ફિલ્મી ગીતોમાં વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
કોઈ પણ જાતિ, પ્રજાતિ, પ્રદેશ, કે પછી દેશ, દરેકની પોતાની આગવી નૃત્ય અને સંગીતની શૈલી હોય છે. શૈલીઓ ચાહે કેટલી પણ અલગ પડતી હોય, તેના બંધારણમાં સંગીતના મૂળભૂત ઘટકો – સ્વર અને તાલ -અચૂક ને અચૂક સમાવિષ્ટ હોય જ છે. એમાં પણ નૃત્ય સાથે તો સ્વર કરતાંયે વધારે મહત્વ તાલનું હોય એમ કહેવામાં અતિશયોક્તિ નથી. આ શ્રેણીમાં અત્યાર સુધી ભારતીય ઉપખંડમાં ઉપયોગે લેવાતાં તાલવાદ્યોનો પરિચય કરતા આવ્યા છીએ. હવે પાશ્ચાત્ય સંગીત સાથે સંલગ્ન એવાં તાલવાદ્યો વિશે વાત કરીએ.
શરૂઆત ડ્રમસેટ, જે સામાન્ય રીતે ડ્રમ્સ નામે ઓળખાય છે, તેનાથી કરીએ. હકીકતે આ કોઈ એક તાલવાદ્ય ન હોતાં ચોક્કસ સંખ્યામાં સાથે વગાડાતાં તાલવાદ્યોનો સમૂહ છે.

તસવીરમાં લાક્ષણિક ડ્રમસેટ જોઈ શકાય છે. પાંચ અલગ અલગ કદની લાકડાની કે ધાતુની નળાકાર ફ્રેમના એક છેડાને ચામડાની કે પ્લાસ્ટીકની બનેલી પાતળી ત્વચા વડે મઢી લેવામાં આવે છે. બીજો છેડો ખુલ્લો હોઈ, જે તે ડ્રમને વગાડવામાં આવે ત્યારે તેના કદના આધારે ચોક્કસ પ્રકારનો અનુનાદીય નાદ ઉત્પન્ન થાય છે. ખાસ નોંધવાલાયક બાબત એ છે કે આ ડ્રમ મોટે ભાગે પાછળથી ખુલ્લાં હોવાને કારણે તેમાંથી રણકાર પેદા થતો નથી, અને માત્ર સપાટી પરથી જ તાલ વાગતો હોય એમ લાગે છે. છતાં તેમાં જે તે ડ્રમની જાડાઈ અનુસાર અલગ અલગ તાલ નીપજે છે. આ ઉપરાંત ડ્રમસેટમાં ધાતુની બનેલી બે ઝાલર (સિમ્બલ) જેવી રચના સમાવિષ્ટ હોય છે, જેની ઉપર પ્રહાર કરવાથી રણકાર જેવો ધ્વનિ નીપજે છે. પાંચ પૈકીના સૌથી મોટા ડ્રમને વાદકાના પગ પાસે ગોઠવવામાં આવે છે, જ્યાં વાદક એક પેડલ સાથે જોડાયેલી દાંડી સાથે જોડાયેલા ઉચ્ચાલનની મદદથી તે ડ્રમ ઉપર પ્રહાર કરી, તેને વગાડી શકે છે. અન્ય ચાર ડ્રમ્સ અલગઅલગ સ્ટેન્ડ પર ગોઠવાયેલાં હોય છે અને વાદક પોતાના હાથમાં રહેલી લાકડાની બનેલી બે દાંડી વડે તેમની પર પ્રહાર કરી, તાલ વગાડે છે. બન્ને ઝાલરને વગાડવા માટે પણ તે બે દાંડીઓ જ ઉપયોગમાં આવે છે. ઘણી વાર દાંડીને બદલે ‘ડ્રમ બ્રશ’ પણ વાપરવામાં આવે છે. ડ્રમ બ્રશનો હાથો મોટે ભાગે રબરનો કે લાકડાનો અને વગાડવાના ભાગે પ્લાસ્ટિક, નાયલોન કે ધાતુના પાતળા તાર હોય છે, જે પીંછી જેવા દેખાય છે. ડ્રમ બ્રશનો તાલ સાવ અલગ પડી આવે છે.

આ થઈ એક સાદા, લાક્ષણિક ડ્રમસેટની રચના. જો કે સમયસમયે તેમાં અનેક ફેરફારો થતા રહ્યા છે. તેમજ વાદકે વાદકે પણ તેમાં ફેરફાર થતા રહે છે.
ડ્રમસેટનાં દરેક ભાગનાં વિશિષ્ટ નામ હોય છે. સૌથી મોટું, ઊભું, પગ વડે વગાડાતું ડ્રમ ‘બાસ ડ્રમ’ અથવા ‘કીક ડ્રમ’ કહેવાય છે. ઓછી જાડાઈ ધરાવતું, પણ સહેજ પહોળું, મધ્યમાં રહેતું ડ્રમ ‘સ્નેર ડ્રમ’ તરીકે ઓળખાય છે, તો સહેજ સાંકડાં, પણ વધુ જાડાઈ ધરાવતાં ડ્રમ ‘ટોમ ટોમ્સ’ અથવા ‘ટોમ્સ’ કહેવાય છે.
સૌ પ્રથમ ડ્રમસેટને વગાડી રહેલા એક વાદકની ક્લીપ જોઈએ, જે સાંભળવાથી વિવિધ કદનાં ડ્રમ, ડિશ, ડ્રમ બ્રશ તેનાં વિવિધ ઘટકોનો ધ્વનિ કેવો હોય છે તેનો ખ્યાલ આવશે.
નીપજતા ધ્વનિને આધારે સિમ્બલનાં વિવિધ પ્રકાર હોય છે, જેમાં ‘ક્રેશ સિમ્બલ’, ‘રાઈડ સિમ્બલ’, ‘હાઈ હેટ્સ’, ‘સ્પ્લેશ સિમ્બલ’, ‘ચાઈના સિમ્બલ’ વગેરેનો સમાવેશ થાય છે. આ પૈકીના ‘હાઈ હેટ સિમ્બલ’ને પગ વડે વગાડી શકાય એ રીતે તેની સાથે પેડલની રચના હોય છે. વિવિધ સિમ્બલના ધ્વનિનું પણ આગવું મહત્ત્વ છે. આ ક્લિપમાં તેના વિવિધ ધ્વનિ સાંભળી શકાશે.
ઊલ્લેખનીય છે કે ખ્યાતનામ અમેરિકન સંગીતશૈલી ‘રોક એન્ડ રોલ’માં ડ્રમસેટ અનિવાર્ય અંગ ગણાય છે. 1950ના દાયકામાં જે હિન્દી ફિલ્મના સંગીતકારોએ આ શૈલીને ગીતોમાં પ્રયોજી એ ગીતોમાં ડ્રમસેટ મહત્ત્વનું તાલવાદ્ય બની રહ્યું. આવા સંગીતકારોમાં ઓ.પી.નય્યર, એન. દત્તા, મર્યાદિત પ્રમાણમાં રવિ અને સી. રામચંદ્ર વગેરેને ગણાવી શકાય.
ડ્રમ સેટ એવું વાદ્ય છે કે જેને હાથમાં પકડીને સહેલાઈથી હેરફેર કરી શકાય નહીં. આથી હિન્દી ફિલ્મોમાં મોટે ભાગે તે કોઈ હોટેલના વાદ્યવૃંદમાં, યા સ્ટેજ પરના કોઈ કાર્યક્રમમાં વગાડાતું બતાવાય છે. અલબત્ત, સામાન્ય ગીતોમાં પણ તેનો ઉપયોગ કરાયેલો હોય છે.
હવે જેમાં ખુબ જ ધ્યાનાકર્ષક ડ્રમ્સ સાંભળવા મળતાં હોય એવાં કેટલાંક ફિલ્મી ગીતો માણીએ.
ફિલ્મ તીસરી મંઝીલ (૧૯૬૬)નાં રાહુલદેવ બર્મનના નિર્દેશનામાં તૈયાર થયેલાં ગીતો વડે હિન્દી ફિલ્મી સંગીતમાં એક નવો દોર શરૂ થયો એવું કહેવાય છે. આ ફિલ્મમાં હીરોને ડ્રમ પ્લેયર બતાવાયો હોવાથી ફિલ્મનાં ઘણાં ગીતોમાં ડ્રમનો ઊપયોગ કરાયો હતો. એ પૈકીના
એક ગીત ‘આજા આજા મૈં હૂં પ્યાર તેરા’ સાથે ડ્રમ્સના તાલ સ્પષ્ટ સંભળાય છે.
https://www.youtube.com/watch?v=EOgirs 8 vE_A&list=RDEOgirs 8 vE_A&start_radio= 1
૧૯૬૭માં રજૂ થયેલી ફિલ્મ એન ઈવનીંગ ઈન પેરીસમાં શંકર-જયકિશનનું સંગીત હતું. તેનું ડ્રમસના તાલ વડે મઢાયેલું ગીત ‘દીવાને કા નામ તો પૂછો’ માણીએ. આ ગીતનું ફિલ્માંકન કોઈ હોટેલમાં કે સ્ટેજ પર નથી, છતાં તેમાં ડ્રમસેટનો ઊપયોગ કરાયો છે. આવાં ઘણાં ગીતો હિન્દી ફિલ્મોમાં છે.
https://www.youtube.com/watch?v=OxAg 62 y 86 VE&list=RDOxAg 62 y 86 VE&start_radio= 1
લક્ષ્મીકાંત-પ્યારેલાલના સંગીત વડે તૈયાર થયેલું એક ગીત સાંભળીએ. આ ગીત ફિલ્મ મેરે હમદમ મેરે દોસ્ત (૧૯૬૮)નું ‘ના જા કહીં અબ ના જા’ છે, જેમાં ડ્રમ્સના બોલ કાને પડતા રહે છે.
https://www.youtube.com/watch?v= 385 FnqstFII&list=RD 385 FnqstFII&start_radio= 1
ફિલ્મ દિલ ઔર મહોબ્બત (૧૯૬૮)નું ગીત ‘હાથ આયા હૈ જબ સે તેરા હાથ મેં’ સાંભળીએ. સંગીત ઓ.પી. નૈયરનું છે.
https://www.youtube.com/watch?v=tZzoHN 3 QxMM&list=RDtZzoHN 3 QxMM&start_radio= 1
ફિલ્મ પ્રિન્સ (૧૯૬૯)ના ગીત ‘મદહોશ હવા મતવાલી ફીઝા’ સાથે મુખ્ય તાલવાદ્ય તરીકે ડ્રમ્સનો ઉપયોગ થયો છે. સંગીત શંકર-જયકિશનનું છે.
https://www.youtube.com/watch?v= 9 uaOTuphHrg&list=RD 9 uaOTuphHrg&start_radio= 1
૧૯૬૯ના વર્ષમાં પરદા પર આવેલી ફિલ્મ તુમ સે અચ્છા કૌન હૈનાં ગીતો શંકર-જયકિશનના નિદેશનમાં તૈયાર થયાં હતાં. આ ફિલ્મના તે અરસામાં ટેલીફોનગીત તરીકે મશહૂર થયેલા ગીત ‘કિસ કો પ્યાર કરું’માં ડ્રમના બોલ અલગ પડી આવે છે. વળી પરદા પર દેખાતા વાદ્યવૃંદમાં ડ્રમવાદક એક કરતાં વધારે વાર નજરે ચડે છે.
https://www.youtube.com/watch?v=maIEWK 7 YI_Y&list=RDmaIEWK 7 YI_Y&start_radio= 1
હવે ૧૯૭૧ની સાલમાં સાંભળવા મળ્યાં હતાં બે એવાં ડ્રમના તાલથી સભર ગીતો માણીએ. આ ગીતોની તાજગી આજે સાડાપાંચ દાયકા પછી પણ બરકરાર છે. આ બેય ગીતો રાહુલદેવ બર્મનના સંગીતનિર્દેશનમાં બન્યાં હતાં. પહેલાં સાંભળીએ ૧૯૭૧ની ફિલ્મ જવાની દિવાનીનું ડ્રમ્સના તાલથી ભરેલું ગીત ‘જાન એ જાં ઢૂંઢતા ફીર રહા’. અને તે પછી ફિલ્મ હરે રામા હરે ક્રિશ્નાનું ગીત ‘દમ મારો દમ’ માણીએ.
https://www.youtube.com/watch?v=V 3 tB 5 Wu 2 ifg&list=RDV 3 tB 5 Wu 2 ifg&start_radio= 1
https://www.youtube.com/watch?v=FgMBDEU 4 emE&list=RDFgMBDEU 4 emE&start_radio= 1
૧૯૭૪ના વર્ષમાં રજૂ થયેલી ફિલ્મ હાથ કી સફાઈની સફળતામાં કલ્યાણજી-આણંદજીના નિર્દેશનમાં બનેલાં તેનાં ગીતોનું મોટું પ્રદાન હતું. આ ફિલ્મના ગીત ‘તુ ક્યા જાને વફા’ સાથે ડ્રમ્સના બોલ સતત સંભળાતા રહે છે.
https://www.youtube.com/watch?v= 4852 SdnESN 0 &list=RD 4852 SdnESN 0 &start_radio=
૧૯૭૯ની ફિલ્મ લહૂ કે દો રંગનું ડૃમ્સના બોલ વડે સજેલું ગીત ‘ચાહીયે થોડા પ્યાર’ માણીએ. સંગીતનિર્દેશન બપ્પી લાહીરીનું છે.
https://www.youtube.com/watch?v=fBfFmzwYeAc&list=RDfBfFmzwYeAc&start_radio= 1
આગળ વધીએ એક એવી ફિલ્મ તરફ, જેના ગીત-સંગીતે ભારતીય ઉપખંડમાં ડીસ્કોયુગ’ કહેવાતા એક સમયગાળાને જન્મ આપ્યો. ૧૯૮૦ના વર્ષમાં આવેલી આ અતિશય સફળ ફિલ્મ એટલે કુરબાની. ગીત છે ‘લૈલા મૈં લૈલા’ અને તેની સાથે રોટોડ્રમ્સ તરીકે જાણીતાં ડ્રમ્સ વાગી રહ્યાં છે. સંગીત તૈયાર કર્યું હતું કલ્યાણજી-આણંદજીએ. આ ગીત માટે તાલની રચના કરી હતી આ સંગીતકાર બેલડીના નાનાભાઈ અને પાશ્ચાત્ય તાલવાદ્યોના કાબેલ વાદક એવા લક્ષ્મીચંદ શાહે, કે જેઓ ‘બાબલા’ તરીકે જાણીતા છે.
https://www.youtube.com/watch?v= 1 i_MwtbXezY&list=RD 1 i_MwtbXezY&start_radio= 1
ઉપર કહ્યું એમ ૧૯૮૦ પછી એક એવો તબક્કો આવ્યો, જેમાં ડીસ્કો સંગીત વડે ફિલ્મને સફળ કરવાના પ્રયત્નો શરૂ થયા. આ દોરમાં એક ફિલ્મ તો ડીસ્કો ડાન્સર(૧૯૮૨) નામથી જ પરદા પર રજૂ થઈ! તેના ખુબ જ લોકપ્રિય બનેલા ગીત ‘કોઈ યહાં આહા નાચે નાચે’માં ડ્રમના તાલ કાને પડતા રહે છે.
https://www.youtube.com/watch?v=bAipM 6942 Xs&list=RDbAipM 6942 Xs&start_radio= 1
ફિલ્મ કયામત સે કયામત તક(૧૯૮૮)નું સંગીત આનંદ-મીલિંદે તૈયાર કર્યું હતું. આ ફિલ્મનું આજે પણ ખુબ જ લોકપ્રિય બની રહેલું ડ્રમ્સના તાલ વડે સજેલું ગીત ‘પાપા કહેતે હૈ બડા નામ કરેગા’ સાંભળીએ.
https://www.youtube.com/watch?v=FEvBiayarlc&list=RDFEvBiayarlc&start_radio= 1
૧૯૯૩ની ફિલ્મ બાઝીગરનું ગીત ‘યે કાલી કાલી આંખેં’ મુખ્યત્વે ડ્રમ્સના તાલથી સજાવાયું છે. સંગીતનિર્દેશન અનુ મલિકનું છે.
https://www.youtube.com/watch?v=KC-DuX 51 NY 0 &list=RDKC-DuX 51 NY 0 &start_radio= 1
આ કડીની આખરમાં ૨૦૦૭ના વર્ષની ફિલ્મ ડોનનું ડ્રમ્સપ્રધાન ગીત ‘આજ કી રાત’ માણીએ. સંગીત શંકર-એહસાન-લોયનું છે.
https://www.youtube.com/watch?v=OXOj 4 bUuzSg&list=RDOXOj 4 bUuzSg&start_radio= 1
આજની કડીમાં અહીં અટકીએ. હવે પછીના હપ્તામાં એક નવા તાલવાદ્ય સાથે આ શૃંખલામાં એક વધુ મણકો જોડીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com
