યુનિવર્સિટીમાં
પેન સ્ટેટ યુનિવર્સિટી પેન્સિલવેનિયા રાજ્યની મઘ્યમાં, વર્ષના મોટા ભાગના સમયમાં બરફથી ઢંકાયેલા રહેતા પર્વતો વચ્ચે હેપી વેલી તરીકે ઓળખાતા પ્રદેશના સુંદર વાતાવરણવાળા સ્થાને છે. યુનિવર્સિટી પાર્ક તરીકે ઓળખાતા તેમના મુખ્ય કેમ્પસમાં ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓ હતા- આઇ.આઇ.એસસી.માં મેં જોયેલી સંખ્યા કરતાં લગભગ ૧૦૦ ઘણા. તેનું કેમ્પસ પાંચ ચોરસ માઇલના વિસ્તારમાં ફેલાયેલું હતું. તેમાં ઘણાં જૂનાં અને નવાં મકાનો છૂટાંછવાયાં બંધાયેલાં હતાં. ભારતમાં ન સાંભળી હોય એવી ટેનિસ કોર્ટ, ફૂટબોલનું મેદાન, મોટું સ્ટેડિયમ વિગેરે જેવી સગવડો ઊભી કરાઇ હતી. મારા માટે બધું નવું હતું. દુઃખની વાત એ હતી કે એ સગવડોનો લાભ લેવાનો મારી પાસે સમય ન હતો. મારો મુખ્ય હેતુ પીએચ.ડી.ની પદવી મેળવવાનો અને મોટા ઉદ્યોગગૃહમાં કામ કરવાનો હતો. એટલે મોટા ભાગનો સમય જરૂરી કોર્સ લેવામાં અને ડિપાર્ટમેન્ટની પ્રયોગશાળામાં સંશોધન કરવામાં ગાળતો.
જે પ્રયોગશાળામાં મેં કામ કર્યું તેમાં અમેરિકાનાં વિવિધ રાજ્યોમાંથી અને દુનિયાના બીજા દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓ પણ હતા. મારા સંશોધનને એક ખાનગી નેચરલ ગેસ વેચતી કંપનીનો ટેકો હતો. કંપનીનો હેતુ એ જાણવાનો હતો કે પોલાદ, કાચ, એલ્યુમિનિયમ જેવા ઉદ્યોગોની મોટી ભઠ્ઠીઓમાં બળતણ તરીકે વાપરવામાં શું સસ્તું પડે-તેલ કે નેચરલ ગેસ. ભારતમાં ખાનગી કંપની યુનિવર્સિટીને સંશોધનમાં સહાય કરતી હોય એવું ઇન્સ્ટિટ્યુટમાં સાંભળ્યું ન હતું. કંપનીનો હેતુ બજારમાં પોતાનો ધંધો વધારવાનો અને મોટો નફો મેળવવાનો હતો. જો આ સંશોધન એમ પ્રતિપાદિત કરે કે નેચરલ ગેસ તેલની સરખામણીમાં વધારે ફાયદાકારક છે તો કંપનીનો હેતુ સિધ્ધ થાય. પણ આવાં પરિણામો મોટી સંખ્યાની ભઠ્ઠીઓમાં મળવાં જોઇએ અને એને વૈજ્ઞાનિક ગણત્રીથી પૂરવાર કરવું પડે. તે કામ કંબશન, હીટ ટ્રાન્સફર, ફ્લુઇડ ડાયનેમિક્સ, રિએક્શન કાયનેટિક્સ, મશીન ડિઝાઇન, સિમ્યુલેશન મોડેલિંગ અને તેને આનુશાંગિક કોમ્પ્યુટર પ્રોગ્રામિંગથી કરવું પડે. એ વખતે મેં કોમ્પ્યુટર વિષે વાંચેલું પણ જોયું ન હતું કે ન તેને વાપરતાં આવડતું હતું. આ કામમાં તો સંશોધનને પ્રોગ્રામના રૂપમાં રજૂ કરવું પડે અને મારે તો ઘણા થોડા સમયમાં ઘણું બધું શીખવું પડે. આ એક પડકાર હતો અને તક પણ. જો સફળતા મળે તો મારી આ ક્ષેત્રના નિષ્ણાત તરીકે ગણત્રી થાય અને અનેક મોટા ઉદ્યોગગૃહોમાં નોકરી મળવાની તકો પણ ઊભી થાય.
સંશોધન માટે ઉપકરણો બનાવવા માટે મારે વેલ્ડિંગ, પતરાનું કામ, ઈંટોનુ ચણતર અને જેનાં નામ ક્યારેય સાંભળ્યાં ન હતાં એવાં ટેસ્ટિંગનાં સાધનોની સ્થાપના એ બધું કરવાની જરૂર પડે. આ સગવડ ઊભી કર્યા પછી મારે ઘણા પ્રયોગો કરવા પડે, ડેટા ભેગો કરવો પડે અને તેનું પૃથક્કરણ કરી એ ડેટાનો સીમ્યુલેશન મોડેલીંગથી ભાખેલા થીયરેટિકલ આંકડા સાથે મેળ બેસાડવો પડે. એને માટે કૉમ્પ્યુટર પ્રોગ્રામિંગનું જ્ઞાન જરૂરી હતું કેમકે જૂની પધ્ધતિની ગણતરીથી એ શક્ય ન હતું. મેં કૉમ્પ્યુટર પ્રોગ્રામિંગના વર્ગ ભર્યા અને રાત્રે કૉમ્પ્યુટર પ્રોગ્રામિંગ શરૂ કર્યું. ડેસ્કટૉપ કે લૅપટૉપ કૉમ્પ્યુટરની કોઈએ કલ્પના કરી ન હતી. યુનિવર્સિટીમાં મોટા ઓરડામાં સમાય એવું એક મોટું આઇ.બી.એમ. મેઇનફ્રેઇમ કોમ્પ્યુટર હતું. તેમાં પંચ્ડકાર્ડનો ઉપયોગ થતો હતો. વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના સંચાલકો તેનો ઉપયોગ કરતા હતા. એ વખતે પ્રોગ્રામ લખવા ફોરટ્રાન લેંગવેજનો ઉપયોગ થતો હતો. પ્રોગ્રામ લખે, કોમ્પ્યુટર કેન્દ્રમાં જાય( મોટેભાગે રાત્રે ), કાર્ડ પંચ કરે, પ્રોગ્રામ ચલાવવા કાર્ડ આપે અને જાય. આ કાર્ડ હજારો નહિ તો સેંકડોની સંખ્યામાં “પ્રોગ્રામ ચલાવવા” વપરાય. બીજા દિવસે સવારે વિદ્યાર્થીઓ પાછા આવે અને પ્રોગ્રામ રન ન થયો હોય કારણ કે એકાદ થપ્પી કાર્ડ પંચ કરવામાં નાનકડી ભૂલ કરી હોય. એણે ભૂલ શોધવાની, ભૂલ સુધારવાની અને આશા રાખવાની કે બીજીવાર એવું નહિ થાય. પ્રોગ્રામ રન થયો હોય તોપણ તમે જે જોવા માગતા હતા એવું પરિણામ મળે એની ખાત્રી નહિ. આવું તો કેટલાય અઠવાડિયાં સુધી ચાલે. જે માણસે દિવસરાત સખત મહેનત ન કરી હોય એના માટે આ નવતર અનુભવ હતો. અને એ પણ શિયાળામાં કે જ્યારે કેટલાય ઈંચના જાડા બરફના થરમાં ચાલીને કોમ્પ્યુટર સેન્ટર પર જવાનું હોય અને તાપમાન થીજાવી દે એવું હોય. પણ મને ફાયદો એ થયો કે ઘ્ણા વિદ્યાર્થિઓને મળવાનું થયું, મિત્રો બનાવ્યા અને જુદા જુદા દેશો તથા અમેરિકાનાં રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓ સાથે કામ કરવાની તક મળી. ખાસ તો બધા એકજ પ્રકારની સમસ્યાનો સામનો કરતા હતા. આ એવો અસામાન્ય અનુભવ હતો જે આજના વિદેશથી અમેરિકા આવતા વિદ્યાર્થીઓને ભાગ્યે જ થાય.
હજુ સુધી વાંચવાથી કે અમેરિકા જઇ આવેલા લોકો સાથે વાતચીત કરવાથી હું જે કંઈ જાણતો હતો તે પારકો અનુભવ હતો. પેન સ્ટેટનો અનુભવ સાવ જુદો પણ જાતઅનુભવ હતો અને તે પણ ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રની તથા બુધ્ધિજીવી વર્ગની અમેરિકન પ્રજાના સંસર્ગમાં આવવાથી થયેલો હતો. એટલું જ નહિ, અહીં બધા આર્થિક સ્તરના લોકોના વાસ્તવિક જીવનનું નિરીક્ષણ કર્યું અને અનુભવ લીધો. અહીં એવા વિદ્યાર્થી હતા જે ધનિક પરિવારમાંથી આવતા હતા, વિશાળ ઘરોમાં રહેતા હતા અને મોંઘી ગાડીઓ ધરાવતા હતા. તો બીજી બાજુ કેટલાય કોર્સ લેવાની સાથે બે છેડા મળવવા ભોજનાલય, સ્ટોર કે કેમ્પસમાં પાર્ટટાઇમ કામ કરવા ઝઝૂમતા વિદ્યાર્થી પણ હતા. મેં સમય કાઢી એમાંના કેટલાક જોડે વાત કરી અને આસપાસનાં રાજ્યો તથા મોટાં શહેરોની મુલાકાત લીધી. હું માની ન શક્યો કે થીજાવી દેતી ઠંડીમાં શેરીઓમાં રસ્તા પર જીવતા લોકો પણ હતા. એ સમજવું મુશ્કેલ હતું કે દુનિયાના સૌથી વધુ શ્રીમંત અને શક્તિશાળી દેશમાં આવું કેમ બની શકે. એ તો મોંઘાં સામયિકોમાં અને પ્રદર્શનોનાં વિશાળ પોસ્ટરોમાં બતાવેલું શ્રીમંત અમેરિકા હોવું જોઇતું હતું.
૧૯૬૦ના દશકાનો મધ્યભાગ અને તે પછીનો સમય અમેરિકા માટે ઝંઝાવાતી હતો. આ દેશ વિયેતનામમાં પૂરેપૂરો સંડોવાયેલો હતો અને પેન સ્ટેટ સહિત અનેક કોલેજોના કેમ્પસ પર યુધ્ધ સામેના દેખાવો રોજની વાત હતી. હિપ્પી ચળવળ પૂર જોશમાં હતી અને યુવાનોમાં એલ.એસ.ડી. જેવા નશાકારક ડ્રગનો ઉપયોગ સામાન્ય બાબત હતી. ચોથી એપ્રિલ, ૧૯૬૮ના રોજ માર્ટિન લ્યુથર કિંગની હત્યા સામે આખા અમેરિકામાં વિરોધ જાગ્યો. વોશિંગ્ટન ડીસી સહિત અનેક શહેરોમાં મોટા પાયા પર માલમિલ્કતને નુકશાન થયું અને દિવસો સુધી આખેઆખાં શહેરો બંધ રહ્યાં. આ ઓછું હોય તેમ સેનેટર કેનેડી( પ્રમુખ શ્રી જોન કેનેડીના અનુજ ) ની કેલિફોર્નિયાના ચૂંટમીપ્રચાર દરમિયાન છઠ્ઠી જુન,૧૯૬૮ના રોજ થયેલી હત્યાના સમાચાર આવ્યા. એની સામે પ્રતિભાવ પત્યો તો ઓગષ્ટ,૧૯૬૮ના અંતમાં શિકાગોમાં ડેમોક્રેટિક પાર્ટીના કન્વેન્શનમાં દેખાવો થયા. ટીવી પર આ બનાવો જોયા તો મારા અને ભારતીય વિદ્યાર્થીઓના માન્યામાં નહોતું આવતું. અમે આવા દેખાવો અને વિરોધ ભારતમાં જોયા હતા પણ વિનાશનું પ્રમાણ સમજની બહાર હતું.
૧૯૬૮ એ પ્રમુખની ચુંટણીનું વર્ષ હતું. વિયેટનામમાં જે બની રહ્યું હતું તે અને દેશમાં ફેલાયેલી અશાંતિ જોઈ તે વખતના પ્રમુખ જહોન્સને ફરીથી પ્રમુખપદની ચૂંટણી લડવાનું માંડી વાળ્યું. ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર રોબર્ટ કેનેડીની હત્યા થઈ હતી, જ્યારે ઉપપ્રમુખ હુબર્ટ હમ્ફ્રી બહુ નરમ રાજકારણી ગણાતા હતા. રિપબ્લિકન પક્ષના ઉમેદવાર રિચાર્ડ નિક્સન પ્રમુખપદ માટેના અગ્રેસર ઉમેદવાર તરીકે ઉભરી રહ્યા હતા
૧૯૬૮ના વર્ષ દરમિયાન રાજકારણ, રમતગમત, મનોરંજન ક્ષેત્ર( ફિલ્મો,સંગીત,નૃત્ય વિ. ), સામાજિક કાર્યો અનૈ એવાં બીજાં ઘણાં ક્ષેત્રોના નામાંકિત લોકોનાં પ્રવચનો અને સભાઓ પેન સ્ટેટના કેમ્પસમાં થયાં. હું કેમ્પસ પર યોજાતી ઘણી સભાઓ, મોરચા, રમતો., પ્રવચનો કે વર્કશોપમાં ગયો. ભારતમાં મોટું કેમ્પસ ધરાવતી આઇ.આઇ.એસસી. જેવી સંસ્થામાં પણ મેં આવું જોયું ન હતું. રિચાર્ડ નિક્સન( તેમના કાકા પેન સ્ટેટમાં પ્રોફેસર હતા ), નેલ્સન રોકફેલર, એડવર્ડ કેનેડી( જેને લોકો પ્રમુખ કેનેડીના બેબીભાઈ તરીકે ઓળખતા ), ડ્વાઈટ આઈઝન હોવર( એમનો ભાઈ પેન સ્ટેટનો પ્રમુખ હતો ) વિગેરેની સભામાં જવું એ યાદગાર પ્રસંગો હતા. પંડિત રવિશંકર એ વખતે અમેરિકામાં જાણીતા હતા. હું જ્યારે ત્યાં હતો ત્યારે તે પેન સ્ટેટની મુલાકાતે આવેલા. મને સ્પષ્ટ યાદ છે કે ભારતીય વિદ્યાર્થીઓ અને રહેવાસીઓ સાથેની તેમની સભામાં તેમની સાથે વાત કરવાનો મોકો મળેલો. મેં એ પણ જોયું કે દરેક વિષય માટે, પછી તે ટેક્નિકલ હોય, રાજકીય હોય કે સામાજિક, તેનું મંડળ કે સમાજ, સ્થાનિક શાખાઓ, નિયમિત સભાઓ, સમાચારપત્રો કે સામાયિકો, શો કે પ્રદર્શનો વિ. ત્યાં હતાં..
કેમ્પસમાં ઘણા વિદ્યાર્થીઓ પોતનો ઘણો સમય પેન સ્ટેટમાં સૌને ગમતી ફૂટબોલ, બેઝબોલ, બાસ્કેટબોલ કે આઈસસ્કેટિંગ જેવી રમતો રમવામાં કે જોવામાં ગાળતા હતા. પણ મારી પાસે આવી પ્રવૃત્તિ માટે સમય ન હતો. મને એ વાતનો રંજ છે કે આમાંના ઘણા રમતો સાથે સંકળાયેલા કાર્યક્રમોમાં ભાગ લેવાની કે રમતો શીખવાની તકોનો હું લાભ ન લઈ શક્યો. પણ વિદ્યાર્થીગણ સાથે રહેવાથી મને દુનિયાભરના વિદ્યાર્થીઓને મળવાનો મોકો મળ્યો. મોટાભાગના સામાન્ય વિદ્યાર્થી હતા અને થોડાક ડોક્ટરૈટ પછીના ફેલો કૈ શિક્ષકગણના સભ્ય. એક જ જગ્યાએ રહેવા છતાં દુનિયાના વિવિધ ભાગોમાં રહેતા હોઈએ એવો આ અનુભવ હતો. મારી પત્ની અને પુત્રી માટે તો લોકોની વિવિધતા જોવાનો, અલગ અલગ પ્રકારના ખોરાકનો સ્વાદ માણવાનો, ઘણા દેશોના ઉત્સવો ઉજવવાનો અને અલગ અલગ સંસ્કૃતિ વિષે જાણવાનો અવસર હતો. થયું એવું કે સ્નાતક વિદ્યાર્થીઓનાં ઘર પેન સ્ટેટ ફૂટબોલ સ્ટેડિયમની બાજુમાં હતાં એટલે અમે વિખ્યાત ફૂટબોલ કોચ જો પેટર્નોને અમારા ઘર પાસેથી પસાર થતા અને બાળકોને હલ્લો કહેતા અમે જોઈ શકતા હતા. મને લાગે છે કે ઉપાધિ મેળવવા માટે જ્યાં બધાની આર્થિક સ્થિતિ એક સરખી હોય એવા કેમ્પસના સ્નાતકઘરમાં રહેવાની તક લાખોમાં એક હતી.
એ વખતે અમેરિકાનું જીવન એવી ઘણી સુખસગવડો પૂરી પાડતું હતું જે આપણે ભારતમાં મોટા શહેરમાં રહેતા હોઈએ તો પણ ન વિચારી શકીએ કે ન આપણને પોસાય. અમેરિકામાં અમે એવા વાતાવરણમાં રહેતા હતા જ્યાં દરેક પાસે એક કે બે ગાડી, રોજની જરૂરિયાતની વસ્તુઓનો અમર્યાદિત પૂરવઠો, .ટેલિફોન સર્વિસ, ટીવી, વિશ્વાસપાત્ર ઈલેક્ટ્રિક પાવર, સ્વચ્છ પાણી, કચરારહિત શેરીઓ, ગરમાવેલાં ઘર અને દફતરો, પોસાય એવા મનોરંજન અને રમતગમતના કાર્યક્રમો, દેખીતી રીતે કેળવણી માટે અમર્યાદિત તકો વિગેરે હતાં.આ બધું મર્યદિત આવકવાળા વિદ્યાર્થીના પરિવારને પણ મળતું હતું.
છતાં પણ ભારતમાં ભોગવેલી ઘણી વસ્તઓ અહીં મળતી ન હતી. ઊંચી જાતના ચોખા, ઘઉંનો લોટ, દાળ, છૂટી ચા, રસોઈના મસાલા અને એનાથી પણ વિશેષ કેરી, ચીકુ, બોર વિ. જેવાં મનગમતાં ફળ જેવી ખાવાની વસ્તુઓ માટે અમે ભૂખ્યા હતા. અમારી જાણકારી પ્રમાણે ભારતથી આયાત કરેલી આમાંની કેટલીક ચીજો વેચનારા આખા અમેરિકામાં માત્ર બે સ્ટોર હતા, કલુસ્તાન અને ઈન્ડિયા-જાવા. તે ન્યુ યૉર્ક શહેરમાં હતા અને ત્યાં જવું સરળ ન હતું. મોટાં શહેરોમાં કરિયાણાના એ એન્ડ પી ( એટલાન્ટિક એન્ડ પેસિફિક ) નામના સ્ટોરની શૃંખલા હતી જ્યાં થોડાક ઉંચા ભાવે પણ થોડા પ્રમાણમાં સારી ચા, ચોખા વિ.. ક્યારેક મળી જાય. એટલે કંઇક નવું કરવાની આવડતવાળી ભારતીય ગૃહિણીઓ .કેટલીક સામગ્રી બદલીને મળતી સામગ્રી વાપરી “કહેવા પૂરતી” વાનગીઓ બનાવતી, જેવી કે મકાઈના લોટમાંથી હાંડવો, મકાઈ-ઘઉંના લોટમાંથી ઢોંસા, ચોખા સાથે કોઈ પણ દાળ મેળવી ખીચડી, ઘરમાંજ મેળવેલું દહીં અને એનો શ્રીખંડ, મીઠા વગરના માખણમાંથી ઘી, થીજેલા વટાણામાંથી સમોસા વિગેરે. પાપડ, ખાખરા, અથાણાં, છુંદો કે ગાંઠિયા, સેવ, ચકરી, ફાફડા જેવાં ફરસાણ મળવાનો તો સવાલ જ ન હતો. અમારામાંથી કોઈક છુપી રીતે ભારતથી શાકનાં બી લઈ આવ્યા અને ઘરની પાછળ વાવ્યાં. આ તો જે કંઈ મળે તેનો ઉપયોગ કરીને થોડીક કલ્પના અને થોડુંક સાહસ કરીને ભારતીય ભાણું બનાવવું પડે એવો સમય હતો. ઘણા પરિવારો જોઈતી રસોઈ બનાવવા માટેની સામગ્રી, તેજાના વિગેરેનાં પાર્સલ દરિયામાર્ગે પણ મંગાવતા. જોકે આવતાં બે મહિના કરતાં વધારૈ સમય લાગતો.
ભારતના સમાચાર મેળવવાનું લગભગ કોઈ સાધન ન હતું. માહિતી મેળવવાનું એક માત્ર સાધન ઈન્ડિયા ન્યુઝ હતું જે ભારતીય દૂતાવાસ પ્રગટ કરતું હતું અને જે માગે તેને મફત આપતું હતું. સ્વાભાવિક રીતે તેમાં એવા સમાચાર આવતા જે ભારત સરકાર ઈચ્છતી હોય કે દુનિયા જાણે. ક્યારેક રાષ્ટ્રીય ટીવી પર કે મોટા પ્રમાણમાં વંચાતાં ન્યુ યૉર્ક ટાઈમ્સ, વૉશિંગ્ટન પોસ્ટ, બૉસ્ટન ગ્લોબ, ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર વિ. જેવાં વર્તમાનપત્રોમાં ભારત વિષે સંવેદનશીલ વાતો વાંચવા કે જોવા મળે. પેન સ્ટેટના પુસ્તકાલયમાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયા પોસ્ટમાં આવતું એટલે 10-15 દિવસ જૂના સમાચાર વાંચવાનું નસીબમાં હોય. તેમાં એક આશાનું કિરણ હતું ભારતીય દૂતાવાસ દ્વારા અપાતી ભારતીય ફિલ્મ. કેમ્પસનું સ્થાનિક ભારતીય વિદ્યાર્થી મંડળ દૂતાવાસનો સંપર્ક કરે એટલે તેઓ ફિલ્મની નકલ મોકલે જેને કેમ્પસના નાટ્યગૃહમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે બતાવવામાં આવતી. આજુબાજુનાં હેરિસબર્ગ જેવાં ઘણાં શહેરોમાં વસતા ભારતીયો પણ એ જોવા આવતા. સ્થાનિક ભારતીય નારીઓ ત્યાં મળતી સામગ્રીમાંથી કોઈક ફરસાણ બનાવીને ત્યાં વેચે એટલે આવો પ્રસંગ સામાજિક સમારંભ બની જાય.
ભારતમાં રહેતા પરિવાર અને મિત્રો સાથે સંપર્કમાં રહેવા માટે સસ્તામાં સસ્તું સાધન હતું હવાઈ પત્ર( એર મેઈલ ) જે દસ-પંદર દિવસે પહોંચે. ફોન કરવો હોય તો કૉલ બુક કર્યા પછી કલાકો રાહ જોવી પડે. કૉલ જોડાય તો પણ અવાજની ગુણવત્તા ખરાબ હોય. મોટા ભાગનો સમય “હલ્લો– હલ્લો” કરવામાં જાય. મને યાદ છે ત્યાં સુધી મિનિટના ૨-૩ ડોલર લાગતા હતા. તાકીદના સમાચાર મોંકલવા હોય તો વેસ્ટર્ન યુનિયન દ્વારા તાર મોકલવો પડે. પણ ૨-૪ લીટીના સંદેશા માટે કેટલાય ડોલર ખર્ચવા પડે. અમેરિકાની અંદર દૂરનો ફોન કરવો હોય તો પણ વિદ્યાર્થીને તે ન પોસાય એટલો મોંઘો હોય. તેનો ભાવ બે જગાઓ વચ્ચેના અંતર પ્રમાણે હોય અને એના માટે લાંબા અંતરની ખાસ લાઈન લેવી પડે જેના પૈસા અલગથી લાગે. ઘણાં શહેરોમાં ઘણાં ઘરોમા સંયુક્ત લાઈન હતી જેમાં એકજ લાઈન બે કે વધારે ફોનધારકો વાપરી શકે. એટલે ફોન કરવા માટે ફ્રી લાઈન મળવી જોઈએ. ઘણીવાર ફોન કરવા માટે રાહ જોવી પડે.
.ન્યુ યૉર્ક, બૉસ્ટન કે શિકાગો જેવાં શહેરો કે જ્યાં લોકલ ટ્રેઈન કે બસો મળતી હતી તેમને બાદ કરતાં શહેરોની અંદર પબ્લિક વાહનવ્યવહાર નહિવત્ હતો. મોટા ભાગનાં નગરોમાં ફરવા માટે તમારી પાસે ગાડી હોવી જોઈએ. અમેરિકા અને કેનેડામાં બે શહેરો વચ્ચેની અવરજવર મોટભાગે ગ્રેહાઉન્ડ બસ લાઈનથી થતી હતી. શહેરો વચ્ચે ટ્રેઈન ચાલતી હતી અને મોટા શહેરોને જોડતી લાંબા અંતરની ટ્રેઈનોમાં સ્લીપર કોચ તેમજ જમવાની સગવડવાળા ડબા રહેતા. અમુક પસંદગીનાં શહેરો વચ્ચે હવાઈયાત્રાની સગવડ હતી. પણ હવાઈયાત્રા ન પોસાય એટલી મોંઘી હતી. એનો ઉપયોગ જાહેર જનતા ભાગ્યેજ કરતી. ગાડીમાં સફર એક સામાન્ય બાબત હતી. ગાડીઓ પોસાય એવા ભાવમાં(૨,૫૦૦ થી ૫,૦૦૦ ડોલર ) મળતી હતી. પેટ્રોલ સસ્તું હતું( ગેલનના ૨૫ સેન્ટ ). ટૉલ આપવો પડે એવા રસ્તા ભાગ્યેજ દેખાતા હતા. પેટ્રોલ પંપ પર જાઓ તો કોઈક પેટ્રોલ ભરે, વિન્ડશિલ્ડ સાફ કરે, એન્જીનનું તેલ તપાસે( જો તમે ઈચ્છો તો ) અને વધારામાં ગ્લાસનો સેટ ભેટ આપે. તદુપરાંત “ગ્રીન સ્ટેમ્પ” આપે જેનો ઉપયોગ તમે સ્ટોરમાં ખરીદી કરવા કરી શકો. લેવડદેવડ માત્ર રોકડેથી થતી. જો તમે ડાઈનર્સ ક્લબ જેવી મોંઘી ક્લબના મેમ્બર ન હો તો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ નહિવત્ હતો.
એક વાહનવ્યવહારની રીત જે ઘણા પશ્ચિમના દેશોમાં લોકપ્રિય હતી પણ ભારતમાં કદી સાંભળી ન હતી તે હતી હીચ-હાઈકિંગ. વિદ્યાર્થીઓ ઉપરાંત ઘણ યુવાન લોકો, રસ્તાપર જતા અજાણ્યા લોકો જે અંગૂઠો ઉંચો કરીને કઈ તરફ જવું છે તેની સાઈન કરે તેને ગાડીમાં બેસાડે, તેમની પાસે રાઈડ લઈને મુસાફરી કરતા. ગાડી ચલાવનાર તેમને અનુકૂળ એવા વચલા સ્થળે ઉતારે જ્યાંથી રાઈડ લેનારના ગંતવ્ય સ્થળ તરફ જતું બીજું કોઈક તેમને પોતાની ગાડીમાં બેસાડે. આવી અનેક રાઈડ લઈને તે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચે. અમને એ સાંભળીને નવાઈ લાગેલી કે ઘણા વિદ્યાર્થી આવી રીતે દેશના એક છેડેથી ( દા.ત. ન્યુ યૉર્ક) બીજા છેડે ( દા.ત. લૉસ એન્જેલ્સ ) મુસાફરી કરતા. ગાડી ચલાવનારને રાઈડ આપતાં જરા પણ હિચકિચાટ ન થતો અને વિદ્યાર્થી તેના પર વિશ્વાસ કરતો. ત્યાં ભય કે જોખમ ન હતાં, માત્ર માનવજાત પર વિશ્વાસ હતો. .યાદ રાખજો કે તે વખતે મોબાઈલ ફોન ન હતા. થોડાક પૈસા આપીને વાપરી શકાતા ફોન હતા. બનાવટ કરવાના બનાવ જવલ્લે જ બનતા. આજના જમનામાં એ માની શકાય એવું નથી.
મારું નસીબ સારું હતું કે હું જ્યારે અમેરિકા આવ્યો ત્યારે યુનિવર્સિટીએ આપેલી આસિસ્ટન્ટશીપની નિર્ધારીત આવકનું સાધન હતું અને પેનસ્ટેટમાં એક મિત્ર પણ હતો. ઘણા ભારત અને અન્ય દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓ પાસે મર્યાદિત પૈસા હતા તેમજ અહીં કોઈને ભાગ્યેજ ઓળખતા હતા. યુનિવર્સિટીનો આંતરરાષ્ટ્રીય છાત્ર વિભાગ વિદ્યાર્થીને સ્થાયી થવામાં થોડી મદદ કરે પણ આર્થિક સહાયતા ન મળે. વિદ્યાર્થીઓને ભારતથી આવતા પૈસા કે બીજી કોઇ આર્થિક સહાય પર આધાર રાખવો પડે. કેટલાકને કેમ્પસ પર જ કામ મળે અને એમાંથી થોડુંક કમાઇ લે. પરંતુ મોટા ભાગના વિદ્યાર્થીઓ, ખાસ કરીને અન્ડરગ્રેજ્યએટ, એટલા નસીબદાર ન હતા. ઘણીવાર જે પોર્ટપર ( મુખ્યત્વે ન્યુ યૉર્ક શહેર ) ઉતર્યા હોય ત્યાંથી ગ્રેહાઉન્ડ બસ લઇ પ્રવાસ કરે અને પહેલી રાત એકથી વધારે શહેરોમાં વાયએમસીએમાં ગુજારે. ભાગ્યજોગે સ્થાનિક પ્રજામાંથી ભારતીય મૂળના રહેવાસીઓ તેમને મદદ કરતા. સ્થાનિક ફોનબુકમાંથી પટેલ, શાહ, રાવ, સિંઘ જેવી પોતાના જેવી અટકવાળાં નામ શોધી તેમની મદદની માગણી કરવી એ સ્વાભાવિક વાત હતી. મોટે ભાગે કોઇક માણસ તમને લેવા આવે, પોતાના ઘર કે એપાર્ટમેન્ટ પર લઇ જાય અને તમને સ્થાયી થવામાં મદદ કરે. તમે કોઇપણ ભરતીય વ્યક્તિને જુઓ તો તે કે તેણીં ઊભી રહેશે, પોતાની ઓળખાણ આપશે અને કોઇ મદદની જરૂર હોય તો પૂછશે.
ઘણા વિદ્યાર્થીઓને કેમ્પસની બહાર પાર્ટ ટાઈમ કામ મળે. વિદ્યાર્થીને બસબૉય તરીકે કે રેસ્ટોરન્ટમાં ડીશ ધોવાનું કામ મળે એમાં શરમાવા જેવું ન હતું કારણ કે એ કામમાંથી તેને જોઈતા પૈસા મળતા હતા. મને લાગે છે કે એ વખતે કલાકના એકથી દોઢ ડોલર મળતા હતા. એનાથી પણ અગત્યની વાત એ હતી કે કામ કરતાં કરતાં બધા પ્રકારના લોકોને મળવાનું થાય, “અમેરિકન ઢબે” અંગ્રેજી બોલવાની આદત પડે, તે રહેતા હોય એ સમાજની માહિતી મળે અને કદાચ વધુ સારી નોકરી પણ મળે. ભારતમાં આવું નથી બનતું. આમ કરવાથી એમને પૈસાની કિંમત સમજાઈ અને જાણવા મળ્યું કે થોડા ડોલર કમાવા પણ કેટલું મુશ્કેલ છે. વિદ્યાર્થીઓને આવો જ પાઠ ઉનાળાની રજાઓમાં ખાસ કરીને કારકખાનાઓમાં કામ કરતાં શીખવા મળ્યો, જ્યાં એ વખતે એમને કલાકના પાંચ કરતાં વધારે ડોલર મળતા હતા. ઉનાળાની રજાઓમાં વિદ્યાર્થીઓને તેઓ ક્યાં રહે છે એ હિસાબે કામ કરવાની છૂટ હતી. તે પિટ્સબર્ગ, ક્લિવલેન્ડ, ડેટ્રોઈટ, બર્મિંગહામ, આટલાન્ટા, શિકાગો, હ્યુસ્ટન, એલ.એ. વિ. જેવાં ઔદ્યોગિક શહેરોમાં જતા અને નોકરી કરતા. ભારતીય વિદ્યાર્થીઓમાં પ્રવર્તમાન બડી સિસ્ટમ તેમને હંગામી નિવાસ મેળવવામાં અને આવવાજવામાં મદદરૂપ થતી. અગાઉ બતાવ્યું એમ નવા આવનારને સ્થાનિક ભારતીય રહેવાસી કે સાથી વિદ્યાર્થી કર્મચારીની મદદ મળે તે સામાન્ય બાબત હતી
એ વખતે જીવનનિર્વાહનો ખર્ચ સાધારણ કક્ષાનો હતો. સાથે મળીને રહેવાના ઘરના ભાડા સહિત ( ટ્યુશન ફી બાદ કરતાં ) વિદ્યાર્થીને મહિને કદાચ ૧૦૦ ડોલરની જરૂર પડે અને તે આરામદાયક વિદ્યાર્થીજીવન જીવી શકે. અમારો બે પુખ્ત વયની વ્યક્તિ અને એક બાળક ધરાવતો પરિવાર મહિને ૨૫૦ ડોલરના બજેટની અંદર જીવતો હતો જેમાં ભાડાના ૧૦૦ ડોલર વત્તા ઈલેક્ટ્રિક પાવર જેવી જરૂરિયાતો, ગાડીનો ખર્ચ, પાઠ્યપુસ્તકોનો ખર્ચ, બેબીની જરૂરિયાતની ચીજો અને થોડોક પ્રવાસનો ખર્ય આવી જાય.
યુનિવર્સિટીમાં હતો ત્યારે હું જીવનનાં બધાં ક્ષેત્રોના ઘણા અમેરિકનોને મળ્યો હતો. તે ખૂબ જ મદદગાર હતા. હું ઘણા દાખલા આપી શકું..થોડાક અહીં આપ્યા છે. જ્યારે અમેરિકન અને ભારતીય મિત્રોને ખબર પડી કે મંજુલા આવવાની છે અને અમારે ઘણી ઘરગથ્થુ ચીજો ખરીદવાની જરૂર પડશે ત્યારે.બધાએ અમને ફર્નિચર, ઉપકરણો, વાસણ, તાસકો અને હિના માટે પારણું લાવવામાં મદદ કરી.
આંતરરાષ્ટ્રીય છાત્ર સંઘ ગામ છોડીને જતા વિદ્યાર્થીઓ કે પ્રોફેસરો જે ચીજો છોડીને જતા હોય કે જે ચીજોની તેમને જરૂર ન હોય એવી ચીજોને ભેગી કરતો એટલે ઘણી બધી ચીજો છાત્ર સંઘમાંથી આવી. ઘણી ચીજો જાહેર જનતા કે સ્ટોરવાળાએ ભેટમાં આપેલા બૉક્સમાં હતી. અમારા પાડોશીઓએ મંજુલાને બાળકની સંભાળ લેતાં શીખવામાં મદદ કરી કારણ કે નવા દેશમાં એવી ઘણી બધી જરૂરિયાતો હતી જે ભારતમાં કદી સાંભળી ન હતી. જ્યારે પણ અમારે કંઈક મદદ કે માહિતી જોઈતી હોય ત્યારે સ્ટોરમાં, શેરીમાં કે બીજી જગાએ ઘણા લોકો પાસેથી મળી રહેતી. વધારાનો ચાર્જ લીધા વગર સ્ટોરવાળાએ કરિયાણું અમારા ઘરે પહોંચાડ્યું. સામાન પહોંચાડનાર કેટલાક છોકરાઓ, ખાસ કરીને વિદ્યાર્થીઓ, અમારે બરફ કે વરસાદમાં ચાલવું ન પડે એટલે પોતાનું કામ મૂકીને પણ અમને સ્ટોરમાં જવા-આવવા માટે રાઈડ આપતા. રસદાયક વાત એ છે કે મોટા ભાગની ભારતીય મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ સાડી કે બીજો ભારતીય પોશાક પહેરતી એટલે ખબર પડી જાય કે તે ભારતીય છે. જો અમને સ્ટોરમાં કે બીજે જવા ચાલતા જુએ તો ગાડી ઊભી રાખે અને એમના રસ્તા પર ન આવતો હોય તો પણ સ્ટોર પર જવા રાઈડ આપે.
મારી પ્રયોગશાળામાં ટેક્સાસની અમેરિકન સાથી વિદ્યર્થીની શ્રીમતી મેરી લીન જોન્સન હતી. તે અને તેનો પતિ જિમ્મી જોન્સન બન્ને પીએચ.ડી.નાં વિદ્યાર્થી હતાં અને ગામમાં જ બે યુવાન બાળકો સાથે રહેતાં હતાં. 1968માં મંજુલા મારી સાથે રહેવા આવી પછી મૅરીએ અમને શિયાળાની મધ્યમાં કે જ્યારે રસ્તા પર કેટલાક ઈંચ જાડો બરફનો થર જામેલો હતો ત્યારે કરિયાણાસ્ટોર તરફ ચાલીને જતા જોયા. બીજે દિવસે જિમ્મીનો ફોન આવ્યો અને એણે કહ્યું કે શિયાળામાં સાઈડવૉક પર ચાલવું પણ જોખમકારક છે અને અમારે ગાડી ખરીદવી જોઈએ. મેં એને કહ્યું કે મને ગાડી ચલાવતાં નથી આવડતું કે નથી મારી પાસે ડ્રાઈવિંગ લાયસન્સ. વધુમાં ગાડી ખરીદવા માટે પૈસા નથી અને મને ખબર પણ નથી કે કઈ ગાડી ખરીદવી. એણે કહ્યું કે ચિંતા ન કર. બીજા અઠવાડિયે જિમ્મી અને મૅરી લીન અમારે ઘેર આવ્યા અને મર્ક્યુરી કોમેટ ગાડી અમારા ઘરની સામે ઊભી રાખી. જિમ્મીએ કહ્યું કે તેણે એક વપરાયેલી પણ સારી રીતે ચાલતી ગાડી અમારા માટે ખરીદી હતી અને જ્યાં સુધી પોસાય નહિ ત્યાં સુધી પૈસા પાછા આપવાની ચિંતા કરવાની નહિ. હું મારી પોતાની ગાડી હોય, અને એ પણ મોટી રકમ આપ્યા વિના એ વાત માની શક્યો નહિ કારણ કે ભારતમાં તો મોટા ભાગના લોકો માટે તે સ્વપ્ન હતું. મારી પાસે એનો આભાર માનવા માટે શબ્દો ન હતા. બીજે દિવસે બીજા પાડોશીએ મને ડ્રાઈવિંગના પાઠ આપવાના શરૂ કર્યું અને અમને લાઈસન્સ મેળવવામાં મદદ કરી. પછી જિમ્મીએ મને કહ્યં કે તેણે ગાડી ૧૨૫ ડોલરમાં ખરીદી હતી. મેં લગભગ છ મહિનામાં એના પૈસા પાછા આપ્યા.
અમે પેન સ્ટેટ અને પછી ટોલેડો, ઓહાયોમાં હતા એ દરમિયાન એ ગાડી ત્રણ વર્ષ વાપરી. એ વખતે ગાડીમાં બાંકડા જેવી સીટો હતી ( આજની ગાડીઓમાં હોય છે એવી પોચી સીટો નહિ ) અને એ પણ બેલ્ટ વગરની. વિન્ડશિલ્ડ જ્યારે ચાલતાં હોય ત્યારે એક જ ગતિથી ચાલે. પાવર સ્ટિયરીંગ ન હતું. બેબીસીટને બાંધી રાખવા માટે સગવડ ન હતી. એન્જીન ઓઈલનું સ્તર અને ટાયરમાં હવાનું દબાણ જ્યારે પેટ્રોલની ટાંકી ભરાવીએ ત્યારે ચેક કરાવવાનું. ૨૫,૦૦૦ માઈલ ચલાવ્યા પછી ગાડીનો સ્પાર્ક પ્લગ બદલવો પડે અને ગાડીને ટ્યુન અપ કરાવવી પડે. શિયાળો આવે એટલે ઉનાળનાં ટાયર બદલીને બરફ માટેનાં ટાયર લગાવવાં પડે. જેમ જેમ જરૂર પડી તેમ તેમ આ બધું અમે જાતે કરતાં શીખ્યા. ઘણીવાર ગાડી રસ્તા વચ્ચે બંધ પડી જાય, ખાસ કરીને શિયાળામાં જ્યરે રસ્તા બરફથી ઢંકાઈ ગયા હોય. પણ બીજા વાહનચાલકો ગાડીને ચાલુ કરવા ધક્કો મારતાં ખંચકાય નહિ. જાતે પેટ્રોલ ભરી શકાય એવા પેટ્રોલપંપ ન હતા એટલે ત્યાંનો માણસ ટાંકી ભરી આપે અને અગાઉ જણાવેલ સેવા પણ આપે. એ વખતના બહુ જાણીતા સ્ટોર હતા સીઅર્સ અને રોબક તથા “ડાઈમ સ્ટોર” કહેવાતા ક્રેસ્ગી અને વુલવર્થ. આવા સ્ટોરોમાં ખરીદી કરવી એ પણ અનોખો અનુભવ હતો.
નાતાલ, થેંક્સગિવિંગ, સ્વતંત્રતાદિન વિ. જેવી રજાઓમાં મિત્રો, સાથી વિદ્યાર્થીઓનાં માતાપિતા, પ્રોફેસરો વિ. પોતાને ઘેર અથવા બહારની પાર્ટી કે પિક્નિકમાં બોલાવે. અમને નાતાલ વખતે સ્થાનિક દેવળમાં ચર્યસર્વિસ કે મધ્યરાત્રિના માસમાં હાજરી આપવા બોલાવે. ખ્રિસ્તી ધર્મ વિષે જાણવાનો આ એક અનોખો અનુભવ હતો. એક નોંધઃ અમારું ધર્મપરિવર્તન કરાવવા માટેની મનિષા કે દબાણ કરવાનું ધ્યેય ન હતું. તેઓ મોટે ભાગે હિંદુધર્મ વિષે વધુ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરતા અને હિંદુધર્મના રીતરીતરિવાજોનો આદર કરતા. આવા મિલનસમારંભ લોકોને મળવાનાં અને અમેરિકાના સામાન્ય રહેવાસીનું જીવન તેમજ અમેરિકન સમાજ વિષે ઘણું બધું જાણવા માટેનાં સરસ સ્થળ હતાં. યુનિવર્સિટી સ્ટાફ ( પ્રોફેસરો, મંત્રીઓ, વિદ્યાર્થીઓ અને કેમ્પસના સેવકો )ની આતિથ્યભાવના અને ઉદારતાના આ થોડાક દાખલા છે.
મેં માર્ચ, ૧૯૭૦માં પીએચ.ડી.ની પદવી માટેની જરૂરિયાતો પૂરી કરી અને ટોલેડો,ઓહાયોમાં મિડલેન્ડ રોસ કોર્પોરેશનના સરફેસ કમ્બશન વિભાગમાં કામ કરવા માટે જવા નીકળ્યો.
ક્રમશઃ
