ફિલ્મી ગીતોમાં વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
ગઈ કડીમાં આપણે લાક્ષણિક ડ્રમ સેટનો પરિચય મેળવ્યો ત્યારે અહીંથી કહ્યું હતું કે સમય વિતવાની સાથે આ તાલવાદ્યનાં અલગઅલગ સંસ્કરણો ઉપલબ્ધ થતાં રહ્યાં છે. જો કે મૂળભૂત રચના અને વગાડવાની પદ્ધતિમાં ફેરફાર જોવા મળતા નથી. આજે હાલના સમયમાં જે વ્યાપક રીતે ઉપયોગે લેવાય છે તે રોટોડ્રમ તરીકે જાણીતા સંસ્કરણનો આછો પરિચય કેળવીએ.

ઉપર જોઈ શકાય છે તેમ વિવિધ કદનાં ડ્રમ્સને એક અથવા વધુ સ્ટેન્ડ પર દરેક ડ્રમ તેની ધરી પર ગોળ ફરી શકે તેવી રીતે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. તાલની જરૂરી તીવ્રતા મુજબ વાદક જે તે ડ્રમને ગોળ ફેરવીને જોઈતો સ્વર ઉત્પન્ન કરી શકે છે. નીચેની ક્લિપ જોતાં તેની વાદનપદ્ધતિ સમજી શકાશે.
નોંધીએ કે પરંપરાગત ડ્રમ્સ અને રોટોડ્રમ્સના તાલસ્વર વચ્ચેનો તફાવત સહેલાઈથી પારખી શકાતો નથી. માટે અહીં તેનો ઉપરછલ્લો પરિચય માત્ર આપ્યો છે.
હવે વધુ કેટલાંક ડ્રમ્સના તાલ ધરાવતાં ફિલ્મી ગીતો સાંભળીએ.
ફિલ્મ આશા (૧૯૫૭)ના ચિરયુવાન ગીત ‘ઈના મીના ડીકા’ ના વાદ્યવૃંદમાં ડ્રમ્સનો ઉપયોગ સ્પષ્ટ જણાઈ આવે છે. સંગીત સી. રામચંદ્રનું છે.
https://www.youtube.com/watch?v=rY0Li5QtELQ&list=RDrY0Li5QtELQ&start_radio=1
૧૯૫૯ના વર્ષમાં પરદા પર આવેલી ફિલ્મ દિલ દે કે દેખોનાં ગીતો બે રીતે મશહૂર થયાં હતાં- એક તો તેમના માધુર્યને લીધે અને બીજુ કારણ એ હતું કે તે ફિલ્મનું સંગીત એક મહિલા- ઉષા ખન્ના -એ તૈયાર કર્યું હતું. આ ફિલ્મના ટાઈટલ ગીત ‘દિલ દે કે દેખો’ સાથે ડ્રમ્સના તાલ સાંભળી શકાય છે. પરદા પર નાયક શમ્મી કપૂર ડ્રમ્સ વગાડતા જોઈ શકાય છે.
હવે સાંભળીએ ફિલ્મ ચાઈના ટાઉન (૧૯૬૨) માટે રવિએ સ્વરબદ્ધ કરેલું યાદગાર ગીત ‘બાર બાર દેખો’, જે ડ્રમ્સના તાલથી ભરેલું છે. અત્રે નોંધીએ કે ગીતની શરૂઆતમાં પરદા પર એક જમાનાના વાદ્યવૃંદના બે મહારથીઓની ઝાંખી જોવા મળે છે. ડ્રમ્સ પર બરજોરજી (બુજી) લોર્ડ છે અને એકોર્ડીયન વગાડી રહેલા કલાકાર છે ગૂડી સરવાઈ. આ ગીતને ધ્યાનથી સાંભળતાં એક ખાસ ધ્વનિ કાને પડે છે, જે ડ્રમ બ્રશ તરીકે જાણીતી સ્ટીક વડે વગાડી શકાય છે.
https://www.youtube.com/watch?v=t7tTei9K0WY&list=RDt7tTei9K0WY&start_radio=1
૧૯૬૧ની સાલમાં રજૂ થયેલી ફિલ્મ મિ. એક્સનું ડ્રમ્સના તાલ વડે સજેલું ગીત ‘લાલ લાલ ગાલ’ સાંભળીએ. આ ફિલ્મમાં એન.દત્તા નામના પ્રમાણમાં ઓછા જાણીતા સંગીતકારનું સ્વરનિયોજન હતું.
ડૃમ્સની ખાસિયત (કે ખામી) એ છે કે તેમાં અનુનાદિય બોલ (Resonant Sound)ને અવકાશ હોતો નથી. આથી વાદક તેને વગાડતી વખતે અલગઅલગ રીતે વૈવિધ્ય લાવવાનો પ્રયત્ન કરે છે. ખાસ કરીને તેના તાલપ્રવેશ એટલે કે પીકઅપ વખતે વાદક આવા પ્રયોગો કરે છે. હિન્દી ફિલ્મોમાં, ખાસ કરીને શંકર-જયકિશન અને ઓ.પી.નૈયરનાં સ્વરબદ્ધ કરેલાં ગીતોમાં આ તરકીબની અજમાયેશ સાંભળી શકાય છે. ઓ.પી.નૈયરે અનેક ગીતોમાં પૂર્વ અને પશ્ચિમના તાલનું મિશ્રણ (Fusion) કર્યું છે, કારણ કે આવાં ગીતોમાં થતો તાલપલટો કાન તરત પારખી શકે છે. ફિલ્મ ફીર વોહી દિલ લાયા હૂં (૧૯૬૩)ના ગીત ‘હમદમ મેરે ખેલ ન જાનો’માં ડૃમનો તાલ શરૂ થાય ત્યારે લેવાતો પીક અપ તરત ધ્યાન ખેંચે છે.
૧૯૭૫ની સાલની ફિલ્મ જાન હાજીર હૈ માટે જયકુમાર પરકે નામના એક બિલકુલ અલ્પજ્ઞાત સંગીતકારે ગીતો તૈયાર કર્યાં હતાં. આ ફિલ્મના ગીત ‘અપની જાન હાજીર હૈ’ના તાલમાં ડ્રમ્સનો ઉપયોગ થયો છે.
ફિલ્મ રોકી(૧૯૮૧)ની સફળતામાં રાહુલદેવ બર્મનના નિર્દેશનમાં તૈયાર થયેલાં ગીતોનું ખાસ્સું પ્રદાન હતું. તેના ગીત ‘દોસ્તોં કો સલામ’માં ફ્રાન્કો વાઝ નામના સુખ્યાત વાદકે ડ્રમ્સ વગાડ્યાં હતાં. તે ગીત સાંભળીએ તે પહેલાં પ્રમાણમાં લાંબી પણ રસપ્રદ એવી એક ક્લિપ માણીએ, જેમાં ફ્રાન્કો વાઝ આ ગીતના ડ્રમ્સવાદન વિશે વાત કરે છે. (શરૂઆતમાં તેઓ ફિલ્મ સાગરના ગીત સાથેના ડ્રમ્સવાદનની વાત કરે છે, પછી અહીં ઉલ્લેખ થયો છે તે ગીત વિશે જણાવે છે.).
હવે તે ગીત માણીએ.
૧૯૮૨ના વર્ષમાં આવેલી અને બહુ સફળ નહીં થયેલી એવી ફિલ્મ હીરોં કા ચોર માટે સોનીક-ઓમી દ્વારા સંગીત તૈયાર કરવામાં આવ્યું હતું. ઉક્ત ફિલ્મનું ડ્રમ્સના તાલ ધરાવતું ગીત ‘ફૂલોં સે હૈ મેરી દોસ્તી’ માણીએ.
આગળ વધીએ ફિલ્મ સદમા (૧૯૮૩)ના ગીત ‘અય જીંદગી ગલે સે લગા લે’ તરફ. દક્ષિણ ભારતના વિખ્યાત સંગીતકાર ઈલીયા રાજાના નિર્દેશનમાં બનેલાં આ ફિલ્મનાં ગીતો ખુબ જ લોકપ્રિય બન્યાં હતાં. આ ગીત સાથે ડ્રમ્સના વિશિષ્ટ તાલ કાને પડે છે. આવા પ્રયોગો ઈલીયા રાજાની ખાસિયત રહી છે.
અંતમાં સાંભળીએ ૧૯૯૪ની ફિલ્મ ક્રીમીનલનું ગીત ‘તુમ મીલે દિલ ખીલે’, જેની પ્રમાણમાં ધીમી લય સાથે વાગી રહેલાં ડ્રમ્સ અલગ જ અસર ઉભી કરે છે. ડ્રમ્સના તાલની સમાંતરે તબલાંના બોલ પણ સંભળાય છે. આ ફિલ્મ માટે સંગીત દિગ્દર્શન એમ.એમ. ક્રીમ નામના દક્ષિણ ભારતીય સંગીતકારે કર્યું હતું.
આવતી કડીમાં અન્ય તાલવાદ્ય સાથે મળીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

માહિતી એકત\ઠી કરવા કરેલી મહેનત બાદલ અભિનંદન. આવી સરસ સંપ્રદ પ્રસ્તુતિ
માટે લેખકોનો નો આભાર.
– નીતિન વ્યાસ
LikeLike