અમારું પારિવારિક જીવન
એક કહેવત છે કે “દરેક સફળ પુરુષની પાછળ મહિલા હોય છે” અને હું એને બદલીને કહીશ કે “દરેક સફળ પરિવારની પાછળ મહિલા અને માતા હોય છે”. મારા પરિવારમાં આ મહિલાનું નામ છે મંજુલા થેકડી જે અમારા અમેરિકાના આટલાં વર્ષોના નિવાસ દરમિયાન અમારા સામજિક જીવનની આર્કિટેક્ટ, ડિઝાઈનર અને બિલ્ડર રહી છે. અમે પેન સ્ટેટમાં હતા ત્યારે, અમેરિકામાં વિવિધ જગાએ રહ્યા ત્યારે અને અમારા વિદેશ પ્રવાસ દરમિયાન તેણે દુનિયાભરના લોકો સાથે જીવનભરની મિત્રતા કેળવી. અમારો પરિવાર ઊભો થયો એ દરમિયાન અમે એવા પાડોશમાં રહ્યા જ્યાં ભાગ્યેજ કોઈ રહેવાસી પરદેશમાં જન્મેલો હતો. એટલે પાડોશી માતાઓને પગલે ચાલીને તેણી પંદર વર્ષ સુધી સૉકર, ફૂટબૉલ, ચર્ચાસભા, નૃત્યસભા વિ. જેવી બાળકોની પ્રવૃત્તિઓને ટેકો આપીને સાચા અર્થમાં અમેરિકન માતા બની. આમ કરવાથી એ ખચકાટ વગર સરળ અંગ્રેજી બોલતી થઈ અને ભારતીય પત્ની અને માતાના મૂળભૂત ગુણો જાળવી રાખીને પણ અમેરિકન જીવનપધ્ધતિના ઘણા રીતરિવાજો શીખી. જે સમયે તેણી શાળા અને પાડોશની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતી ત્ચારે તેણે ભારતીય સામાજિક વર્તુળની પ્રવૃત્તોઓમાં પણ ભાગ લીધો. તેણી આંતરરાષ્ટ્રીય સંસ્થાની પ્રવૃત્તિઓ, ભારતીય ઉત્સવોની ઉજવણી, ફોગાના જેવા બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમો, ધાર્મિક પ્રવૃત્તિઓ, મહિલાસભાઓમાં જવું વિ.માં પ્રવૃત્ત રહી.
જ્યારે અમારી પુત્રી પ્રાથમિક શાળામાં દાખલ થઈ ત્યારે એ શાળામાં ઘઉંવર્ણી ચામડી, લાંબા વાળ અને બોલવાની ભારતીય લઢણવાળી પરદેશમાં જન્મેલી પહેલી બાળકી હતી. જ્યારે અમારાં એ પછીનાં બે બાળકો શાળામાં હતાં ત્યારે એમના વર્ગમાં ફક્ત થોડાં જ ગેર-અમેરિકન બાળકો હતાં. મંજુલા શાળાના બધા કાર્યક્રમોમાં ગઈ ત્યારે તેમના વર્ગનાં બીજાં બાળકોનાં માતપિતા સાથે મિત્રતા બંધાઈ અને જરૂર પડી ત્યારે ભારતીય પરિવારો દ્વારા પળાતી ઘણી પરંપરા અને પ્રણાલિકા વિષે સમજણ આપી. પાડોશની ઘણી અમેરિકન માતાઓની સાથે વ્યવહાર કરતાં કરતાં એ પાડોશનાં મોટા ભાગનાં બાળકો માટે શૉફર, પરિચારિકા, ખુશી બતાવવામાં અગ્રેસર અને ખાસ તો નાસ્તો આપનાર બની.
તેણીનો એક “શોખ” હતો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી વિનિમય કાર્યક્રમમાં ભાગ લેવાનો. અમારી પુત્રી અનિતા આ કાર્યક્રમ હેઠળ એક વર્ષ જર્મની રહી આવી. એના અનુસંધાનમાં, તેણીના આગ્રહથી અમે શાળાના એક વર્ષ દરમિયાન એક જર્મન વિદ્યાર્થીના યજમાન બન્યા. આ પૂરા સમય દરમિયાન પાડોશીઓએ તેણીને પ્રોત્સાહન આપ્યું અને અમરિકાની જીવનપધ્ધતિ વિષે ઘણું શીખવ્યું. અમે દેવળની સેવામાં, લગ્નોમાં તથા ઘણી પાર્ટીઓમાં ગયા અને અમેરિકાના રીતરિવાજો શીખ્યા. પણ અમે “ભિન્ન” હતા તેને કારણે જરા સરખી ભેદભાવની લાગણી કે ઈશારો ન હતાં.
અમારાં બાળકોએ હાઈસ્કૂલ પૂરી કરી પછી અમે ઓહાયોમાં હતા ત્યારે જ મંજુલાએ બેંકમાં કામ કરવાનું શરૂ કર્યું અને જીવનનાં વિવિધ ક્ષેત્રોમાંથી ગ્રાહકો જોડે કામ પાડવાનો અનુભવ કર્યો. અમે ૧૯૯૭માં વૉશિંગ્ટન ડીસી તરફ ગયા ત્યારે તેણીએ ડેટા એનાલિસ્ટ તરીકેની તાલીમ લીધી અને ૨૦૧૦માં નિવૃત્ત થઈ ત્યાં સુધી એક કન્સલ્ટિંગ કંપનીમાં કામ કર્યું. કામ કરતી હતી ત્યારે દુનિયાના ઘણા દેશોના લોકોને તે મળી. આ અનુભવ તેના સિલ્વાનીયા કે ટોલેડો ઓહાયોથી સાવ નોખો હતો. પણ એણે બધું સંભાળી લીધું. હંમેશ મુજબ તેણીએ ઘણા સહકર્મચારીઓને મિત્રો બનાવ્યા અને સાથી કર્મચારીઓ સાથે પોતાની ખાસ વાનગીઓ, એ બનાવવાની રીત તથા રિવાજો અને પહેરવેશની માહિતી શૅર કર્યાં. હું ખૂબ પ્રવાસ કરતો હતો એટલે તેણીએ પોતે કામ કર્યું ત્યાં અને અમે જ્યાં રહ્યા ત્યાં મોટું મિત્રવર્તુળ બનાવ્યું અને સામાજિક સંબંધો વિકસાવ્યા. એના અત્યારના શોખ છેઃ પ્રાયોગિક શેફ બનવું, અનેક સ્થાનિક સંસ્થાઓની પ્રવૃત્તિઓમાં ભાગ લેવો, યોગની પ્રેક્ટિસ કરવી અને માઈલો સુધી ચાલવું. જેમ વૉટ્સએપે તેણીનો સમય પસાર કરવામાં ગજબનો ભાગ ભજવ્યો છે, મને ખાત્રી છે કે તમારામાંના ઘણા તમારી પત્નીના જીવનમાં આવું થતું જોતા હશો.
સામાજિક વ્યવહાર
અમારાં બે સંતાનોની નજીક હોવાના આશયથી અમે ૨૦૧૧થી સુગરલેન્ડ, ટેક્ષાસમાં રહીએ છીએ. અમે સ્નાતક વિદ્યાર્થી પરિવાર તરીકે કે આ દેશના બીજા ભાગોમાં રહેતા હતા તેના કરતાં સુગરલેન્ડમાં અમારું સામાજિક જીવન તદ્દન જુદું હતું. સુગરલેન્ડમાં એવું લાગતું હતું કે જાણે અમદાવાદથી લાવીને અમેરિકામાં બેસાડી દીધેલા ભારતીય સમાજની વચ્ચે જીવી રહ્યા છીએ- અમારા માટે એ જીવનનો સાવ જુદો તબક્કો હતો. છેલ્લાં 55 વર્ષોમાં જે ફેરફાર અમે નીરખ્યા કે અનુભવ્યા તે ખરેખર ક્રાંતિકારી હતા. કેટલાંક નિરીક્ષણો અને તેમાંથી લીધેલા બોધપાઠ નીચે વર્ણવ્યા છે.
પચાસ વર્ષ પહેલાં અમેરિકા આવેલા બધા ભારતીય પરિવારોની જેમ અમને અમેરિકામાં રહેતાં રહેતાં ઘણી તકલીફો પડી, પણ દરેક તબક્કે અમે જોયું કે સ્થાનિક પાડીશીઓ અને સહકર્મચારીઓ-મિત્રો મદદ કરવા તત્પર હતા. સામાન્ય રીતે અમેરિકાના લોકો ઘણા મદદરૂપ હોય છે અને જ્યારે કોઈને મદદની જરૂર પડે ત્યારે પોતાનું કામ બાજુમાં મૂકવા પણ તૈયાર હોય છે. મોટે ભાગે સ્થાનિક સમાજના સભ્યોએ કોઈપણ જાતના દેખીતા ખચકાટ વગર અમેરિકન અને ભારતીય એમ બે સંસ્કૃતિઓ વચ્ચેનો તફાવત સ્વીકારી લીધો હતો. તેમણે તેમની પોતાની જીવનપધ્ધતિ અપનાવવાનું દબાણ કર્યા વગર આપણા રીતરિવાજો તથા આપણી માન્યતાઓને માન આપ્યું. તો અમે પણ અમેરિકન જીવનની ઘણી રીતભાત અને આદતોને અનુકૂળ થયા. અમે તેમના ખોરાક, પહેરવેશ, ઉત્સવો, ધાર્મિક અને સામાજિક શિસ્ત વિ.માં રસ લીધો. અમારાં સંતાનો સાથેનું તેમનું વર્તન દેખીતા ભેદભાવ વગરનું અને તટસ્થ રહ્યું છે. એનું કારણ એ હોઈ શકે કે અમે સરખામણીમાં નાની જમાતો વચ્ચે રહ્યા છીએ કે જ્યાં લગભગ દરેક જણ શિક્ષિત અને આર્થિક રીતે સધ્ધર હતો. અને નોકરી માટે હરિફાઈ પણ ન હતી. ઘણી વાર અમે જોયું કે લોકોને મળીને વાત કરવાની પહેલ અમારે કરવી પડશે. જેને અમે મળ્યા લગભગ એ બધા અમારી વાત કરવા અને વખત જતાં મિત્રતા બાંધવા તૈયાર હતા. પદાર્થપાઠ એ કે બહારની વ્યક્તિએ લોકો સાથે વાતચીત કરવા પ્રયત્ન કરવો પડે છે અને તેનાથી કામ થઈ જાય છે.
હજુ સુધી અમે જોએલી અને અનુભવેલી મોટે ભાગે હકારાત્મક વસ્તુઓનું મેં વર્ણન કર્યું. એટલે સ્વાભાવિક રીતે સવાલ થાય કે હલબલાવનારી કે ભેદભાવવાળી હોય એવી બાબતોને અમે જોઈ ખરી? જવાબ છે, હા, એવી ઘણી બાબતો હતી જેને આપણે ભેદભાવવાળી કે અસ્વીકાર્ય ગણી શકીએ. શરૂઆતના દિવસોમાં આ દેશમાં અમે ભાગ્યેજ ભેદભાવ જોયો કે અનુભવ્યો. બીજા લોકોની સરખામણીમાં ક્યારેક જુદો વ્યવહાર અમે જોયો કે અનુભવ્યો છતાં અમને ભેદભાવ શું ચીજ છે તેની ખબર ન હતી. એનું કારણ એ હોઈ શકે કે આવું તો ભારતમાં બધે જોયું હતું. ત્યાં જન્મસ્થળ, ધર્મ, જાત, સામાજિક કે આર્થિક મોભો, લાગવગ, સગાંવાદ વિ. પર આધારિત પક્ષપાત થતો જોવો એ સામાન્ય બાબત હતી. શરૂઆતમાં અમને લાગ્યું કે આ તો જીવનનો એક ભાગ છે અને કોઈ નુકશાન વેઠ્યા વગર એની સાથે જીવી નાખ્યું.
અમે આ દેશમાં સ્થાયી થયા, અમારી કાર્યકુશળતાને આધારે નોકરીમાં આગળ વધવા કામ કર્યું અને હવે અમેરિકન સમાજના ભાગ બનતાં અમને જાણવા મળ્યું કે ઉપરના કેટલાક દુર્વ્યવહારો સામે કાયદા પણ છે. એટલે અમે આ દુર્વ્યવહારોનો વિરોધ કરવાનું અને મના કરવાનું ચાલુ કર્યું. અમે બધા, ખાસ તો અમારાં સંતાનો, આ કાયદાઓને વધારે સારી રીતે જાણે છે અને દુર્વ્યવહારો પ્રત્યે સજાગ છે. કોલેજ માં દાખલો લેવામાં કે તેમના વ્યવસાયમાં થતા ભેદભાવ સામે કાયદેસરની કાર્યવાહી કરવા જેવાં અનેક પગલાં તેમણે લીધાં છે. ભાગ્યવશ, અમારા અમેરિકન જીવનમાં અમને અંગત રીતે દુશ્મનાવટ કે તોફાનનો કોઈ અનુભવ થયો નથી. પણ જ્યાં ભારતીય લોકોનો ભરાવો થયો હોય ત્યાં હિંદુ અને ભારતીય કોમ સામે તોફાન અંગે અમને જાણવા મળ્યું. દા.ત. ન્યુ યૉર્ક-ન્યુ જર્સીમાં ચાંલ્લો કરતી ભારતીય મહિલા સામે તિરસ્કાર દર્શાવવા ડૉટ બસ્ટર્સ ઊભા થયા, મંદિરો અને બીજાં ધાર્મિક સ્થાનો પર હુમલા વધ્યા અને મોટા શહેરી વિસ્તારોમાં હિંદુ, મુસ્લિમ, શિખ વિ. સામે ગુનાહિત તોફાનો સામાન્ય બાબત બની ગઈ. આ શરૂ થયું ૧૯૯૦ના દાયકાની શરૂઆતથી મધ્ય સુધીમાં કે જ્યારે ભારતીય કોમની હાજરી નજરે ચઢી અને નોકરી માટે ભારતીય યુવાનો સ્થાનિક યુવાનો સાથે હરિફાઈ કરવા લાગ્યા.
અંગત રીતે એક પ્રસંગને બાદ કરતાં મોટે ભાગે મને ભેદભાવનો અનુભવ થયો નથી. મને થયેલા ભેદભાવના અનુભવનો દાખલોઃ એક ગોરા સહકર્મચારીને બાજુપર રાખીને મને ડાયરેક્ટર ઓફ રીચર્સ તરીકે બઢતી આપવામાં આવી ત્યારે મારા માર્ગમાં રોડાં નાખવામાં આવ્યાં. એટલે મેં રાજીનામું આપ્યું અને એક જર્મન મિત્રની ભાગીદારીમાં મેં મારી પોતાની કંપની શરૂ કરી.
આજે સુગરલેન્ડ, ટેક્ષાસ જેવા માનવસમૂહ વચ્ચે રહેતાં અમને દેખાય છે કે આ શહેરમાં ગોરાઓ કરતાં વિદેશી મૂળના લોકોની વસ્તી વધારે છે. આ સ્થિતિએ એની પોતાની સમસ્યાઓ ઊભી કરી છે. હવે ભારતના નવાગંતુકો માટે અમેરિકન લોકો સાથે ભળવાની અને તેમની સંસ્કૃતિ, તેમનો ધર્મ કે તેમની જીવનપદધ્ધતિ વિષે જાણવાની બહુ ઓછી તકો કે જરૂરિયાત છે. ઘણીવાર ધાર્મિક કર્મકાંડ અને સ્વસ્તિક જેવા ધાર્મિક પ્રતિક વિષે પણ ગેરસમજણ ઊભી થાય છે. મને ડર છે કે આપણે જાતે ઊભી કરેલી આ દિવાલ ભવિષ્યની પેઢી માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે.
છતાં બીજી પેઢી એટલે કે છેલ્લાં પચાસ વર્ષ દરમિયાન ભારતથી આવેલા લોકોનાં સંતાનો યુનિવર્સિટીમાં હતા ત્યારે કે સાથે કામ કરતા હતા ત્યારે કે પછી બીન-ભારતીય કોમનાં પુત્ર-પુત્રી સાથે પરણીને અમેરિકન સમાજ સાથે ભળી રહ્યા છે. મારા ઘણા દેશોના પ્રવાસ દરમિયાન મેં વિવિધ પશ્ચાતભૂમિવાળા લોકો સાથે સમય ગાળ્યો છે અને મને લાગે છે કે પરદેશી હિજરતીઓને લાગેવળગે છે ત્યાં સુધી અમેરિકા શ્રેષ્ઠ રાષ્ટ્ર છે. આશા રાખીએ કે અત્યારની પેલરાઈઝેશન (અંતિમવાદીઓનાં જુથોનું નિર્માણ ) અને ગોરાઓની શ્રેષ્ઠતાની ચળવળ છતાં એ બદલાશે નહિ.
સારાંશ – પાયાની વાત
અમેરિકાનાં છેલ્લાં પંચાવન વર્ષનાં મારાં નિરીક્ષણો અને અનુભવોને આધારે મારી ટિપ્પણી રજૂ કરું છું. પણ એ મારો અંગત અભિપ્રાય છે.
અમે જોયું કે સામાન્ય રીતે અમેરિકન લોકો ખૂબ મદદગાર અને બીજાની લાગણીને સમજનારા હોય છે, પછી તે વ્યક્તિ ગોરી અમેરિકન હોય કે પરદેશમાં જન્મેલી. માત્ર આપણે લોકોને મળવાનો પ્રયત્ન કરવામા, વાતચીત શરૂ કરવામાં, તેમનામાં અને તેમની પ્રવૃત્તિઓમાં રસ લેવામાં અને સારા સંબંધો તથા મિત્રતા કેળવવા માટે પરસ્પર અનુકુળ બનવામાં પહેલ કરવાની જરૂર છે.
મને ખાત્રી થઈ ગઈ કે મેં જે કંઈ મેળવ્યું છે, કમાયો છું અને જે કંઈ ભોગવી રહ્યો છું તે હું આ દેશમાં હતો તેનું પરિણામ છે. દુનિયાના સૌથી વધુ શ્રીમંત દેશમાં પણ એવા ઘણા લોકો છે જે અમારા જેટલા ભાગ્યશાળી નથી અને તેમને સહારાની જરૂર છે..મારે પણ શક્ય હોય એટલું સમાજને પાછું આપવું જોઈયે.
ભૂતકાળમાં આપણી પેઢીએ સારા ઉદ્દેશથી આપણાં સંતાનોને દાક્તર કે ઇજનેર બનવા પ્રોત્સાહિત કર્યા અને કેટલાક કેસોમાં દબાણ કર્યું..પણ હવે સમય આવ્યો છે કે જર્નાલિઝમ, બ્રૉડકાસ્ટિંગ, રાજકારણ, સામાજિક સેવા, મેનેજમેન્ટ વિ. ક્ષેત્રોમાં નવી પેઢીએ પોતાની હાજરી નોંધવીને પોતાની વ્યવસાયિક ક્ષિતિજનો વિસ્તાર કરવાની જરૂર છે. આપણી પાસે ઘણા ઈજનેરો તથા દાક્તરો, આર્થિક સલાહકારો અને અધ્યાપકો છે.
આપણે સમજવું જોઈએ કે થોડીક પેઢીઓ સુધી એક જાતનો ભદભાવ હતો અને રહેશે. આઈરીશ, પોલીશ, ચાઈનીઝ, જાપાનીઝ, યહુદી અને કેથોલિક એ બધા પરદેશીઓનાં જે કોઈ જુથો આ દેશમાં આવ્યાં એ બધાએ ઘણી પેઢીઓ સુધી કોઈક જાતના ભેદભાવનો અનુભવ કર્યો હતો. આમાંથી છટકવાનો એકજ રસ્તો છે – શિક્ષિત બનો, વ્યવસાયિક બનો, વિવિધતાને ટેકો આપો અને ઘણી બધી સ્થાનિક પ્રવૃત્તિઓમાં ભાગ લો, પછી તે રાજકીય હોય કે સામાજિક.
મેં જે કંઈ જોયું છે કે થોડેક અંશે અનુભવ્યું છે એને આધારે મને લાગે છે કે આ દેશ ખૂબ નિખાલસ અને સાચવી લેનારો છે. આ તેનો ઈતિહાસ બતાવે છે. અત્યારે જે બની રહ્યું છે જેવું કે પોલરાઈઝેશન ( અંતિમવાદી જુથોનું નિર્માણ ), ગોરાઓની શ્રેષ્ઠતા માટેની ચળવળ વિ. ચિંતાજનક છે અને આશા રાખું છું કે ભૂતકાળની જેમ એ લાંબું નહિ ટકે. હું આશાવાદી છું.
આભારદર્શન
મૂળ લેખ મેં અંગ્રેજીમાં લખેલો. પણ ભારતના ઘણા મિત્રો અને પરિવારજનોએ એનું ગુજરાતીમાં ભાષાંતર કરવા વિનંતિ કરી. હું એ જાતે કરી શકું તેમ ન હતો. મેં જ્યારે મારા ચિરકાળના મિત્ર નવનીત ડી. શાહને આ બાબતે વાત કરી તો એમણે કહ્યું કે એમને મદદરૂપ થવામાં અને ભાષાંતર કરવામાં આનંદ આવશે. તેઓ ઉત્તમ ગુજરાતી લેખક છે. તેઓ ગુજરાતી જ્ઞાતિમાસિક “ખડાયતા યુવક”ના ઘણાં વર્ષો સુધી તંત્રી રહી ચૂક્યા છે અને એમણે ઘણા લેખો લખ્યા છે. એમણે એમના કૉમ્પ્યુટર પર ગુજરાતી લખવા માટે ખાસ સગવડ ઊભી કરવા માટે પગલાં લીધાં અને લેખનું ભાષાંતર કર્યું. મને અને વાચકોને આ વિશેષ ભેટ આપવા બદલ નવનીતભાઈનો સહ્રદય આભાર.
આ સાથે ‘સ્મૃતિસંપદા‘ લેખમાળા સમાપ્ત થાય છે.
