ફિર દેખો યારોં

બીરેન કોઠારી

માની લો કે દુનિયાના અલગ-અલગ જંગલોમાં રહેતાં હજારો પ્રાણીઓને લાવીને એક જગ્યાએ સુરક્ષિત રાખવામાં આવે. સિંહ, વાઘ, હાથી, વાંદરા, પક્ષીઓ, સરીસૃપો અને બીજી અનેક દુર્લભ પ્રજાતિઓનો એમાં સમાવેશ થાય. બહારથી અને પહેલી નજરે, નિર્દોષતાપૂર્વક જોઈએ તો સમગ્રપણે એ વન્યજીવ સંરક્ષણનું એક ભવ્ય ચિત્ર ઊભું કરે.

પણ સહેજ શાંતિથી, ઠરેલ બુદ્ધિથી વિચારીએ કે તરત સવાલ થાય: પ્રાણીઓને બચાવવાનો અર્થ તેમને તેમના પોતાના સ્થળેથી કે જંગલમાંથી કાઢીને એક જગ્યાએ ભેગાં કરવાનો છે કે તેમના જંગલને જ બચાવવાનો?

a simplified ecological network illustrating how process-based conservation differs from the species-centric, focusing on preserving .
Credits for images from PhyloPic: T. Michael Keesey (owl, flowering plant, seedling plant); Andy Wilson (tiger, deer); Yan Wong (bat); Kaija Gahm (vulture, licensed under CC BY 4.0); Gemma Martínez-Redondo (moth); Gabriela Palomo-Munoz (toucan, licensed under CC BY 4.0); Kristina Gagalova (beetle, licensed under CC BY 3.0); Mason McNair (fruiting plant); Carlo De Rito (mushroom).
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

જામનગરના વનતારા બાબતે આવી એક ચર્ચા ચાલી છે, જે આ મૂળભૂત સવાલ બાબતે વિચારવા પ્રેરે છે.

વનતારાએ ઓગસ્ટમાં જાહેરાત કરી હતી કે તે એક વર્ષ માટે પોતાને ત્યાં નવાં પ્રાણીઓની આયાત કરશે નહીં. આની સાથેસાથે પ્રાણીઓ મેળવવાની પ્રક્રિયામાં વધુ તપાસ અને દેખરેખ રાખવાની વાત પણ કરી હતી. સંસ્થાએ એમ પણ જણાવ્યું છે કે હવે તે પ્રાણીઓના કુદરતી  આવાસવાળા દેશોમાં જ સંરક્ષણના કામને વધુ મહત્વ આપશે. દેખીતી રીતે આ જાહેરાતમાં કશું ખોટું ન જણાય. પણ દુનિયાભરની ૨૭ વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીકલ્યાણ સંસ્થાઓને આટલું પૂરતું લાગતું નથી. ૨૨ સપ્ટેમ્બરે લખેલા એક ખુલ્લા પત્રમાં તેમણે વનતારાને પ્રાણીઓની આયાત કાયમ માટે બંધ કરવાની અપીલ કરી છે. એક વર્ષ પછી ફરી આયાત શરૂ થઈ શકે એવી શક્યતા પણ તેમને યોગ્ય લાગતી નથી.

આ માગ પાછળનું એક કારણ વનતારામાંનાં પ્રાણીઓની સંખ્યા છે. આ સંસ્થાઓના જણાવ્યા પ્રમાણે, ચાર વર્ષમાં આશરે ૬૦ હજાર જીવિત પ્રાણીઓ અને ૨,૦૦૦ જેટલી પ્રજાતિઓ અહીં લાવવામાં આવી છે. તેમાં અત્યંત દુર્લભ પ્રાણીઓ પણ સામેલ છે-જેમ કે, તાપાનુલી ઉરાંગુટાન, સ્પિક્સ મકાઉ, ગૅલાપાગોસ ઇગુઆના અને શૂબિલ.

સવાલ માત્ર આંકડાનો નથી. સવાલ એ છે કે આ પ્રાણીઓ આવ્યા ક્યાંથી? તેમણે વનતારા પાસે તમામ પ્રાણીઓની જાહેર યાદી માગી છે કે દરેક પ્રાણી ક્યાંથી આવ્યું, ક્યારે આવ્યું, ક્યાં મોકલાયું, તેના જન્મ અને મૃત્યુ વગેરેની વિગતો. ૨૦૨૫માં ભારતમાં તપાસ માટે આવેલી ‘સી.આઈ.ટી.ઈ.એસ.’(ક‍ન્વેન્શન ઓન ઈન્‍ટરનેશનલ ટ્રેડ ઈન એન્‍ડેન્‍જર્ડ સ્પીસીઝ ઓફ વાઈલ્ડ ફોના એન્‍ડ ફ્લોરા)ની ટીમે પણ વનતારામાં પહોંચેલા મોટી સંખ્યામાં સંરક્ષિત પ્રાણીઓની આયાત અંગે ચિંતાઓ વ્યક્ત કરી હતી. હવે નવેમ્બરમાં યોજાનારી તેની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ બાબતે ભારતના જવાબ પર વિચાર થવાનો છે. ‘સી.આઈ.ટી.ઈ.એસ.’ એક આંતરરાષ્ટ્રીય કરાર છે. તેનો હેતુ વન્ય પ્રાણીઓ અને વનસ્પતિની પ્રજાતિઓના આંતરરાષ્ટ્રીય વેપારને નિયંત્રિત કરવાનો છે, જેથી આવા વેપારને કારણે તેમનું અસ્તિત્વ જોખમમાં ન મુકાય.

અલબત્ત, વનતારાએ કોઈ પણ પ્રકારના આક્ષેપોને નકારી કાઢ્યા છે અને નવી વ્યવસ્થા ઊભી કરવાની જાહેરાત કરી છે. ભવિષ્યમાં પ્રાણી મેળવતાં પહેલાં ત્રણ તબક્કાની તપાસ થશે અને એક સ્વતંત્ર ગવર્નિંગ કાઉન્સિલ દેખરેખ રાખશે, એવું પણ તેણે જણાવ્યું છે. આયાતને એક વર્ષ માટે બંધ રાખવી પણ એ જ નવી વ્યવસ્થાનો ભાગ છે.

પરંતુ આ સંસ્થાઓનો મુખ્ય સવાલ બીજો છે. તેમનું કહેવું છે કે કોઈ પ્રાણીને બચાવવાની ખરેખર જરૂરિયાત હોય તો તેને બચાવવું જોઈએ. પરંતુ દુનિયાના જુદા જુદા દેશોમાંથી તેમને એક જગ્યાએ લાવવાને બદલે તેઓ જ્યાંના છે ત્યાં જ તેમને બચાવવાનું કામ વધુ યોગ્ય ન ગણાય?

ધારો કે આફ્રિકાના કોઈ દેશમાં હાથીઓ કે વાંદરાઓ માટેનું સ્થાનિક રેસ્ક્યૂ સેન્ટર સાધનો અને પૈસાની અછતનો સામનો કરી રહ્યું છે. બીજી તરફ હજારો કિલોમીટર દૂર કોઈ વિશાળ સંસ્થા પાસે પૂરતાં સાધનો છે. તો મદદનો સાચો રસ્તો કયો: પ્રાણીઓને ઉઠાવીને અહીં લઈ આવવાં કે ત્યાંની સંસ્થાને એટલી જ મજબૂત બનાવવી કે તે પોતાનાં પ્રાણીઓની સંભાળ રાખી શકે? આ ૨૭ સંસ્થાઓનો આગ્રહ બીજો વિકલ્પ પસંદ કરવાનો છે. તેઓ કહે છે કે વનતારાએ પોતાના સંસાધનો પ્રાણીઓનાં મૂળ દેશોમાં આવેલાં કુદરતી રહેઠાણના સંરક્ષણ અને સ્થાનિક રેસ્ક્યૂ સેન્ટરોને મજબૂત કરવામાં વાપરવા જોઈએ. જરૂર પડે ત્યાં પ્રાણીઓને તેમના મૂળ વિસ્તારમાં પાછા મોકલવાની શક્યતા પણ તપાસવી જોઈએ. કેમ કે, વન્ય પ્રાણી માત્ર એક જીવ નથી; તે પોતાના જંગલ, પર્યાવરણ અને દેશની કુદરતી સંપત્તિનો ભાગ છે.

પ્રાણીને બચાવીને તેને સુરક્ષિત જગ્યાએ રાખવું ક્યારેક જરૂરી હોઈ શકે. પરંતુ સંરક્ષણની આખી વ્યવસ્થા જ પ્રાણીઓને તેમના કુદરતી આવાસથી દૂર લઈ જવા પર આધારિત થઈ જાય તો પછી એને મૂળ સમસ્યાનો ઊકેલ શી રીતે માની શકાય?

જંગલો ઘટતાં જતાં હોય, કુદરતી આવાસ નાશ પામતાં હોય અને વન્યજીવોનો ગેરકાયદે વેપાર ચાલુ હોય ત્યારે સૌથી મોટી જરૂરિયાત પ્રાણીઓ માટે વધુ મોટા કેદખાનાં બનાવવાની નથી. અસલી જરૂરિયાત છે તેમનાં આવાસ જેવાં જંગલોને બચાવવાની.

વનતારા બાબતે ચાલી રહેલી ચર્ચામાં પણ સવાલ માત્ર એ નથી કે જામનગરમાં કેટલાં પ્રાણીઓ છે. સવાલ એ છે કે વન્યજીવ સંરક્ષણનું અંતિમ લક્ષ્ય શું હોવું જોઈએ: પ્રાણીઓને બચાવીને એક જગ્યાએ ભેગાં કરવાં કે એવી વ્યવસ્થા ઊભી કરવી જ્યાં તેમને તેમના પોતાના જંગલમાંથી બહાર લાવવાની જરૂર જ ન પડે? આખરે સવાલ પ્રાણીઓની સંખ્યા કે સ્થળનો નથી, સંરક્ષણની સાચી દિશાનો છે. પ્રાણીઓને બચાવવાની સાથે એ કારણો પણ દૂર કરવાં જરૂરી છે, જે તેમને પોતાનાં જંગલથી દૂર કરે છે. કદાચ એ જ સાચા સંરક્ષણની શરૂઆત કહી શકાય.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૫- ૧૦– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી