જીવનની ખાટી મીઠી

નીલમ  હરીશ દોશી

નેહલના મનોઆકાશમાં જાણે વીજળી પડી. આ તેનો પતિ બોલે છે ? આવું તે વિચારી જ કેમ શકે ? નેહલનું આખું યે અસ્તિત્વ ધ્રૂજી ઉઠયું.  તેના પોતાના અંશનો તે નિકાલ કરે ? પતિ પત્નીના પ્રેમના પ્રતીકને આ દુનિયામાં અવતરવા જ ન દે ?  ફકત એટલા માટે કે તે છોકરી છે.! આ સદીમાં યે આવું શકય છે ?

અને કારણ ફકત એટલું જ કે તેમના  કુટુંબમાં બધાને પ્રથમ સંતાન છોકરો જ છે..અને તે જ હોવો જોઇએ. આ તેમના ઘરની પરંપરા છે. જે તૂટવી ન જોઇએ. નેહલ પહેલા તો બાળકની જાતિની તપાસ માટે જ તૈયાર નહોતી. પણ અંતે તેને તેમાં તો સમાધાન કરવું પડયું.  સ્ત્રી સદીઓથી સમાધાન કરતી જ આવી છે ને.!

પણ ગર્ભમાં છોકરી છે તે જાણ્યા પછી ઘરમાં બધાની સાથે જયારે  પતિએ પણ ગર્ભપાત માટે સાથ પૂરાવ્યો. ત્યારે તેનુ મન વિદ્રોહ કરી ઉઠયું. એક મા થઇ ને તે પોતાના ન  જન્મેલ બાળકની હત્યા કરે ?દીકરી થઇને દીકરીને અવતરવા ન દે ? શા મારે ? આવો   અન્યાય શા માટે ?  તેને યાદ આવી ગયો એ દિવસ જયારે પોતે કોલેજમાં ભણતી હતી..ત્યારે ‘ ભ્રૂણહત્યા…એક સામાજિક સમશ્યા..’ પર નિબંધ  હરિફાઇમાં પ્રથમ આવેલ અને  ઇનામની સાથે સરસ સર્ટીફિકેટ મેળવેલ. આજે એ પ્રમાણપત્ર જાણે તેની મશ્કરી કરી રહ્યું હતું.

તે રડી,  કકળી..ઘણી દલીલો કરી..પણ અંતે પુરુષનું હમેશનું બ્રહ્માસ્ત્ર છૂટયું.  અમારા ઘરનો આ રિવાજ છે, પરંપરા છે.  ને તારે તે જાળવવી જ રહી. જો તારે અમારા આ  ઘરમાં રહેવું હોય તો. નહીંતર તારે માટે આ ઘરના દરવાજા ખુલ્લા છે.

અને નેહલને જ્ઞાન આવ્યું. જે ઘરને તે મારું મારું કહીને તેના માટે તૂટી મરતી હતી. તે ઘર કયારેય તેનું નહોતું..ન  હોઇ શકે.  પુરુષને ગમે ત્યાં સુધી તેમાં રહી શકતી તે એક આશ્રિત માત્ર છે.

અંતે એ બ્રહ્માસ્ત્ર સામે ઝૂકવાને કે તૂટવાને બદલે ગર્ભમાં રહેલ પુત્રીને બચાવવા તેણે ઘર છોડયું. તેના મા બાપે સુધ્ધાં તેને સમજાવી. તેને પાગલ ગણાવી. આવી “નાની” વાતમાં તે ઘર છોડાતું હશે ?  સમાજ માટે કદાચ  તે સામાન્ય. કે નાની વાત હતી. પણ નાની ગણાતી એ વાત નેહા વાત કેમે ય સ્વીકારી શકે તેમ નહોતી. તેને તો તેની ન જન્મેલ પુત્રીનો અવાજ  અંદરથી સંભળાતો હતો,  ‘ મા, મને અવતરવા દઇશ ને ? આ ધરતી પર ઉછરવા દઇશ ને ? મા, હું તારી વહાલી દીકરી…તું મારી રક્ષા કરીશ ને ? મા, હું તને ખૂબ  વહાલ કરું છું… અને “ પાગલ “ નેહલ માતા પિતાની નાની ગણાતી વાત ન  સ્વીકારી શકી.

કેટલાયે સંઘર્ષો સામે એકલે હાથે ઝઝૂમી અંતે તેણે પુત્રીને જન્મ આપ્યો. એટલું જ નહીં..એક વિધવાની જેમ જીવન વીતાવી,  હીરાકણી જેવી દીકરી રત્નાને સરસ રીતે ઉછેરી તેને ડોકટર બનાવી નેહલે આત્મસંતોષનો અનુભવ કર્યો. રત્નાએ એક ડોકટર છોકરા સાથે લગ્ન કર્યા હતા. અને બંનેની મોટી હોસ્પીટલ હતી.  જેમાં નેહલ પણ પોતાથી થાય તે સેવા કરતી.

આજે હોસ્પીટલમાં એક અકસ્માતનો કેસ આવ્યો હતો. નેહલ તેને જોઇને ચોંકી. પણ કંઇ બોલી નહીં. તેનું ઓપરેશન થયું અને પૂરા બે દિવસે તે ભાનમાં આવ્યો. ત્યારે તેની બાજુમાં નેહલ હતી. પેશન્ટની નજર નેહલ પર પડતા તે બોલી ઉઠયો, ‘ નેહલ,.’ હા, તે તેનો પતિ હતો. નેહલ તટસ્થતાથી તેની સામે જોઇ રહી. અને પતિની આંખનો પ્રશ્ન વાંચી તેણે શાંતિથી, પૂરી સ્વસ્થતાથી  કહ્યું, ’ તમને વધુ બોલવાની મનાઇ છે. તમારું ઓપરેશન થયું છે. અને મારી દીકરીને અપયશ મળે તેવું હું નથી ઇચ્છતી.

‘ તારી…આપણી દીકરી…ડોકટર …? ’ તે તૂટક તૂટક બોલ્યો… ‘ આપણી નહીં.. મારી..મારી ફકત મારી જ દીકરી ..જે ડોકટર છે . જેણે  તમારો જીવ બચાવ્યો છે. ’

‘ નેહલ, મારી ..મારી ભૂલ..મને માફ……..’ વચ્ચે જ નેહલ બોલી, ‘ મને અતીતની કોઇ વાતમાં રસ નથી. અને મને કોઇ અતીત યાદ નથી. હું એક વિધવા છું વરસોથી.’  અને તે સડસડાટ ત્યાંથી ગૌરવપૂર્વક ચાલી ગઇ.


નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે