ફિર દેખો યારોં

બીરેન કોઠારી

ઘણી વાતો એવી હોય છે કે તે વખતોવખત કહેવા કે લખવાથી પુનરાવર્તન લાગે, છતાં તેને કહેવી કે લખવી જરૂરી હોય છે. કેમ કે, તેનાથી જનજીવન અને પર્યાવરણને થઈ રહેલું નુકસાન દેખીતું હોવા છતાં ઉન્માદ અને મિથ્યાગૌરવને કારણે એ ઉજવણી નહીં, પણ બદીરૂપ બની રહે છે. આજકાલ ગણેશોત્સવનો માહોલ છે. કાન ફાડી નાંખતાં ઢોલ-નગારાંનો અવાજ, એમાં ઉમેરો કરતો દિલને ધડકાવી દેતો ડી.જે.નો ઘોંઘાટ અને સાથે ફટાકડા. આ તો દેખીતું ધ્વનિ પ્રદૂષણ થયું. ગણેશ વિસર્જન નિમિત્તે ઠેરઠેર જળાશયોમાં વિસર્જિત કરાતી પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓ અને તેના થકી જળાશયોમાં પ્રસરતા પ્લાસ્ટર ઓફ પેરિસ તેમજ રાસાયણિક રંગોથી થતા પ્રદૂષણનું શું?

ગણેશોત્સવ આવે એટલે શહેર-ગામ-નગરો બદલાઈ જાય છે. ગલીએ ગલીએ મંડપ ઊભા થાય છે, ઘરોમાં ગણેશજીની સ્થાપના થાય છે, બજારોમાં ખરીદી વધે છે. આ બધું અંગત ધોરણે કે સામુદાયિક ધોરણે થતું હોય એનો વાંધો કે વિરોધ ન હોય, પણ તેનાથી થતા ત્રાસમાંથી બચી શકાતું નથી. એ હદે હવે ઉજવણીઓ દૂષણરૂપ બની રહી છે. અને આ તો આગમન ટાણે. જે ગણેશજીને આટલી શ્રદ્ધાથી પધરાવીએ છીએ, તેમનું વિસર્જન જે પાણીમાં કરીએ છીએ તેનું શું?

આ પ્રશ્ન દર વર્ષે વધુ ને વધુ ગંભીર બનતો જાય છે. ખાસ કરીને પ્લાસ્ટર ઑફ પેરિસ એટલે કે પીઓપીની મૂર્તિઓ અને તેમાં વપરાતા રાસાયણિક રંગો બાબતે લાંબા સમયથી ચિંતા વ્યક્ત કરવામાં આવે છે. માટીની મૂર્તિ પાણીમાં ઓગળી શકે છે, જ્યારે પીઓપીની મૂર્તિ સહેલાઈથી ઓગળતી નથી. મૂર્તિ સાથેના રંગો અને અન્ય સામગ્રી પણ જળાશયોમાં ભળે છે. પરિણામે પાણીની ગુણવત્તા અને જળચરસૃષ્ટિ પર તેની ગંભીર અસર થઈ શકે છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

ગુજરાતમાં ગણેશોત્સવની પરંપરા પહેલાં વડોદરા જેવા ગાયકવાડી શાસનના શહેર પૂરતી સિમીત હતી. તેનો ફેલાવો શરૂ થયો એટલે જોતજોતાંમાં એ ગામેગામ, ગલીએ ગલીએ અને ઘેરઘેર પહોંચી ગઈ. માટીની નાની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવી અને વિસર્જન કરવું એ સરળ ધાર્મિક વિધિ હતી. પછી મૂર્તિઓ મોટી થતી ગઈ. તેમની સજાવટ ભવ્ય બનતી ગઈ. મંડપો મોટા થતા ગયા. લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ, વિવિધ પ્રકારની સજાવટ અને દેખાવનો ઉમેરો થયો. હવે ગણેશોત્સવમાં ભક્તિ કરતાં ભવ્યતાની બોલબાલા છે. કોણ સૌથી ખર્ચાળ મૂર્તિ બનાવે, કોણ સૌથી ઊંચી મૂર્તિ બનાવે એની જાણે કે બિભત્સ સ્પર્ધા થાય છે. મૂર્તિ જેટલી મોટી, મંડપ જેટલો ભવ્ય અને કાર્યક્રમ જેટલો ધમાકેદાર, એટલો ઉત્સવ મોટો, અને એટલી પોતાની શક્તિ વધુ-આવું કંઈક સમીકરણ પ્રચલિત બની રહ્યું છે. આમાં ક્યાંય શ્રદ્ધા શોધી જડતી નથી.

મહત્ત્વનો મુદ્દો એ છે કે જે નદી, તળાવ કે દરિયાને આપણે જીવનદાતા માનીએ છીએ, તેમાં જ આપણે વિસર્જનના નામે એવી વસ્તુઓ કેમ નાખીએ છીએ જે પાણી માટે નુકસાનકારક છે? એક તરફ વરસાદના અભાવને લઈને, કે વધુ પડતા વરસાદને કારણે પાણીને જાળવવાની જરૂર દિન બ દિન વધી રહી છે. બીજી તરફ આ રીતે જળપ્રદૂષણની માત્રા ઊત્તરોત્તર વધતી રહી છે.

પરંપરા અને પર્યાવરણ વચ્ચે પસંદગી કરવાની જરૂર નથી. બંને સાથે ચાલી શકે છે. માટીની મૂર્તિ તેનો એક સરળ રસ્તો છે. કુદરતી રંગોનો ઉપયોગ કરી શકાય. મૂર્તિ નાની રાખી શકાય. કૃત્રિમ સજાવટને બદલે ફરી ઉપયોગમાં લઈ શકાય એવી સામગ્રી વાપરી શકાય. સૌથી મહત્ત્વનું, વિસર્જન માટે કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરી શકાય, જેથી જળાશયોમાં પ્રદૂષણ ન ફેલાય. આવા ઉપાયોને માત્ર સરકારી નિયમ કે માર્ગદર્શિકા લેખે જોવામાં આવે તો વાત અધૂરી રહી જાય છે. પીઓપી પર પ્રતિબંધ મૂકવાથી સમસ્યા ઉકેલાઈ જવાની નથી. સમજણ અને એ પણ સાચી સમજણ કેળવવાની વાત છે. લોકોની પસંદગી નહીં બદલાય ત્યાં સુધી બજાર પણ બદલાશે નહીં. લોકો પીઓપીની મોટી અને ચમકદાર મૂર્તિ માગશે તો મૂર્તિકારો એ જ બનાવશે. માટીની મૂર્તિની માગ વધશે તો કલાકારો પણ તેની તરફ વળશે.

મુશ્કેલી એ છે કે આ મામલે એટલા મોટા જનસમુદાયની આસ્થા જોડાયેલી છે કે તેને સાચી સમજણ કે દોરવણી આપી શકે એવા પ્રબુદ્ધ લોકો પણ આ મામલે સાચી વાત કહેવાનું ટાળે છે. શ્રદ્ધાળુઓના સમુદાયમાં વરસોવરસ નવો સમુદાય ઉમેરાતો જાય છે. ‘અમારે ત્યાં ગણેશજી પધાર્યા છે’ એમ કહેનારા આપણાં પરિચીત વર્તુળોમાં પણ વધતા જાય છે.

હવે જાતને એક સવાલ પૂછવો જરૂરી બને છે: ભગવાનને ખુશ કરવા માટે આપણને ખરેખર કેટલી ભવ્યતાની જરૂર છે? ગણેશજીને માટીની સાદી મૂર્તિમાં સ્થાપિત કરીએ તો શું આપણી ભક્તિ ઓછી થઈ જાય છે? કે પછી ભક્તિનું મૂલ્ય મૂર્તિના કદ, રંગ અને કિંમતથી નક્કી થાય છે? યાદ રહે, આમાં એ સવાલોનો સમાવેશ છે જ નહીં કે જે લોકોને આ બાબતમાં શ્રદ્ધા નથી એમનું શું? શારિરીક રીતે અસ્વસ્થ હોય એવા લોકોનું શું? તહેવારોના ધાર્મિક ઉન્માદમાં આવા સવાલ પૂછવાની મનાઈ છે, કેમ કે, આખી બાબત પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા સાથે અને તેને લઈને થતા શક્તિ પ્રદર્શન સાથે સંકળાયેલી છે.

કોઈ ઉજવણીને ભલે પરંપરા બનાવો, એને જાળવવાનું મિથ્યા ગૌરવ લો, પણ પરંતુ પરંપરાના નામે પર્યાવરણને નુકસાન શું કામ પહોંચાડવાનું? પરંપરાના મૂળ ભાવને જાળવીને તેની રીત બદલવી એ પરંપરાનો વિરોધ નથી, બલકે બદલાતા સમય અનુસાર ઉજવણીની રીતમાં સુધારો કરવો એ જીવંત સંસ્કૃતિની નિશાની છે.

ગણેશજીને વિઘ્નહર્તા માનવામાં આવે છે. પણ તેમની સ્થાપનાને લઈને ધ્વનિ પ્રદૂષણનું અને વિસર્જનને કારણે જળાશયો માટે વિઘ્ન ઊભું થતું હોય તો આપણી ઉજવણીની રીત વિશે ફેરવિચાર કરવો જોઈએ.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૧૭- ૯– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી