દીવામાં તેલ પૂર્યુ છે: કવિ શ્રી દિનેશ ડોંગરે ‘નાદાન’
 
હવે આ દીપ ઝળહળશે, દીવામાં તેલ પૂર્યુ છે;

સતત અંધાર ઓગળશે, દીવામાં તેલ પૂર્યુ છે.ખુલી જાશે દિશાઓ સાવ મારગ સાફ દેખાશે;
પછી મંઝિલ સહજ મળશે, દીવામાં તેલ પૂર્યુ છે.

ઉગેલો સૂર્ય પણ ચાલ્યો હવે અસ્તાચળે પાછો
ફરીથી સાંજ આ ઢળશે, દીવામાં તેલ પૂર્યુ છે.

નિરાશાઓને ખંખેરી ઊભો થઇ ચાલજે આગળ
નવી આશાઓ સળવળશે, દીવામાં તેલ પૂર્યુ છે.

તમે તો‌ માહ્યલાને ખૂબ ભારેખમ કર્યો “નાદાન”;
અહમનું મીણ પીગળશે, દીવામાં તેલ પૂર્યુ છે.


એક વેદનાઃ સિતાંશુ યશશ્ચંદ્ર
વેદના, તું અંધ ના કર; વેદના, તું નેત્ર દે.
કોડિયાં ધારી લીધાં બત્રીસ કોઠે, લે હવે
આવ તું, પેટાવ તું, ઝળહળ બનાવી દે મને
તેજમાં સુખચેનની ચીજો જ દીઠી ચારેગમ,
તું બતાવે તો મને દેખાય અજવાળાં સ્વયમ્
ભીંત ગાયબ થાય ચિત્રે, એવું ભિત્તિચિત્ર દે. વેદના...

તું ન કારાગાર થા, થા એક અણધાર્યો પ્રવાસ,
ક્યાં જવું, ક્યાં થઈ જવું, કે કઈ રીતે - નક્કી ન ખાસ.
એટલું નિશ્ચિત કે જ્યાં છું ત્યાં નથી રહેવું હવે,
થીજવ ના, પીગળાવ તું, મારે સભર વહેવું હવે
કોક સાવ અજાણ જણ પર એક ભલામણ-પત્ર દે. વેદના...

તો પછી પહોંચાડ, પીડા, ભાનના એવે સીમાડે,
કે પછી કોઈ સીમાડો ક્યાંય તે આવે ન આડે.
ને વતન થઈ જાય મારું, સૃષ્ટિનું સહુ પરગણું,
દઈ શકે તો દે મને એક જ્ઞાનીનું પાગલપણું,
અગન પંપાળી શકે એવો પ્રસન્ન કરાગ્ર દે. વેદના..