મેળવવાથી વંચિત રાખે છે. સરકારી દવાખાનાઓની સારવાર માફક આવતી નથી કે તે ઉપલબ્ધ નથી ત્યારે લોકોને ખાનગી દવાખાનાઓના આશરે જવું પડે છે. કેન્દ્ર અને રાજ્યસરકારો આયુષ્માન ભારતથી લઈને બીજી ઘણી આરોગ્યની વીમા યોજનાઓ કે અન્ય સારવારની કલ્યાણકારી યોજનાઓ હોવાની દુહાઈ દે છે. પરંતુ આ તમામ યોજનાઓ અંતે તો ખાનગી હોસ્પિટલોને વધુ મજબૂત બનાવે છે. સરકાર પણ સરકારી આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવાને બદલે અને તેને મજબૂત બનાવવાને બદલે ખાનગી આરોગ્ય સેવાઓને ધરવે છે.

દવાઓની કિઁમતમાં મોટો તફાવત અને બીજા મુદ્દાઓનો ઉકેલ લાવવાનું કામ કાર્યપાલિકા અને વિધાયિકાનું છે. દવાઓના ભાવ અને માર્જિન સંબંધી  નીતિ માટે લોકોએ છેક સર્વોચ્ચ અદાલતમાં જવું પડે એ જેમ દુ:ખદ છે તેમ જો આ બાબતે અદાલત કોઈ આદેશ આપે તો સરકાર તેને ન્યાયતંત્રની દખલ તરીકે અને પોતાની સત્તા મર્યાદા બહારનું કૃત્ય ગણે છે તે યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે તે આરોપ કે ટીકા વહોરીને પણ દવાઓ અંગે સુનાવણી કરી છે અને આદેશો પણ આપી શકે છે. તેનાથી કરોડો લોકોને રાહત મળી શકે છે.

તબીબી વ્યવસાય લોકોનો જીવ બચાવનારો, જીવન રક્ષક છે. લોકો ડોકટરને તારણહાર માને છે અને બીમારીમાંથી સાજા કરનાર પ્રત્યેની તેની કૃતજ્ઞતા હંમેશની હોય છે. પરંતુ હવે તબીબી વ્યવસાય સેવા મટી ધંધો બની ગયો છે. આરોગ્ય સેવાઓમાં ખાનગી ક્ષેત્રની બોલબાલા છે અને લોકોની બીમારીઓ વધે છે, રોગોનું પ્રમાણ વધે છે, માંદા લોકોની સંખ્યા વધે છે એટલે ખાનગી આરોગ્ય સેવાઓ માલામાલ થાય છે. અધૂરામાં પૂરું સરકાર પણ જાતભાતની આરોગ્ય વીમા યોજનાઓ હેઠળ તેને વધુ સમૃધ્ધ કરે છે. દર્દીઓના પરિજનો અને ખાનગી દવાખાનાઓ વચ્ચે ઘર્ષણ અને હિંસા થાય છે. લોકોને તબીબી વ્યવસાય પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. વળી તેમાં દવાઓના ભાવમાં તફાવત અને માર્જિનનો ખેલ તો ખુલ્લેઆમ ખેલાય છે. આ સ્થિતિ અસહ્ય છે અને તાત્કાલિક ઉકેલ માંગે છે.

‘કેગ’  ના અહેવાલમાં દવા કંપનીઓ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. દવા  બનાવતી કંપનીઓ ઉત્પાદન કરમાં સરકારી છૂટનો લાભ મેળવતી હોઈ તેણે દવાઓની કિંમતો ઘટાડવી જોઈએ પરંતુ તે એવું કરતી નથી એટલે દવા ઉત્પાદકો ગ્રાહકો અને સરકાર બંનેને છેતરે છે. તેથી કેગે સરકારને દવાઓના ભાવો પર નિયંત્રણ અંગેના અધિનિયમમાં જરૂરી સુધારા કરવા સૂચવ્યું છે. સર્વોચ્ચ અદાલતની આકરી આલોચના પછી સરકાર અને ખાનગી આરોગ્ય સેવાઓએ દવાઓના ભાવોમાં આચરાતી ગેરરીતિ અટકાવવા  નક્કર પગલાં લેવા પડશે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.