જીના શેઠ

ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરીનું જીવનદર્શન

દુનિયાનુ દર્પણ

નાટક દુનિયાનું દર્પણ રૂંડું
ગુણદોષ જોવાનું
આંતેથી જોઈ જોઈ બોધ લઈ
દિલડાનું દુઃખ ખોવાનું.

જ્યાં સુંદર મનહર ગાણું
રસભરેલ રૂડું ભાણું
ભલે મૂરખડા ભસી  મરે
કે ધિંગ ધિંગાણું….. નાટક…

ઘડીક હસાવે ઘડીક રડાવે
બધ્ધે બોધ બતાવે
લે જેને મન જે ભાવે
જ્યમ માર્યું ત્રાબું ખાવે
રીતસર ખાવે રસ આવે
નહિં તો જમપૂરી જાવે
કરમ કૂટ ઊંધું સમજે
તો કોને કહેવાનું….. નાટક…

નાટક : સતી પાર્વતી (૧૯૦૬)

રચનાર : ડાયાભાઈ ધોળશાજી ઝવેરી

શ્રી દેશી નાટક સમાજ

આસ્વાદ

૧૯૦૬માં રજૂ થયેલ ‘સતી પાર્વતી’  નાટકમાં “નાન્દી’ ગીત તરીકે રજૂ થતું. નાટકના મંગલાચરણ પછી સમગ નાટકનો કથાસાર કે નાટકના બીજની વાત જે ગીતમાં કરવામા અવતી તેને સસ્કૃત પરંપરામાં  “નાન્દી-સ્તુતિ કહેવામાં આવતી. આજની ભાષામાં તમે તેને ‘થીમ-સોંગ’ પણ કહી શકો.

અ! ગીતમાં ડાહાભઈએ નાટકને દુનિયાનું દર્પણ કહ્યું છ જે આજે પણ એટલું જ માન્ય છે. નાટકની કથા સાથે, એના ભાવ સાથે સંલગ્ન થઈ શ્રોતા પોતાના દિલડાનું દુઃખ બે ઘડી માટે ભૂલી જાય છે એ ચોક્કસ વાત છે. નાટક તેની સામે એક બીજી જ દુનિયા ખોલે છે અને તેને એક નવી જ દુનિયામા લઈ જાય છે.

અ ‘દર્પણ’ રૂડું એટલા માટે છે કારણ કે એ મનોરંજન અને આનંદ આપનારું છે. એની આંતેથી (અંદરથી) એને જોઈ, અવલોકી, તમે બોધ લઈ શકો છો. દિલડાનું દુઃખ ભૂલી શકો છો. નાટક ભલે ઘડીક હસાવે, ઘડીક રડાવે પણ એ હસવા-રડવામાં બધે જ કંઈક ને કંઈક તો શીખવી જ જાય છે.

નાટકનું સ્વરૂપ જ એવું છે કે તેમાં વિવિધ રસ અનુભવવા મળે. ક્યાંક કરુણ તો ક્યાંક હાસ્યરસ, ક્યાંક શૃંગારરસ તો ક્યાંક વળી વીરરસ. આમ, નવે રસનો રસથાળ જાણે છપ્પન ભોગ પીરસાયો હોય તેમ જોનાર પ્રેક્ષકવર્ગ મટે “રસ ભરેલ રૂડું ભાણું’ થઈ પડે છે.

આવાં નાટકના ગીતો પણ કેવાં ? વિશેષણ તો જુઓ… સુંદર અને મનહર. સરસ, મનને ગમી જાય એવું, વારંવાર સાંભળવાં ગમે તેવા હોય છે.

કવિ આગળ પોતે વ્યથા ઠાલવતા! કહે છે કે પહેલાના જમાનામાં બહારવટિયાઓ ધિંગાણૂં કરતા, ધાડપાડતા, લૂંટ ચલાવતા. નાટક એ કંઈ ધિંગાણું નથી. કોઈ મૂરખને ભલે એ ખેલ કે લોકપ્રિય ભવાયાનો ધંધો લાગે, એ ભલે ગમે તેટલો બફાટ કરે, ભસી મરે પણ નાટકની જરૂરિયાત સમાજમાં છે, અને રહેશે જ. વ ભલે આ માધ્યમના દોષો જ જુએ તેથી શું?

‘લે જેને મન જે ભાવે’, ‘જ્યમ માર્યં ત્રાંબુ ખાવે’ એટલે જેમ જેની પાસે જેટલા પૈસા હોય એવું અને એટલું એ જમી શકે છે એમ જેની જેવી અને જેટલી ગ્રહણશક્તિ એવું અને એટલું એ અહીંથી મેળવી શકે છે. જે એને યોગ્ય રીતે માણે એને એવો રસ આવે, નહીંતર “જમપુરી જાજે’ એટલે નહીંતર ‘ભાડમાં જાય.’

છેલ્લે હતાશ થઈ કવિના મનમાંથી ઉદ્‍ગાર સરી પડે છે કે કોઈ કરમ ફૂટ્યા લોકોને ગમે તેટલું સારું, રસભર અને બોધપ્રદ નાટક બતાવો, એ એમાંથી કાઈ ખોટું ગ્રહણ જ કરે અને ઊંધું જ સમજે તો કોને કહેવાનું ? કહો કોઈ શું કરી શકે? ભાગ્ય એવાં ! આખરે તો માણસ પોતાની બુદ્ધિ, લયકાત અને સમજણ પ્રમાણે જ એમાંથી કાઈક મેળવી થકે છે ગીતામાં પણ કહ્યું છે કે य पश्यति सः पश्यति – જે જુએ છે તે જ જુએ છે.

સમીક્ષા

કોઈ જગ્યાએ તોછડી કે અશિષ્ટ લાગતી ભાષાવાળું આ ગીત જો ઊંડાણથી તપાસીએ તો એ રંગભૂમિનો મહિમા પ્રગટ કરતું દેખાઈ આવે છે. જે સમયે નાટકમાં કામ કરવાવાળાને હીન દષ્ટિથી જોવામાં આવતાં હતાં. એવા સમયે આવું ગીત લખવું એટલે? આ એ જ બતાવે છે કે આવા સુધારાવાદી વૃત્તિવાળા સજ્જન નાટ્યકાર અને કવિ જમાનાથી કેટલા આગળ હતા ! એમના મનમાં કેવી દાઝ હશે, દુઃખ હશે કે એમની અંદરની આગ એમના શબ્દોમાં દેખાઈ આવે છે.

તેઓ નાટકના ધંધામાં પડ્યા પણ નાટકને માત્ર ધંધો સમજીને ન કર્યો, પણ તેમણે નાટકને સમાજના ઉત્કર્ષના સાધન અને ઉચ્ચ સંસ્કારપ્રવૃત્તિ તરીકે અપનાવ્યું. તેમણે પ્રચલિત લોકકથાને ઉપયોગમાં લઈ તેમાં રંજન તથા બોધકથાને સુપેરે ઉપસાવી. આમ, આ ગીતમાં ગવાયેલ આદર્શ મુજબ ‘બોધ અને મનોરંજન’ એમણે પોતાના નાટકોમાં ગૂંથ્યાં હતાં. તેથી માત્ર લખવા ખાતર નહીં, પણ તે જેવું વિચારતા એવું જ આચરતા પણ દેખાય છે. તેમણે પોતાની માન્યતા પ્રમાણે નાટકો લખ્યાં અને ભજવ્યાં. તેમનો આદર્શ તેમણે જીવી જાણ્યો. ધન્ય છે એમની ભાવનાને.

લોકપ્રિય રંગભૂમિનો મહિમા

રંગભૂમિ પ્રજાના સાંસ્કૃતિક જીવનનું એક અત્યંત મહત્વનું પાસું છે. પ્રજાની સંસ્કૃતિની તે પારાશીશી છે. પ્રજાનો મિજાજ, તેના રીતિરિવાજ, તેની સામાજિક રૂઢિઓ અને રૂઢિભંગના પ્રસંગો, ધર્મભાવના અને ધાર્મિક પરંપરા, શાસકો અને શાસનવ્યવસ્થા – બધું જ તેનાં નાટકોમાં પ્રતિબિંબિત થાય છે. વળી, નાટક ‘વાસ્તવમાં શું છે’ (What it is) એટલું જ નહીં, પણ ‘શું હોવું જોઈએ’ (What it should be) તેના પર ભાર મૂકે છે.

સાહિત્યને મુકાબલે નાટક પ્રજાની વધારે સંનિકટ (Intimate) હોય છે કેમ કે, લખી-વાંચી નહીં જાણનારા પ્રેક્ષકો પણ નાટકનો રસ માણી શકે છે. તેની પ્રત્યક્ષ અસર થતી હોવાથી નવલકથા કે કવિતા કરતાં નાટકનો પ્રભાવ વધુ સઘન (Intense) હોય છે. પ્રજાના જીવન પર તેની પ્રબળ અને ચિરંજીવ અસર રહે છે તેથી રંગભૂમિનો ઉપયોગ પ્રજાની કેળવણીના સાધન તરીકે, જ્ઞાન આપનાર સંસ્થા તરીકે કે સમાજના ગુણ-દોષ દર્શાવનાર ‘દર્પણ’ તરીકે દરેક કાળમાં થયો છે. આ રીતે તેનું મહત્ત્વ દરેક કાળમાં રહ્યું છે, અને રહેશે.

સંદેશ

નાટક આપણને આપણી ઓળખ આપે છે. એ સમાજ જીવનનો અરીસો છે. નાટકમાંથી સારતત્ત્વ લઈ લોકો પોતાનું જીવન ઘડે છે તો લોકજીવનમાંથી વિષયવસ્તુ લઈ નાટકો રચાય છે. નાટકની નિંદા કરી માત્ર એનામાં રહેલા દોષો જોવાથી કાંઈ નહીં વળે. સમ્યક્‌ બુદ્ધિ જરૂરી છે એ માત્ર મનોરંજનનું સાધન નથી. તે આત્મનિરીક્ષણ કરવા પણ પ્રેરે છે.

દરેક પ્રજાએ આ કલાસ્વરૂપની સાચવણી અને ખિલવણી ઉપર ખૂબ ધ્યાન દેવું જોઈએ, કારણ કે એ સદાચાર અને સંસ્કાર સાથે સારા વિચારો અને નવી દષ્ટિ ફેલાવવાનું માધ્યમ છે. તેના દ્વારા કુદરતે મનુષ્યમાં જે ઉલ્લાસની અને અનુકરણની વૃત્તિ મૂકી છે તેને યોગ્ય માર્ગ મળે છે અને તેને વિકૃત થતાં અટકાવી શકાય છે.

કવિ પરિચય : ડાહયાભાઈ ધોળશાજી ઝવેરી (૧૮૬૭-૧૯૦૨)

ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી

નવીન પ્રગતિશીલ વિચારોવાળાં નાટકો આપનાર બેરિસ્ટર નૃસિંહ વિભાકરે એક જગ્યાએ કહ્યું હતું કે, “શિક્ષિત લેખકો જ ગુજરાતી લોકપ્રિય રંગભૂમિનો ઉદ્ધાર કરી શકશે.” આવા જૂની રંગભૂમિના પ્રથમ શિક્ષિત લેખક એટલે ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી. તેમણે મિશન હાઈસ્કૂલમાંની સંસ્કૃત શિક્ષક તરીકેની નોકરી છોડી નાટ્યક્ષેત્રે ઝંપલાવ્યું હતું. તેઓ One man army જેવા હતા. તેમણે માલિક, સંસ્થાપક, સંચાલક, નાટયકાર, કવિ, દિગ્દર્શક અને સંગીતકાર, એમ વિવિધ રીતે ગુજરાતી રંગભૂમિમાં અર્પણ કર્યું. આમ તેઓ બધું જ જ પોતે કરતા હોવાથી પોતાની માન્યતા અને આદર્શો પ્રમાણે નાટકો ભજવી શક્યા.

તેમણે ‘શ્રી દેશી નાટક સમાજ’ – જે ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં સૌથી લાંબું જીવનારી નાટકમંડળી હતી- ની સ્થાપના કરી,  કંપનીમાં નાટક અને ભજવણીનાં સૂત્રો પોતાના હાથમાં લીધાં અને જાતે નટોને તાલીમ આપી દિગ્દર્શન પણ કર્યું, તો બીજી બાજુ તેમને સંગીતની જાણકારી હોવાને લીધે પોતાનાં ગીતોનું સ્વરાંકન પણ જાતે જ કરતા. આમ, તેઓ મલ્ટી ટેલેન્ટેડ હતા સાથે મલ્ટી ટાસ્કિંગ પણ કરી જાણતા.

તેમને નાટકનો ધંધો સ્વીકારતાં સારું એવું સહન કરવું પડયું હતું. કુટુંબમાં કોઈને આ વાત પસંદ ન પડતાં. તેમને કુટુંબ છોડવું પડયું એટલું જ નહીં, પણ મિલકત પરનો પોતાનો હિસ્સો પણ જતો કરવો પડ્યો હતો. તેમના જીવન પરથી સાચ્ચે જ એ પ્રતીત થાય છે કે નાટ્ચકલા એ કંઈ ખાંડાના ખેલ નથી, કષ્ટસાધ્ય ઉપાસના છે. તેમના માટે રંગભૂમિ જ તેમનું જીવન હતી. ‘દેશી નાટક સમાજ નાટયસંસ્થા’ શરૂ કરવા પાછળનો તેમનો આશય પણ સમાજમાં બોધપ્રદ નાટકો દ્વારા સદ્દવિચાર, નીતિ અને સંસ્કારનો પ્રસાર કરવાનો હતો. આવા આદર્શ સાથે શરૂ કરેલ સંસ્થા ખૂબ પુણ્ય સાથે પૈસા કમાય એમાં શી નવાઈ ? નાટકને જીવન અને સમાજ સાથે વણી લેવામાં ‘દેશી’ અથવા ભાંગવાડીના તખ્તાનો વિશિષ્ટ ફાળો રહ્યો હતો. ડાહ્યાભાઈ સાચા અર્થમાં વિઝનરી હતા.

૧૮૯૭થી ૧૯૦૧ આસપાસ તેઓએ દુષ્કાળ પ્રસંગે કે સામાજિક કાર્યોના લાભાર્થે કોઈ પણ જાતના ખર્ચની રકમ લીધા વગર નાટકના પ્રયોગો કર્યા હતા અને આવા ફંડમાં લાખથી વધુ રૂપિયા એકઠા કરી આપ્યા હતા. આવી હતી તેમની જનકલ્યાણની ભાવના ! લોકપ્રિય આમ સમાજ પ્રત્યેની નિસબત સાથે નાટકનો કલા તરીકેનો દરજ્જો અથવા એથીય આગળ વધીને કહો કે સાધના તરીકેનો દરજ્જો આપનાર, એવું જીવન જીવનાર આવા કલાસાધકોને સાષ્ટાંગ દંડવત્‌ !!!

ડાહયાભાઈનું ડહાપણ

ડાહ્યાભાઈની માધુર્ય નીતરતી રચનાઓ લાંબાગાળા સુધી ગુજરાતીઓનાં રસિક જીવનમાં એકરસ થઈ ગઈ હતી, માત્ર  પાંત્રીસ વર્ષની જુવાન વયે જીવનલીલા સંકેલી લેનાર ડાહ્યાભાઈની ગીતલીલા અમર છે. “રે શું માનવનું અભિમાન પલમાં ટળી જશે રે”, “નથી કર્મની  કથા કદાપિ વ્યર્થ જનારી”, “કરમ કરે તે કોઈ ન કરશે, મૂરખ મથી મથી મરશે”, “સંત વિના કોણ પંથ બતાવે”, “મુસાફર, સફર તારી ટૂંકી ભલા માણસ, કંઈક કરી લે ભલાઈ”, “જગતમાં તે નરને ધિક્કાર, તજે જે પરણી ઘરની નાર, બગાડે મૂરખ તે સંસાર, ભેળવે દિવેલમાં કંસાર.”

રંગભૂમિને પોષતાં, લોકરુચિને ઘડતાં આ ગીતો લોકજીભે રમતાં-રમતાં કેટલાંય નરનારીની આંખમાં પ્રકાશની જ્યોત રેલાવી જતાં હતાં, ગુજરાતી રંગભૂમિ રહેશે ત્યાં સુધી ડાહ્યાભાઈનું નામ વિસરાશે નહીં.

અમદાવાદ હંમેશાં ઋણી રહેશે…

શ્રી ચીમનલાલ નગીનદાસ

મુંબઈમાં નાટકો ભજવવા માટેનાં થિયેટરો સારાં એવાં થઈ ગયાંહતાં, પણ ઈ.સ. ૧૮૯૨ સુધી અમદાવાદમાં આવું કોઈ થિયેટર તૈયાર થયું નહોતું. શ્રી ડાહ્યાભાઈ ધોળશાજીને તેમની કંપની ‘દેશી નાટક સમાજ’નાં નાટકો માટે અમદાવાદમાં સારા થિયેટરની જરૂર હતી. તેમણે જાણીતા શેઠ શ્રી અંબાલાલ સારાભાઈના કાકા શેઠ શ્રી ચીમનલાલ નગીનદાસને સમજાવી અમદાવાદમાં ઘી કાંટા વિસ્તારમાં ‘આનંદભુવન’ નામનું થિયેટર એમની પાસે બંધાવડાવ્યું. (૧૮૯૩-૯૪માં)

આમ, નાટકો ભજવવા માટેનું એક સ્થળ મળી જતાં શ્રી ડાહ્યાભાઈએ ‘દેશી નાટક સમાજ’માં ત્રણ નવાં સારાં નાટકો તૈયાર કરાવ્યાં. આ ત્રણ  નાટકો એટલે ‘ઉર્વશી’ ‘ભગતરાજ’ અને ‘વિક્રમાદિત્ય’.

રોચક વાતો

નાટકની “પહેલી રાત” – ગામનો ઉત્સવ

મુંબઈમાં નવા નાટકની પ્રથમ રાત્રિ એટલે જૂની રંગભૂમિના સમયમાં એની ‘પહેલી રાત’ કે “એનો પ્રથમ પ્રયોગ’ કહો – એ એક અનેરો ઉત્સવ ગણાતો.

એક સમજુ પ્રેક્ષકના શબ્દોમાં એનો પરિચય મેળવીએ. એ લખે છે-

નાટકની પહેલી નાઇટ એટલે કે જાણે ગામનો ઉત્સવ, કંપનીઓની મહિનાઓથી લખલૂટ ખર્ચે શાનદાર તૈયારી, નવી સીનસીનરી, ટ્રીક સાથે તૈયાર થયેલું નાટક જોવા માટે આગળી હરોળ યા ઝરૂખા કે બાલ્કનીની બેઠક માટે, બબ્બે મહિના પહેલાં કહેણ મોકલાવાઈ ગયાં હોય, એ માટે તો પડાપડી અને વગદાર શ્રીમંતો વચ્ચે ચડસાચડસી થતી.

“બા અદબ, બા મુલાયઝા હોશિયાર’ પહેલી નાઇટ થિયેટરની અંદરની છટાદાર હવાની તો શી વાત કરવી? એ જમાનામાં ઓડિટોરિયમમાં “ચાય ગરમ” “સોડા લેમન”, “ખારાં પિસ્તાં”, “ખારી બદામ”, “ચિનાઈ ચેસ્ટનટ” “ગાયનની ચોપડી” એવી ફેરિયાઓની બૂમ સંભળાય.

મરજાદી શેઠિયાઓ ઘરેથી ચા, નાસ્તો, પાણીનો ચંબુ, ચાંદીના પાનદાન વગેરે સાથે લાવે. એક મહારાજાને તો ચાંદીનો હુક્કો ગગડાવતા પણ જોયેલા. આખુંય થિયેટર આસોપાલવનાં તોરણોથી અને કેળના સ્તંભોથી શણગારવામાં આવતું.

થિયેટરની બહાર શુકનનાં બૅન્ડ વાગે, લગ્નના માંડવામાં સાજન-માજન ઊભરાતું હોય એવો રૂઆબ નાટકની પ્રથમ રાત્રિનો વર્તાતો હતો. એવા વાતાવરણમાં ત્યાં ટિકિટ વગર આવેલાને પાછા ઘરે જવાનું મન જ થતું જ નહીં એટલે ગમે તે કિંમતે ટિકિટ ખરીદવા તેઓ ફરતા દેખાતા.

આ પ્રેક્ષકો પણ એવા સાજ સજીને આવતા હતા. મખમલી અચકન રેશમી સુરવાલ, મોંઘા જરઝવેરાતમાં શોભતાં વસ્ત્રો, સોનસળીના સાફાનું  લટકાવું છોગું ફરકાવતા નવાબી ઠાઠ રુઆબદાર અને શોખીન રજવાડી દબદબો કે સોનાચાંદીના બટનવાળા છપન ઈંચના ડગલાવાળો વ્યાપારી ઠસ્સો, પારદર્શક મખમલનાં કે પરમસુખનાં ધોતિયાં ને પગમાં પેટન્ટ ઘરના રાણી છાપના ચળકતા પમ્પશૂઝ ને માથે બેંગ્લોરી ટોપીવાળી મુંબઈની દમામદાર શેઠિયાશાહી, ગરમ હાફકોટ ને બાંકી ટોપીઓમાં જોવા મળતી. વાણોતરી ફૅશન. એ પછી ખમીસ અને ધોતિયામાં ને માથે ટોપી કે ફેંટા સાથે રસોઇયા, દુકાનદાર, કારીગર વગેરેની છટા કે હાથમાં ગેંડાસ્ટિક લઈને આવતા મવાલીઓ, ગુંડાઓ, દાદાઓ વગેરેનો છેલબટાઉ ભપકો. આ બધી જ સજધજ જાણે લોક દિવાળી ઊજવવા ભેળાં થયા હોય એવું ઉત્સાહી વાતાવરણ ખડું કરી દેતી.

પોતાની શાનદાર ઘોડાગાડી, કે બગીમાં કોઈ આવતું કે કોઈ ભાડૂતી વિક્ટોરિયામાં યા ટ્રામમાં તો કોઈ મોજીલા પગપાળા આવતા અને આમ સૌ કોઈ નાટકશાળાને ઉંબરે એક અનેરી રસિકોની મેદની ભરી દેતું હતું.


ક્રમશઃ


હવે પછી – નાન્દી : કુસંપે ખોયું હિન્દુસ્તાન

સુશ્રી જીનાબેન શેઠનો સંપર્ક આ વિજાણુ સરનામે થઈ શકે છેઃ jeenavsheth@gmail.com