સંપાદકીય નોંધઃ

આકસ્મિક કારણોસર ‘વાદ્ય વિશેષ’નો નિયમિત હપ્તો મળી શકે તેમ નહોતો. આટલા ટુંક સમયમાં એ ખાલી જગ્યા ભરવા માટે બીજા લેખ માટે શોધ કરવાનું વિચારવાનું શરૂ કર્યું, અને યાદ આવ્યું કે બીરેનભાઈ કોઠારીના બ્લૉગ ‘પૅલેટ’ પર એક સ – રસ ટુંકી નોંધ જેવો લેખ વાંચ્યો હતો જે, યોગાનુયોગ, અત્યારએ ફરીથી પ્ર્સ્તુત બની શકે છે.

એ પ્રસ્તુતીનો સંદર્ભ કેપ્ટન નરેન ફણસેનો લેખ દિયા જલા કર આપ બુઝાયા (૧) છે.

આ સંદર્ભ તો બન્ને લેખ વાંચતાં જ સમજી જવાય તેમ છે એટલે  એ વિશે અહીં કંઈ પણ કહેવાની આવશ્યકતા નથી…….


બીરેન કોઠારી

હિન્દી ફિલ્મોમાં ગાયિકા નૂરજહાંનો પ્રવેશ કરાવવાનું શ્રેય સંગીતકાર માસ્ટર ગુલામ હૈદરના ફાળે જાય છે. ૧૯૪૨માં રજૂઆત પામેલી ‘ખાનદાન’નાં ગીતો અતિશય લોકપ્રિય થયા તેને પગલે અનેક સંગીતકારોએ આ પ્રતિભાશાળી ગાયિકા પાસે ગીતો ગવડાવવા માંડ્યા. શ્યામસુંદર, સજ્જાદ, ફિરોઝ નિઝામી, મીરસાહેબ, કે. દત્તા, નૌશાદ જેવા સંગીતકારોએ સ્વરબદ્ધ કરેલાં ગીતોએ રસિકોને રીતસર ઘેલું લગાડ્યું.

અલબત્ત, એ હકીકત છે કે આજે નૂરજહાંની ઓળખ મુખ્યત્વે નૌશાદે સ્વરબદ્ધ કરેલાં ગીતો પૂરતી સીમિત થઈ રહી છે (અનમોલ ઘડી), પણ મારા અંગત મતે નૂરજહાંનો સ્વર આ ગીતોમાં સાવ સપાટ છે. તેમના સ્વરની વિશાળ રેન્જ અને તેમની ખૂબી જેવી મુરકીઓ ક્યાંય જણાતી નથી.

૧૯૪૫માં રજૂઆત પામેલી ફિલ્મ ‘બડી માં’ની વાત નીકળે એટલે નૂરજહાના ચાહકોને ‘ઓહોહો’ થઈ જાય, કેમ કે, આ ફિલ્મમાં સંગીતકાર કે. દત્તા (દત્તા કોરેગાંવકર) દ્વારા સંગીતબદ્ધ કરાયેલાં નૂરજહાંના ગીતો ‘આ ઈન્તજાર હૈ તેરા‘, ‘દિયા જલાકર આપ બુઝાયા‘, ‘તુમ હમકો ભૂલા બૈઠે‘ અને ‘કિસી તરહ સે મુહબ્બત મેં ચૈન પા ન સકે‘નો જાદુ એવો છે કે એક વાર સાંભળનાર એને કદી વીસરી ન શકે.

૧૯૪૨ થી ૧૯૪૮સુધીનો ગાળો નૂરજહાંના ગાયનનો સુવર્ણકાળ હતો, એ પછી તેઓ પાકિસ્તાન ચાલ્યા ગયાં. આ જ અરસામાં તેર- ચૌદ વરસની એક કિશોરી પિતાજીના અવસાન પછી પોતાના પરિવાર (ચાર ભાંડરડાં અને માતા)ને ટેકારૂપ થવા માટે ગાયન-અભિનયનું જે કામ મળે એ સ્વીકારતી હતી અને જે આવક થાય એનાથી દિવસો ટૂંકા કરી રહી હતી. નૂરજહાંની નજીકમાં પણ ક્યાંય એ ઊભી રહી શકે એમ નહોતી. પણ પરિવારના એક હિતેચ્છુ વિનાયક દામોદર કર્ણાટકી થકી તેને ગાયન-અભિનયનું છૂટુંછવાયું કામ મળતું રહ્યું હતું.

વિ.દા.કર્ણાટકી માસ્ટર વિનાયક તરીકે જાણીતા હતા, જેમણે દિગ્દર્શીત કરેલી ‘બડી માં’માં સંગીતકાર કે.દત્તાના દસ ગીતો હતાં, અને એ પૈકીનાં ચાર આજેય નૂરજહાંની ઓળખ બની રહ્યા છે. (આગળ જતાં આ જ માસ્ટર વિનાયકની પુત્રી હિન્દી ફિલ્મજગતની જાણીતી અભિનેત્રી બની, જેનું નામ નંદા).

માસ્ટર વિનાયકને કારણે પેલી કિશોરીને પણ આ જ ફિલ્મમાં બે ગીત ગાવાની તક મળી. ‘માતા તેરે ચરણોં મેં‘ અને ‘જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસિ‘. આ ગીત સમૂહગીત હતાં, જેમાં પેલી કિશોરીની સાથે અન્ય ગાયક/ગાયિકાનો સ્વર પણ હતો.

આ કિશોરીને ધીમે ધીમે કામ મળતું ગયું, અને ૧૯૪૮માં તેનો પરિચય માસ્ટર ગુલામ હૈદર સાથે થયો એ કેવળ તેના જીવનનો જ નહીં, હિન્દી ફિલ્મસંગીતના એક આગવા અને નવા અધ્યાયનો આરંભ હતો. એ કિશોરીનું નામ લતા મંગેશકર.

આ પોસ્ટ પૂરતી વાત એટલી જ કે- ‘બડી માં’નાં ગીતો એટલે નૂરજહાંનાં ગીતો એવી જે વાત છે, ત્યારે એ જ ફિલ્મમાં લતાએ ગાયેલાં બે ગીતો પણ હતાં એ જાણીને આનંદ થાય.


(લીન્‍ક: યૂ ટ્યૂબના સૌજન્‍યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)