સમાજદર્શનનો વિવેક 

કિશોરચંદ્ર ઠાકર

લગભગ ૪૫ વર્ષ પહેલાની વાત છે. દરિયાકાંઠાના એક ગામની બહાર આવેલા એક નાનકડા મંદિરના ચોગાનમાં ખુલ્લાં આકાશ તળે સૂવાનો જોગ થયો હતો. ઉનાળાની રાત્રી હતી અને ઝાકળી પવનની મજા માણી રહ્યો હતો. એ વર્ષોમાં તે ગામમાં કે આજુબાજુના કોઇ ગામમાં વીજળીનો પ્રાદુર્ભાવ થયો ન હતો. આથી પવન ઉપરાંત ખીચોખીચ ભરેલું અદ્દભૂત આકાશ જોવાનો એ આનંદ આજે પણ અવિસ્મરણીય છે. સ્પષ્ટ છે કે આ મજાનું કારણ કૃત્રિમ પ્રકાશની સદંતર ગેરહાજરી હતું.

જેમ જેમ ગમાડાઓને વીજળીનો લાભ મળવા લાગ્યો તેમ તેમ આકાશદર્શનનો લાભ ઘટતો ગયો. મોટા શહેરોમાં રાત્રે તારાઓ તો ઠીક પણ આકાશ પોતે જ અદૃશ્ય થવા લાગ્યું છે. અમદાવાદ જેવા શહેરમાં તો રાત્રે વાદળ પોતાનો મૂળ રંગ ગુમાવીને રતાશ પડતું દેખાય છે.

અંધારી રાતો હવે લગભગ બધે જ દુર્લભ બની રહી છે. આપણાં શહેરો ચારે બાજુથી કૃત્રિમ પ્રકાશથી ઝળહળી રહ્યાં છે. આ યુગને આપણે અવકાશ યુગ કહી રહ્યા છીએ પરતુ આપણાં બાળકો તો હવે આકાશને જોયા વિના જ મોટા થઇ રહ્યાં છે; ધ્રુવતારો અને સપ્તર્ષિ તો અજાણ્યા છે, પરંતુ મસમોટી આકાશગંગા પણ માત્ર પાઠયપુસ્તકનો વિષય બની ગઇ છે. તારાઓથી ભરેલી રાતનું દ્રશ્ય હવે માત્ર ક્યારેક-ક્યારેક આશ્ચર્ય પામવા ડિજિટલ દ્રશ્યો પૂરતું સીમિત થઈ ગયું છે.    પ્રદુષણ માત્ર હવા, પાણી કે ધ્વનિનું જ નહિ પ્રકાશનું પણ હોય છે. શહેરમાં પ્રકાશની તીવ્રતાને કારણે આકાશમાં એક તેજપુંજ કે ગુંબજ રચાય છે, જે રાત્રીના આકાશનાં દર્શનને અવરોધે છે. આ પ્રદૂષણને વૈજ્ઞાનિક ભાષામાં સ્કાયલોગ એવું નામ આપવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોને અંધારી રાત્રીની જરૂરિયાત વર્ષો પહેલા સમજાઈ હતી. આથી 1988 માં ખગોળશાસ્ત્રી ડેવિડ ક્રોફોર્ડ અને  ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા દાક્તર ટિમ હન્ટર દ્વારા ઇન્ટરનેશનલ ડાર્ક-સ્કાય એસોસિએશન નામની એક સંસ્થા અમેરિકામં સ્થાપવામાં આવી છે. તેનું વડુ મથક અમેરિકાના એરિઝોના રાજ્યના ટક્સન  ખાતે છે. વૈશ્વિક સ્તરની આ સંસ્થાનું  કાર્ય  પ્રકાશના પ્રદૂષણ સામે લડવા અને રાત્રીના પર્યાવરણનું રક્ષણ કરવાનું છે. જુલાઇ 2018 થી ઓગસ્ટ 2021  સુધી તેના નીતિ નિર્ધારણ વિષયક ડાયરેક્ટર રહી ચૂકેલા જોહ્ન બારે‌ન્ટાઇનના મત મુજબ વિશ્વની પ્રજાઓએ  પ્રકાશના પ્રદુષણની બહુ જોખમી અવગણના કરી છે.

આજથી પચાસ સાંઈઠ વર્ષો પહેલા ગુમાવેલા આ અંધકારના દુ:ખને આપણે અતીતરાગ (Nostalgia)ગણીને છોડી દેવા જેવી બાબત નથી. આપણાં રોજબરોજના જીવનમાં પણ કૃત્રિમ પ્રકાશની દખલગીરી આપણે અનુભવતા હોઇએ છે. રાત્રે પુસ્તક વાંચતી વખતે વીજળીનો પ્રકાશ રૂમમાં સૂતેલી અન્ય વ્યક્તિની ઉંઘમાં ખલેલ પહોંચાડતો હોય છે. ઘરની બહાર બારીની સામે મૂકાયેલા નગરપાલિકાના થાંભલા પરની બત્તીનો પ્રકાશ બારી બંધ કરવાની ફરજ પાડે છે. જૂના વખતમાં જ્યારે વીજળીની સુવિધા ન હતી ત્યારે ખાસ કરીને ગામડાઓમાં ટોર્ચનો ઉપયોગ થતો. આ ટોર્ચથી કોઇ અન્ય વ્યક્તિ પર ફેંકાયેલો પ્રકાશ ઝગડાનું કારણ બનતો. હાઇવે પર સામેથી આવતા વાહનની હેડ લાઇટ પરથી વાહનચાલકની આંખ પર સીધો જ ફેંકાય તો વાહનચાલકની આંખ અંજાઈ જાય છે. ક્યારેક આ બાબત અકસ્માતમાં પણ પરિણમતી હોય છે.

વાહનોમાં તીવ્ર પ્રકાશવાળી સફેદ એલઇડી લાઇટના તેજસ્વી પ્રકાશથી સામે આવતા વાહનચાલકો તેમજ રસ્તો ઓળંગતા નાગરિકોની આંખો અંજાઇ જાય છે અને અકસ્માતનું જોખમ વધી જાય છે. આથી આવી લાઇટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ભંગ કરનાર સામે કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. આમ છતાં તેનું અમલીકરણ નહિવત છે.

કેટલાક અપવાદો સિવાય કુદરતમાં રાત્રી(અંધકાર)ની વ્યવસ્થા પ્રાણીઓ અને ખાસ કરીને પક્ષીઓનાં ઉંઘ અને આરામ માટે છે. પરંતુ આપણે કૃત્રિમ પ્રકાશથી આ સમુદાયનો આરામ ઝૂંટવી લીધો છે. આપણા મોટાભાગના તહેવારોમાં કૃત્રિમપ્રકાશનો ઝગમગાટ અનિવાર્ય હોય એમ લાગે છે. દિવાળીને ભલે આપણે પ્રકાશનો તહેવાર માનતા હોઈએ પરંતુ એ પ્રકાશ એટલે તેલના દીવાનો પ્રકાશ, નહિ કે વીજળીનો ઝગમગાટ. આમ આપણા તહેવારો ધ્વનિ પ્રદુષણની સાથે વધુને વધુ પ્રકાશનું પ્રદુષણ પણ ફેલાવનારા બન્યા છે.

ગીર પંથકમાં તાજેતરમાં માણસો પર સિંહોના હુમલાઓ માટે સિંહની બદલાયેલી વર્તણુક જવાબદાર કહેવાય છે. પરંતુ નિષણાતોનાં કહેવા મુજબ સાસણ ગીરમાં પ્રવાસન માટે રીસોર્ટ બનવા લાગ્યા છે. કેટલાક લોકો ત્યાં શહેરની જેમ પ્રકાશના ઝગમગાટ ભર્યા લગ્નપ્રસંગો પણ યોજે છે! આથી રાત્રે ગીરમાં પણ કૃત્રિમ પ્રકાશ ફેલાવા લાગ્યો છે. આના કારણે સિંહ સહિત ગીરના બધાજ જીવોમાં કૃત્રિમપ્રકાશની દખલગીરી વધી છે જે પ્રાણીઓનાં જીવની દિનચર્યા પર વિપરીત અસર કરે છે. સિંહની બદલાયેલી વર્તણૂકનું આ પણ એક કારણ માનવામાં આવે છે.

(ધ્રુવ ભટ્ટની જાણીતી નવલકથામાં એક પ્રસંગ છે. રાત્રે સાસણ પાસેના એક પુલ પર સિંહ ચાલતો આવતો હતો. તેની સામે આવતી એક જીપની હેડ લાઈટનો પ્રકાશ તેની આંખમાં પડ્યો. સિંહ ચમક્યો અને તેણે બાજુમાં કૂદકો માર્યો પરંતુ અંજાયેલી આંખે પુલની બાજુ પરની કિનારી  જોઈ ન શક્યો અને સીધો પથરાળ નદીમાં પટકાઈને મરણ પામ્યો. નવલકથા પ્રમાણે તે દિવસે સાસણના લોકોએ સિંહના શોકમાં પોતાના કામધંધા બંધ રાખ્યા હતા!)

કેટલાક નિશાચર કીટકોનું દિશા નિર્દેશન ચંદ્ર અને તારા જેવા દૂરના કુદરતી પ્રકાશના સ્રોતો પર આધારિત હોય છે. રાત્રીનો શહેરી પ્રકાશ આ કીટકોની દિશા-નિર્ધારણની કુદરતી ક્ષમતામાં ખલેલ પહોંચાડે છે; કુદરતી દિશા નિર્દેશનની આ ક્ષમતાને શહેરી રોશની કેવી રીતે વિક્ષેપિત કરે છે તેનો વૈજ્ઞાનિકો અભ્યાસ કરી રહ્યા છે.

પ્રકાશનું પ્રદુષણ માત્ર વન્યજીવો કે અન્ય પ્રાણી જગતને જ નુક્શાન કરતું નથી, આપણને જાણ ન થાય તે રીતે માણસના સ્વાસ્થ્યને પણ પ્રતિકૂળ અસર કરે છે. અંધારામાં આપણું શરીર મેલાટોનિન નામનું એક મહત્વપૂર્ણ હોર્મોન ઉત્પન્ન કરે છે જે ઊંઘને સરળ બનાવે છે. પરંતુ વ્યાપક કૃત્રિમ પ્રકાશ આમાં દખલ કરે છે, જેનાં કારણે ઊંઘનો સમયગાળો ઓછો થાય છે. આપણા શરીરમાં કુદરતે એક ઘડિયાળ મૂક્યું છે જેને અંગ્રેજીમાં circadian rhythm કહેવાય છે. આ ઘડિયાળ આપણા શરીરના ભૂખ, તરસ, પાચન ક્રિયા વગેરેનું લયબદ્ધ રીતે નિયમન કરે છે. આપણને ચોક્કસ સમયે આવતી ઉંઘનું કારણ આ લય છે. કૃત્રિમ પ્રકાશ આ લયને અવરોધે છે અને આપણી ઉંઘની નિયમિતતા ખોરવાઈ જાય છે. એક સર્વે મુજબ દુનિયાભરમાં લોકોના ઉંઘના કલાકો ઘટવા લાગ્યા છે. ડોક્ટરોનાં કહેવા મુજબ અપૂરતી ઉંઘ માણસમાં તણાવ ઊભો કરે છે. ડોકટરોએ એ પણ નોંધ્યું છે કે વધુ પડતી રોશની બ્લડપ્રેશર વધારે છે, જેના કારણે લોકો હૃદય સબંધિત રોગો (કાર્ડિયોવેસ્ક્યુલર ડિઝ)નો ભોગ બને છે.

લદાખમાં કૃત્રિમપ્રકાશથી રક્ષિત ‘હાનલે ડાર્ક સ્કાય રિઝર્વ(HDRS)નામનું વૈશ્વિક સ્તરે એક ઉભરતું ખગોળ પર્યટન સ્થળ વિકાસવવામાં આવ્યું છે, ખાસ કરીને  ખગોળ શાસ્ત્રના અભ્યાસ માટે. આ માટે 18 જેટલા ટેલિસ્કોપ ખરીદવામાં આવ્યા છે અને તેમનો ઉપયોગ કરવાની તાલીમ સ્થાનિક લોકોને અપાઈ રહી છે. આપણે શહેરની પ્રદુષિત હવાથી મુક્તિ મેળવવા જેમ હિલ સ્ટેશનો પર જઈએ છીએ તેમ HDSRનો પ્રચાર અંધકારમય આકાશનો આનંદ માણવાના પર્યટન સ્થળ તરીકે પણ કરવામાં આવશે.

ખગોળ વિજ્ઞાનનાં સંશોધન માટે આકાશનો અંધકાર સતત જાળવી રાખવો જરૂરી છે. હાનલે આ જરૂરિયાત પૂરી પાડે છે. અહીં બેંગ્લુરુ ખાતેનાં ભારતીય ખગોળ ભૌતિકી સંસ્થાન (Indian Institute of Astrophysics) દ્વારા એક સંશોધન કે‌ન્દ્ર સ્થાપવવામાં આવ્યું છે. હવે હાનલેની આસપાસ ૨૨ કિ.મી.ની ત્રિજ્યા ધરાવતા વિસ્તારને ‘હાનલે ડાર્ક સ્કાય રિઝર્વ’ (HDSR) તરીકે જાહેર કરવામાં આવશે. જાણવા મુજબ દેશના બીજા રાજ્યો પણ પોતાને ત્યાં આવા સ્થ્ળો સ્થાપવા માટે રસ લઈ રહ્યા છે. હાનલે તો ભારત અને સમગ્ર દક્ષિણ એશિયાનું પ્રથમ ડાર્ક સ્કાય રિઝર્વ હશે. અંધકાર જાળવી રાખવા માટે ગામડાઓમાં બહારની લાઈટો અને પસાર થતા વાહનોની હેડલાઈટ્સ પર નિયંત્રણો લાદવા માટે અહીં સૂચનાનું એક બોર્ડ મારવામાં આવ્યું છે. “તમે હવે ‘હાનલે ડાર્ક સ્કાય રિઝર્વ’માં પ્રવેશી રહ્યા છો; રાત્રે હાઈ-બીમ (વાહનની તેજસ્વી હેડલાઇટ)નો ઉપયોગ સખત રીતે વર્જિત છે.”

પ્રકાશનું પ્રદુષણ વિકસિત અને વિકાશશીલ બંને દેશોમાં વધી રહ્યું છે. ઉપગ્રહ પરથી પ્રાપ્ત ડેટા દર્શાવે છે કે 2012 થી 2016 સુધી પ્રકાશિત વિસ્તારોનો વધારો દર વર્ષે 2.2 ટકાના દરે સતત થતો રહ્યો છે. આ વધારો પ્રકાશિત વિસ્તારો ઉપરાંત પ્રકાશની તીવ્રતાને પણ લાગુ પડે છે. આ અભ્યાસ અંગેનું અપડેટ એક દસકા પહેલા બહાર પાડવામાં આવ્યું હતું, અને તેણે રજૂ કરેલાં એક ભયાનક ચિત્ર મુજબ વિશ્વભરમાં પ્રકાશ-પ્રદૂષિત વાતાવરણની અસરોમાં રહેતા લોકોનો સરેરાશ હિસ્સો ૮૦ ટકા સુધી વધી ગયો છે.

તો શું પ્રકાશનું પ્રદૂષણ ઘટાડવા માટેના ઉપાયો નથી?  ચોક્કસ છે. આપણી રોજિંદી ટેવો અને લાઇટિંગની પદ્ધતિઓમાં કેટલાક સરળ ફેરફારો કરવાની જરૂર છે. જેમ કે શીલ્ડવાળા બલ્બ વાપરવા : બહારની લાઇટો પર એવા કવર કે શીલ્ડ (Shield) લગાવો જેથી પ્રકાશ આકાશ તરફ ફેલાવાને બદલે માત્ર નીચે જમીન તરફ જ ફેંકાય. પ્રકાશનું ફોકસ યોગ્ય રાખીએ તથા  લાઈટની દિશા એવી રાખીએ  કે પ્રકાશ માત્ર જે-તે જરૂરી જગ્યા (જેમ કે રસ્તો કે કમ્પાઉન્ડ) પર જ પડે, આજુબાજુ ન વેડફાય. હવે તો પ્રકાશના નિયંત્રણ માટે સ્માર્ટ ટેકનોજીનો  પણ ઉપયોગ કરી શકાય છે. એવા મોશન સેન્સર (Motion Sensors) પણ મળે છે જેને ઘરની બહારની કે ગાર્ડનની લાઇટોમાં લગવવાથી  જ્યારે કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર થશે ત્યારે જ લાઈટ ચાલુ થશે, જેથી બિનજરૂરી પ્રકાશ ઓછો થશે. એ ઉપરાંત રાત્રે મોડા જ્યારે જરૂર ન હોય ત્યારે લાઈટો આપોઆપ બંધ થઈ જાય તે માટે ટાઈમર સેટ કરી શકાય સાથે સાથે  પ્રકાશની તીવ્રતા ઓછી કરવા માટે ડિમર (Dimmer) સ્વિચનો પણ ઉપયોગ કરી શકાય.

વાદળી પ્રકાશ આકાશમાં વધુ ફેલાય છે અને પર્યાવરણને વધુ નુકસાન કરે છે.તેથી વાદળી કે સફેદ રંગના તેજસ્વી પ્રકાશને બદલે પીળા અથવા ગરમ (Warm Yellow/Amber) રંગના બલ્બ પસંદ કરી શકાય

જરૂરિયાત મુજબ ઓછા વોટ (Watt) ધરાવતા બલ્બનો  ઉપયોગ કરવાથી પ્રકાશની તીવ્રતા ઓછી થઈ શકે છે. આ ઉપરાંત કેટલાક  વ્યક્તિગત અને ઘરગથ્થુ ઉપાયો પણ છે જેમ કે રાત્રે ઘરમાં લાઈટ ચાલુ હોય ત્યારે બારીઓ પર ઘાટા પડદા લગાવી રાખવા જેથી અંદરનો પ્રકાશ બહાર ન જાય.  ખાસ જરૂર તો જાહેર જાગૃતિની છે જેથી સોસાયટી, ઓફિસ અને સરકારી સ્તરે સ્ટ્રીટ લાઈટોનું આયોજન યોગ્ય રીતે થાય. આવા નાના પ્રયાસોથી આપણે આકાશના તારાઓને ફરી સ્પષ્ટ જોઈ શકીશું અને રાત્રિના જીવજંતુઓ તેમજ પક્ષીઓના કુદરતી જીવનને પણ બચાવી શકીશું. પરંતુ એ માટે જરૂરી છે પ્રકાશનાં પ્રદૂષણ અંગેની જાગૃતિ.


(આ લેખ લખવા માટે તારીખ ૨૯ જૂન ૨૦૨૬નાં ઈ‌ન્ડીયન એક્ષ્પ્રેસમાં પ્રસિદ્ધ થયેલા  બિમાન બી. નાથના લેખનો અને ગૂગલનો આધાર લેવામાં આવ્યો છે. નાથ (જન્મ ૧૯૬૪) બેંગલુરુના એક શિક્ષણવિદ્, વૈજ્ઞાનિક, બ્રહ્માંડવિજ્ઞાની અને ખગોળ ભૌતિકશાસ્ત્રી છે. હાલમાં તેઓ IISER- The Indian Institute of Science Education and Research મોહાલી ખાતે વિઝિટિંગ પ્રોફેસર છે. અગાઉ, તેઓ ભારતના બેંગલુરુ સ્થિત રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર હતા.)


શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.