લતા હિરાણી

નાનકડો ચીકુ. એનું સાચું નામ તો ચંદ્રેશ પણ એ નાનો હતો ત્યારે એની મમ્મીને બહુ જ વહાલો લાગતો. મમ્મીને જ શા માટે, ચીકુ હતો જ એવો કે સૌને વહાલો લાગે. નમણું મોં, મોટી મોટી કાળી આંખો, કાળા વાંકડિયા વાળ અને હસે ત્યારે એના ગાલમાં એવા મજાનાં ખંજન પડે કે વાત ન પૂછો. એમ થાય કે જોયા જ કરીએ.

એ નીચે બેઠો હોય અને કીડી જતી જુએ તો ખુશ થઈને હસવા માંડે. બસ, રિક્ષા, કાર કંઇ પણ નીકળે અને ચીકુભાઈ જુએ એટલે ખડખડાટ હસે. એટલે મમ્મીએ આવા મીઠ્ઠા બચ્ચાનું લાડકું નામ પાડી દીધું, ચીકુ ! ચીકુ મીઠા હોય ને ! બસ પછી તો ચંદ્રેશ પપ્પા, દાદાજી, દાદીબા, ફોઇ, કાકા ને બધા માટે ચીકુ બની ગયો.

દીકરો વહાલો એટલે મમ્મી એને જાતજાતના લાડ લડાવે. એને જે જોઈએ એ હાજર કરે. એને જે ભાવે એ બનાવી આપે. દાદા-દાદી તો કહ્યા કરે, ભૈ આ તો અમારી મૂડીનું વ્યાજ છે, વ્યાજ તો સૌથી વધુ વ્હાલું હોય. બાજુવાળો ટીનુ એકવાર સાંભળી ગયો.

“દાદાજી, એનું નામ તો ચીકુ છે ! આ તમે વ્યાજ વ્યાજ શું કરો છો ? વ્યાજ તો દાદાજી બેંકમાં હોય. પપ્પા બોલતા હોય છે.”

“અરે બેટા, એ બેંકવાળું વ્યાજ નહીં. જો સાંભળ, અમારો દીકરો મિલન એ અમારી મૂડી ને એનો દીકરો ચીકુ એટલે અમારી મૂડીનું વ્યાજ ! સમજ્યો હવે ?”

“ઓ… વાઉ…”

આમ ચીકુ વહાલમાં ને વહાલમાં મોટો થતો ગયો. સ્કૂલમાં જતો થયો.

“ના, મમ્મી, મને લંચબોક્સમાં સુખડી નહી, કેક આપો…”

“એય ધીમે બોલ, દાદીબાએ ખાસ તારા માટે બનાવી છે.”

“પણ એ કાલે, આજે તો કેક….” કહેતાં ચીકુનો અવાજ ઢીલો થઈ જાય. એ સાંભળીને મમ્મીય ઢીલી….

એ હળવેકથી ચીકુના ડબામાં સુખડી કાઢીને કેક મૂકી દે…. આટલા વ્હાલા દીકરાને રડાવતાં મમ્મીનો જીવ ન ચાલે….

પહેલાં ચીકુ રોટલી-શાક-દાળ-ભાત કે ભાખરી-ખીચડી-શાક ખાઈ લેતો. પછી એની વાત બદલાઈ.

“મમ્મી ડોમીનોઝ પિત્ઝા ઓર્ડર કરી દે. મારા બધા ફ્રેંડ્ઝ એ જ ખાય છે.”

મમ્મી પપ્પા સામે જુએ. પપ્પા બહાર નજર કરે કે દાદાજી સાંભળે છે ! દાદાજી પાડોશમાં રહેતા મનુકાકા સાથે વાતોમાં મશગુલ હોય. ચીકુની આંખમાં પાણી હોય ને મમ્મીની આંખમાં પાણી આવવાની તૈયારી. પપ્પા તરત ઓર્ડર કરી દે. દાદાજી ક્યારેક આ જોતાં અને મિલનને કહેતાં, “આ ખોટું થાય છે બેટા. ચીકુ રડે તો રડવા દે. એમાં વાંધો નહીં. આવી આદત ન પડવા દે.”

દાદીબા પણ એ જ કહેતા, “એને શીખવા દે કે રડીને રાજ ન લેવાય. રડીએ એટલે બધું મળી જાય એમ ન ચાલે. આમ બહારની ચીજો ખાવાની ટેવ પડશે તો એની તબિયત બગડશે.”

ચીકુના મમ્મી-પપ્પા સાંભળી લેતા. કશું બોલતા નહીં.

દાદાજી ને દાદીબા લાંબા સમય માટે ગામડે જવાનાં હતાં. દાદાજીએ ચીકુને પાસે બેસાડીને સમજાવ્યો, “જો બેટા, મમ્મીના હાથે ઘરે બનાવેલું જ ખાજે. બહારનું ખાઈશ નહીં. ક્યારેક ઠીક છે પણ વારંવાર ખાવાથી તબિયત બગડે દીકરા.”

“પહેલું સુખ તે જાતે નર્યા.” દાદીબા બોલ્યા.

“એ શું વળી ?” ચીકુને આ નવું સાંભળવાની મજા આવી !

“એનો અર્થ એ કે બેટા, તબિયત સારી તો સૌ સારું. તબિયત બગડે તો બધું નકામું !

“પપ્પાજી, તમે ચિંતા ન કરો. હું ચીકુનું ધ્યાન રાખીશ.” મમ્મી બોલી.

“અને હું યે છું જ ને તમે નિરાંતે ગામડે જાવ પપ્પાજી.” પપ્પા બોલ્યા.

દાદાજીને વિશ્વાસ તો ન આવ્યો એમની વાતો પર. પણ શું કરે ? એમને જવાનું જરૂરી હતું. તેઓ ગયા.

હવે કોઈ રોકનાર રહ્યું નહીં. જો કે ચીકુને દાદાજી અને દાદીબા બહુ યાદ આવતા કેમ કે રોજ રાત્રે એમની પાસેથી નવી નવી વાર્તાઓ સાંભળવા મળતી. ધીમે ધીમે એને ટીવી જોતાં જોતાં સૂઈ જવાની ટેવ પડી ગઈ.

ચીકુને ખાવા-પીવામાં હવે છૂટ થઈ ગઈ હતી. વારે વારે રેસ્ટોરન્ટનું ખાવાનું અને હવે એને કોલ્ડ્રીંક્સનો પણ ચસકો લાગી ગયો હતો. રોજ પીવાતાં દૂધ-છાશની જગ્યાએ કોક, થમ્સ અપ !

મમ્મીને ક્યારેક થતું કે આ ખોટી ટેવ પડી ગઈ. દાદાજી સાચું કહેતા હતા. એમની વાત માની હોત તો સારું થાત. પપ્પા કહેતા, ચિંતા ન કર. થોડો મોટો થશે એટલે એની મેળે સમજી જશે.

હવે ચીકુની વાર્ષિક પરીક્ષા સાવ નજીક આવી ગઈ હતી. ચીકુ એના ફ્રેન્ડને ત્યાં વાંચવા જતો. પરીક્ષાનો દિવસ આવી પહોંચ્યો. ચીકુ ફ્રેંડના ઘરેથી આવતા રસ્તામાં પાણીપુરીની લારી પાસેથી નીકળ્યો. એને પાણીપુરી ખાવાનું મન થઈ ગયું. એણે સાઇકલ ઊભી રાખી અને બે પ્લેટ પાણીપુરી ફટાફટ ખાઈ લીધી.

ચીકુ ઘરે આવ્યો. મમ્મીએ ઢોકળા બનાવ્યાં હતાં, “ચાલ ઝટ ઝટ ઢોકળા બનાવ્યાં છે, ખાઈ લે.”

“મમ્મી ભૂખ નથી.”

“કેમ ?”

“છોટુના ઘરે થોડું ખાધું છે.”

“સારું તો વાંચવા બેસવું છે ને ? કાલે ગુજરાતીનું પેપર છે ને !”

“હા મમ્મી. હવે બેસું જ છું.” કહીને ચીકુ પોતાના રૂમમાં ગયો.

થોડીવાર પછી ચીકુના રૂમમાંથી કાંઇક અવાજ આવવા માંડ્યો ને ‘મમ્મી ઓ મમ્મી’ બૂમ પણ સંભળાઈ.

મમ્મી ને પપ્પા બેય દોડ્યા. જોયું તો ચીકુ વોશરૂમમાં ઉલ્ટી કરી રહ્યો હતો !

‘અરે બાપ રે….’ મમ્મી ચીકુના બરડે હાથ ફેરવવા માંડી. ચીકુને જોરદાર ઉલ્ટી થઈ હતી. મમ્મી-પપ્પા બંનેએ એને પથારીમાં સુવાડયો.

“કેમ આમ થયું બેટા? શું ખાધું હતું ?”

“કાંઇ નહીં મમ્મી, છોટુના મમ્મીએ થેપલાં બનાવ્યા હતા એ જ.” – ચીકુ હવે જૂઠું બોલતાં પણ શીખી ગયો હતો.

મમ્મી પાસે માનવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો.

ચીકુને થાકથી ઊંઘ આવી ગઈ. પપ્પાને જરા હાશ થઈ, કાંઇ નહીં, ભલે થોડીવાર સૂતો. ઊઠીને વાંચશે.

ત્યાં તો ચીકુ બેઠો થઈ ગયો ને સીધો વોશરૂમ તરફ….

આખી રાત ચીકુને થોડી થોડી વારે ઝાડા અને ઊલટીઓ થતી રહી… એ સરખી રીતે ઊંઘી ન શક્યો અને સવારે સાત વાગે તો એને પરીક્ષા દેવા જવાનું હતું !

સવારે ચીકુની હાલત ખરાબ હતી. ઊભા રહેવાનીય શક્તિ નહોતી. જેમતેમ કરીને પપ્પા સ્કૂલમાં મૂકી તો ગયા પણ એ કાંઇ લખી શક્યો નહીં. ડેસ્ક પર માથું ઢાળી એ ઊંઘી જતો ! આ અસર એને બીજા દિવસે પણ રહી.

દાદાજીનો ફોન આવ્યો, “ચીકુના પેપર કેવા જાય છે ?”

મમ્મી શું જવાબ આપે ? પપ્પાએ સહેજ ધીમા અવાજે કહ્યું, “ચીકુની તબિયત બગડી હતી એટલે એક પેપર સારું નથી ગયું પણ હવે એને સારું છે. ચિંતા ન કરશો.”

“અરે, મારા બચ્ચાંને શું થયું ? કેમ તબિયત ખરાબ છે ? કેમ આમ થયું ?” દાદીબાએ એકસાથે બે-ચાર સવાલ પૂછી લીધા.

“એ તો જરા ઝાડા-ઉલ્ટી થઈ ગયા હતા પણ હવે સારું છે. તમે ચિંતા ન કરો.” – પપ્પાએ ફરી કહ્યું.

“મને ખબર છે, તમે એને રોકતા નથી. નક્કી કંઈક બહારનું ખાધું હશે, એ સિવાય આમ ન થાય…” દાદાજી બહુ દુખી થઈને બોલ્યા.

પપ્પા પણ સમજતા હતા પણ હવે જે થવાનું હતું એ થઈ ગયું. આ બાજુ ચીકુ બધી વાત સાંભળતો હતો. એને પણ દાદાજીની વાત નહીં માનવા બદલ અફસોસ થતો હતો. એ ક્લાસમાં પહેલાં નંબરે રહેતો હતો. આ પાણીપુરીના કારણે એ ઘણો પાછળ રહી જશે એ એને ખ્યાલ આવી ગયો હતો.

એણે પપ્પાના હાથમાંથી મોબાઈલ લઈ લીધો. “દાદાજી, દાદીબા તમે જલ્દી અહીં આવી જાવ. આઇ મીસ યુ. મારે તમારા હાથની સુખડી ખાવી છે અને વાર્તાઓ સાંભળવી છે.”

સામે છેડે દાદીબા રડી પડ્યા. અહીં મમ્મીની આંખમાં પણ આંસુ હતા.

સવારે પપ્પા ઉઠ્યા ત્યારે જોયું તો ચીકુના રૂમમાં સોફ્ટ બોર્ડ પર મોટા અક્ષરે લખેલો કાગળ હતો.

‘પહેલું સુખ તે જાતે નર્યા, મૂરખ હો એ લારીએ ફર્યા.’

અરે વાહ, તેં તો કવિતા બનાવી !

ચીકુ મમ્મી-પપ્પાને વળગી પડ્યો.


પ્રકાશિત @ બાલસૃષ્ટિ @ માર્ચ ૨૦૨૩