જીવનની ખાટી મીઠી
નીલમ હરીશ દોશી
એક પછી એક નવો, ભવ્ય અસબાબ ઘરમાં ઠલવાઇ રહ્યો હતો. વિશાળ ડ્રોઇંગરૂમમાં એક પછી એક ફર્નીચર ઠલવાવા માંડયું હતું. ખાલી દીવાલો મોંઘા પેઇટીંગ્સથી શોભી ઉઠી હતી. નિરાલીના મનમાં વિચાર ચમકી ગયો…ખાલી મનને પણ આવી કોઇ રીતે ભરી શકાતું હોત તો ? ઘરમાં…ના, બંગલામાં…. માણસો દોડાદોડી કરીને બધું ગોઠવતા હતા. કયારેક નિરાલીને કંઇક પૂછતા હતા. નિરાલી બહુ નિસ્બત ન હોય તેમ જવાબ આપી દેતી હતી. મૉટે ભાગે તો ઇન્ટીરીયર ડેકોરેટરવાળા જાતે જ બધું સજાવતા જતા હતા. નિરાલીને થયું પોતે પણ આમ જ સજાવાઇને કોઇ એક ખૂણામાં ઉભી રહી જાય તો ? તો દીવાલ શોભી શકે ખરી ? જો કે પોતાને યે આમ જ સજાવવાના પ્રયત્નો થયા હતા ને ? પણ એ સજાવટની પાછળનું વરવું સ્વરૂપ યાદ આવતા એ કંપી ઉઠી. તેણ જોશથી માથુ ધૂણાવ્યું.
થોડીવારે નિરાલીની નજર બાલ્કનીમાંથી દેખાતી એક ઝૂંપડી પર પડી. કાલ સુધી તો ત્યાં ખાસ કંઇ નહોતું. આજે ત્યાં પણ કોઇનો અસબાબ ઠલવાઇ રહ્યો હતો. કાલે તો ફકત ત્રણ ઇંટનો બનેલો ચૂલો, બે ચાર વાસણો અને એક તાવડી જ દેખાતા હતા. આજે રાતોરાત ત્યાં પણ સમૃધ્ધિ છલકાઇ ગઇ હતી. આજે એકાદ ડોલ, ભાંગેલ, તૂટેલ ખાટલો, એક ફાનસ, પાણીનું માટલું, દોરી પર લટકતાં મેલાઘેલા કપડાં,અને બે ચાર વાસણોનો પણ વધારો થયેલ દેખાતો હતો. અને એક નાનકડું કુટુંબ કિલ્લોલ કરતું નજરે ચડી રહ્યું હતું.
બાપ સામે બનતાં નવા બંગલા માટે ઇંટો સારતો હતો. તેની પત્ની ગલગોટા જેવા બાળકને ખોળામાં લઇ દૂધ પીવડાવતી હતી.
નિરાલીનો હાથ અનાયાસે પોતાની સુક્કી છાતી પર….!
ના..ના… બધું બરાબર હતું. નિર્ભયની ઇચ્છા મુજબ ફીગર ખરાબ નહોતું થયું.
નિરાલીની નજર ફરીથી બાઇ પર પડી. તે કાળી હતી..પણ એની નમણાશ અદભૂત લાગતી હતી. તેના મોં પર એક ગરવાઇ, મોટી આંખોમાં એક શાંતિ,સંતોષ છલકતા દેખાતા હતા. ચહેરા પર ખુશી છલકતી દેખાતી હતી.
બંગલાની અંદરની સુંદરતા જોવાને બદલે નિરાલી અદભૂત રસથી સામેની સૃષ્ટિનું નિરીક્ષણ કરી રહી.
થોડીવારે પેલી બાઇનો વર નાનકડા ગ્લાસમાં કયાંકથી બે ચા લઇ આવ્યો. એક વાટકીમાં અડધો કાઢીને પત્નીને આપ્યો અને અડધી પોતે મોઢે માંડી. બાઇએ મીઠું હસીને ચા મોઢે માંડી. તેનો એક હાથ દૂધ પીતા બાળકના માથા ઉપર સ્નેહથી ફરી રહ્યો. અને અચાનક ન જાણે કઇ વાત પર બંને ખિલખિલાટ હસી ઉઠયા.
‘ મેડમ..આ સ્ટેચ્યુ કયાં મૂકવાનું છે ? માતા પુત્રનું એક મોટું સુન્દર શિલ્પ કયાં રાખવું તે અંગે નોકરો નિરાલીને પૂછી રહ્યા હતા.
નિરાલીની નજર પથ્થરના શિલ્પ અને સામેના જીવંત શિલ્પ તરફ વારાફરથી ફરી રહી.
નીલમ હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે
