લતા હિરાણી
એક મોટ્ટા મેદાનમાં કેટલાંય લીલાંછમ્મ ઝાડ હતાં. આ ઝાડવાંઓ પર કેટલાય પક્ષીઓનાં માળા હતાં. ઝાડની ડાળીઓ પર પંખીઓ રહે. થડ અને નીચે મૂળિયાં પાસે દર અને બખોલમાં બીજાં કેટલાંય જીવ જંતુઓ રહે. ઝાડવાં બધાંયને આશરો આપે.
આવાં એક ઝાડ પરના માળામાં ટપટપ અને ચપચપ નામની બે ચકલીઓ એની મમ્મી સાથે રહે. ટપટપ અને ચપચપ બહુ નાની હતી. થોડું થોડું ઉડતાં શીખી હતી. એમનું ખાવાનું હજી એમની મમ્મી જ લાવી દેતી.
ઉનાળો જબરો તપ્યો હતો. બપોરના આકરા તડકા ઝાડનેય લાગતા હતા પણ ઝાડ પોતાના ખોળામાં સાચવેલા બધાય માળાને ઠંડક દેતાં હતાં. ટપટપ ચકલી માળામાં આરામથી ઊંઘતી હતી અને ફડફડ પાંખોનો અવાજ આવ્યો. એ જાગી ગઈ. “અરે, આ ફડફડ ક્યાં થાય છે?”
ટપટપે પોતાની પાંખો ખંખેરી. આંખો પટપટાવી. આળસ મરડી. એને પોતાની નાની બહેન ચપચપ ચકલી ક્યાંય દેખાઈ નહીં.
“હે ભગવાન, આ ચપચપ ક્યાં ગઇ?”
એણે પોતાનું નાનકડું માથું માળામાંથી બહાર કાઢયું. ચારે બાજુ સુમસામ હતું. ગરમીથી બચવા સૌ પોતપોતાના ઘરમાં ઘૂસી ગયા હતાં.
“આ ચપુડી સમજતી જ નથી. મન પડે ત્યારે બહાર નીકળી જાય છે. પછી મમ્મી આવશે તો મને વઢશે.”
એને લાગ્યું, એના પેટમાં કંઈક થતું હતું. હા, આજે સવારનું કંઈ ખાધું નહોતું. મમ્મી દાણા ચણવા ગઈ હતી અને હજી આવી નહોતી.
એવામાં એને સામેના ઝાડની બખોલમાંથી સપ્પુ સાપની પૂંછડી દેખાઈ. ટપટપ ગભરાઇ ગઈ. એણે ચીં ચીં ચીં ચીં કરી મૂક્યું.
ટપટપનો અવાજ સાંભળી નીચેથી ચપચપે ચીંચીં કરી સાદ પુરાવ્યો. ટપટપને હાશ થઈ. એણે નીચે જોઈને બૂમ મારી.
“હેય, ત્યાં શું કરે છે? કેટલી વાર તને કહ્યું, આમ માળામાંથી બહાર નહીં જવાનું!”
ચપચપે નાનકડા પગે ઠેકતાં ઠેકતાં જમીનમાં ચાંચો માર્યા કરી.
“એય ચપચપ, સાંભળતી નથી, તને બોલાવું છું. જલ્દી ઉપર આવી જા.”
“ટપટપ, મને બહુ ભૂખ લાગી છે.”
“ઓહ, એમ તો મારા પેટમાંય બિલાડાં બોલે છે, પણ જો પેલો સપ્પુ સાપ હમણાં જ અંદર ગયો. આમ રખડીશ તો એના ઝપાટે ચડી જઈશ. મમ્મી એટલે તો વઢે છે ને બહાર નીકળવાની ના પાડે છે!”
“પણ ટપટપ, મને બહુ ભૂખ લાગી છે.”
“એકની એક રેકૉર્ડ વગાડ્યા કરે છે! મનેય ખાઉં ખાઉં થાય છે, પણ તું જલ્દી ઉપર આવી જા.”
ચપચપ ટપટપની વાતો સાંભળી સપ્પુએ દરમાંથી માથું બહાર કાઢ્યું. સપ્પુને જોતાં જ બંનેએ કલબલાટ કરી મૂક્યો.
“ગભરાઓ નહીં ચપચપ ટપટપ. હું તમને કાંઈ નહીં કરું.”
પણ, ચપચપ-ટપટપને વિશ્વાસ બેઠો નહિ. જો કે એમનો કલબલાટ થોડો ઓછો થયો.
સપ્પુ ફરી બોલ્યો, “આમેય મારે તમારી દોસ્તી કરવી હતી. તમને ખબર નથી, તમને રમતાં જોઈને મને બહુ મજા આવે છે.”
“ના, ના, મમ્મી વઢશે. અમને તમારી બીક લાગે છે.” ટપટપે નીચે ઉતરી ચપચપને પકડી લીધી.
“હું એકલો રહું છું. આજથી તમે બેય મારા નાનકડાં દોસ્ત છો. તમારે કંઈ કામ હોય તો મને કહો. હું તમને મદદ કરીશ. તમે પ્લીઝ ડરો નહીં.”
“ના હોં, મમ્મીને પૂછ્યા વગર અમે કંઈ ન કરીએ. મમ્મી અમારી કેટલી ચિંતા કરે છે! એણે અમને તમારી સામે બહાર નીકળવાની ના પાડી છે.” ટપટપ બોલી.
“એમ કરો સપ્પુભાઈ, તમારે અમને મદદ કરવી છે ને? તો પાછા તમારા દરમાં જતા રહો અને બારણું બંધ કરી દો એટલે અમે ખાવાનું શોધીએ.”
“ઓકે. ડરો નહીં. હું અંદર જાઉં છું બસ!”
એમ કહી સપ્પુએ દરમાં જઈને પોતાનું બારણું વાસી દીધું.
ચપચપ ટપટપને હાશ થઈ. “ચાલને, આપણે ખાવાનું શોધીએ.”
ટપટપ સપ્પુભાઈના બારણાં સામે જોતી જોતી આગળ આવી. હજી બંનેને ખાસ ઊડતાં નહોતું આવડતું. બેય મળીને થોડુંક આમતેમ ઊડે, થોડુંક ઠેકાઠેક ચાલે અને ખાવાનું શોધે.
ખાસ્સી વાર સુધી બંનેની શોધાશોધ ચાલી. વચ્ચે વચ્ચે સપ્પુભાઇના દર સામે નજર કરી લે! એવામાં એક મોટી રોટલી પર ચપચપની નજર પડી. ચપ દઈને ચપચપે રોટલી ચાંચમાં પકડી ને જોર જોરથી ચીંચીં કરવા માંડી.
ટપટપનેય થોડાક ભાતના દાણા મળ્યા હતા. બેય રાજીના રેડ થઈ ગયા. હવે પોતાના ઝાડ નીચે આરામથી બેઠા. ત્યાં સપ્પુએ બારણું ખોલ્યું.
“સપ્પુભાઇ, તમે આવું ન કરો ને!”
“અરે બાબા, મારે તો પુછવું હતું કે તમને ખાવાનું મળ્યું ? નહિતર હું લાવી આપું. એક વાર કહ્યું ને, બીવાનું નહીં. હું તમને કંઈ નહીં કરું.”
“પ્રોમિસ?”
“પ્રોમિસ!”
“પણ અમારી મમ્મી નહીં કહે ત્યાં સુધી અમે તમારી પાસે નહી આવીએ. તમે પાછા અંદર જતા રહો.”
બિચારા સપ્પુભાઈ! એણે બારણું બંધ કરી દીધું.
હજી એમની મમ્મી નહોતી આવી. ચપચપની આંખમાં આંસુ આવી ગયા. ટપટપ કહે,
“આપણી મમ્મી આપણા ખાવાની કેટલી ચિંતા કરે છે! એ આપણા માટે થઈને આખો દિવસ ખાવાનું શોધ્યા કરે છે. આપણે આ રોટલી નથી ખાઈ જવી.”
બંને બેઠાં બેઠાં મમ્મીની રાહ જોવા માંડ્યા. આખરે ચકીમા આવ્યાં. આટલો દિવસ રખડી-ભટકીને બિચારા થાકી ગયા હતા. કાંઈ ખાવાનું મળ્યું નહોતું. પરસેવે રેબઝેબ અને થાકથી ઠૂસ.
ચકીમાએ જરા થાકીને શ્વાસ લીધો કે ચપચપ અને ટપટપ બેય કહે,
“શું થયું મમ્મી?”
ચકીમાએ મોટો નિસાસો નાખ્યો.
“આજે કંઈ ખાવાનું ન મળ્યું. મારા બચ્ચાં તમને ભૂખ્યાં કેમ રાખીશ?”
“પણ તેં કંઈ ખાધું મમ્મી?” ટપટપે પૂછ્યું.
“મારા બચ્ચાંને છોડીને હું કંઈ ખાતી હોઈશ! મને તમારી ચિંતા છે. આજે તમને ભૂખ્યાં સુવડાવવા પડશે કે!”
ટપટપે ભાતના દાણા અને ચપચપે રોટલી લાવીને ચકીમા પાસે મૂક્યાં. ચકીમા તો રાજીના રેડ થઇ ગયાં.
“અરે વાહ, આ તમે ક્યાંથી લાવ્યાં?”
“હવે તું આરામ કર મમ્મી, રોજ તું અમારા માટે કેટલી ઉડાઉડ કરે છે ને ખાવાનું શોધે છે? આજે અમે તને ખવડાવશું. અને જો, હવે અમને ઊડતાંયે આવડી ગયું છે, ખબર છે? કાલથી તારે ઘરે રહેવાનું અને અમે દાણા ચણવા જઈશું.” ચપચપે કહ્યું
“અને મમ્મી, રસોઈ પણ અમે કરીશું, તારા માટે!” ટપટપે સૂર પૂરાવ્યો.
“અને હું તમારા માળાનું ને તમારાં બધાનું ધ્યાન રાખીશ!” અચાનક સપ્પુ ત્યાં પહોંચી ગયો.
ચકીમાના તો હોશ ઊડી ગયા! એમણે ચપચપ ને ટપટપને ખેંચીને સોડમાં લઈ લીધા. એને ધ્રુજારી છૂટી ગઈ.
“મમ્મી, હવે આપણે ડરવાનું નહીં. સપ્પુભાઈ અમારા દોસ્ત છે. એ આપણને કંઈ નહીં કરે.”
“ના, ના, ઊડો ને ડાળી ઉપર બેસી જાઓ. સપ્પુનો વિશ્વાસ ન કરાય!”
“મમ્મી સાચે જ સપ્પુભાઈ એવા નથી.”
“ચકીમા, હું તમારો દીકરો છું. મારો વિશ્વાસ કરો.”
“સાચે જ?”
“હા, એમણે અમને વચન આપ્યું છે.” ચપચપ ઠેકડો મારતાં બોલી.
“ને અમે એને કહ્યું હતું કે અમારી મમ્મીને પૂછીને પછી જ તમારી દોસ્તી કરશું!” ટપટપે ડાહ્યાડમરા થઈને કહ્યું.
ચકીમાની આંખો ચાર થઈ ગઈ. એ વહાલથી એના બચ્ચાંને વળગી પડ્યાં. સપ્પુભાઈ દોડતા દોડતા એના ઘરમાંથી નાનાં નાનાં ટબુકલાં વાસણ લઈ આવ્યાં.
“હવે અમે આમાં રસોઈ કરીશું. મારે તો મમ્મી છે જ નહિ. હવે ચકીમા એ મારી મા!”
ચકીમાની આંખમાં આંસુ આવી ગયાં. સપ્પુએ પૂંછડી ઊંચી કરીને ચકીમાની આંખ લૂછી નાખી.
ટપટપે ટપ કરતાં ભાતના દાણા મમ્મીની ચાંચમાં નાખી દીધા ને તરત ચપચપે રોટલી!
લતા હિરાણી * બુલબુલ (બાળવાર્તાઓ) પુસ્તકમાંથી * ફ્લેમિંગો પ્રકાશન ૨૦૧૬
સુશ્રી લતાબહેન હિરાણીનું વિજાણુ સંપર્ક સરનામું : lata.hirani55@gmail.com
