ફિર દેખો યારોં

બીરેન કોઠારી

કોઈ પણ નદીમાં પૂર આવે એટલે પહેલો સવાલ આપણને એ થાય કે આટલો વરસાદ ક્યાં પડ્યો? પણ બિહારમાં આવેલા તાજેતરના પૂર વિશે જાણીએ ત્યારે જે જવાબ મળે એ થોડો વિચિત્ર છે.

બિહારમાં આ વરસે સામાન્ય કરતાં ૨૭ ટકા ઓછો વરસાદ પડ્યો હતો. છતાં અનેક વિસ્તારોમાં પૂર આવ્યું. ગંગા, ગંડક, કોસી, બુઢી ગંડક, પુનપુન અને ઘાઘરા જેવી નદીઓનાં વહેણ વિવિધ વિસ્તારોમાં ભયજનક સપાટીથી ઉપર વહેતાં રહ્યાં. વરસાદ ન હોવા છતાં આવી સ્થિતિ શી રીતે સર્જાઈ?

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

આ સવાલનો જવાબ માત્ર વરસાદના પ્રમાણ સાથે સંકળાયેલો નથી. નદીમાં પાણી ક્યાંથી આવ્યું, ઉપરવાસમાં કેટલો વરસાદ પડ્યો, નદીમાં કેટલો કાંપ જમા થયો, તેની પાણી વહન કરવાની ક્ષમતા કેટલી રહી, બંધ અને બેરેજમાંથી ક્યારે કેટલું પાણી છોડાયું અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીના નિકાલની સ્થિતિ કેવી છે- વગેરે અનેક પરિબળો તેના માટે જવાબદાર હોય છે, જે એકમેક સાથે સંકળાયેલાં છે.

મુદ્દે વાત એટલી કે નદીનો પ્રશ્ન તેના કોઈ એક જગ્યાએ વહેતા વહેણનો પ્રશ્ન નથી. એ હકીકત આપણે સૌ જાણીએ છીએ, છતાં અવગણીએ છીએ કે નદી નકશા પર દોરેલી સરહદો મુજબ વહેતી નથી. ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર કે ઉત્તર પ્રદેશ જેવી સરહદો આપણે બનાવેલી છે. નદી માટે એ સરહદોનું કોઈ અસ્તિત્વ નથી. ઉપરવાસમાં લેવાયેલો નિર્ણય નીચાણમાં રહેતા લોકોને અસર કરે છે. જળવ્યવસ્થાપન બાબતે બને છે એવું કે નદીને આપણે સમગ્રતામાં જોવાને બદલે તેને રાજ્ય, જિલ્લા અને તાલુકાના ટુકડામાં વહેંચીને જોતા રહ્યા છીએ.

પૂર આવે ત્યારે બંધની ઊંચાઈ વધારવાની વાત થાય છે. પાળા મજબૂત કરવાની વાત થાય છે. પરંતુ નદીમાં વર્ષોથી જમા થતા રહેલા કાંપનું શું? નદીના કુદરતી પૂરવિસ્તારો (ફ્લડપ્લેઈન)માં થયેલા બાંધકામનું શું? પાણીના કુદરતી નિકાલના રસ્તા બંધ થઈ ગયા છે, તેનું શું? નદીમાં પાણી આવે ત્યારે તેને રોકવું એ જ પૂર સામે સુરક્ષાની એકમાત્ર રીત નથી.

એટલું સમજી લેવું જરૂરી છે કે નદીમાં કાંપ જમા થતો જાય એમ તેની પાણીને વહન કરવાની ક્ષમતા ઘટે છે. નદીમાં પાણી માટે પૂરતી જગ્યા ન રહે, તો થોડું વધારે પાણી પણ સમસ્યા ઊભી કરી શકે. અને નદીનું વહેણ જ્યાં કુદરતી વિસ્તરી શકતું હતું ત્યાં આપણે ઘર, રસ્તા કે અન્ય બાંધકામ ઊભાં કરી દીધાં હોય તો પાણી પોતાનો રસ્તો શોધી જ લેશે. આમ થાય ત્યારે આપણે કહીએ છીએ કે નદીએ તબાહી મચાવી. એક તો આપણે નદીના વહેણને અવરોધવા લાગ્યા અને પછી દોષ નદીને દઈએ એ કેમ ચાલે? મુદ્દો એ નથી કે બંધ બાંધવા ન જોઈએ. બંધોએ અનેક વિસ્તારોને પૂરની અસરથી બચાવ્યા છે. એટલે મૂળભૂત સવાલ બંધનો નહીં, પણ નદીને નિયંત્રીત કરવાની આપણી માનસિકતાનો છે.

આપણે કદી વિચાર્યું ખરું કે પૂર સાથે જીવવાની પણ એક રીત હોઈ શકે? નદીના પૂરવિસ્તારોને ખુલ્લા રાખવા, કુદરતી જળાશયો અને ભેજવાળા વિસ્તારોને બચાવવા, પાણીના નિકાલના રસ્તા રાખવા અને બાંધકામનું આયોજન નદીની તાસીરને ધ્યાનમાં રાખીને કરવું-આ બધું પૂર વ્યવસ્થાપનનો જ ભાગ છે. એટલે પૂર નિયંત્રણને બદલે પૂર વ્યવસ્થાપનની જરૂર છે.

પણ એમ કરવા માટે નદીના સમગ્ર જળવિસ્તાર (બેસિન)ને પૃથક નહીં, એક એકમ તરીકે જોવું પડે. એક રાજ્યમાં બેઠેલા અધિકારીઓ માત્ર પોતાના જ રાજ્યના હિતને ધ્યાનમાં રાખીને કશો નિર્ણય લે એ લાંબા ગાળાનો ઉકેલ નથી.

ઉપરવાસમાં કેટલો વરસાદ પડ્યો? નદીમાં પાણી કેટલું વધી રહ્યું છે? જળાશયોમાં કેટલી જગ્યા બાકી છે? ક્યાં પાણી છોડવાનું છે? નીચાણના વિસ્તારોમાં તેની શું અસર થશે? આ સવાલોના જવાબો એકબીજા સાથે જોડાયેલા હોવાથી તેની માહિતી પણ એકબીજા સાથે વહેંચવી જોઈએ.

પૂરની આગાહી સમયસર ગામડાં સુધી પહોંચે, લોકો સલામત સ્થળે ખસી શકે, જળાશયોનું સંચાલન આગોતરું થઈ શકે અને રાજ્યો વચ્ચે પાણીના પ્રવાહ અંગે પારદર્શક માહિતીની આપ-લે થાય તો નુકસાન ઘણું ઘટાડી શકાય.

અલબત્ત, આ બધું સાંભળવામાં આદર્શવાદી લાગે. પણ એ વિચારવાનું છે કે દર વર્ષે પૂર પછી રાહત, પુનર્વસન અને વળતર પાછળ થતો ખર્ચ કેટલો હોય છે! તેના કરતાં આપત્તિ પહેલાં તેના નિવારણ માટે ખર્ચ કરવો વધુ સમજદારીભર્યો ન ગણાય?

અને આ વાત માત્ર બિહાર પૂરતી મર્યાદિત નથી. ગુજરાતમાં નર્મદા, તાપી અને મહી જેવી નદીઓ છે. એક જગ્યાએ પાણી રોકાય, છોડાય કે તેનો પ્રવાહ બદલાય તો તેની અસર બીજી જગ્યાએ પડે છે. નદીના પ્રશ્નને માત્ર આપણા ગામ કે રાજ્યની સીમામાં બંધ કરી શકાય નહીં.

હવે તો જળવાયુ પરિવર્તનને લઈને વરસાદની રીત બદલાઈ રહી છે. ક્યાંક ઓછો, તો ટૂંકા ગાળામાં ભારે વરસાદ પડે છે. એક તરફ પૂરનું જોખમ છે, બીજી તરફ પાણીની અછતનું. એટલે જૂની જળવ્યવસ્થામાં ફેરફાર કરતા રહીને થિંગડા મારવાથી હવે નહીં ચાલે.

નદીને માત્ર પાણીની નહેર માનવાને બદલે, એક જીવંત પ્રણાલિ તરીકે જોવાની જરૂર છે. તેમાં પાણી છે, કાંપ છે, પૂર છે, કિનારા છે, પૂરવિસ્તાર છે અને તેની આસપાસ જીવતું માનવજીવન છે. નદીને નાથવાની કોશિશ કરવાને બદલે તેની સાથે રહેવાની રીત શોધવી પડશે. નદીને જગ્યા આપવી પડશે. કુદરતી જળાશયો બચાવવાં પડશે. પાણીના રસ્તા ખુલ્લા રાખવા પડશે. અને સૌથી મહત્ત્વનું, નદીના આરંભથી છેક અંત સુધી તેને સમગ્રતામાં જોવી પડશે. નદી આપણને એક સાદી વાત સમજાવે છે. તે એ કે પાણીની કોઈ સરહદ હોતી નથી.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૨૪- ૯– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી