આ પહેલાં આપણે અરવિંદભાઈ થેકડીના યુનિવર્સિટી સમયકાળ સાથે પરિચિત થયા.
હવે આગળ………….

ખરું કામ અને દુનિયાનો અનુભવ

 ટોલેડો,ઓહાયોની સરફેસ કમ્બશન કંપનીએ નોકરીએ રાખેલો હું ભારતીચ મૂળનો પહેલો માણસ હતો. એ વખતે ટોલેડો કાચની નગરી કહેવાતું કારણકે દુનિયાની સૌથી મોટી કાચ કંપનોઓનાં હેડક્વાર્ટરો ત્યાં હતાં. તદુપરાંત ચાર ગાડી બનાવતી કંપનીઓ ( જનરલ મોટર્સ, ફોર્ડ, ક્રાઈઝલર અને અમેરિકન મોટર્સ) અને કેટલીય મોટી ગાડીના પુર્જા બનાવતી કંપનીઓંનાં કારખાનાં ત્યાં હતાં. પણ એ યુનિયનનગર હતું કેમ કે ઉદ્યોગોમા શહેરના મજદૂર સંઘોની મજબૂત પકડ હતી. ત્યાંનું સામાજીક માળખું અને વસ્તી અમે જ્યાં રહેતા હતા તે કૉલેજનગરથી ભિન્ન હતાં. હું જે કંપનીમાં કામ કરતો હતો તેની પાસે ભણેલા અને અનુભવી ઈજનેરો તથા બીજો સ્ટાફ હતો અને કારખાનામાં યુનિયનપરસ્ત કામદાર વર્ગ પણ. દફતરમાં બધા ગોરા લોકો હતા. કારખાનાના કામદારોમાં પણ થોડા કાળાઓને છોડીને બધા ગોરા લોકો હતા. હું હતો પરદેશી અને પાછો ગોરો પણ નહિ. એટલે દફતર અને કારખાનામાં કામ કરતા લોકોનો વિશ્વાસ જીતવામાં સમય લાગ્યો. પણ હું ખુશ હતો કે એક વખત વિશ્વાસ જીતી લીધા પછી મને તેઓ તેમનામાંનો એક ગણતા થયા, સિવાય કે એક બાબતમાં. હું હતો પાકો શાકહારી અને કાફેટેરિયામાં કે આજુબાજુના વિસ્તારમાં આવેલાં ભોજનાલયોમાં જાત જાતનો ખોરાક મેળવવાનું મુશકેલ હતું. મારા સહકર્મચારી કે ગ્રાહકો કે જેને હું મળ્યો તેમને નવાઈ લાગતી હતી કે માંસ, ઈંડાં કે માછલી ખાધા વગર હું જીવતો હતો અને તંદુરસ્ત દેખાતો હતો. ભારતીય શાકાહારી ખોરાકમાં જરૂરી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ ક્યાંથી અને કેવી રીતે મળતાં હતાં તે સમજાવતાં વાર લાગતી. મેં મારા સૌથી નજીકના કામ કરતા સાથીઓને અમારે ઘેર ડિનર માટે બોલાવ્યા અને મંજુલાએ જાતજાતની ભારતીય વાનગીઓ બનાવી. મેં દરેક વાનગીનું વર્ણન કર્યું અને સમજાવ્યું કે અમને જરૂરી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, સાકર વિ. ક્યાંથી મળતાં હતાં. આ ડિનરના અનુભવ પછી એમને સમજાયું કે જીવવા માટે કોઈએ માંસ, ઈંડાં કે માછલી ખાવાં એટલાં જરૂરી નથી.

થોડા સમયમાં હું શીખ્યો કે લોકો જોડે તેમની “ભાષા”માં વાત કરવી અને તેમના કામમાં, ખાસ તો તેઓ કેઈ ગંભીર સમસ્યામાં ફસાઈ ગયા હોય ત્યારે મદદ કરવી એમાં જ અમેરિકા સહિત દુનિયાભરના લોકોની જેમ આ “પરદેશી” પણ સમજદાર( જ્ઞાની ), ચાલાક અને મદદગાર હોઈ શકે છે એવી છાપ ઉભી કરવાની ચાવી હતી. એક વખત મેં એમનો વિશ્વાસ જીત્યો પછી દફતર અને કારખાનામાં તેમનામાંનો એક બનવાનું મુશ્કેલ ન હતું. મેં એ પણ શોધી કાઢ્યું કે કામ કરતા કે અમારા પાડોશમાં રહેતા લોકોને ભારત વિષે બહુ જાણકારી ન હતી. ભારત વિષે થોડું ઘણું જાણનાર લોકોને ત્રણ વિભાગમાં વહેંચી શકાય.

  1. કેટલાક સૈન્યના નિવૃત્ત સૈનિકો કે અધિકારીઓ જેઓ પૂર્વ ભારતમાં ( એટલે કે કલકત્તા અથવા કોલકાતા ) કે ચીનમાં બીજા વિશ્વયુધ્ધ વખતે મિત્રદળોના ભાગરૂપે ગયા હોય.
  2. સરફેસ કમ્બશન અને બીજી કંપનીઓમાંથી સેલ્સમેન કે ઈજનેરી કામ કરવાવાળા જે ભારત કે એશિયાના બીજા દેશોમાં ગયા હોય કે ત્યાંના લોકોના સંપર્કમાં હોય. તેમાં ભારત જઈ આવ્યા હોય કે ત્યા ઘણાં વર્ષો રહી આવ્યા હોય તેવા થોડા ખ્રિસ્તી મિશનરીઓ પણ આવી જાય.
  3. અહીંની મોટા ભાગની વસ્તી જે ભારતને રખડતા હાથી અને ઢોર, મદારી તથા જેની પાસે ખાવા માટે કંઈ ન હોય અને અમેરિકા તેમને જીવવા માટે અનાજ મોકલતું હોય એવા ગરીબોના ટોળાંના દેશ તરીકે જાણતી હોય.

આ છેલ્લા વિભાગના લોકોને જ્યારે જાણવા મળે કે ભારત પાસે ગાડીઓ, ટ્રેઈનો, વિમાનો, પાકા રસ્તા, સુખસગવડવાળી હોટલો, સિનેમાગૃહ કે નાટ્યગૃહ અને જ્યાં મારા જેવા અમેરિકા આવતા પહેલાં ભણ્યા હોય એવી કોલેજો તથા વિદ્યાપીઠો છે ત્યારે તેમના આશ્ચર્યનો પાર ન રહે.  કેટલીક વાર એવું પૂછે કે અમે કઈ આદીવાસી કોમના સભ્ય છીએ. જ્યાં સુધી અમે અમેરિકન ઈંડિયન વિષે અને અમેરિકાની અંદર જ વસેલાં તેમનાં રાષ્ટ્રો કે રીઝર્વેશનો વિષે જાણ્યું ત્યાં સુધી તેમનો છેલ્લો પ્રશ્ન અમને પજવતો રહ્યો. અમારે માથે પીંછાં બાંધેલાં ન હતાં કે “ઈંડિયનો”ને અગ્નિજળ યાને કે દારૂ ધરવો એ મજાક બની ગઈ. અમને પણ એ આનંદદાયક લાગી.

ફરીથી કહું છું કે મોટા ભાગના સહકર્મચારી અને કારખાનાના કામદારોનું વર્તન મિત્રતાભર્યું હતું અને તેઓ મદદ કરવા તત્પર રહેતા. દા.ત. એ વખતે ( ૧૯૭૦ની શરૂઆતમાં ) લગભગ બધા જ ભારતીય પરિવારો એપાર્ટમેન્ટમાં રહેતા.પોતાનું ઘર હોવું એનો તો વિચાર સરખો પણ ન કરી શકાય. અમને કહેતા કે ઘર હોય તો ઘણું કામ રહે – લૉન કાપવી પડે, બરફ ખસેડવો પડે, ઘરમાં સમારકામ કરવું પડે વિ. મારા સહકર્મચારીઓમાંથી એકે એટલે કે મારા ખાસ મિત્ર ટૉમ કૈઝરે મને ઘર ખરીદવા પ્રોત્સાહિત કર્યો. દેખીતી રીતે ઘર માટે આપવાના પૈસા મારી પાસે ન હતા અને એ માટે લોન મેળવવાની ચિંતા હતી. એ વખતે અમદાવાદ જેવાં શહેરો કે ભારતમાં હોમ લોનની પ્રથા પ્રચલિત ન હતી. મને થયું કે હું અહીંનો નાગરિક ન હતો, મારો કોઈ ક્રેડિટનો ઈતિહાસ ન હતો કે ન એ લોકો મને ઓળખતા હતા. તો મને એ લોન શા માટે આપે. ટોમે મને ખાત્રી આપી કે જો બેંક મારા જેવા ભણેલા અને આવક ધરાવતા લોકોને લોન ન આપે તો તેમના દરવાજા બંધ કરવા પડે. એટલે તેણે લોન માટે અરજી કરવામાં મને સહાય કરી. મને લાગ્યું કે તેમનો જવાબ આવતાં વખત લાગશે. પણ ટોમ સાચો હતો. બે દિવસમાં બેંકે મને બોલાવ્યો અને કહ્યું કે લોન પાસ થઈ ગઈ છે. ભારતીય સમાજ માટે તે વાતોનો વિષય બની ગયો. ટોમે મને ઘર ખરીદવામાં મદદ કરી. એટલું જ નહિ પણ ઘરમાં બધું વ્યવસ્થિત કરવાની મને તાલીમ આપવાની સાથે પોતે પણ મહેનત કરી. પીએચ.ડી.ના વિદ્યાર્થી તરીકે મને જે તાલીમ મળેલી તે કામમાં આવી.

તદુપરાંત મારો એક સાથી અને મિત્ર ફ્રૅન્ક વેરિક, જે ઈજનેર તરીકે કામ કરતો હતો અને કિસાન પણ હતો તેની પાસે દસ એકર જમીન હતી. એક વખત એના ઘરે ગયો તો સામે કચરાની થેલીઓ ખડકેલી હતી. અમે જ્યારે એ થેલીઓ વિષે પૂછ્યું તો તેણે કહ્યું કે એમાં નકામા નાના બટાટા ભરેલા હતા. મંજુલાએ કહ્યું કે નાના બટાટા તો ભારતીય રસોઈમાં જોઈતી ચીજ હતી અને પૂછ્યું કે શું તે થોડા બટાટા લઈ જઈ શકે. એણે તો બધીજ થેલીઓ ગાડીની ડીકીમાં ભરી દીધી. બીજે દિવસે મંજુલા તો ભારતીય મહિલાઓમાં સૌથી લોકપ્રિય વ્યક્તિ બની ગઈ કારણ કે તેણે આ બધા બટાટા ભારતીય પરિવારોમાં વહેંચી દીધા. બીજી વાર ફ્રૅન્ક અને તેની પત્ની ગેઈલ અમારે ત્યાં આવ્યાં અને ડિનર લીધું. મંજુલાએ બટાટાવડાં તેમજ ભરેલા બટાટા અને ભરેલાં રીંગણ બનાવ્યાં હતાં. તેઓને નવાઈ લાગી કે કહેવાતી ફેંકી દીધેલી ખાવાની ચીજમાંથી સ્વાદિષ્ટ ભોજન બની શકે છે. તે પછી ફ્રૅન્ક અને ગેઈલને ભારતીય ભોજન ગમવા લાગ્યું. એટલું જ નહિ પણ જ્યારે યુરોપનાં ઘણાં શહેરોમાં ( ખાસ કરીને યુ.કે.માં લંડન અને બર્મિંગહામમાં ) સાથે ગયા ત્યારે મને ભારતીય ભોજનાલય શોધવા કહ્યું. ફ્રૅન્ક એક “સદગૃહસ્થ” કિસાન છે એવું જાણતા હોવાથી મંજુલાએ તેને પૂછ્યું કે અમને ગમતાં શાકભાજીનાં બીજ તેના ખેતરના ખૂણામાં નાખીએ તો તેને વાંધો છે. તે તૈયાર થયો અને પછી તો અમને જોઈએ એટલાં કોથમીર, મેથી, ફૂદીનો તેમજ રીંગણ, ટામેટા જેવાં શાક ઉનાળામાં મળવા લાગ્યાં. ઝાડોને કાપવાની અને તેમના ચીરા કરવાની મહેનત બધી ફ્રૅન્કે કરી. બાળવાનાં લાકડાં જે અમે ફાયરપ્લેસમાં વાપરતા હતા તે તેના ત્યાંથી આવતાં હતાં. અમારા ટોલેડો ક્ષેત્રના નિવાસ દરમિયાન અનેક વાર અમને મદદ કરનાર મારા સાથીઓ અને મિત્રોની ઉદારતાના ઘણા દાખલાઓમાંનો આ એક જ છે.

ટોલેડોમાં હતા ત્યારે શરૂઆતમાં જીજ્ઞાસુ અને ચેતતા રહેતા પણ અંતે તેણીના મિત્ર બનનાર અમારા પાડોશીઓ પાસેથી મંજુલા ઘણી વસ્તુઓ બનાવતાં શીખી. ત્યાં સુધીમાં તેણે પશ્ચિમી પહેરવેશ અપનાવ્યો

અને આડોશપાડોશની પાર્ટીઓમાં ખુશીથી જવા લાગી તેમજ ભારતીય વાનગીઓ બનાવવાની રીત પાડોશીઓને બતાવવા લાગી.  એમને ધન્ય  છે કે જે બધાએ પોતાના રસોડામાં કેટલીક ભારતીય વાનગીઓ શીખીને બનાવવા પ્રયત્ન કર્યો અને સમય કાઢ્યો. ૧૯૭૨માં જ્યારે અમારી પુત્રી હિના પાંચ વર્ષની થઈ ત્યારે નજીકની પ્રાથમિક શાળામાં જવા લાગી. એ પહેલી “વિદેશી” હતી જેને ત્યાંનાં ભૂલકાં અને શિક્ષકો મળ્યા હોય. પણ બધાએ ખૂબ સહકાર આપ્યો અને એમનામાંના એક તરીકે સ્વીકારી લીધી. હિનાએ શાળાનાં વર્ષો દરમિયાન જીવનભરનાં ઘણાં મિત્રો બનાવ્યાં.

ટોલેડોમાં ભારતીય લોકો થોડા જ હતા. કદાચ ૫૦-૬૦0 પરિવાર અને ટોલેડો યુનિવર્સિટીના ઘણા બધા વિદ્યાર્થીઓ. તેઓ ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવતા હતા. પણ ભારતીયતા તેમને એકબીજા જોડે બાંધી રાખતી હતી. મોટા ભાગના ભારતીયો કાંતો ઈજનેર હતા કે પછી દાક્તર. બધા ઘણું કરીને તેમના વ્યવસાયમાં નવા હતા, નજીક નજીક રહેતા હતા અને આર્થિક રીતે સમાંતર ધોરણે હતા-કોઈ ગરીબ કે તવંગર ભારતીય ન હતા, હતા સહુ માત્ર ભારતીય. તમને સાડી પહેરેલી મહિલા કે ભારતીય ઢબે બોલતી ઘઉંવર્ણા ચહેરાવાળી વ્યક્તિ દેખાશે તો તમે થોભશો અને તેમની જોડે વાત કરવાની શરૂ કરશો. તે તરત જ તમારા મિત્રો બની જશે. મને યાદ આવે છે બે ભારતીય પરિવાર જેમાં પતિ ભારતીય અને પત્ની અમેરિકન હતી જે બધી જ ભારતીય પ્રવૃત્તિઓમાં ભાગ લેતી.અને એકે ( લિન્ડા જોષી ) ભારતીય લાડુ અને સમોસા જેવી શાકાહારી વાનગીઓ બનાવવાનું પણ શીખી લીધું હતું.

ઈંટરનેશનલ ઈંસ્ટિટ્યુટ ઓફ ટોલેડો નામની એક સંસ્થા હતી જે વાર્ષિકોત્સવ રાખતી અને એમાં બધી જ “પરદેશી” કોમો ભાગ લઈ શકતી. તેમાં દુનિયાભરના ( લગભગ 30 દેશોના ) લોકો આવી જાય. બે દિવસનો ઉત્સવ ભારતીય લોકોને મળવાનો તથા અંગત સંબંધો કેળવવાનો અવસર પૂરો પાડતો. આ સંબંધો પછીના ઉત્સવોથી ગાઢ બનતા. ભારતીય લોકો રાસ-ગરબા, ભાંગડા, શાસ્ત્રીય નૃત્ય, બોલીવુડનાં નૃત્ય વિ. જેવા મનોરંજનના કાર્યક્રમોમાં ભાગ લેતા. અમારું એક બૂથ હતું જ્યાં ભારતીય ફાસ્ટફૂડની યીજો જેવી કે સમોસા, ભજીયાં, લાડુ, ખમણ-ઢોકળાં, સૂકી પુરી વિ. વેચતા. બધી ચીજો સ્વયંસેવક ભારતીય મહિલાઓ અને પુરૂષો પોતાના ઘરમાં કે બીજા કોઈના ગરાજમાં સાથે મળીને બનાવતા. ઉત્સવ બે દિવસ ચાલે અને અન્ય દેશોના લોકો સાથે મિત્રતા કેળવવાની મોટી તક પૂરી પાડે. દુઃખની વાત એ છે કે જેમજેમ હિજરતીઓની સંખ્યા વધી તેમતેમ તેમાં જૂથ પડી ગયાં એટલે દરેક જૂથ પોતાની રીતે અલગ ઉત્સવ ઉજવે. પરિણામે મુખ્ય ઈંસ્ટિટ્યુટને મળતો આર્થિક ટેકો ઘટવા લાગ્યો, તેની પ્રવૃત્તિઓ ઘટવા લાગી અને મારી જાણકારી પ્રમાણે ઈંસ્ટિટ્યુટ બંધ થઈ ગઈ.

નવરાત્રી વખતે ભારતીય લોકો રાસ-ગરબાનો કાર્યક્રમ ગિરજાઘરમાં રાખે અને આજુબાજુના શહેરોમાં રહેતા ભારતીય લોકો તથા થોડાક અમેરિકનો એમાં જોડાય. દિવાળી શાળાના કાફેટેરિયામાં કે પછી ગિરજાઘરના મોટા સભાગૃહમાં ઉજવાય અને તેમા ઘણા અમેરિકન મિત્રોને બોલાવીએ.

જેમ જેમ ભારતીય લોકોની સંખ્યા વધતી ગઈ અને જ્યારે હિજરતીઓ વિખ્યાત દાક્તર, ઈજનેર કે ઉદ્યોગપતિ-વ્યાપારી બની ગયા ત્યારે એમને લાગ્યું કે પોતાનાં બાળકોને ધર્મ, સંસ્કૃતિ, ઈતિહાસ વિ. શીખવવાં જોઈએ. એટલે અમે ઈંડિયા એસોસિએશનની સ્થાપના કરી, બાળકો માટે સપ્તાહના અંતે લેવાતા વર્ગો શરૂ કર્યા, માસિક સમાચારપત્ર શરૂ કર્યું અને યાત્રી ભારતીય નિષ્ણાતો, ધાર્મિક વડા વિ.નાં પ્રવચનો ગોઠવ્યાં. પરિણામે ટોલેડોમાં હિંદુ મંદિર સ્થપાયું. તેનો વિકાસ થયો અને અત્યારે સંપૂર્ણ હિંદુ ઘાર્મિક સંસ્થા તરીકે ચાલે છે. મંદિર દર વર્ષે ફેસ્ટિવલ ઓફ ઈંડિયાનું આયોજન કરે છે. અત્યારે તે ટોલેડડો ક્ષેત્રનો મુખ્ય વાર્ષિકોત્સવ બની ગયો છે.

અમે અમેરિકા આવ્યા તેનાં પાંચ વર્ષમાં અમે થોડા ભારતીય કરિયાણા સ્ટોર, ૨૨૦-૧૧૦ વોલ્ટનાં ઉપકરણોનો સ્ટોર, ભોજનાલયો અને સાડી સ્ટોર શિકાગો, ક્લિવલેન્ડ વિ. જેવાં નજીકનાં મોટાં શહેરોમાં ખુલતા જોયા. અમેરિકામાં રહેતા ભારતીયો માટે તો આ મોટો ફેરફાર હતો. હવે કહેવા પૂરતી ભારતીય વાનગીઓ બનાવવાની જરૂર નહિ પડે.

અંગત રીતે, મેં રિસર્ચ એન્જીનીયર તરીકે કામ કરવાનું શરૂ કર્યું ૧૯૭૦માં અને ૧૯૮૬ સુધીમાં ટોલેડોના  મિડલેન્ડ રૉસ ટેક્નિકલ સેંટરમાં ટેક્નિકલ ડાયરૅક્ટરની પદવી પર પહોંચ્યો. જ્યારે સરફેસ કંબશનમાં કામ કરતો હતો ત્યારે બાઉલિંગ ગ્રીન યુનિવર્સિટીમાંથી એમ.બી.એ. કર્યું. કંપનીના વહીકવટકર્તાઓની ભલામણથી મેં ડેલ કાર્નેગીમાં કોર્સ કર્યો. લોકો સાથે કામ પડે ત્યારે અને જાહેરમાં બોલવાનું હોય ત્યારે આત્મવિશ્વાસ કેળવવા માટે તે મહત્વનું પગલું હતું અને ભવિષ્યની કારકિર્દી માટે કામ  આવવાનું હતું. કંપનીમાં ઝડપી પ્રગતિથી મને ખાત્રી થઈ કે અમેરિકાના શેઠિયા મોટો ભેદભાવ રાખ્યા વગર તક્નિકી જ્ઞાન  તથા સખત મહેનતની કદર કરે છે. “મોટો” એટલા માટે કે મારા અનેક અનુભવો બતાવે છે કે જ્યારે મને લાગ્યું કે મારી સાથેનું વર્તન બરાબર નથી ત્યારે પણ મને કોઈ ભેદભાવ દેખાયેલો નહિ. મને લાગ્યું કે સામાન્ય માણસનો એ સ્વભાવ હતો- તમને કોઈ લોકો ગમે અને કોઈ ન ગમે. એનું કારણ એ હોઈ શકે કે ભારતમાં એવા કિસ્સા જોયા કે અનુભવ્યા હોય જેમાં એક વ્યક્તિ કોઈ એક જણની “લાડકી” બની જાય પણ બીજા ઘણાની “ઓરમાન”. પાછલા અનુભવને જોતાં એવા ઘણા પ્રસંગો યાદઆવે છે જેમાં મને ઊંચી પોસ્ટ માટે કે એવૉર્ડ માટે કે “હોદ્દેદારોની કતાર”માં અમુક હોદ્દેદારની જગા લેવા માટે પસંદ ન કરવામાં આવ્યો હોય. પણ મને એમાં કદી ભેદભાવ દેખાયો નહિ. કદાચ એ વખતે મારા શબ્દકોશમાં “ભેદભાવ” જેવો શબ્દ નહિ હોય.

૧૯૮૬માં મેં એ કંપની છોડી દીધી અને ટોલેડોમાં ઈંદુગેસ નામની નવી કંપની શરૂ કરવા મારા બૉસ સાથે જોડાયો. આ કંપનીએ થર્મલ એન્જીનીયરિંગનાં ઘણાં ક્ષેત્રોમાં સંશોધન કર્યું અને નવી ટેક્નોલોજીઓ વિકસાવી. મોટા ભાગના સંશોધનનો ખર્ચ ખાનગી કંપનીઓ, ઈલેક્ટ્રિક પાવર ઉદ્યોગ અને અમેરિકાના ડીપાર્ટમૅન્ટ ઓફ એનર્જીએ ઉપાડી લીધો. આ ટેક્નોલોજીઓને આધારે જે કંઈ માલ બન્યો તેમાંનો કેટલોક વેચવા માટે અને બજારમાં મૂકવા માટે અમે થરમોટેક ઇંડસ્ટ્રીઝ નામે કંપની શરૂ કરી તેમજ લી વિલ્સન નામની બીજી કંપની ખરીદી લીધી.

૧૯૯૭માં મેં ટોલેડો છોડ્યું અને રૉકફૉર્ડ( ઈલીનોઈસ )માં આવેલી ઈપ્સન અબાર કોર્પોરેશન નામની મોટી ફરનેસ કંપની માટે સંશોધનની સગવડ વિકસીત કરવાની વિશિષ્ટ જવાબદારી સ્વીકારી. આ જવાબદારી પત્યા પછી હું વૉશિંગ્ટન ડીસી બાજુ ગયો. ત્યાં પ્રોસેસ હીટિગમાં ખાસ પ્રોગ્રામ વિકસિત કરવા ડીપાર્ટમેન્ટ ઓફ એનર્જી સાથે કામ કરવા માટે એક કંપની ઊભી કરવા મને પ્રોત્સાહિત કરવામાં આવ્યો. મેં ઈ3એમ.ઇન્કોર્પોરેટેડ ( એનર્જી એન્ડ એન્વિરૉનમેન્ટ એફિસીયન્સી મેનેજમેન્ટનું ટૂંકું નામ ) નામની કંપની શરૂ કરી. આ જવાબદારી પડકારરૂપ હતી. એમાં બધી પ્રકારની ઔદ્યોગિક હીટિંગ સીસ્ટમમાં એનર્જીની બચત કરવાના પ્રયત્નો વચ્ચે એકસૂત્રતા લાવવી પડે. અગાઉ ક્યારે પણ આવું કામ કરવામાં આવ્યું ન હતું અને ખનીજ તેલ, રસાયણ, લોહ અને પોલાદ, એલ્યુમિનિયમ, કાચ, સીમેન્ટ, જંગલની પેદાશ વિ. અનેક ક્ષેત્રોની ઘણી મોટી ઔદ્યોગિક કંપનીઓ સાથે સહયોગ કરવો એ મોટો પડકાર હતો. એની સાથે અનેક મોટા હીટિંગ ઈક્વિપમેંટના ઉત્પાદકો અને ઘણા બધા ઔદ્યોગિક ક્ષેત્રોને સેવા આપતાં અનેક વ્યાપારી-તક્નિકી સંગઠનો સાથે સહયોગ કેળવવો જરૂરી હતો. હું નસીબદાર હતો કે મને ડીપાર્ટમેન્ટ ઓફ એનર્જીમાંથી અનેક લોકો, ઓક રીઝ નેશનલ લેબોલેટરી જેવી સંશોધન પ્રયોગશાળા અને ઉદ્યોગોની દોરવણી તથા સહકાર મળ્યાં. હજુ પણ ઈ3એમ કંપની યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ( યુએનઆઈડીઓ ) અને ડીપાર્ટમેન્ટ ઓફ એનર્જી ( ડીઓઈ ), ઈપીએ, સ્ટેટ ડીપાર્ટમેન્ટ, ડીફેન્સ ડીપાર્ટમેન્ટ વિ.ને સેવા આપે છે. અમારાં એનર્જી અને એન્વિરોનમેન્ટ ક્ષેત્રનાં કાર્યોએ મને અમેરિકાનાં બધાં જ 50 રાજ્યોમાં જવાની તક પૂરી પાડી. એને લીધે હું દુનિયાના પાંચે ખંડોના દેશો, ખાસ કરીને એશિયા ( ચીન, ભારત, જાપાન, ફિલિપાઈન્સ, થાઈલેન્ડ, મલયેશિયા, ઈન્ડોનેશિયા વિ. ), આફ્રિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ વિ.માં જઈ શક્યો. આ દુનિયાને જાતે જોવાની અને જાણવાની મહાન તક હતી.

મેં જે મહત્વનું દર્શન કર્યું તે એ કે દર વર્ષે કેટલાય લાખ ડોલરના બજેટના વહીવટ માટે જવાબદાર પ્રોજેક્ટ કે પ્રોગ્રામ મેનેજરો જેવા ઘણી નજરે ન દેખાતી પદવીપર સેવા આપતા મોટા ભાગના સરકારી કર્મચારી પ્રમાણિક અને મહેનતુ છે. પોતાના કામથી કંઈક “ફરક પડશે” તેનો તે ગર્વ અનુભવે છે અને પોતાની અંગત તેમજ વ્ચવસાયિક જવાબદારીને ગંભીરતાથી લે છે. પણ ઘણીવાર તેમના કામ બાબતમાં રાજકીય નિમણૂક પામેલા તેમજ કોંગ્રેસ કે સેનેટના સભ્યો રોકી શકે છે, કંટ્રોલ કરી શકે છે કે તેમના પર દબાણ લાવી શકે છે. બજેટ પણ રાજકીય અને નીતિવિષયક બાબતોને ધ્યાનમાં રાખીને કામમાં વાપરવા દબાણ કરવામાં આવે.

મને એ પણ જાણવા મળ્યું કે સરકારી અમલદારશાહીને ભેદવી બહુ જ મુશ્કેલ છે. એવી ઘણી સ્થાપિત અને પહોંચેલી કંપનીઓ છે જે લગભગ બધાં સરકારી ખાતાઓમાં પગદંડો જમાવીને બેઠેલી છે. એમની પાસે નિર્ણય લેવા માટે જરૂરી એટલી બધી ઐતિહાસિક માહિતી હોય કે સરકારી પૂછપરછનો ફટાફટ જવાબ આપવામાં કામ લાગે. એમના કૉન્ટ્રેક્ટ કે સર્વિસ બંધ કરાવવાનું ખૂબ જ મુશ્કેલ છે. મને ખાત્રી થઈ કે કન્સલ્ટિંગ કંપનીઓ અને માલના વ્યાપારી લોબીઈસ્ટ સાથે મળીને એટલી બધી લાગવગ ધરાવે છે ( સારી કે ખરાબ ) કે સરકારી મશિનરી એમના ટેકા વગર ચાલી જ ન શકે. મારે આ હકીકત જોડે સમાધાન કરવું જ રહ્યું. પણ, થોડાક પ્રમાણિક સરકારી કર્મચારીઓનો પાડ માનવો રહ્યો જેમને હું જે કંઈ આપવા માગતો હતો તે અને મારું પાછલું કામ તથા તેની સફળતાનું મહત્વ સમજાયું. પરિણામે હું પણ થોડા સમયમાં ખૂબ નાના પાયે કન્સલ્ટન્ટ તરીકે સ્થાપિત થયો.

૨૦૦૦ થી ૨૦૧૬ દરમિયાન હું અનેકવાર ઘણા દેશોના પ્રવાસે ગયો અને ત્યાંની સરકારી સંસ્થાઓ તથા ખાનગી ઉદ્યોગો સાથે કામ કર્યું. આ પ્રવાસોએ મને લોકોની જરૂરિયાતો અને ઈચ્છાઓને સમજવાની તક આપી. દરેકને શીખવાની અને આગળ વધવાની ઈચ્છા હતી – મોટે ભાગે જીવનધોરણને અમેરિકાની તોલે લાવવાના ધ્યેયથી..આ પ્રવાસોએ મને શીખવ્યું કે માનવજાત બધે સરખી જ હોય છે. જ્યાં સુધી તમે તેમની સાથે માનપૂર્વક વર્તશો અને મદદ કરવા પ્રયત્ન કરશો તેઓ તેમની રીતે એવો જ પ્રતિભાવ આપશે. મારી પાસે એના ઘણા દાખલા છે. જેવા કે ઉત્તર ચીનમાં મારા માટે શાકાહારી ભોજન લાવવા માટે એક કંપનીએ કોઈકને ૫૦ કિલોમીટર દૂર મોકલ્યો અને મારા ડિનર માટે ફ્રેંચ ફ્રાઈઝ પણ મંગાવી. અથવા હું જ્યારે અઠવાડિયા માટે પેકિંગમાં હતો ત્યારે મારા આશ્ચર્ય વચ્ચે એક જર્મન રસોઈયો મારા માટે સરસ ભારતીય ખાણું બનાવવાનો હતો.

પેન્સિલવેનિયાની સ્ટેટ કોલેજમાં આવ્યાને ત્રીસ વર્ષ થયાં પછી એટલે કે ૧૯૯૭માં અમે વૉશિંગ્ટન ડીસી ગયા. અને ભાન થયું કે ઘણું બધું બદલાઈ ગયું હતું. અમેરિકામાં ૧૯૬૭ના દસવીસ હજારની સરખામણીમાં ભારતીય મૂળના લોકો વીસ લાખ કરતાં વધારે થઈ ગયા હતા.

સામાજિક વાતાવરણમાં ઘણો મોટો ફરફાર થયો હતો. એ દિવસો ગયા કે જ્યારે કહેવા પૂરતો ભારતીય ખોરાક બનાવવો પડતો અને ખાવો પડતો, ટપાલથી ઓર્ડર આપીને હોંગકોંગથી સાડીઓ મંગાવવી પડતી, ભારતથી મંગાવેલા મસાલા અને મીઠાઈઓ માટે પાર્સલની રાહ જોતા, ભારતમાં પ્રિયજનો સાથે વાત કરવા ટેલિફોનની લાઈન મેળવવા કલાકો રાહ જોતા વિ. હવે તો ત્યાં ઘણા ભારતીય સ્ટોર, ભોજનાલયો, મંદિરો, ભારતના વિવિધ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતાં સંગઠનો, ભારતીય વર્તમાનપત્રો અને સામયિકો, ભારતના વિખ્યાત કલાકારો ( અભિનેતા, ગાયકો, નૃત્યકારો વિ. ) ઉપરાંત ઘણા ધાર્મિક સંતો અને મહારાજના મનોરંજન કાર્યક્રમો, ભારતના ટીવી કાર્યક્રમો હતા. સાથે મફતમાં સામસામે અમર્યાદિત વાતચીત કરવા અને મળવા માટે વૉટ્સએપ તો ખરું જ. મોટાં, જોવાં ગમે એવાં બીએપીએસ મંદિર સહિત મોટાં શહેરોમાં અનેક મંદિરો છે. ઘણા ભારતીય મૂળના લોકો રાજ્ય વિધાનસભામાં યુ.એસ.કોંગ્રેસના સભ્યો તરીકે રાજકારણના ભાગ બન્યા છે અને યુવાન ભારતીયો મોટા ગજાના રાજકારણીના સ્ટાફમાં મહત્વનાં પદ સંભાળે છે. અમેરિકાભરની બધી મોટી યૂનિવર્સિટીઓમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો છે. નોબેલ પુરસ્કાર જીતનારા પણ છે. પ્રાથમિક રીતે સૉફ્ટવેર વિકસિત કરતો સંપૂર્ણ આઈટી ઉદ્યોગ મોટે ભાગે ભારતીય મૂળના લોકો પર આઘાર રાખે છે.

આમ કેવી રીતે બન્યું? અમને આ ક્રાંતિ લાવવામાં ભાગ ભજવનાર ઘણાં પરિબળો દેખાયાં.

  1. આઈઆઆટી, આઈઆઈએસસી અને બીજી ઘણી યુનિવર્સિટીઓ જેવી વિખ્યાત ભારતીય શિક્ષણ સંસ્થાઓમાંથી યુએસએમાં આવતો વિદ્યાર્થીઓનો અવિરત પ્રવાહ. આ મહેનતુ વિદ્યાર્થીઓએ બધાં ક્ષેત્રોની આગળ પડતી કંપનીઓમાં કામ કરવાનું શરૂ કર્યું અને સખત મહેનત તથા નીતિમત્તા સાથે સરસ કામ કરીને પોતાની આવડત પૂરવાર કરી. એમને બઢતી મળી અને આગળ જતાં ઊંચો હોદ્દો પણ તેમને આપવામં આવ્યો.
  2. ૧૯૬૦ અને ૭૦ના દાયકામાં આવેલા હિજરતીઓની પહેલી પેઢીનાં સંતાનો મોખાની યુનિવર્સિટોઓમાં દાખલ થયાં અને ગ્રેજ્યુએટ થઈને મેડિકલ, એન્જીનીયરિંગ, ફાઈનેન્સ કે મેનેજમેન્ટ ક્ષેત્રમાં અથવા સ્વતંત્ર ધંધાની દુનિયામાં દાખલ થયાં.
  3. ભારતના ઘણા હિજરતીઓએ હોટેલ અને મોટેલ ઉદ્યોગમાં પોતાનો ધંધો શરૂ કર્યો કે ફાસ્ટ ફૂડ ( સેવન ઈલેવન, ડંકિન ડોનટ્સ, મેક્ડોનાલ્ડ વિ. ), ફાર્મસી વિ.ની ઘણી જાણીતી ફ્રાન્કાઈઝીઓમાં પૈસા રોક્યા.
  4. ઘણા યુવાન ઈજનેરો અનેક ઉદ્યોગોને આઈટી ક્ષેત્રમાં પ્રાથમિક રીતે સેવા આપવા માટે વર્ક વિસા લઈને ભારતથી અમેરિકા આવ્યા અને આઈટી ખાતાના મુખિયા બન્યા, તથા કેટલાક કેસોમાં સીઈઓ, સીટીઓ, સીએફઓ જેવી પોસ્ટ પર પહોંચ્યા.

આજે તો બ્રોડકાસ્ટિંગ, જર્નાલિઝમ, ફાઈનેન્સિયલ સર્વિસ, જાતે ઊભા કરેલા ઉદ્યોગો અને મોટા ભાગની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ભારતીય મૂળના પુરુષો તથા મહિલાઓ દેખાય એ સામાન્ય બાબત છે.


ક્રમશઃ