ગિરિમા ઘારેખાન

ગૌરવ અને મયંક બે ખાસ ભાઈબંધો હતા. બંને એક જ ક્લાસમાં ભણતા. બંને ભાઈબંધો ભણવામાં હોશિયાર હતા. ગૌરવનું ઘર તો એક રૂમનું જ હતું, પણ મયંક એક મોટા ફ્લેટમાં રહેતો હતો. એટલે એમણે સ્કૂલનો કોઈ પ્રોજેક્ટ સાથે કરવાનો હોય ત્યારે ગૌરવ જ મયંકને ઘેર જતો.

એક વાર એવા જ કોઈ કામ માટે ગૌરવ મયંકને ઘેર ગયો ત્યારે મયંકના ચેસના શિક્ષક આવેલા હતા. બંને જણની ચેસની રમત ચાલુ હતી. મયંકે થોડા દિવસ પહેલા જ એ રમત શીખવાનું ચાલુ કર્યું હતું એટલે શિક્ષક એને ચેસ વિષે બધું સમજાવતા હતા. મયંક ક્યાં ભૂલ કરે છે એ પણ એ કહેતા જતા હતા. ગૌરવ એ લોકોની બાજુમાં બેસી ગયો. એ ક્યારેય ચેસ રમેલો ન હતો. એટલે એને બહુ સમજણ ન પડી.  પણ એને એટલો તો ખ્યાલ આવી ગયો કે આ મગજથી રમવાની રમત છે. એને આ રમતમાં બહુ રસ પડ્યો. મયંકના શિક્ષકે કહ્યું કે એણે જો શીખવું હોય તો એ પણ મયંકને ઘેર આવીને શીખી શકે છે.

ગૌરવે એમનો આભાર માન્યો. એ સમજતો હતો કે પોતાની સ્કૂલની ફી જ એના પપ્પાના શેઠ આપતા હતા માટે એ સારી સ્કૂલમાં ભણી શકતો હતો. બાકી તો એના પપ્પાની નોકરીના પગારમાંથી એમનું ઘર જ માંડ માંડ ચાલતું હતું. એમાં ચેસ શીખવા માટે સરની ફી કેવી રીતે આપી શકાય ? એની પાસે આમ તો એવો ફાજલ સમય પણ ક્યાં હતો ? સવારે એ મમ્મીને એના ઘરના કામમાં મદદ કરતો, બપોરે સ્કૂલ જતો અને રાત્રે સ્કૂલમાંથી મળેલું હોમવર્ક કરતો. એને વાર્તાની ચોપડીઓ વાંચવાનો શોખ હતો એટલે થોડી વાર વાંચીને પછી સૂઈ જતો. પણ એને આ ચેસની રમતમાં એટલો બધો રસ પડ્યો હતો કે એને એ શીખવી તો હતી જ.

ઘેર આવીને પણ એ કાળા સફેદ પ્યાદા, રાણી અને રાજા, ઊંટ અને ઘોડા, એમની અલગ અલગ ચાલ, એ બધા વિષે વિચારતો રહ્યો. શું કરવું ? કેવી રીતે શીખી શકાય ? એને યાદ આવ્યું કે મયંકના સરે એને કહ્યું હતું કે મયંક ઈચ્છે તો એના મોબાઈલ ઉપર પણ ચેસ રમીને વધારે પ્રેક્ટીસ કરી શકે. એમણે એ માટેની વેબસાઈટનું નામ પણ આપ્યું હતું.

ગૌરવ પાસે તો પોતાનો મોબાઈલ પણ ન હતો. એના પપ્પા પાસે એમના શેઠે આપેલો મોબાઈલ હતો. રાત્રે એણે એના પપ્પાને કહ્યું, ‘પપ્પા, મને રોજ રાત્રે એક કલાક માટે તમારો ફોન વાપરવા આપશો ?’

એના પપ્પાએ કહ્યું, ‘જો તું બીજા છોકરાઓની જેમ ફોન ઉપર સમય ના વેડફવાનો હોય તો જ આપીશ. તારું પરિણામ તો સારું આવવું જ જોઈએ. નહીં તો મારા શેઠ તારી ફી આપવાનું બંધ કરી દેશે.’

ગૌરવે એમને જણાવ્યું કે એ મોબાઈલનો ઉપયોગ કૈંક શીખવા માટે જ કરવા માંગે છે. એના પપ્પાને પોતાના દીકરા ઉપર ભરોસો હતો. એમણે રોજ રાત્રે પોતાનો મોબાઈલ એને આપવા માંડ્યો.

પછી તો શું ! ગૌરવે એમાંથી ‘ચેસ રમતાં કેવી રીતે શીખવું?’ એ વેબસાઈટ શોધી કાઢી. એ પુસ્તકાલયમાંથી વાર્તાની ચોપડીઓને બદલે ચેસ શીખવા માટેના પુસ્તકો પણ લઇ આવ્યો. બંનેનો અભ્યાસ કરીને એણે ચેસના પ્યાદા, રમતના નિયમો, બધું જાણી લીધું અને પછી રોજ રોજ ફોન ઉપર જ ચેસ બોર્ડ ડાઉનલોડ કરીને ચેસની રમત રમવા માંડ્યો. શરૂઆતમાં તો એ મોટે ભાગે હારી જ જતો. પણ એ નાસીપાસ ના થતો. એ પોતાની ભૂલો શોધતો. ફરીથી રમતો. પોતાની રમત અને કોમ્પ્યુટરની રમતનો અભ્યાસ કરતો. એના ક્લાસના છોકરાઓ મોટે ભાગે મોબાઈલ ઉપર રમાતી જાતજાતની પત્તાની રમતોની વાતો કરતા. ઘણા તો એની ઉપર ફિલ્મો પણ જોતા. પણ ગૌરવ પોતાને મળેલા કલાકનો ઉપયોગ ચેસની રમતમાં આગળ વધવામાં જ કરતો. સ્કૂલમાં એ મયંક સાથે પણ ચેસની રમતના જુદા જુદા દાવપેચ અંગેની ચર્ચાઓ કરતો.

ધીરે ધીરે ગૌરવ પોતાની રમતમાં પાવરધો થવા માંડ્યો. એ રમતમાં જેટલો વધારે આગળ જતો હતો એટલી એની એકાગ્રતા, યાદશક્તિ અને નિર્ણય લેવાની શક્તિઓ પણ ખીલતી જતી હતી. એ એને  અભ્યાસમાં પણ મદદરૂપ થતી.

એકવાર એના શહેરની બધી સ્કૂલો વચ્ચે ચેસની રમતની હરીફાઈ થવાની હતી. એમાં જવા માટે એની સ્કૂલમાંથી એક વિદ્યાર્થીને પસંદ કરવાનો હતો. સહુ જાણતા હતા કે મયંક અને બીજા અમુક છોકરાઓ પોતાને ઘેર આ રમત માટેની તાલીમ લઇ રહ્યાં હતા. એ લોકો વચ્ચે સ્કૂલમાં હરીફાઈ ગોઠવાઈ. સહુના  આશ્ચર્ય વચ્ચે ગૌરવે પણ એમાં પોતાનું નામ નોંધાવ્યું. મયંકે એને કહ્યું પણ ખરું, ‘દોસ્ત, તું આગળ જાય એ મને બહુ ગમે. પણ અમે બધાં હોશિયાર શિક્ષક પાસે તાલીમ લઈએ છીએ. તું ઘેર મોબાઈલ ઉપર રમીને જાતે શ્ખ્યો છે. એમાં તને કેટલું આવડ્યું હોય? તું પહેલી  જ રમતમાં હારી જઈશ તો કેવું લાગશે?’

એને જવાબ આપતાં ગૌરવે મક્કમતાથી કહ્યું, ‘જો મયંક, જેટલું શીખ્યો છું એટલામાંથી આ રમતે મને આત્મવિશ્વાસ તો ખૂબ આપ્યો છે. આ રમતે મને સમસ્યાઓ સામે લડતાં શીખવ્યું છે. હું સામેના હરીફની આગળની ચાલ વિષે પણ આગળથી ધારણા કરી શકું છું અને હારવાનો મને ડર નથી. એટલે હું તો ભાગ લેવાનો.’

ગૌરવે ભાગ લીધો એટલું જ નહીં, એ સ્કૂલના બધાં હરીફો સામે જીત્યો પણ. એને સ્કૂલના પ્રતિનિધિ તરીકે બીજી સ્કૂલોના હરીફો સામે રમવા મોકલવામાં આવ્યો. એમાં પણ ગૌરવની જીત થઇ. ઇનામ વિતરણ વખતે કોઈએ એને પૂછ્યું, ‘તારા સર કોણ છે? કોની પાસે તાલીમ લે છે?’

ગૌરવે ગૌરવથી જવાબ આપ્યો, ‘સર, હું તો એકલવ્ય છું. જો મારે કહેવાનું જ હોય તો મારા પપ્પાના મોબાઈલને હું ગુરુ કહી શકીશ.’

બધાએ એણે તાળીઓથી વધાવી લીધો. બીજા છોકરાઓએ જાણ્યું કે મોબાઈલ માત્ર સમય પસાર કરવા માટે નથી. એની પાસેથી ઘણું શીખી શકાય છે.


ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯