બીરેન કોઠારી
હિન્દી ફિલ્મી ગીતોને આરંભિક દાયકાઓમાં મળેલી અપરંપાર લોકપ્રિયતા કદાચ એ સમયની ફિલ્મોમાં એવાં લોકપ્રિય ગીતોની પેરડીનું કારણ બની હશે એમ લાગે છે. જોવાની વાત એ છે કે એ સમયે કદાચ જે લોકપ્રિયતા કામચલાઉ લાગી હોઈ શકે એ ગીતો ખરેખર તો સદાબહાર છે, અને આજે પણ સાંભળવાં એટલાં જ ગમે છે.
૧૯૪૮માં રજૂઆત પામેલી, ‘કશ્મીર ફિલ્મ્સ’ નિર્મિત, અરવિંદ સેન રાય દિગ્દર્શીત ફિલ્મ ‘હીપ હીપ હુર્રે’ યાને ‘ચૌબેજી’માં એક પેરડી ગીતની મેડલી હતી. આ ફિલ્મનાં ગીતો ગોપાલસિંહ નેપાલી અને મોતી બી.એ. દ્વારા લખાયેલાં, જ્યારે સંગીતકાર હતા પં. હનુમાન પ્રસાદ. દીક્ષિત, બલવંત સિંહ, નવિન યાજ્ઞિક, બિરૂપા રાય, કુમકુમ, ભૂદો અડવાણી, ગોપ વગેરે કલાકારો તેમાં હતા. બન્ને ગીતકારોમાંથી આ પેરડી ગીત કોણે લખ્યું એ ખ્યાલ આવતો નથી, પણ ગીતનાં ગાયકો હતા રાજકુમારી, જી. એમ.દુર્રાની, ઝોહરાબાઈ અંબાલેવાલીઅને સાથીઓ. ગીતના શબ્દો છે ‘એક દિલ મેરા, એક દિલ મેરા’.
મુખડા પછી મેડલી શરૂ થાય છે. ‘એક દિલ મેરા, એક દિલ મેરા’ ગીત પછી ‘દર્દ’ના ગીત ‘અફસાના લિખ રહી હૂં‘ (1) ની પેરડી છે. એ પછીનું ગીત છે ‘ગયા જમાના લૂટ કા’ (2). આ કયા ગીતની પેરડી છે એ ખ્યાલ આવતો નથી. ત્યાર પછીનું ગીત છે ‘દૂર દૂર સે કરું ઈશારે’, જે ‘અનમોલ ઘડી’ના ગીત ‘ઉડનખટોલે પે ઉડ જાઉં‘(3)ની પેરડી છે. એના પછી ‘ગલતફહમી મેં મત પડ જાના’ ગીત ‘રતન’ના ‘અંગડાઈ તેરી હૈ બહાના‘(4)ની પેરડી છે. ત્યાર પછીના ગીતના શબ્દો ‘દિલ લે કે ભાગા, દગા દે કે ભાગા‘(5) ખરેખર તો પેરડી નથી, પણ ‘નદીયા કે પાર’ના ગીતના જ શબ્દો યથાતથ છે. એ પછી ‘મૈં તો થાને મેં રપટ લિખવાઉં રી’ ગીત ‘ઝૂલા’ના અતિ લોકપ્રિય ગીત ‘મૈં તો દિલ્લી સે દુલ્હન લાયા રે બાબુજી‘(6)ની પેરડી છે. એ પછી ફરી એક વાર ‘દિલ લે કે ભાગા’ શબ્દો પછી તરત ‘જાયેગા જાને ના દૂંગા’ ગીત ‘રતન’ના ‘અખિયાં મિલાકે જીયા ભરમા કે, ચલે નહીં જાના‘(7)ની પેરડી છે. આના પછીના શબ્દો ‘આંખો સે પાની બહતા હૈ, દિલ રો રોકર યે કહતા હૈ’ પેરડી નથી, પણ ‘રતન’ના ગીત ‘જબ તુમ હી ચલે પરદેસ‘(8)ના એના એ જ શબ્દો છે. ત્યાર પછી ગીત શરૂ થાય છે’ ગલી પાર કર કે’, જે ‘સફર’ના ગીત ‘કભી યાદ કરકે‘(9)ની પેરડી છે. એ પછીના શબ્દો છે ‘મોહે છોટા સા ધૂન(?) લગે પ્યારા’ જે ‘બેલા’ના ગીત ‘મોહે બાંકા બાલમ લગે પ્યારા‘(10)ની પેરડી છે. ત્યાર પછી ‘છુપ ન સકોગે, અજી તુમ છુપ ન સકોગે’ ગીત ‘બંધન’ના ‘કૈસે છુપોગે અબ તુમ કૈસે છુપોગે‘(11)ની પેરડી છે. એ પછીનું ગીત ‘આવાઝ દે કહાં હૈ, દંડા મેરા જહાં હૈ’ ફિલ્મ ‘અનમોલ ઘડી’ના અમર ગીત ‘આવાઝ દે કહાં હૈ‘(12)ની પેરડી છે. ત્યાર પછીના શબ્દો છે, ‘દિલ હમારે પાસ હૈ, જલનેવાલે જલા કરે’, જે ‘ખીડકી’ના ગીત ‘કિસ્મત હમારે સાથ હૈ‘(13)ની પેરડી છે. એ પછીનું ગીત ‘મારી કુલ્હાડી મર જાના’ ફિલ્મ ‘શહનાઈ’ના ગીત ‘મારી કટારી મર જાના‘(14)ની પેરડી છે. આના પછીના શબ્દો બરાબર પકડાતા નથી, પણ ‘બંદૂકોં સે ના કામ લિયા’ ખ્યાલ આવે છે. આ ‘ઝીનત’ની મશહૂર કવ્વાલી ‘આહેં ન ભરી, શિકવે ન કિયે‘(15)ની પેરડી છે. એ પછી ‘દેખો જી ન મારુંગી’ ગીત ‘કિસ્મત’ના અતિ ખ્યાત ‘દૂર હટો એ દુનિયાવાલોં‘(16)ની પેરડી છે. ત્યાર પછીનું ગીત ‘ઈસ ભીડ કે ટુકડે દૂર કિયે’ ‘પ્યાર કી જીત’ના ગીત ‘ઈક દિલ કે ટુકડે હજાર હુએ‘(17)ની પેરડી છે. એ પછી ‘હમ પ્રેમ કે કૈદી કો’ ગીત ‘દર્દ’ના ગીત ‘હમ દર્દ કા અફસાના‘(18)ની પેરડી છે. ત્યાર પછી આવતું ગીત ‘ધીરે ધીરે આ રે દરોગા’ ફિલ્મ ‘કિસ્મત’ના અતિ જાણીતા ગીત ‘ધીરે ધીરે આ રે બાદલ‘(19)ની પેરડી છે. એના પછી ‘જાઓ જાઓ એ બીચવાલોં’ ‘પૂરણ ભગત’ના ગીત (ભજન) ‘જાઓ જાઓ એ મેરે સાધુ‘(20)ની પેરડી છે. એ પછી ‘ચલે મેરી દુનિયા કો આબાદ કર કે’ ગીત ફિલ્મ ‘દર્દ’ના ‘ચલે મેરી દુનિયા કો બરબાદ કરકે‘(21)ની પેરડી છે. સૌથી છેલ્લું ગીત ‘મેરે હાથ ન આયે હાયે’ ફિલ્મ ‘શાહજહાં’ના ગીત ‘જબ ઉસને ગેસૂ બિખરાયે‘(22)ની પેરડી છે.
આમ, જોઈ શકાય છે કે આ ગીત ઘણું લાંબું છે, અને તેમાં બધું મળીને કુલ બાવીસ ગીતોની પેરડી છે. હિન્દી ફિલ્મ ગીતકોશમાં આ ગીત કુલ ત્રણ ભાગમાં બતાવ્યું છે, જે લીન્કમાં સળંગ રીતે મૂકાયું છે.
આ ગીતમાળાના ૨૨ ગીતોમાં ‘દર્દ’, ‘અનમોલ ઘડી’, ‘રતન’. ‘શાહજહાં’ ના સંગીતકાર નૌશાદ હતા. ‘સફર’, ‘શહનાઈ’, ‘ખીડકી’ના સંગીતકાર સી.રામચંદ્ર છે. ‘બંધન’ અને ‘ઝૂલા’નાં સંગીતકાર સરસ્વતીદેવી છે. ‘કિસ્મત’ના સંગીતકાર અનિલ બિશ્વાસ, અને ‘પ્યાર કી જીત’ના સંગીતકાર હુસ્નલાલ-ભગતરામ તથા ‘ઝીનત’ના સંગીતકાર મીરસાહબ તેમજ હાફીઝખાન છે.
આ મેડલી સાંભળતાં કંઈક અંદાજ આવે છે કે ચાલીસના દાયકાનાં કેટલાક લોકપ્રિય ગીતો કયાં હતાં. બીજી વાત એ કે આમાં મોટે ભાગે ગીતોનાં મુખડાં જ છે.
નીચેની લીન્ક પર આ ગીતમાળા સાંભળી શકાશે.
(લીન્ક: યૂ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
