ગિરિમા ઘારેખાન
ઘણા જૂના સમયની વાત છે. બે ઘોડા હતા. એકનું નામ હતું શૂરો અને બીજાનું નામ હતું વીરો. શૂરો અને વીરો કામ તો જુદું જુદું કરતાં હતા પણ બંને ખાસ મિત્રો હતા. જયારે એમની પાસે કામ ન હોય ત્યારે એમના માલિક એમને છુટ્ટા ફરવા માટે મોકલે. એ વખતે એ બંને એક ઘાસના મેદાનમાં આવીને મળતાં. બંને લીલું લીલું ઘાસ ચરે, વાતો કરે અને ખુશ થઈને પોતાના માલિક પાસે પાછા જાય.
એક દિવસ એવું થયું કે ધોલુ નામનો એક ગધેડો ત્યાં આવી ચડ્યો. એ પણ શુરો અને વીરોની સાથે ત્યાં ઘાસ ચરવા માંડ્યો. ઘાસ ચરતાં ચરતાં એણે આ બંને ઘોડાની વાતો સાંભળી. એ લોકો પોતાના માલિકોના વખાણ કરતાં હતાં. એમને પોતાનું કામ કરવામાં પણ બહુ આનંદ આવતો હતો. ઘોલુને તો પોતાનું કામ જરા પણ ગમતું ન હતું. એનો માલિક એના ઉપર ઘણા બધાં કપડાનું વજન મુકીને એને દૂર નદી કિનારે લઇ જતો. માલિક ત્યાં કપડાં ધુએ ત્યાં સુધી એણે ત્યાં ઊભું રહેવું પડતું. એનો માલિક એને ત્યાંથી જ ઘાસ ખાઈ લેવાનું કહેતો. પછી કપડાં સુકાઈ જાય એટલે એ કપડાં ઊંચકીને એણે ઘેર આવવું પડતું. એ ખૂબ જ થાકી જતો. ક્યારેક તો કંટાળીને રસ્તામાં જ આળોટવા માંડતો. કપડાં ગંદા થઇ જાય એટલે માલિક એને મારતો પણ ખરો. એટલે ઘોલુને એનો માલિક પણ ગમતો ન હતો.
એણે શૂરો અને વીરોને પૂછ્યું, ‘તમારા માલિક તમને શું ખવડાવે છે કે તમે એના આટલા વખાણ કરો છો? ’
શૂરોએ જવાબ આપ્યો, ‘અમારા માલિક અમને સરસ બાજરી, ચણા, વગેરે ખવડાવે છે. એનાથી અમે બહુ મજબૂત અને તાકાતવાળા બનીએ છીએ.’
આ સાંભળીને ઘોલુએ નિસાસો નાખ્યો. એણે તો રોજ નદી પર ઉગેલું ઘાસ ખાઈને પેટ ભરવું પડતું.
પછી એણે પૂછ્યું, ‘તમે બંને કેટલા ખુશ દેખાઓ છો ! તમને તમારા કામનો કંટાળો નથી આવતો ?’
વીરોએ કહ્યું, ‘ના, ના. અમને તો રોજ નવા નવા માણસોને મળવા મળે. અમે એ લોકોને મદદ કરીએ . એ લોકો પણ અમારા માથે હાથ ફેરવે અને અમને વહાલ કરે. અમને તો અમારું કામ બહુ ગમે. કામ હોંશથી કરીએ એટલે એને કરવામાં ના થાક લાગે, ના કંટાળો આવે. ’
ઘોલુએ તો એ બંને ઘોડા સાથે મિત્રતા કરી લીધી. સાંજ પડી. હવે બધાનો ઘેર જવાનો સમય થયો. એટલે ઘોલુએ એના આ નવા મિત્રોને કહ્યું, ‘જુઓ, મારું કામ અને મારો માલિક એટલાં ખરાબ છે કે હું આજે એનાથી ભાગીને અહીં આવી ગયો છું. તમે મને તમારી સાથે લઇ જશો ?’
પછી તો એણે રડતાં રડતાં એના માલિકના મારની અને એને પડતી તકલીફોની વાત એવી રીતે કરી કે શૂરો અને વીરોને એના ઉપર દયા આવી ગઈ. શુરોએ કહ્યું કે હું તો લશ્કરમાં છું. સૈનિકોની સાથે લડવા પણ જવું પડે. એક વાર તો હું બહુ ઘાયલ થઇ ગયો હતો.’ એણે પોતાના શરીર ઉપર પડેલા ઘા નું નિશાન પણ બતાવ્યું. એણે કહ્યું, ‘તને લડાઈનો ડર ના લાગતો હોય તો ચલ મારી સાથે. સામાન ઉપાડવામાં મદદ કરજે. દેશ માટે કામ કરવાનું છે.’
પણ ઘોલુભાઈ તો હતા સાવ ડરપોક. લડાઈનું નામ સાંભળીને જ એના મોતિયા મરી ગયા. એવું કામ તો કેવી રીતે ગમે ? એણે શૂરો સાથે જવાની ના પાડી દીધી. પછી વીરોએ કહ્યું, ચલ, આજે તું મારી સાથે ચાલ. હું કરું છું એ કામ તું પણ કરજે. મારો માલિક તને પણ ખાવાનું આપશે.’
ઘોલુ તો ખુશ થતો થતો વીરો સાથે ગયો અને રાત્રે એની સાથે સૂઈ ગયો. સવારે વહેલા માલિકે બંનેને ઉઠાડી દીધા. સરસ નાસ્તો પણ આપ્યો. પછી વીરોએ કહ્યું, ‘ચલ હવે મારી સાથે કામ કરવા.’
‘ક્યાં?’
ઘોલુને કામ કરવું જરા પણ ગમતું ન હતું.
‘ચલ તો ખરો. માલિક લઇ જાય ત્યાં જવાનું. તને ઘણા બધાં માણસોને મળવાની મજા પડશે.’
ઘોલુના નવા માલિકે પહેલા એને સાફ કર્યો. પછી એના ઉપર સરસ ગાદી મૂકી અને રંગીન કપડું પાથર્યું. ઘોલુ તો નવાં નવાં કપડાં પહેરીને ખુશ ખુશ. એ તો ડોલતો ડોલતો એના નવા માલિક સાથે ચાલ્યો. થોડે આગળ ગયા ત્યાં એણે ઘણા બધાં માણસોને ઊભેલાં જોયાં. એણે વિચાર્યું કે ‘હું તો આ બધાને ‘હોંચી હોંચી ‘કરીને સરસ ગીતો ગાઈને સંભળાવીશ. એ બધાં ખુશ થઇ જશે. માલિક મને હજી વધારે ખાવાનું આપશે.’
એટલામાં તો પેલા માણસો એના માલિકને ઘેરી વળ્યા. ત્યાં બીજા પણ ઘણા ઘોડા ઊભેલા હતા. માણસોને એના માલિક સાથે થોડી વાતો કરી. પછી એ એક માણસને ઘોલુ પાસે લઇ આવ્યો અને એની પીઠ ઉપર બેસાડી દીધો. એની સાથેની એક સ્ત્રી એના થોડા મોટા બાળક સાથે વીરોની પીઠ ઉપર બેઠી.
પીઠ ઉપર એકદમ વજન આવવાથી ઘોલુ તો ગભરાયો. એણે કહ્યું, ‘આ શું ?’
વીરોએ કહ્યું, ‘આપણે આ લોકોને લઈને પેલા પહાડની ટોચ ઉપર જવાનું છે.’
ઘોલુએ ઉપર નજર કરી. બાપ રે ! આ તો કેટલો ઊંચો પહાડ હતો ! ચઢાણ પણ સીધું ! આટલું વજન લઈને છેક ત્યાં જવાનું !
એણે કહ્યું, ‘પણ વીરો, મારાથી તો નહીં ચડાય.’
વીરોએ હસતાં હસતાં કહ્યું, ‘તું નાનો છે અને હજી પહેલો દિવસ છે એટલે તારી ઉપર સાવ પાતળો માણસ બેસાડ્યો છે. મારા ઉપર તો બે જણ બેઠા છે. પણ કંઈ વાંધો નહીં. આજુબાજુની સુંદરતા જોવાની અને ચડવાનું. હું તો એકલો જ ચડી જઈશ. માલિક તારી સાથે રહેશે. પછી નીચે ઉતરીને પાછું ખાવાનું મળશે.’
ઘોલુને ગમ્યું તો નહીં પણ શું થાય ? એ ધીરે ધીરે ઉપર ચડવા માંડ્યો. હવે એને ખાવામાં કોઈ રસ રહ્યો ન હતો. થોડુક જ ચડવામાં તો એ હાંફી ગયો. એ પોતે ઊંચકતો એ કપડાનું વજન હવે એને ઓછું લાગવા માંડ્યું. રોજ રોજ આ કામ કરવાનું ? છેક ઉપર ચડીને નીચે ઉતરવાનું ! વીરો કહેતો હતો કે કોઈક દિવસ તો બે વાર પણ જવું પડે. આ તો બહુ કપરું કામ હતું. અડધે ગયા પછી તો એનાથી વધારે ઉપર ચડવાનું શક્ય જ ન હતું. એટલામાં એની ઉપર બેઠેલો માણસ બે મિનીટ માટે નીચે ઉતર્યો. ઘોલુ આવી જ કોઈ તકની રાહ જોતો હતો. એણે તો ત્રાંસા નમીને ગોદડી અને કપડું નીચે ફેંકી દીધા અને જાય ભાગ્યો. માલિક એને પકડે એ પહેલા તો એ તળેટીમાં અને પછી ત્યાંથી ય આગળ દોડી ગયો હતો. એને પાછળ વીરોનો ખડખડાટ હસવાનો અવાજ સંભળાતો હતો.
ઘોલુએ તો પાછળ જોયા વિના જે દોટ લગાવી તે સીધો એના માલિકના બારણે જઈને ઊભો રહ્યો. એ સમજી ગયો હતો કે ઘોડા જે કામ કરતા હતા એ એનાથી ન થઇ શકે. જેનું કામ જે કરે. પાછું હવે શૂરો અને વીરોના પ્રમાણમાં તો એને પોતાનું કામ ઘણું સારું લાગ્યું. કપડાંનું તો શું વજન જ હોય ! બપોરે નદી કિનારે ઠંડી હવામાં ઊભું રહેવાનું, મરજી પડે એટલું લીલું લીલું ઘાસ ચરવાનું અને સાંજે ઘેર આવી જવાનું. હવે એને પોતાનું કામ ગમવા માંડ્યું અને એ બરાબર કામ કરવા માંડ્યો. એટલે માલિક પણ એનાથી ખુશ રહેતો હતો.
ઘોલુ હવે રોજ આનંદમાં રહેવા માંડ્યો.
ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯
