ગિરિમા ઘારેખાન

સુજયની નવી શાળાનો આજે પહેલો દિવસ હતો. એમનું નવું ઘર એની જૂની શાળાથી બહુ દૂર હોવાથી એણે નવી શાળામાં દાખલ થવું પડ્યું હતું. એની મમ્મી એને બસ સુધી મૂકવા આવી હતી. સુજય છઠ્ઠા  ધોરણમાં ભણતો હતો. હોશિયાર હતો. એણે જ મમ્મીને કહ્યું હતું કે સ્કૂલબસમાં એ બરાબર પહોંચી જશે.

સુજય બસમાં બેઠો ત્યારે બસ લગભગ ખાલી હતી. સુજય તો એક બારીવાળી સીટ ઉપર જઈને ગોઠવાઈ ગયો. ધીરે ધીરે બીજા સ્ટોપ ઉપરથી બસ ભરાવા માંડી. બસમાં ચડનાર બીજા છોકરાઓ સુજય સામે કંઇક વિચિત્ર નજરે જોતાં હતા. એને લાગ્યું કે પોતે નવો છે એટલે બધાં એની સામે જોતાં હશે. થોડેક આગળ ગયા પછી એક સ્ટોપ ઉપરથી એક છોકરો બસમાં ચડ્યો. દેખાવમાં એ બીજા બધાં કરતાં ખાસો મોટો લાગતો હતો. બસમાં ચડતાંની સાથે જ એ સુજય પાસે આવ્યો અને કહ્યું, ‘એઈ! ઉઠ! તને કોઈએ કીધું નથી કે આ જગ્યા મારી છે!’

સુજયે આજુબાજુ જોયું. બસમાં હજી ઘણી સીટ ખાલી હતી. પાછળ તો બારી પાસે પણ જગ્યા ખાલી હતી. તો પછી આ જ સીટ શું કામ ?

એણે પેલા મોટા છોકરાને કહ્યું, ‘તમે ત્યાં બેસો ને ! હું પહેલેથી અહીં બેઠેલો છું.’

આ સાંભળીને પેલો તો જાણે ગુસ્સાથી તમતમી ગયો. એણે મોટા અવાજે કહ્યું, ‘ચૂપચાપ ઊભો થા. આ મનોજદાદાને તું હજી ઓળખતો નથી. નવો છે એટલે જવા દઉં છું. નહીં તો ખેંચીને બહાર કાઢત.’

સુજયે આજુબાજુ જોયું. બધાં જાણે એની દયા ખાતાં હોય એવી રીતે એની સામે જોતાં હતા. એને ગુસ્સો તો ઘણો આવ્યો પણ એ સમજતો હતો કે પેલો વધારે તાકાતવાળો હતો. પહેલે જ દિવસે એને કોઈ સાથે ઝઘડો પણ ન હતો કરવો. એટલે એ ચૂપચાપ ઊભો થઇ ગયો અને પાછળ જઈને બેસી ગયો.

પછી તો સુજયે જોયું કે પેલો મનોજ રોજ જ આવું કરતો હતો. કોઈને પણ ઉઠાડીને એની જગ્યાએ બેસી જાય. ગમે તેની બેગ ખોલાવીને એનો નાસ્તો ઝાપટી જાય, કોઈની પાસ પોતાનું અધૂરું રહેલું લેસન કરાવે અને એવું બીજી ઘણી રીતે જોર મારે. થોડા દિવસ આ બધું જોયા પછી સુજયે એની મમ્મીને વાત કરી. એની મમ્મીએ એને એ નાનો હતો ત્યારે કહેતી હતી એ વાર્તા ફરીથી કહી. એક એક લાકડી બધાથી તૂટી જાય છે, પણ ભારો તૂટી નથી શકતો એ વાર્તા યાદ કરાવતાં એણે કહ્યું, ‘આ તારી લડાઈ છે. એ તારે જ લડવી પડશે. એણે એમ પણ સમજાવ્યું કે તાકાત શરીરની તાકાત કરતાં મનની તાકાત વધારે મજબૂત હોય છે.’

સુજય મમ્મીની વાત સમજી ગયો. બીજા દિવસથી એણે પોતાની બસમાં આવતાં છોકરાઓ સાથે વાત કરીને પોતાનો મુદ્દો સમજાવવા માંડ્યો. એ રીસેસમાં પણ બધાંને મળતો. એણે કહ્યું કે ‘આપણે ક્યાં સુધી ડરીને બેસી રહીશું? આપણે ડર્યા કરીશું તો બધાં જ આપણને ડરાવ્યા કરશે. આપણી વસ્તુઓ લઇ લેશે.’

એના એક મિત્રએ કહ્યું, ‘તારી વાત સાચી છે સુજય. પણ એ મનોજ સાથે લડે કોણ? તું જોતો નથી એ  કેટલો હટ્ટો કટ્ટો છે! એક વાર એણે એક છોકરાને માર્યું પણ હતું.’

સુજયે કહ્યું, ‘આવા દાદાઓ હકીકતમાં તો ડરપોક હોય છે. આપણે બધાં એક થઇ જઈશું તો એ આપણને કંઈ નહીં કરી શકે.’

ધીરે ધીરે બધાનાં મગજમાં સુજયે કહેલી વાત ઊતરી. એ બધાં પણ મનોજની દાદાગીરીથી કંટાળેલા તો હતા જ. બધાં એને સાથ આપવાં તૈયાર થયાં.

બીજા દિવસે સુજય જાણી જોઇને બસમાં મનોજની જગ્યાએ બેઠો. બસમાં ચડતાં જ મનોજ ત્યાં આવી ગયો અને ગુસ્સાથી બોલ્યો, ‘તારામાં અક્કલ નથી? આ જગ્યા મારી છે એ તને પહેલા કીધું છે ને? કેટલી વાર કહેવાનું? ચાલ, છાનોમાનો ઊભો થઇ જા.’

આજે તો મક્કમ અવાજે સુજયે એને કહી દીધું, ‘આ જગ્યા ઉપર તારું નામ થોડું લખ્યું છે? હું ચડ્યો ત્યારે ખાલી હતી એટલી બેઠો છું. તું બીજે બેસી જા.’

થોડી વાર માટે તો મનોજ માની જ ન શક્યો કે એક દૂબળો પાતળો, રોજ એનાથી ડરતો રહેતો આ છોકરો એને આવું કહી રહ્યો છે ! એણે આજુબાજુ જોયું. પછી વધારે જોરથી બોલ્યો, ‘તારી આટલી હિંમત ! ઊભો થાય છે કે એક અડબોથ લગાવું !’

જરા પણ ડર્યા વિના સુજયે કીધું, ‘તારામાં હિંમત હોય તો લગાવી જો. પછી હાથ તો મારા પણ છે.’  સુજયે પણ પોતાનો હાથ ઊંચો કર્યો. એના હાથ ભલે પાતળા હતા પણ બોલવામાં હિંમત એટલી હતી કે એક પળ તો શું કરવું એ મનોજને સૂઝ્યું જ નહીં. એણે જોયું કે બસમાં બેઠેલા બીજા છોકરાઓ હવે હસવા માંડ્યા હતા.

આવું તો ના જ ચાલે. એણે વિચાર્યું અને એ સુજયને સીટની બહાર ખેંચવા માંડ્યો. પણ એ સાથે આજુબાજુ બેઠેલા બીજા છોકરાઓ ઊભા થઇ ગયા અને એમણે મનોજને જ પકડી લીધો અને ખેંચીને નીચે પછાડી દીધો. મનોજને ખ્યાલ આવી ગયો કે હવે બધું બદલાઈ ગયું છે. એની દાદાગીરી નહીં ચાલે. તો પણ છેલ્લો દાવ અજમાવતો હોય એમ એણે સુજયને કહ્યું, ‘આજે રીસેસમાં તારો ડબ્બો મને આપી જજે. જોઉં છું તું કેવી રીતે ખાય છે.’ સુજયે એ જ વખતે એની બેગમાંથી એનો ડબ્બો ખોલ્યો અને આજુબાજુ બેઠેલા બધાને થોડું થોડું આપીને પોતે ત્યાં જ નાસ્તો કરવા માંડ્યો. બધાં છોકરાઓ છેલ્લી સીટ ઉપર બેઠેલા મનોજ સામે જોઇને હસવા માંડ્યા.

એ દિવસ પછી મનોજ પોતાની દાદાગીરી કરવાની ટેવ ભૂલી ગયો છે. એકતાની તાકાત બીજી કોઈ પણ તાકાત કરતાં મોટી હોય છે એવું એ સમજી ગયો છે.


ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯