(૧) પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? – નરેન્દ્ર મોદી
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું
હું તેજ ઉછીનું લઉં નહીં
હું જાતે બળતું ફાનસ છું.
ઝળાહળાનો મોહતાજ નથી
મને મારું અજવાળું પૂરતું છે
અંધારાના વમળને કાપે
કમળ તેજતો સ્ફુરતું છે
ધુમ્મસમાં મને રસ નથી
હું ખુલ્લો અને નિખાલસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું.
કુંડળીને વળગવું ગમે નહીં
ને ગ્રહો કને શિર નમે નહીં
કાયરોની શતરંજ પર જીવ
સોગઠાબાજી રમે નહીં.
હું પોતે જ મારો વંશજ છું
હું પોતે મારો વારસ છું.
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું.
(૨) ગાંધીજી – શેખાદમ આબુવાલા
અમે કહેતા નથી ચાલે છે રાવણરાજ, ગાંધીજી,
તમે ચાહ્યું’તું તેવું તો નથી કંઈ આજ, ગાંધીજી.
તમારી રામધૂનોમાં હવે ખખડે છે ખુરસીઓ,
તમારો રેંટિયો કાંતે છે કોનું રાજ, ગાંધીજી?
અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું,
રહ્યું’તું જે હજી બાકી કર્યું તારાજ, ગાંધીજી.
હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું ત્યારે,
વિચારું છું થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી.
કદી ‘આદમ’ સમાધિ પર જઈને આ તો કહેવું છે:
તમે એક જ હતા ને છો વતનની લાજ. ગાંધીજી.
