ધિક્કારનાં ગીતો
પ્રેમનું પ્રકરણ પૂરૂં થતાં પહેલાં સુખનો જે અનુભવ કરાવે છે તે બદલ આભારી રહેવું એ છે સ્વસ્થ અભિગમ.
દીપક સોલિયા
લાઇફમાં લોચા તો પડે. પણ પછી લોચામાં જ ન પડી રહેવાનું હોય. લોચાને પાછળ છોડીને આગળ વધી જવાનું હોય. ફૂલ ન મળે અને કાંટા મળે તો પછી કાંટા જ ભલે… ફિલ્મ અનોખી રાત માટે ગીતકાર કૈફી આઝમીએ લખેલા ગીતમાં કહ્યું છે તેમઃ મિલે ના ફૂલ તો કાંટો સે દોસ્તી કર લી.
આ ફિલ્મમાં અને આ ગીતમાં વાત એવી છે કે એક અમીર પ્રૌઢ પૈસાના જોરે એક જુવાન છોકરીને પરણવા થનગની રહ્યો છે. છોકરી જાણે છે કે પેલો પ્રૌઢ ફૂલ નથી, કાંટો છે. એટલે ગીતનું મૂખડું કહે છેઃ મિલે ના ફૂલ તો કાંટો સે દોસ્તી કર લી. પણ આમાં આત્મદયા નથી, ગરીબડાપણું નથી. ઉલટાનું ગીતના છેલ્લા અંતરામાં તો અતિ કાળમૂખી ભવિષ્યવાણી ઉચ્ચારવામાં આવી છેઃ
વો જિનકો પ્યાર હૈ ચાંદી સે ઇશ્ક સોને સે
વહી કહેંગે કભી હમ ને ખુદકુશી કર લી
મતલબ કે આ ગીતમાં ‘અબ આગે જો ભી હો અંજામ દેખા જાયેગા’ એવું કહેનારને અંજામની ખબર જ છે કે માત્ર સોના-ચાંદી-પૈસાને પ્રેમ કરનારનું છેવટે આવી બનવાનું છે. જે માત્ર દૌલતનો દીવાનો છે એ જાતે જ ગળામાં ફાંસીનો ફંદો ભરાવે છે, એનો મરો થાય છે.
છોકરી માત્ર પૈસો જોઈને પરણી ગયા પછી પોતે સુખી થાય અને પતિ પણ સુખી થાય એ જરૂરી નથી. ઉલટાનું આવા કજોડામાં બન્ને બહુ દુઃખી થાય તેવી શક્યતા ઊંચી હોય છે. આવું સમજ્યા પછી ખુલ્લી આંખે કોઈ કુવામાં પડે તો ઠીક છે, એના કર્યા એ ભોગવે.
બાકી એક વાત નક્કી છે કે પૈસો લક્ષ્મી છે અને લક્ષ્મી ખરાબ નથી. એ જ રીતે પ્રેમ જીવનનો ધબકાર છે. એ પણ ખરાબ નથી. આવામાં ઘણી વાર એવું બનતું હોય છે કે છોકરી એક વાર હૃદયને અનુસરીને પ્યાર તો કરી બેસે, પણ પછી તેને સમજાય કે પ્રેમી પાસે ફક્ત પ્યાર જ છે, પૈસો નથી ત્યારે તે પીછેહઠ કરવા પ્રેરાઈ શકે છે.
આવા સંજોગોમાં આદર્શ સ્થિતિ તો એ જ છે કે છોકરાએ છોકરીની ચૉઇસનો સ્વીકાર કરવો જોઈએ અને તેના માર્ગમાં અવરોધ પેદા ન કરવો જોઈએ. પણ ઘણા કિસ્સામાં છોકરાઓ આવો સ્વસ્થ અભિગમ અપનાવવાને બદલે આવાં રોતલ ગીતો ગાવા પ્રેરાતા હોય છેઃ
ચાંદી કી દીવાર ન તોડી પ્યાર ભરા દિલ તોડ દિયા
ઇક ધનવાન કી બેટીને નિર્ધન કા દામન છોડ દિયા.
છોકરાની મૂળ ભડાસ એ હોય છે કે છોકરીને પૈસામાં જ રસ હોય તો તેણે પહેલેથી એ વાતે સ્પષ્ટ રહેવું જોઈએ અને મારા જેવા ગરીબ માણસના અરમાનોને બહેકાવવા ન જોઈએ. ઉપર જે મૂખડું નોંધ્યું છે એ ગીતમાં આ ફરિયાદ આ શબ્દોમાં વ્યક્ત કરાઈ છેઃ
કલતક જિસને કસ્મેં ખાઈ દુઃખ મેં સાથ નિભાને કી
આજ વો અપને સુખ કી ખાતિર હો ગઈ એક બેગાને કી
શહનાઈયોં કી ગૂંજ મેં દબ કે રહ ગઈ આહ દીવાને કી
ધનવાનોં ને દીવાને કા ગમ સે રિશ્તા જોડ દિયા.
વો ક્યા સમઝે પ્યાર કો જિનકા સબકુછ ચાંદીસોના હૈ
ધનવાનોં કી ઇસ દુનિયા મેં દિલ તો એક ખિલૌના હૈ
સદિયોં સે દિલ તૂટતા આયા, દિલ કા બસ યે રોના હૈ
જબતક ચાહા દિલ સે ખેલા ઔર જબ ચાહા તોડ દિયા…
પહેલી નજરે આ ફરિયાદ વાજબી લાગે તેવી છે. છોકરો કહે છે કે છોકરીએ વચન આપેલું કે એ દુઃખમાં મારી પડખે રહેશે, પણ એ તો દુઃખ સાથે મારો રિશ્તો જોડીને પોતે બીજે ક્યાંક પરણી ગઈ. એને મન થયું ત્યાં સુધી મારા દિલ સાથે રમી અને પછી મન ઊઠી ગયું ત્યારે એણે મારું દિલ તોડી નાખ્યું.
ટેક્નિકલી આ ફરિયાદ સાચી હોવા છતાં એમાં જે લોચો છે તે એ છે કે છોકરી તો ઠીક, છોકરો પોતે પણ નગુણો તો ખરો જ. અને થોડા સમય માટે જ ભલે, પ્રેમની મોહક દુનિયામાં મહાલવાનો જે અવસર છોકરીએ પૂરો પાડ્યો એનું કંઈ નહીં? ફિલ્મ ચિત્રલેખાના સાહિરે લખેલા પેલા માતબર ગીત -મન રે તૂ કાહે ના ધીર ધરે-માં કહ્યું છે તેમ, ઉતના હી ઉપકાર સમઝ કોઈ જિતના સાથ નિભાયે.
સંગ બે ઘડીનો હોય તો પણ તેનો આભાર માનવાનો હોય. એ સુંદર અવસર આપવા બદલ છોકરાએ પહેલા તો છોકરીનો ઋણસ્વીકાર કરવો જોઈએ અને પછી પોતે અત્યંત અમીર ન બની શકે તો પણ કમસે કમ પત્ની-બાળકોનું ભરણપોષણ કરી શકે એટલી ક્ષમતા અને સજ્જતા કેળવ્યા બાદ નવેસરથી નવી તકની રાહ જોવી જોઈએ. એણે યાદ રાખવું જોઈએ કે લાયકાત મોટે ભાગે એળે નથી જતી.
ટૂંકમાં, ઇશ્ક પણ મહત્ત્વનો છે અને ફાઈનાન્સ પણ મહત્ત્વનું છે. આ લેખશ્રેણીનો આરંભ જે ગીતથી કરેલો તે મુજબ છોકરો જો છોકરી સામે ઇમોસનલ અત્યાચારની ફરિયાદ કરે તો સામે પક્ષે તેણે પણ એ સમજવું જોઈએ કે અપૂરતી આવક પણ છેવટે તો પ્રેમિકા કે પત્ની પરનો ફાઈનાન્શિયલ અત્યાચાર ગણાય.
અને અત્યાચાર ચાહે ઇમોસનલ હોય કે ફાઈનાન્શિયલ, એ ગુજારવાનો કોઈને હક નથી હોતો. આવામાં, જે છોકરો પરિવારને ફાઈનાન્શિયલ સુરક્ષા પૂરી ન પાડી શકતો હોય એ જો પોતાની ગેરલાયકાત છતાં છોકરીને પામવા માટે ધમપછાડા કરે, છોકરી પર ઇમોસનલ અત્યાચાર ગુજારે તો એના પર તો બબ્બે દોષ ચડેઃ ઇમોસનલ-કમ-ફાઈનાન્શિયલ અત્યાચારનો બેવડો દોષ. આવા દોષીએ રોદણાં રડવાને બદલે પહેલાં પોતાના દોષ જોવા જોઈએ. એણે એવી ભીખ ન માગવી જોઈએ કે, વક્ત કરતા જો વફા આપ હમારે હોતે, હમ ભી ઔરોં કી તરહ આપ કો પ્યારે હોતે… આવા રોતલવેડાનો કોઈ મતલબ નથી.
(ક્રમશઃ)
શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com
