હરેશ ધોળકિયા
આ દુનિયાની વાસ્તવિકતા શું ?
ઈચ્છીએ તે !
એમ કેમ ?
અહી બધું એક સાથે ચાલે છે માટે.
દાખલા તરીકે ?
એક લગ્નમાં બધા ભોજન ઝાપટતા હતા. બધાની થાળીઓ છલકાતી હતી. ખાતે ખાતે એક વ્યક્તિ બોલી,” જુઓ તો ખરા, અમેરિકામાં કરુણા છે જ નહિ.”
લાડુને મોમાં વાગોળતાં બીજી વ્યક્તિએ પૂછ્યું, “ એમ કેમ કહો છો ?”
“ જુઓને,” દાળનો સબડકો મારતી પહેલી વ્યક્તિ બોલી,” ઈરાનમાં કેટલા લોકોને બિનજરૂરી મારે છે. જરા પણ દયા કે કરુણા નથી. આપણે તો સમાચાર વાંચીએ તો પણ ભૂખ મરી જાય અને ટ્ર્મ્પ તો મિસાઈલો ફેંક્યો જાય છે. મને તો કઈ સૂઝતું નથી. ખાવાનુ પણ ભાવતું નથી. રડવું આવે છે. ”
જુઓ, ચાલે છે ને બધું સાથે ? લાડુ ખાતે ખાતે આંખમાં આંસુ પણ આવે છે અને પછી પણ થાળી છલકાતી જ રહે છે. આનું નામ દુનિયા અને આ જ છે તેની વાસ્તવિકતા. આજે એક
બાજુ લાખો લોકો ભૂખે મારે છે અને બીજી બાજુ કરોડો લોકો પુષ્કળ જમવાનું બગાડે છે-ભૂખ્યા લોકોની દયા ખાતાં ખાતાં !
દુનિયામાં બધું એક સાથે જ ચાલે છે. લાગણી વચ્ચે કૂરતા પણ ચાલે છે અને પ્રેમ વચ્ચે છૂટાછેડા પણ ચાલે છે. બાળક પણ જોઈએ છીએ અને છોકરી આવે તો તેને ધિક્કારાય છે. જેના સાથે લગ્ન કરવા માટે ઘર-કુટુંબ છોડ્યું, તે જ લગ્ન પછી નથી ગમતો. દેશ પ્રેમની તીવ્રતાથી વાત કરતી વેળા દાણચોરી કરે છે કે ઇન્કમ ટેક્ષ છુપાવે છે. હજારો લોકો ઘર વિહોણા છે તેના આંસુ વિશાળ મહેલમાં બેસીને સારે છે.
આમ કેમ ?
કરુણા કે પ્રેમ દર્શાવવા દરમ્યાન ખોટી બાબત માટે ગુસ્સો કેમ નથી આવતો? કરુણા વ્યક્ત કરતી વેળા વૈરાગ્ય કેમ નથી આવતો ? સ્મશાનમાં વૈરાગ્ય આવે ત્યારે બુદ્ધ જેમ ઘર છોડી કેમ નથી દેવાતું ? પત્નીના મ્રત્યુ પાછળ માથું પછાડતો પતિ થોડા જ દિવસો પછી બીજા લગ્નના કેમ વિચાર કરે છે ?
એ જ જવાબ ! ચલતા હૈ! બધું, બસ, ચાલ્યા કરે છે. અને એમ જ ચાલે એમ મનાય છે.
૨૦૦૧માં ભયાનક ભૂકંપ થયો. હજારો લોકો ખલાસ થઇ ગયા. ઘરો તૂટી પડ્યાં અને અનેક લોકો રસ્તા પર આવી ગયા. અમે પણ એક મેદાનમાં આશ્રય લીધો હતો. બધા ચુપચાપ બેઠા હતા. પાસે એક કુટુંબના સભ્યો સહન ન થાય તેટલું મોફાટ રડતા હતા. તેમના વડીલ ચાલ્યા ગયા હતા. અમે પણ આશ્વાસન આપતા હતા. પછી રાત્રે આવ્યા ત્યારે નવું જ દૂશ્ય જોવા મળ્યું. જે કુટુંબ મોફાટ રડતું હતું, ત્યાં લગ્નની વિધિ ચાલતી હતી. જે છોકરી માથું પછાડતી હતી, તે જ લગ્ન કરતી હતી. અલબત તેની આંખમાં આંસુ હતાં. અને બીજી સવારે તે રડતે રડતે બધાને ભેટી અને હનીમૂન માટે ચાલી ગઈ ! બધું જ સમાંતરે. અમે તો ચકિત થઇ ગયા. પૂછ્યું પણ ખરું કે આમ કેમ બન્યું ? તો જવાબ મળ્યો કે હા, ધરતીકંપમાં વડીલ મરી ગયા હતા, પણ કાલે લગ્નનું મુહુર્ત પણ હતું અને તે સાચવવું જ જોઈએ. રુદન અને હનીમૂન સાથે !
તેના થોડા દિવસ પહેલા એક છોકરી પતિ સાથે ભયંકર ઝગડો કરી પિયર ચાલી આવી હતી. હવે ક્યારેય સાસરે નહિ જાઉં એવી પ્રતિજ્ઞા સાથે. અમે સમજાવતા હતા, પણ માનતી જ ન હતી. થોડા દિવસ પછી તેને વર વિના સાલવા માંડ્યું, પણ અહંકાર આડો આવતો હતો. ભૂકંપ પછી તેના સાસરાવાળાને તેની ચિંતા થઇ અને તપાસ કરવા આવ્યા. જેવો દૂરથી વરને જોયો કે ઢીલી થઇ ગઈ. વર તો બિચારો તેના વિના દુ:ખી જ હતો. આ પણ હતી, પણ અહંકાર નડતો હતો. અમે ફરી સમજાવવા ગયા અને સમજાવીએ તે પહેલાં તો તે માની ગઈ. જવા સમયે અમારો આભાર પણ ન માન્યો. બંને એક બીજામાં પરોવાઈ ગયાં હતાં ! ભયંકર ઝગડ્યાં હતાં એ પણ ભૂલી ગયાં હતાં.
તો પછી લોકોમાં લાગણી જેવી કોઈ બાબત છે કે નહિ ?
છે ને, બધું જ છે. પણ ધૂંધળું છે. સ્પષ્ટ નથી. પ્રેમ, ધિક્કાર, રાગ-દ્વેષ, એકતા-વિભાજન, વેર અને વહાલ…બધું જ સાથે છે. આમાંથી શું મહત્વનું છે તેનો જરા પણ ખ્યાલ નથી. જે પળે જે ભાવ ઊઠે તે પળે તેને વ્યક્ત કરવાનો. આ કરવું યોગ્ય છે કે નહિ તે પણ વિચાર ન આવે. તેનાથી સંબંધોમાં તિરાડ પડે તો વાંધો નહિ ! નકારાત્મક ભાવોને દૂર કરી કેવળ હકારાત્મક ભાવોને જ કેળવવા એવો વિચાર પણ ન આવે. કદાચે આવે અને પ્રયાસ કરાય, તો પણ ખરે ટાણે તો વ્યર્થ ભાવ જ વ્યક્ત થાય. પછી પસ્તાવો કરે, પણ તે પછી પણ એવું જ બને. યહી કિસ્સા પુરાના હૈ !
કોઈ જાગૃતિ નહિ, કોઈ માનસિક શિસ્ત નહિ. કોઈ વિવેક નહિ. બસ, ચાલતા હૈ.
ટ્રમ્પ પણ “ ઈરાનના લોકો સાથે અમને વેર નથી” કહીને બોમ્બો જ ફેંક્યા કરે છે. ઈરાનના લોકોને તકલીફ નહિ પડે એમ કહીને તેની પાણીની લાઈન પર જ બોમ્બમારો કરે છે અને તેમને જળવિહોણા રાખે છે. ધર્મ ગુરુ “ સબ કા માલિક એક” કહીને બીજી કોમ સામે હુલ્લડ કરાવે છે. શેઠ બધા સમાન છે એવું ભાષણ કરી પોતાના ડ્રાઈવરને દૂર અને જમીન પર બેસાડી ભોજન કરાવે છે. પુત્રવધૂ તો મારી દીકરી છે એમ કહેનાર સસરો તેનો પુત્ર મૃત્યુ પામે પછી આ જ પુત્રવધૂને બધા જ હકથી વંચિત કરી ઘર બહાર કાઢી મુકે છે. આપણે બંને સ્વતંત્ર રીતે જીવશું અને એકબીજાના વિચારોને માન આપશું એમ કહી આંતરજ્ઞાતીય કે આંતરજાતીય લગ્ન કરનાર છોકરો પત્નીને પોતાને ઘેર પોતાના ઘરના જ રિવાજો પાળવા આગ્રહ કરે છે કે પોતાનો ધર્મ જ અપનાવવાનું દબાણ કરે છે. ન માને તો હેરાન કરે છે. બધા જ બાળકોને સમાન માનવાં અને આદર આપવો એમ કહેનાર આચાર્ય શિક્ષક પ્રત્યે જ ભેદભાવ રાખે છે. બધા લોકોમાં ઈશ્વરના દર્શન કરવાં જોઈએ એમ ઉપદેશ આપતા “સંત” છોકરી જોતાં ઉશ્કેરાઈ જાય છે ! અને પછી દોષ છોકરીને આપે છે કે તેણે તેમને ફસાવી ! અને લોકો પાછા માની પણ લે છે અને છોકરીનો બહિષ્કાર કરે છે અને સંતની ભક્તિ ચાલુ રાખે !
આ તો સમજાતું નથી ! આમ કેમ બને ? માનવ આમ કેમ વર્તે ? આમ કેમ ચાલે ? આવા કદાચ અભિપ્રાય અપાય.
અપાય, પણ ચાલે તો એમ જ છે અને ચાલવાનું પણ એમ જ છે. રામાયણ-મહાભારતથી લઇ આજે પણ સમાજમાં, ઘરોમાં કે ધર્મોમાં આમ જ ચાલે છે. ખોટું છે એમ પણ બધા કહે છે અને છતાં ક્યારેક પોતે પણ તેમાં જોડાઈ જાય છે. બીજાને કડક સજા કરવી જોઈએ એમ માનનારા પોતે એવા જ ગુના કરે છે. એવું નથી કે દુષ્ટ લોકો આમ કરે છે, ના, સજ્જન લોકો પણ કરે છે. કદાચ વધારે કરે છે.
આમ કેમ ?
કારણ એક જ કે લોકો “મૂઢ અને અજાગૃત” જીવે છે. જાગૃતિની કોઈ જ તાલીમ નથી અપાતી. જાતે લેવાની પણ જાગૃતિ પણ નથી. માતા પિતા, શિક્ષકો અને મહાજનો પણ એટલા જ અજાગૃત છે. હા, બીજા પર ચોકી રાખે છે, પણ પોતે એવા જ છે. અને બધા બીજા સામે જોઇને જીવે છે, એટલે સ્વ-જાગૃતિ હોવાનો સવાલ જ નથી. બહુમતિ કરે તે સાચું એમ માનનારા સ્વસ્થ કેમ વિચારી શકે? અને હા, કરવા જાય તો એવાને સમાજ કેમ સ્વીકારે ?
અને સમાજથી વિરુદ્ધ પણ કેમ જવાય ?
માટે ચાલવા દો. ચલતા હૈ ! ભલેને અંદર પોલંપોલ રહે, આપણે તો મસ્ત રહીએ.
કારણ કે, “જીના યહાં, મરના યહાં , ઇસકે સિવા જાનાં કહાં ?”
( કચ્છમિત્ર : તા: ૧૯-૭-૨૬ : રવિવાર)
હરેશ ધોળકિયા : ન્યુ મિન્ટ રોડ, પેરીસ બેકરી પાસે, ભુજ-કચ્છ ( ૩૭૦૦૦૧) | ઈ-મેલ : dholakiahc@gmail.com
