વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

શિક્ષણ

વિદ્યાર્થીઓ માટે : ગીતાનાં શાશ્વત સૂત્રો – [૨] – शिष्यस्तेहम शाधि माम त्वं प्रपन्नम

પ્રકાશકઃ જોય એન્ટરપ્રાઇઝ,
જી૫,શક્તિ સ્ક્વેર, મૅનેજમૅન્ટ એન્ક્લેવ સામે,  નેહરૂ પાર્ક  રોડ, અમદાવાદ  ૩૮૦૦૧૫
ISBN: 978-93-48694-79-9    કિંમતઃ રૂ. ૨૫૦/-

હરેશ ધોળકિયા

બીજા અધ્યાયનો આ સાતમો શ્લોક છે. તેમાં અર્જુન કૃષ્ણને કહે છે કે, “ હું કાયર થઇ ગયો છું અને મૂઢ થઇ ગયો છું. મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ. એટલે હું તમારો શિષ્ય બનું છું અને મને ઉપદેશ આપો.”

         કેટલીક વાર જીવનમાં એવા પ્રસંગો આવે છે કે વ્યક્તિને સમજ નથી પડતી કે તેણે  શું કરવું. એવી પરિસ્થિતિ હોય છે કે તે નિર્ણય જ નથી લઇ શકતી  અને કાયરતા અથવા લાચારી અનુભવે છે. જે અહંકારીઓ  હોય છે તેઓ કોઈની સલાહ નથી લેતા અને મનમાંને મનમાં હેરાન થયા કરે છે, પણ જેઓ સ્વસ્થ અને વિચારક છે, તેઓ કોઈ બીજી સ્વસ્થ વ્યક્તિની સેવા લે છે અને પોતાની સમસ્યાનો ઉકેલ લાવે છે.

નિર્ણય ન લઇ શકવો કે મૂંઝાવું એ દુર્ઘટના નથી. ક્યારેક એવું બની શકે છે. પણ ત્યારે મનમાંને મનમાં દુખી કે હેરાન થવા બદલે બીજા ડાહ્યા માણસની સલાહ લેવી જોઈએ. અર્જુને પણ એમ જ કર્યું. તે સમજી શકતો ન હતો કે તેણે પોતાના સગાઓ સામે લડવું કે નહિ. એટલે તે કૃષ્ણ સામે કબૂલ કરે છે કે પોતે મૂંઝાઈ ગયો છે અને તેમને શરણે આવે છે અને શિષ્ય ભાવે માર્ગદર્શન માગે છે.

ગાંધીજી જયારે આફ્રિકામાં હતા અને ધર્મને સમજવા ઇચ્છતા હતા અને તેમને કેટલાક સવાલોના જવાબ નહોતા મળતા, ત્યારે તેમણે  એક મોટા વિચારક અને ડાહ્યા માણસ એવા શ્રીમદ રાજચંદ્રજીને પુષ્કળ સવાલો પૂછ્યા અને સંતોષકારક જવાબો મેળવ્યા. તેમણે  એમ ન વિચાર્યું કે પોતે તો મોટા વકીલ છે એટલે એક વેપારીને કેમ પૂછી શકે ! ના, તેઓ સમજતા હતા કે શ્રીમદ રાજ ચંદ્રજી ડહાપણયુક્ત જ્ઞાની છે. તેઓ સાચા જવાબો આપી શકશે. એટલે શિષ્ય ભાવે તેમના પાસે ગયા અને જરૂરી જ્ઞાન મેળવ્યું.

વ્યક્તિ જેટલી નમ્ર બનશે અને જ્ઞાની પાસે જઈ  જ્ઞાન મેળવવા પ્રયાસ કરશે, તો તે વધારે  ઝડપી સ્વસ્થ બનશે.  શિષ્યભાવ જ્ઞાન મેળવવા માટે ઉત્તમ માનસિક સ્થિતિ છે.


હરેશ ધોળકિયા : ન્યુ મિન્ટ  રોડ, પેરીસ બેકરી પાસે, ભુજ-કચ્છ ( ૩૭૦૦૦૧) | ઈ-મેલ : dholakiahc@gmail.com

Leave a comment