લતા હિરાણી
ડાલકીથ પહોંચ્યાનો આ ત્રીજો દિવસ હતો. આજે હવે મારા જેટલેગની વિદાય થઈ હોય એમ લાગ્યું. સવારે સાતેક વાગે જાગી ગઈ. હાશ…. ઓવરકોટ ચડાવી બહાર ચાલવા નીકળી. અહીંની સવાર આપણા માટે શિયાળો જ કહેવાય બાકી મે મહિનો એટલે ઈંગ્લેન્ડમાં તો સમરની શરૂઆત. આમ એમનો પાક્કો સમર તો જુલાઈ-ઓગસ્ટ ગણાય પણ મે મહિનાથી ઠંડીનું ઘટવું અને રંગબેરંગી ફૂલોના દરિયાનું છલકવું શરૂ થઈ જાય! મને એની બહુ લાલચ હતી.
@@
ઓમ અને સીમા પરણીને સ્કોટલેન્ડના ડાલકીથ ગામમાં સેટ થયા હતા. આ ગામ એડિનબર્ગની સાવ નજીક. એનું પરું જ જાણે ! એમનું ઘર હતું એસ્ક નદીને કાંઠે, કહોને કે નદીને અડીને જ… પાછળનો દરવાજો ખોલું એટલે મને સાદ પાડે સામે જ હળું હળું વહેતી નદી અને એને સાથ આપે હાથ લંબાવતી સામા કાંઠે ઉભેલી વૃક્ષોથી ભરચક પહાડી…. સ્કોટલેંડ સ્વર્ગ કહેવાય છે અને આ સ્વર્ગનુંયે સ્વર્ગ!
ગ્લાસગો એરપોર્ટ પર ઉતરી ગાડીમાં બેઠી ત્યારે આ નવા સ્થળ માટે મનમાં અપાર વિસ્મય ભરેલું હોવા છતાં થાક અને આંખમાં ઊંઘ ભર્યા હતા. ‘સૂઈ જા મા, આ બધું તારે નિરાંતે જોવાનું જ છે.’ઓમની વાત સાચી હતી. પણ સોસાયટીમાં આવતાં, બધા બેઠા ઘાટનાં મસ્ત મકાનો અને ઢગલાબંધ ફૂલોએ આંખમાંથી નીંદર સાવ ખસેડી દીધી. જાણે બહુ જલ્દી ઘર આવી ગયું હતું. ગાડીમાંથી ઉતરતાં દરવાજા પાસે જ ખૂણામાં મારી નજર ગઈ હતી.
‘અરે આ?’
‘ચંપો તમને ગમે છે ને મા, એટલે અમે આ ચંપા જેવા ફૂલોવાળું વૃક્ષ વાવ્યું છે.’ હું સીમાની ખીલેલી આંખોને જોઈ રહી.
‘ખરેખર એવું જ લાગે છે હો!’
@@
આજે મૉર્નિંગ વોક માટે બહાર નીકળતા, ચંપા જેવાં ફૂલોના ગુચ્છા પર નજર પડતાં મને આ સંવાદ યાદ આવ્યો.
ત્યાં જ ઓમનો અવાજ કાનમાં પડ્યો.
‘આટલામાં જ ચક્કર મારીને જલ્દી પાછી આવજે મા.’
‘ચિંતા ન કર. બસ, એસ્કને ગુડ મોર્નિંગ કહી આવું !’
‘અહીંયા માની ચિંતા નહીં. એસ્કના આઈસ કોલ્ડ પાણીમાં મા આંગળી નાખવાનીય હિંમત નહીં કરી શકે.”
‘હા….. બાકી પાણી અને મા….. બાપ રે…. એને લેવા જ જવું પડે !’ – ઓમ હસ્યો….
‘એમ પાણી મને જલ્દી ન છોડે હો બેટા! ભલે ને અડવા ન દે! આંખ ધરાવી જોઈએ ને! એસ્ક મને કાલની બોલાવે છે.’
‘માતે, અમને ઓફિસ બોલાવે છે એટલે તું એસ્કને શનિ-રવિમાં આવવાનું કહીને આવ જલ્દી. ભૂલી પડી તો ઉપાધિ!’
‘એમ તો પાછળ જ છે ઓમ. ભૂલા પડાય એવું નથી પણ મા, બીજે ક્યાંય છેટા ન જશો.”
‘બસ, વધુમાં વધુ વીસ મિનિટ મા. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ..’ઓમનો ઓર્ડર આવ્યો.
‘બાય’. – કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને હું બહાર નીકળી. બાજુના ઘરમાંથી કૂતરાનો ભસવાનો અવાજ આવી રહ્યો હતો. હું ખૂણા પાસે વળું એ પહેલાં એ દરવાજો પણ ખૂલ્યો અને એક વૃદ્ધ એના કૂતરા સાથે બહાર નીકળ્યા. હું એમના માટે સાવ અજાણી પણ મારી સામે હાથ હલાવી ‘ગુડ મૉર્નિંગ’ કર્યું. ગમ્યું.
પાછળ જઈ હું નદીકાંઠે પહોંચી. નાનકડી નદી. પાણી છીછરું. ટેવ પ્રમાણે પહેલાં જળ માથે ચડાવવા હાથ નાખ્યો. પાણીને અડયા ભેગી આંગળીઓ થીજવા લાગી. ધ્રૂજતા ધ્રૂજતા આંગળી જરાક ભીની જ થઈ શકી. એસ્કના આશીર્વાદ માથે ચડાવ્યા. બુટ-મોજામાં બંધ પગને ખોલવાની તો કલ્પનાય થાય એમ નહોતું. ઘડીક કાંઠે બેઠી પણ ઠંડી લાગવા માંડી એટલે આસપાસમાં નાનકડું ચક્કર મારી હું ઘરે પાછી આવી.
ઓમ તૈયાર થઈને બ્રેકફાસ્ટ માટે રાહ જોતો હતો. ગરમાગરમ ઉપમાની ડિશ હાથમાં લઈ સીમા બારણાં પાસે જ હતી, ‘મા તમે ને ઓમ શરૂ કરો ત્યાં હું ફટાફટ આ ડિશ ઈઆનને આપી આવું.’
‘બાજુમાં જ રહે છે મા, એને આપણી ગુજરાતી વાનગીઓ બહુ ભાવે છે અને એકલા દાદા.’ ટીખળખોર ઓમ ‘એકલા’ શબ્દ બોલતાં ક્ષણવાર ગંભીર થયો હોય એમ મને લાગ્યું.
‘હા, એની પાસે કૂતરો છે ને! મેં જોયા.’
‘એ જ, પણ મારી મા, એ ટોમી છે! ટેવ પાડ. એ વાતોડિયા છે. તારી સાથે વાત કરે તો ડોગી ન કહીશ.’
‘ઓહ…’ મારી બે આંખો વધારે ખૂલી.
પાંચેક મિનિટમાં તો સીમા આવી ગઈ. ‘તમને મળ્યા ને મા! એ પૂછતા હતા. સવારમાં તમને જોયા ને એટલે…’
‘હા, ન જાન ન પહેચાન પણ હાથ હલાવી મોટું સ્માઇલ આપીને એણે ગુડ મોર્નિંગ કર્યું.’
‘આમ અહીંના લોકો અતડા પણ ગુડ મોર્નિંગ તો કરે જ. અને, આ ઈઆન સાથે તો અમારે દોસ્તી છે મા. તમે આવવાના હતા એ એને ખબર છે…. ચાલ ઓમ, વાતો બંધ, જલ્દી પતાવ. મોડું થશે.’
‘યસ બોસ. મા સાંજે મળીએ. તું દિવસના આરામ કરી લેજે.’
એ લોકો ગયા પછી થોડું બહાર, થોડું અંદર ને થોડો આરામ ચાલ્યા. નાનકડા ગાર્ડનમાં ઓમ ને સીમાએ ઘણાં ફૂલછોડ વાવ્યા હતા. થોડું ગાર્ડનિંગ કરવાની પણ મજા આવી. એકાદવાર ઈઆનદાદા દેખાઈ ગયા.. ‘નાઇસ ઉપમા, નાઇસ ઉપમા’ કહી ખુશાલી વ્યક્ત કરી.
બપોર થતાં મેં શાંતિથી સોફા પર લંબાવ્યું. ઊંઘ તો અહીંયા તાકીને જ બેઠી હોય છે.
@@
અમદાવાદથી નીકળતાં ઓમે કહ્યું હતું કે મા તારી બેગપેકમાં શાલ રાખજે. પણ મને લાગ્યું, મે મહિનો છે વળી ઉતરતાં કોટ તો પહેરી જ લેવાનો હતો. શું જરૂર પડે! પણ પ્લેનમાંથી બહાર નીકળતાં,કોટના બે બટન વચ્ચેની એક લાઇન જેટલી જગ્યામાંથી પણ ઠંડી લહેરખી મને એવું વહાલ કરી ગઈ અને જરાક ધ્રુજારી છૂટી કે તરત સીમાએ શાલ આપી, ‘વીંટી લો મા.’
‘ઓહ તેં રાખી તી?’ હું સીમાની સામે વહાલથી જોઈ રહી હતી.
ઓમ સીમા છે જ એવા. ઉપમાની ડિશ લેતી વખતે ઈઆનની આંખોમાં પણ એવું જ વહાલ હશે!
@@
આજે સાંજ પડતાં ઘણી વાર લાગી. આ બે દિવસ ઊંઘવામાં ગયા હતા એટલે ખબર નહોતી પડી. ડિનર પછી ઓમે હીટિંગ વધાર્યું. અમે સોફા પર ગોઠવાણા.
‘આ એકલો માણસ ઈઆન, કૂતરાને સોરી, ટોમીને કેવી રીતે મેનેજ કરતો હશે!’ મને આખો દિવસ આ વિચાર આવ્યા રાખતો હતો.
‘ઊંધું છે મા, ટોમી ઈઆનને મેનેજ કરે છે. તું ચિંતા કર તો ટોમીની કર.’ ઓમ ને સીમા બેય હસી પડ્યા.
‘એટલે?’
‘મા એ ટ્રેઇન્ડ ડોગ છે. ઈઆનને જે જોઈતું હોય એ લાવી આપે. દરેક કામમાં એની મદદ કરે. એ બહાર જાય ત્યારે પણ એની સાથે રહે અને એનું ધ્યાન રાખે. ખાસ કરીને રસ્તો ક્રોસ કરવાનો હોય વગેરે…’ ઓમે પૂરી માહિતી પીરસી.
‘વાહ, જાણે ઈઆનનો હાથવાટકો. ‘
‘અને ઈઆનનો ઈમોશનલ સપોર્ટર. ચોવીસ કલાક એની સાથે. એની બાજુમાં જ બેસે, ને પડખે જ ઊંઘે… ઈઆનને એકલું ન લાગે એ કેટલી મોટી વાત!’ – સીમાએ ઉમેર્યું.
‘તે એને સંતાનો નથી?’ મારી જિજ્ઞાસા વધતી હતી.
‘છે ને? રજાના દિવસે આવીને મળી જાય. એમ જ ખુશ રહેવાનું મા….’
મેં સીમાનો હાથ પકડી લીધો. ઓમને અણસાર આવે જ.
‘આપણે ઈંડિયામાં પણ આ શરૂ થશે જ. બધા સંતાનો કાંઈ માબાપનું ધ્યાન નથી રાખતા. જો ને વૃદ્ધાશ્રમો કેટલા વધતા જાય છે ! પણ અહીંના લોકોએ એ સ્વીકારી લીધું છે.’ – ઓમ જાણકારી ઠલવતો હતો. જો કે એના શબ્દોમાં મને પહોંચતું હતું કે ચિંતા ન કર. તને તો અમે સરસ સાચવશું.
‘પણ બેટા, એ માંદાસાજા થાય ત્યારે?”
‘લે, ઈમરજન્સી નંબર લગાવે એટલે જરૂર પ્રમાણે ડૉકટર કે એમ્બ્યુલન્સ હાજર. આ બધું ધ્યાન સરકાર રાખે. આ ટોમી પણ એને સરકારે આપેલો છે.’
‘અચ્છા?’
ઓમ ઉત્સાહથી કહ્યે જતો હતો. સીમા કૉફી લેવા રસોડામાં ગઈ.
‘ખર્ચ બધો સરકાર ભોગવે મા.’
‘વાહ!’
‘એ માટે હું ટેક્સ ભરું છું અને સીમા એની થાળીમાં ઢોકળા,ઉપમા, હાંડવો…. ભરે છે.’ ઓમ જોરથી હસ્યો.
સીમા કૉફીના ત્રણ કપ સાથે આવી ગઈ હતી. એ ઈમોશનલ થઈ ગઈ. ‘મને એનામાં મારા દાદા દેખાય મા…’
પછી ઓમે ઈઆનકથા કહી. એ લોકો અહીં નવા નવા રહેવા આવ્યા ‘તા ત્યારે શરૂઆતમાં તો ગુડ મૉર્નિંગથી વધારે વ્યવહાર નહોતો. સીમાને ક્યારેક વાત કરવાનું મન થતું પણ ઓમ એને રોકતો. ‘અહીંના માણસોને એવું ન ગમે સીમા.’
એક રવિવારે એવું બન્યું કે ઓમ બહાર નીકળ્યો અને ઈઆનદાદા એના વરંડામાં સ્ટૂલ પર ચડીને બલ્બ લગાવતો હતો. ઓમને ચિંતા થઈ, ક્યાંક પડે નહીં. ઈઆનદાદા પણ પડી જવાની ચિંતામાં બલ્બ લગાવી શકતા નહોતા. બેએક મિનિટ ઓમે જોયા કર્યું પછી હેલ્પ ઓફર કરી. ‘યસ યસ માય બોય, પ્લીઝ’ કહેતાં એ ઓમનો હાથ પકડીને હળવેથી સ્ટૂલ પરથી નીચે ઉતર્યા. ઓમ માટે તો આ કામ ચપટી વગાડવા જેવું હતું. ઈઆનદાદા બહુ રાજી થયા. ‘લેટ અસ હેવ અ કપ ઓફ કૉફી.’ ઓમે સ્વીકારી લીધું. ઓળખાણ વધે અને એ ખાસ તો સીમાને એનું પેટમાં બળ્યા કરતું એટલે.
ઓમ બેઠો. થોડીવારમાં ટોમી પાણીની બોટલ, કેટલ,કૉફીપાઉડર, મિલ્ક, કૉફીમગ બધું એક પછી એક લઈ આવ્યો અને પૂંછડી હલાવતો ઈઆનની બાજુમાં બેસી ગયો.
‘બસ આ ટોમીને બલ્બ લગાવતાં નથી આવડતું. નહીંતર એય ઉપાધિ ન રહે..’ કહેતાં દાદા ખડખડ હસી પડયા.
એ પછી તો, ખાસ કરીને રજાના દિવસે, સીમાની એના ઘરે અવરજવર શરૂ થઈ ગઈ…. ઢોકળા, હાંડવો, થેપલાં, ઉપમા,ખાંડવી અને એવી અનેક ચીજો માટે ‘વેરી ટેસ્ટી… વેરી ટેસ્ટી,નાઇસ ટી’ થી માંડીને ‘ગુજરાતી ફૂડ વાઉ… ઈંડિયંસ આર વેરી નાઇસ’ના હૂંફાળા ઉદગારો ઠંડી હવા સાથે ફેલાતા રહ્યા. ઈઆનદાદાને ગુજરાતી ફૂડ એટલું ભાવતું કે એ અનેકવાર કહેતા,‘યુ સી, આઈ વીલ બી ગુજરાતી ઇન માય નેક્સ્ટ બર્થ..’
@@
મને અહીં આવ્યાને બે મહિના પૂરા થયા. એક વાર ઇઆનદાદાને આ લોકોએ ઘરે ડિનર માટે બોલાવ્યા હતા. બાજુમાંથી ટોમીના ભસવાના અવાજથી હવે મારા કાન ટેવાઈ ગયા હતા. જો કે એ રાત્રે નહોતો ભસતો. એય છે કે રાત્રે ઘરમાં હીટર ચાલુ જ રહેતું અને બારીબારણાં સજ્જડ પેક હોય એટલે કદાચ ભસે તોય કોને સંભળાય? ટોમી રાત્રે તો ઈઆનના પગ પાસે જ ઊંઘે. એના શ્વાસથી ઈઆનને હૂંફાળું લાગે. એને વોશરૂમ જવું હોય તો તરત સાથે.
રોજની જેમ આજેય સાંજ પડી. શુક્રવાર હતો અને આજે ઓમ ને સીમાને કામ વધુ હતું એટલે આવતાં મોડું થયું. ગઈકાલે પણ એવું જ થયું હતું. બંને મોડાં આવ્યાં હતાં. રાત્રે પથારીમાં પડતાં મને થયું કે આજે ટોમીનો અવાજ જાણે સાંભળ્યો જ નથી! એવું તો થાય નહીં. ‘હશે…’ કરીને હું સૂઈ ગઈ. મૉર્નિંગ વોકમાં કોઈ કોઈ દિવસો પડતાય ખરા. પણ બીજા દિવસે હું ચીવટ રાખીને ઊઠી અને ચાલવા ગઈ પણ ઈઆનનું ઘર લોક હતું. ‘દીકરાના ઘરે ગયો હશે?’ મારી ભારતીય કલ્પના મદદે આવી.
ઓમ સીમા રજા હોવાથી મોડાં ઉઠ્યા. નાસ્તામાં બટાકાપૌંઆ બનાવ્યા હતા અને સીમા ડિશ લઈને ઊભી થઈ.
મેં કહ્યું, ‘આજે મેં સવારમાં ઈઆનદાદા દેખાયા નહીં!’
‘ના બને મા, એ તો વહેલો ઊઠી જનારા. સાત-સવા સાતે એ ટોમીને લઈને બહાર નીકળે જ…’
‘ઓમ, પણ કાલે સાંજે મેં એનો અવાજ નહોતો સાંભળ્યો હો!’સીમાને પણ યાદ આવ્યું. ‘ચાલ આ ડિશ દેતી આવું અને ખબર પૂછતી આવું. બીમાર ન હોય ક્યાંક!’
હું અને ઓમ પણ એની સાથે બહાર નીકળ્યા અને વરંડામાં ઊભા રહ્યા. સામે જ ઈઆનનું ઘર હતું. સીમાએ બેલ વગાડી. એનું ધ્યાન બટાકાપૌંઆ ઠરી ન જાય એના પર હતું. એકવાર નહીં, બે વાર એણે બેલ મારી. ત્યાંના સમાજમાં આ બેડ મેનર ગણાય તોયે.
ત્યાંથી જહોન નીકળ્યો. એ પરિસ્થિતી સમજી ગયો.
‘ઓહ યુ ડોન્ટ નો! સી ધ લોક!’
સીમા ઝંખવાણી પડી ગઈ. દરવાજે લોક લાગેલું હતું પણ ઈઆન બીમાર તો નહીં પડ્યો હોય ને, એની ચિંતામાં સીમાનું ધ્યાન જ નહોતું ગયું.
વાતાવરણ ગંભીર લાગ્યું એટલે હું અને ઓમ ત્યાં પહોંચી ગયા. જહોને પૂરી ખબર સંભળાવી. અને મને યાદ આવ્યું કે ગુરુવારે રાત્રે ટોમી વધારે ભસતો હતો. કેમ, એવો સવાલ તો થયો હતો પણ ઓમ સીમા બહુ થાકીને ઊંઘી ગયા હતા. એમને ડિસ્ટર્બ કરવાનું મને ઠીક નહોતું લાગ્યું.
એ રાતે ટોમી ખાસ્સું ભસ્યો હતો. ઈઆનને સિવિયર હાર્ટ એટેક આવ્યો હતો. મારી આંખ સામે દૃશ્ય ચિતરાતું ગયું. ઈઆનના નાક પાસે એણે ક્યાંય સુધી પોતાનું નાક રગડ્યું હશે. ઈઆનનું ઠંડુ પડતું જતું શરીર અને વિલિન થતાં જતા શ્વાસો એ નહીં જ ખમી શક્યો હોય! તાલીમ પામેલા ટોમીએ જ ઈમરજન્સી નંબર લગાવ્યો હતો. એંબ્યુલન્સમાં પણ ટોમી ઈઆનના પગને ચોંટીને જ બેસી રહ્યો હતો.
ઈયાન માટે ભગવાન ગુજરાતની વ્યવસ્થા કરતા હશે?? કોણ જાણે?? એસ્ક તો વહ્યા જ કરે છે.
@@@@@@
- ડાલકીથ – સ્કોટલેંડનું એક ગામ
- ઈઆન – એક સ્કો્ટિશ વ્યક્તિનું નામ
- એસ્ક – નદીનું નામ
