મોજ કર મનવા
કિશોરચંદ્ર ઠાકર
આપણે કોઇને જાણીતા ગુજરાતી હાસ્યલેખકોનાં નામ પૂછીએ તો પહેલું નામ શ્રી જ્યોતીન્દ્ર દવેનું બોલાશે અને ત્યાર પછી તરત જ બકુલ ત્રિપાઠીને યાદ કરાશે. અલબત હાસ્ય લેખક તરીકે શ્રી રમણભાઇ નીલકંઠનું નામ તો છે જ, પરંતુ તેઓ વીસરાયેલા પંડિત યુગના,તેથી સામાન્ય વાચક વર્ગને જલ્દી યાદ આવતા નથી.
બકુલ ત્રિપાઠી જેટલા પ્રમાણમાં હાસ્ય લેખક તરીકે જાણીતા છે એટલા પ્રમાણમાં તેઓ વંચાયા નથી. ઠોઠ નિશાળિયાને નામે ‘કક્કો બારખડી’ કોલમમાં ‘ગુજરાત સમાચાર’માં તેમના હાસ્ય લેખોથી તેઓ વધારે ઓળખાયા છે પરંતુ એ તો તે સમયનાં રાજકીય કે સામાજિક વાતવરણની અસરમાં લખાયા હતા. કટોકટી કાળમાં જ્યારે વર્તમાનપત્રો પર પ્રી સેસરશીપ લદાયેલી ત્યારે તેમણે તેમની કોલમનું નામ ‘નિર્બંધિકા’ રાખેલું. આ કોલમમાં સરકારની ટીકા એવી ખૂબીથી વ્યંગ સ્વરૂપે થતી કે સેન્સર અધિકારીની નજરમાંથી તે છટકી જતી. સ્વાભાવિક છે કે આજે એ લેખો ખાસ પ્રસ્તુત ન હોય. પરંતુ આ સિવાય તેમણે હાસ્ય નિબંધો પુષ્કળ લખ્યા છે, જે ‘વૈકુંઠ નથી જાવું’ , ‘વિદુષકની આંખમાં આંસુ’, ‘પરણું તો એને જ પરણું’. ‘દ્રોણાચાર્યનું સિંહાસન’ વગેરે નામે પુસ્તક રૂપે પ્રગટ થયા છે. અહીં શ્રી બકુલ ત્રિપાઠીના ૧૯૮૩ માં પ્રગટ થયેલા પુસ્તક ‘વૈંકુઠ નથી જાવું’માંથી ‘મૂળભૂત અધિકાર’ શીર્ષક હેઠળનો નિબંધ મૂક્યો છે.
મૂળભૂત અધિકાર
બકુલ ત્રિપાઠી
માનવતાને જિવાડવી હોય તો મ્યુનિસિપાલિટીઓને બિલ્ડિંગ-રૂલ્સ કડક કર્યા વિના છૂટકો નથી. કડકપણે નવા નિયમો સ્થાપવા જોઈએ કે દરેક ઘર કે ફ્લેટમાં એક બારી તો હોવી જ જોઈએ જેમાંથી સામેના ઓછામાં ઓછા એક ફ્લેટ કે ઘરમાં શું ચાલી રહ્યું છે તે જોઈ શકાય! આ વિષય પર એટલે કે ‘ધ નીડ ફોર હ્યુમન એલિમેન્ટ ઇન મોડર્ન આર્કિટેક્ચર’ પર મારે રેડિયો વાર્તાલાપ આપવા વિચાર છે. રેડિયોવાળાઓનો મારી પાસે આવો વાર્તાલાપ અપાવવાનો વિચાર નથી એટલી જ તકલીફ છે.
આજે તો શું છે કે નવા બંધાતા ફુલેટ્સની જાહેરખબરમાં લખાય છે કે ફલેટ્સ એવી રીતે બંધાશે કે “કોઈ જ ફ્લેટની સામસામી બારીઓમાંથી અંદર નજર ન પડે.”
મારી પાસે સવાલાખ રૂપિયા હોય તો પણ એ ફ્લેટ હું વસાવું નહીં. એટલે કે એમાં હું વસું નહિ. આવા ફલેટ ‘ઘર’ કહેવડાવવાને લાયક જ નથી. જે ઘરમાંથી પડોશીના ઘરમાં નજર -ન પડતી હોય એ ઘર તે કંઈ ઘર કહેવાય?
પશ્ચિમના દેશોમાં બારીમાંથી દેખાતા ‘વ્યૂ’નું-દશ્યનું–મહત્ત્વ ઘણું ગણાય છે. મકાનદલાલો હંમેશાં મકાનના ઉપલા માળની બારીએથી દેખાતાં ખેતર, ડુંગરો, બગીચા, તળાવો, શહેરની ઇમારતો વગેરેનાં દસ્યોનાં વખાણ કરતા હોય છે. મુંબઈમાં પણ ‘દરેક બાલ્કનીમાંથી દરિયો દેખાય છે’ એ વાતને ફલૅટ્સના વેચાણમાં ઘણું મહત્ત્વ આપવામાં આવે છે.
પણ આ બધા તો અત્યંત ધનિકોના શોખ થયા. આપણે અમદાવાદ, વડોદરા, મહેસાણા, મોડાસા, રાજપીપળામાં દરિયો ક્યાંથી લાવવાના? હા, અમે અમદાવાદમાં એક ઘરમાં રહેલાં. એમાં સામેવાળાઓના સાતેક ઘરોની દસેક ચકલીઓ નજરે પડતી હતી, અને આખા અરબી સમુદ્ર જેટલું પાણી એમાંથી વહી જતું નજરે પડતું હતું ખરું.
મનુષ્ય માટે દર્શનીય જેને કોઈ ઉત્તમોત્તમ દશ્ય હોય તો તે છે – મનુષ્ય ! એટલે જે ઘરમાંથી બીજા ઘરમાં નજર પડતી હોય તે ઘર જ ઉત્તમ ‘વ્યૂ ‘વાળું ઘર ગણવું ઘટે. એ રીતે આપણાં જૂનાં શહેરોમાં મધ્ય વિસ્તારની અંદરના ભાગનાં બધાં જ ઘરો, અને મોટી સંખ્યામાં બંગલાઓ, ઉત્તમ વ્યૂવાળા હોય છે. આપણ પરંપરાગત વાસ્તુશાસ્ત્રમાં આ વાતને મહત્વ આપવામાં આવ્યું છે કે નહીં તે મને ખબર નથી; પણ આપણાં કેટલાંક જૂનાં નગરોનાં વ્યવહારુ વાસ્તુશાસ્ત્રમાં તો આ રસિક મુદ્દો સ્વીકારાયો જ લાગે છે કે આપણું બારીમાંથી સામાવાળાની બારીમાં નજર પડવી જ જોઈએ!
આજે બંધાતાં મકાનોની વાત જુદી છે. હમણાં એક સાહિત્યકારે પ્રવચનમાં કહેલું: “આજનો માનવી અત્યંત એકલતા અનુભવે છે.” આનું કારણ મારા મતે આજનું આર્કિટેકચર છે. આજના બંગલાની રચનામાં બહારના લોકોની અંદર નજર જાય નહીં એવી પણ રચનાનો આગ્રહ રાખવામાં આવે છે. અલબત્ત બીજાઓ આપણા ઘરમાં નજર કરી શકે નહીં એવી ઇચ્છા કદાચ શક્ય ગણીએ તોય આપણે બીજાનાં ઘરમાં જોઈ શકીએ નહીં એવી કોઈ માનવીની ઈચ્છા હોય એ તો કલ્પી જ નથી શકાતું મારાથી ! મને લાગે છે મારે આર્કિટેકટ થવું જોઈતું હતું.
આ બાબતમાં આપણા દેશી જુનવાણી આર્કિટેક્ટસ ઘણા પ્રમાણિક હતા. એ જાણતા હતા કે ભઈ, બીજાઓ આપણા ઘરમાં શું ચાલે છે એ જુએય ખરા, અને આપણે એમના ઘરમાં શું ચાલે છે એ જોવાનો લહાવો મેળવવા હકદાર એ વાતેય ખરી |
તમે વિચાર તો કરો, આ વ્યવસ્થાને કારણે જીવન કેવું ફૂંફાળું બની જાય છે. ‘રંભાબેનના રસોડામાં વાંદરો ઘૂસી ગયો હતો’ એવા સમાચાર હર્ષભેર તમારાં પત્ની તમને ક્યારે આપી શકે, તમારા ઘરમાંથી રંભાબેનના રસોડામાં નજર પડતી હોય ત્યારે જ ને ?
‘કેમ કાલે કંઈ બહુ મોડે સુધી જાગેલા?’ એવો પ્રશ્ન તો બારીમાંથી કશું જોયા વિના માત્ર પ્રકાશ-વ્યવસ્થા પરથી જ જ્ઞાન મેળવીને પૂછી શકાય, પણ ‘ રમાબેન ને રમેશભાઈ વચ્ચે બહુ લડાઈ ચાલી કાલે તો કંઈ’ એવા સમાચાર પ્રસરાવવા માટે સામસામી બારીઓની ઉત્તમ વ્યવસ્થા સહાયરૂપ બની રહે છે.
આપણા દેશમાં રેડિયો અને ટેલિવિઝન તો હમણાં આવ્યાં! આપણાં ઘરોમાં દીવાલોએ કાન મૂકો તો રેડિયો, અને બારી અધખૂલી કરી સામે નજર માંડો તો ટેલિવિઝન, એ સગવડ તો સૈકાઓથી હતી. સામસામી બારીઓ એ યુવાન હૈયાં માટે આશીર્વાદરૂપ હતી. આજે તો જાણે મિલનની ઘણી તકો વધી ગઈ છે ૫ણુ એક જમાનામાં તેં સામસામી બારીઓની સગવડ એ જ સર્વસ્વ હતું, યુવાન હૈયાંઓની જેમાંથી માત્ર દૃષ્ટિઓ જ નહીં, ચિઠ્ઠીઓ પણ પસાર થઈ શકતી.
આજે હવે સામેનાં ઘરની બારીમાં નજર જ પડે નહીં એવા ફૂલેટાનો મહિમા થઈ રહ્યો છે એ આપણે હવે ક્યાં જઈ રહ્યાં છીએ એ સૂચવે છે. ‘એ સવિતાબેન, તમે ત્યાં મૂળા લો છો પણ તમારા રસોડામાં સગડી પર દૂધ ઊભરાઈ ચાલ્યું’ ‘ આવી આંખ દેખી સત્ય માહિતી પર આધારિત પરોપકારી સૂચનાઓ હવે કોણ કોને આપી શકશે ?
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
