૧૯૬૦થી ૧૯૭૦ના દશકનું પત્રકારિત્વ બહુ કૌવતવાળું હતું એમ મારી એ સમયની સમજ પરથી લાગ્યું છે. એ સમયના નાનપોરિયા, ફ્રેન્ક મોરાયસ કે શામલાલ જેવા દિગ્ગજ પત્રકારોની કોલમ મન પર અમીટ છાપ મૂકી ગઈ છે. આવા કોઈ મહાન પત્રકારની કોલમ ન હોવા છતાં એક નિયમિત ફીચરની ધૂંધળી છાપ મન પર છે. એ છાપ છે ફ્રી પ્રેસ જર્નલની રવિવારની પૂર્તિમાં પ્રગટ થતી આર. પી. ઐયરની કોલમ Whispering Gallery ની.
આ કોલમ ખૂબ પ્રસિદ્ધ થઈ હતી અને આર. પી. ઐયર આરપી (ARPEE ) ના તખલ્લુસથી જાણીતા લેખક પણ લોકપ્રિય થયા હતા. તેઓ વિભિન્ન વિષયોનું વિસ્તૃત જ્ઞાન ધરાવતા હતા. એ કટારમાં ઐતિહાસિક પ્રસંગો, રાજકીય જાણકારી અને ભારતની સ્વાતંત્ર્ય ચળવળ અને તેના અગ્રણી નેતાઓની પડદા પાછળની ઓછી જાણીતી વાતો વાંચવા મળતી. લંડનનાં સેન્ટ પોલ કેથિડ્રલ કે ભારતના ગોળ ગુંબજનો ધીમો ગણગણાટ સ્પષ્ટ રીતે બીજી બાજુ સંભળાય એવી રીતે આ કટારમાં રાજકીય કે બીજી ‘ગુસપુસ‘ અને સત્તાની પરસાળ માંહેની, અંદરની વાતો, અફવાઓ રજૂ થતી.
નાનકડી કટાર કહો કે હળવી ટૂંક નોંધ કહો,આપણે ઘણે અંશે, લગભગ આ રીતે, વિષયના બંધન વિના જ અલકમલકની નાની વાતો કરશું.
નરેશ પ્ર માંકડ
મુદ્રણ દોષ – પંડિતનું થઈ ગયું બેન્ડિટ
પડઘાતી દીર્ઘાનો આરંભ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુથી કરીએ.
નહેરુ અદ્ભૂત પ્રતિભા ધરાવતા વિચારશીલ, પ્રખર બુદ્ધિશાળી, સમર્થ લેખક, અને સ્વપ્નદર્શી નેતા હતા, તેમ તરવરાટીયા, આનંદી, રમૂજી, નિર્દોષ, રોમેન્ટિક, અને તરત મગજ ગુમાવી બેસે એવા ગુસ્સાવાળા પણ હતા.
નહેરુ ઈંગ્લેન્ડમાં ભણેલા, કેટલાંય વર્ષો ત્યાં રહેલ અને ત્યાંના બહોળા સંપર્ક ધરાવનારા હતા, એ બધાં કારણોને લઈને વડા પ્રધાન બન્યા પછી કોમનવેલ્થ કોન્ફરન્સમાં હાજરી આપવા નિમિત્તે ગોઠવાયેલી એમની પહેલી ઈંગ્લેન્ડની યાત્રા કુતૂહલ અને રસ ઊભો કરતી હતી. ઘણા લોકો આતુરતાથી તેના પર નજર રાખી રહ્યા હતા. એ સમયે કૃષ્ણ મેનન ઈંગ્લેન્ડમાં ભારતના એલચી હતા અને ખુશવંતસિંહ એલચી કચેરીનો પ્રેસ વિભાગ સાંભળતા હતા. ખુશવંતસિંહ જેવા લોકોનો તો નહેરુની રોમાંટિક છબી અને પ્રચલિત કથાઓને પ્રસિદ્ધ કરવામાં મોટો ફાળો રહ્યો હતો.
આ અવસરના અનુસંધાનમાં નહેરુના આગમન પહેલા ઈંગ્લેન્ડની ભારતીય એલચી કચેરીએ ઈન્ડિયા ન્યૂઝ નામનું મેગેઝિન (ટેબ્લોઇડ) બહાર પાડવાનું નક્કી કર્યું.
એના પહેલા પૃષ્ઠની મુખ્ય શીર્ષપંક્તિ હતી ” પંડિત નહેરુ ઈંગ્લેન્ડમાં”. જ્યારે પ્રૂફ સુધારવા માટે મોકલાયાં ત્યારે પંડિત ના P ની બદલે B જોવા મળ્યો: Bandit (બહારવટિયો) Nehru in London.
પ્રકાશક અને મુદ્રક દ્વારા ક્ષમાયાચના બાદ ભૂલ તો સુધારી લેવાઈ. પણ પછી થયું એવું કે બરાબર વડાપ્રધાનના આગમન પહેલાં મુદ્રણાલયમાં ટાઈપ સેટરે ‘સુધારો‘ કરી નાખ્યો અને ‘P ‘ ની જગ્યાએ ફરી B મૂકી દીધો !
છેવટે આ ટેબ્લોઇડ છાપવાનું કામ જ પડતું મૂકવામાં આવ્યું.
શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
