નાગારાજા કુમારી હૈદ્રાબાદના યુનિવર્સિટીના વાર્ષિક પદવીદાન સમારંભમાં જઈ ગોલ્ડ મેડલ લેશે.
આલેખનઃ અનુરાધા દેરાસરી
‘સ્નાતક અને પછી અનુસ્નાતકની ડીગ્રી મેળવવી તે મારું બાળપણનું સ્વપ્ન હતું. પરંતુ જીવનમાં સંજોગોના કારણે તે અધૂરું રહી ગયું. પરંતુ જેલમાં મહિલા કેદી તરીકે આવ્યા પછી જેલ સુપ્રીન્ટેન્ડન્ટ અને અધિકારીઓની પ્રેરણાથી હું મારી અધૂરી શૈક્ષણિક કારકિર્દી પર ફોકસ કરી શકી અને મેં બી.એ.ની ડીગ્રી મેળવી. હવે પોસ્ટ ગ્રેજ્યુએશન પર મીટ માંડી રહી છું.’ આંધ્ર પ્રદેશ રાજમુટ્ટીની સેન્ટ્રલ જેલની મહિલા કેદી ડી. નાગારાજા કુમારીના આ શબ્દો છે.
વાંચતા કોઈ નવલકથાનું પાનું કે, ચલચિત્રનો સીન લાગે પણ ના, આ જેલના સળિયા પાછળનું હકારાત્મક ચિત્ર છે. જેલના કેદીઓ માટે, તેમના પુર્નઃઉત્થાનની યોજનાઓમાં અધૂરું શિક્ષણ કાર્ય પૂરું કરવું તે એક યોજના માની એક છે.
પુરુષ જેલના કેદીઓ માટે ૧૯૯૪ સુધી આ યોજના શરૂ કરવામાં આવી છે. ૨૦૨૪ સુધીમાં ૨૫ બેચોમાં શૈક્ષણિક કાર્ય થયું છે. જેમાંથી ૨૪૨ પુરુષ કેદીઓએ ફાયનલ એકઝામ પાસ કરી સ્નાતકની ડીગ્રી મેળવી છે.
૨૦૦૮ થી મહિલા કેદીઓ માટે જેલમાં રહીને, તેમની અધૂરી શૈક્ષણિક કારકીર્દી પૂરી કરવાની તકો આપવામાં આવી. અત્યાર સુધીમાં ૧૦ બેચો થઈ છે. જુદી જુદી મહિલા સેન્ટ્રલ જેલમાં. જેમાં દસમા ધોરણથી શરૂ કરીને, એમબીએ સુધીની ડીગ્રી મહિલા કેદીઓએ મેળવી છે. જેમાં ૩૨ મહિલાઓએ બી.એ. ફાઇનલની પરીક્ષા આપી સ્નાતકની ડીગ્રી મેળવી છે.
તેમાં ઉપર જમાવેલ રાજામુટ્ટી શહેરની રાજામહેન્દ્રવરમ જેલની મહિલા કેદી નાગારાજા કુમારીએ તેનો બીએ ડીગ્રીનો કોર્સ પૂરો કરી બીએની ડીગ્રી મેળવી છે.
આ મહિલા કેદી ડી. નાગારાજા કુમારીની બી.એ.ની ડીગ્રીની વિશિષ્ટતા એ છે કે તેઓ જેલમાં રહીને ભણ્યા તેટલું જ નહીં પરંતુ ડીગ્રીના છેલ્લા વર્ષમાં તેમની બેચમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ ઘટના વિચારતા કરી મૂકે. ડી. નાગારાજા કુમારીની આ ઉપલબ્ધિ અંગેની જાણકારી મેળવવાની અને જેલમાં કેદીઓ કેવી રીતે ભણે છે તે જાણવાની.
જ્યાં સતત નકારાત્મક વાતાવરણ હોય, તેમાં માનસિક સ્થિતિસ્થાપકતા જાળવી ભણવું અને પાછું ગોલ્ડ મેડલ મેળવવો તે જીવનની પરાકાષ્ટા જ ગણાય અને સંજોગોની વિચિત્રતા. સિક્કાની એક બાજુ નકારાત્મક છે તો બીજી બાજુ જબરજસ્ત હકારાત્મકતા છે.
આંધ્ર પ્રદેશની રાજા મહેન્દ્રવરમ સેન્ટ્રલ જેલની મહિલા કેદી ડી. નાગારાજા કુમારીની કહાની શરૂ થાય છે. ૨૦૨૦ થી. ૨૦૨૦માં નાગારાજા કુમારીને તેના નણંદનું ખૂન કરવા બદલ આજીવન કેદી તરીકે સેન્ટ્રલ જેલમાં ભરતી કરવામાં આવી.
શરૂઆતના પાંચ વર્ષ નાગારાજા કુમારીના ખૂબ અસ્તવ્યસ્ત રહ્યા, પરંતુ કહેવાય છે ને કે જ્ઞાનને કોઇ સીમાડા નડતા નથી. તેમ નાગારાજા કુમારીએ કેદીએ શિક્ષણ પુરું કરી શકે તે પુર્નઃઉત્થાનની યોજના વિષે જાણ્યું અને તેણીને પોતાનું બાળપણનું સ્વપ્ન સ્નાતક ડીગ્રી મેળવવાનું યાદ આવ્યું અને તેણે આ રસ્તે આગળ વધવાનો વિચાર કર્યો.
પરંતુ આ તો જેલ !
કોર્સની ફી, ચોપડીઓ, કોચિંગ વગેરે વગેરે કયાંથી મેળવવું ? તે કેવી રીતે મેળવી શકાય ? પાંચ વર્ષથી જેલમાં રહીને આત્મવિશ્વાસ ઘટી ગયો હતો. મનની સ્થિતિસ્થાપકતા જેલના વાતાવરણને લીધે ઘણી ઘટી ગઈ હતી. જેલના મહિલા સુપ્રિન્ટેનડન્ટને નાગારાજા કુમારીના વિચારોની અને અસમંજસ માનસની ખબર પડી. તેઓએ તેણીને બોલાવીને આગળ બીએની ડીગ્રી અંગે ભણવાની પ્રેરણા આપી.
આ માટે નાગારાજાકુમારીને આત્મવિશ્વાસ અને એકાગ્રતા તેમજ સ્થિર માનસિકતાની જરૂર હતી. આ માટે નાગારાજાકુમારીએ મહિલા કેદીઓ માટે ચાલતી બીજી પુર્નઃઉત્થાન યોજના સીલાઈ કામ અને પેન્ટિંગ શરૂ કર્યા. આ કરવાથી તેનામાં આગળ ભણવાનો આત્મવિશ્વાસ એકાગ્રતા અને સ્થિરતા આવ્યા. બાકી જેલના વાતાવરણમાં ભણવું ખૂબ મુશ્કેલ હોય છે. આ સાથે જેલના મહિલા સુપ્રિનટેન્ડન્ટે બીજી વાંચવાની વગેરે સવલતો પણ કરી દીધી.
અને શરૂ થઈ નાગારાજાકુમારીની શૈક્ષણિક યાત્રા.
આ અસામાન્ય સંજોગોમાં ભણવાનું હતું, તે પણ જેલમાં રહીને પરંતુ નાગારાજાકુમારીની શૈક્ષણિક અભિલાષાએ તે પડકાર પણ ઝીલ્યો.
જેલના મહિલા કેદીઓ માટે ખાસ જેલના એક રૂમમાં વિષયવાર શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવે છે. શિક્ષક્ષણના વર્ષ પ્રમાણે નાગારાજાકુમારીએ રાજામુટ્રી શહેરની આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં બી.એ.ની ડીગ્રીના વર્ષમાં એડમિશન લીધુ. (આંબેડકર યુનિવર્સિટી અને રાજામહેન્દ્ર સેન્ટ્રલ જેલનો મહિલા કેદીઓ એક્ટર્નલ ભણી શકે તે માટે એમઓયુ થયેલો છે.)
હવે પ્રશ્ન આવે મહિલા કેદીઓ નાગારાજાકુમારી વગેરેની ફી કયાંથી આપવી ? તો આ ફી જેલના વેલફેર ફંડમાંથી અને નાગારાજાકુમારીએ જેલમાં જે ટેલરિંગ કામ કર્યું હોય તેમાંથી આપવામાં આવી.
નાગારાજાકુમારીને આ બી.એ.ની ડીગ્રી માટે પુસ્તકોની જરૂર પડે. તો મોટી મોટી સેન્ટ્રલ જેલોમાં તેમની લાયબ્રેરી હોય છે જેમાં શૈક્ષણિક, આધ્યાત્મિક, સાહિત્યના સરળ પુસ્તકો આવેલા હોય છે. (જો લાયબ્રેરી ના શક્ય હોય તો ઉપરના પુસ્તકોની જરૂર સગવડ હોય છે. હવે તો ડિજીટલ ફેસિલિટી પણ આપવામાં આવે છે.) ડી. નાગારાજાકુમારીએ બીએની ત્રણે વર્ષના પુસ્તકો સેન્ટ્રલ જેલમાંથી લઈને વાંચ્યા. જે તેના વિષયના પુસ્તકો ઉપલબ્ધ હતા નહીં તેની મહિલા સુપ્રિટેન્ડન્ટે વ્યવસ્થા કરી આપી.
ડી. નાગાકુમારી જણાવે છે કે, મારે માટે ઘણું મુશ્કેલ કામ હતું. પરંતુ હું મારા જેલની કોટડીમાં એક ખૂણામાં જઈને વાંચતી. મારી અંદરની અદમ્ય ઈચ્છા અને જ્ઞાનપીપાસા હતી એટલે હું આ પડકાર ઝીલી શકી. મેં દૃઢપણે નક્કી જ કર્યું હતું કે, હું મારું બાળપણનું સ્વપ્ન પૂરું કરીશ. મને જેલમાં અધિકારીગણ અને સુપ્રિન્ટેન્ડન્ટ બહેને ઘણી સગવડ આપી. જે પુસ્તકો અમારી લાયબ્રેરીમાં નથી મળતા તે જેલની બીજી લાયબ્રેરીમાંથી મંગાવાયા છે. આમ ડીગ્રી મેળવવાનું મારું સ્વપ્ન પુરું થયું.’
મહિલા કેદીઓની મોટાભાગની પરીક્ષાઓ જેલમાં જ નિયુક્ત અધિકારીઓની નિગરાનીમાં લેવાય છે. જો ખૂબ જરૂરી હોય તો એક ઓફિસરના એસ્કૉટ સાથે બહાર આપવા લઈ જવાય છે. ડી. નાગારાજાકુમારીએ પણ પરીક્ષા આપી અને સૌથી પરાકાષ્ટા ત્યાં આવી જ્યારે,
ડી. નાગારાજાકુમારીએ છેલ્લા વર્ષમાં તેની બેચમાં ફલાઇંગ કર્લસ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો.
‘વોટ અ આયર્ની ઓફ ફેથ’ ! એક બાજુ જેલ અને બીજી બાજુ ગોલ્ડ મેડલ.
ડી. નાગારાજાકુમારી હૈદ્રાબાદમાં આંબેડકર યુનિવર્સિટીના વાર્ષિક પદવી સમારંભ (કોનવોકેશન)માં જશે અને ‘ગોલ્ડ મેડલ’ લેશે. આ પરવાનગી જેલ તરફથી આપવામાં આવી છે. રાજામુટ્ટી શહેરની સેન્ટ્રલ જેલનું ગૌરવ છે એમ મહિલા સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે. આગળ તે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માગે છે.
બ્રેવો ડી. નાગારાજાકુમારી ! જીવનમાં પુર્નઃઉત્થાન કરો તેવી શુભેચ્છાઓ.
