પ્રીતિ શાહ-સેનગુપ્તા
દુનિયામાં ભાગ્યે જ કોઈ સ્થળ હશે કે જે મને ગમી ના જતું હોય. એવી ગમી ગયેલી, મનમાં વસી ગયેલી, અને સરસ રીતે વર્ણવાયેલી દરેક જગ્યામાં હજી થોડા વધારે દિવસ રહી જવાનો વિચાર પણ લગભગ હંમેશાં આવે, પણ એમ રોકાઈ જવાનું હંમેશાં શક્ય ના બને. કેટલીયે જગ્યાઓને જોઈને, જાણીને સંતોષ માનું, અને મનોમન સતત એમને યાદ કરતી રહું.
મનમાં વસી ગયેલી આવી એક જગ્યાએ જવાની ઇચ્છા ઘણા વખતથી હતી, ને તે હમણાં પૂરી થઈ. એ જગ્યા છે મૉન્ગોલિયા નામનો દેશ, કે જે ચીનથી પણ ઉત્તરે આવેલો છે. ભારતથી પાસે લાગે, પણ મારે ન્યૂયૉર્કથી જવાનું, ને જાણે દૂર ફરી ફરીને, તેથી એક નહીં પણ અનેક આકાશમાં ઊડતાં ઊડતાં જતાં હોઇએ તેવું લાગ્યું.
મેં કદાચ મુસાફરીને વધારે લાંબી કરેલી, કારણકે હું પહેલાં અને પછી કૅલિફૉર્નિયાનાં કેટલાંક શહેરોમાં થતી ગયેલી, ને તેથી સોળ કલાકનો તો સમયનો તફાવત થતો હતો. રાત ને દિવસની વ્યવસ્થા પણ જાણે ભૂલી જવાય, તેવી હાલત થઈ ગઈ. બેજિન્ગમાં છ-સાત કલાક ગાળ્યા પછી મૉન્ગોલિયન ઍરલાઇનનું વિમાન લઈને મુખ્ય શહેર ઉલાનબાતર પહોંચી ત્યારે ત્યાં મોડી રાતનો દોઢ વાગેલો.
મારે માટે આગલા દિવસની સવારનો દસ વાગ્યાનો સમય ચાલતો હતો. તે ભલે, કારણકે હું ઇપ્સિત સ્થાને આવી પહોંચી હતી. ને મનોબળ હોય તો ઓછી ઊંઘથી ચલાવી લઈ શકાય છે!
ઉલાનબાતરનું વિમાનમથક પૂરતું મોટું છે. કાચનાં મોટાં દ્વારમાંથી બહાર નીકળો એટલે મોટા અક્ષરે મથકનું નામ લખેલું દેખાય- ચિન્ગિસખાન ઍરપૉર્ટ. આ દેશના સ્થાપક ગણાતા એ મહાયોદ્ધાને અહીં આ નામે બોલાવાય છે. જોકે જૅન્ગિસખાન કે ઝૅન્ગિસખાન જેવા ઉચ્ચાર પણ સંભળાય.
આપણે ઇતિહાસમાં એમ શીખેલાં કે ચંઘીસખાન લડાઈખોર અને ઘાતકી હતા. એમણે ઘણા પ્રદેશોને તાબે કરેલા, ને પછી મૅર્કિત, નાઇમાન, તાતાર, ઉઇઘુર વગેરે અનેક જાતિઓને ભેગી કરેલી, જે મૉન્ગૉલ પ્રજાને નામે ઓળખાઈ. એમનું જન્મનું નામ તૅમુજિન હતું, પણ આ જાતિ-સંગઠન થયા પછી, એમની ચાલીસ વર્ષની ઉંમરે, એમને ચંઘીસખાનનું બિરુદ આપવામાં આવ્યું. ઉપરાંત, એ હારેલી પ્રજાઓને આશરો આપતા-સાચવતા, તેમજ બૌદ્ધ, મુસ્લિમ, ખ્રિસ્તી ધર્મો વચ્ચે સહિષ્ણુતાનો પ્રચાર કરતા. ૧૨૨૭માં એ મૃત્યુ પામ્યા ત્યારે એમની ઉંમર પાંસઠ વર્ષની હતી.
મૉન્ગોલિયામાં એ અત્યંત માનને સ્થાને છે, રાષ્ટ્રપિતા ગણાય છે, ને ઠેર ઠેર એમનાં મોટાં શિલ્પ અને ચિત્રો મૂકાયેલાં છે. દેશના વિશાળ સંસદભવનના પ્રવેશ પર જ એમનું ઉત્તમ શિલ્પ તરત ધ્યાન ખેંચી રહે છે. બાજુમાં એમના પૌત્ર કુબ્લાઇખાન, કે જે પછીથી મૉન્ગોલિયાના સમ્રાટ બનેલા, એમનું શિલ્પ છે.
ચંઘીસખાન એમ માનતા કે દરેક મૉન્ગૉલ પુરુષે ત્રણ કસરતી બાબતોમાં નિપુણ થવું જ જોઈએ – ઘોડેસ્વારી, તીરંદાજી, અને ત્યાંની આગવી શૈલીની કુસ્તી. આજે પણ આ મંતવ્ય મૉન્ગોલ સમાજમાં અત્યંત પ્રેરણાદાયક છે, અને આ પ્રવૃત્તિઓ પર ખૂબ ધ્યાન અપાતું દેખાય છે. પાંચ-છ વર્ષના છોકરાઓને સહેજ પણ ગભરાયા વગર ઘોડા દોડાવતા, અને કુસ્તી કરતા જોઈએ ત્યારે ખરેખર આભા થઈ જવાય. સદ્ભાગ્યે, આવી શારીરિક પ્રવૃત્તિઓ માટે મૉન્ગોલિયા પાસે અતિવિશાળ ને ખુલ્લી ભૂમિ પણ છે.
મહાદેશ રશિયાની દક્શિણે અને મહાદેશ ચીનની ઉત્તરે આવેલો મૉન્ગોલિયા પણ છે તો ઘણો જ વિશાળ દેશ. લગભગ સોળ લાખ ચો.કિ.મિ. એનું ક્ષેત્રફળ ગણાય છે, ને વસ્તી? ફક્ત સાડા ત્રીસેક લાખ જેટલી. વસ્તીના ચાલીસેક ટકા મુખ્ય શહેર ઉલાનબાતર, કે ઉલાનબાતૉરમાં અને નજીકમાં વસે છે. નોકરી-ધંધા માટે દેશનું આ જ મુખ્ય સ્થાન છે. દેશનો લગભગ પોણો હિસ્સો પર્વતો અને ક્શેત્રભૂમિનો બનેલો છે. વસ્તીના બીજા ચાલીસેક ટકા લોકો આ હિસ્સામાં વસે છે, ને પશુપાલન, પશુઉછેર અને ખેતીમાં પરોવાયેલા છે.
મૉન્ગોલિયાનું મુખ્ય શહેર ઉલાનબાતર આટલું આધુનિક હશે, તે જાણ્યું નહતું. જતાંની સાથે નવાઈ જ લાગી. મોટા રસ્તા, પૂરતી લાઇટો, બધે ચોખ્ખાઇ વગેરે તો વહેલી સવારે વિમાનમથકેથી હોટેલ પર જતાં જતાં જ દેખાઈ ગયેલું. હોટેલ પણ સરસ, સોફિસ્ટિકેટેડ અને અદ્યતન. પછી તો શહેરના કેન્દ્રના રસ્તાઓ પર ચાલતાં ચાલતાં નવાં બંધાયેલાં બહુમાળી મકાનો જોયાં, અસંખ્ય કાફે અને રૅસ્ટૉરઁા દેખાયાં. ક્યાંક મોટાં બિલબૉર્ડ પર ઇલૅક્ટ્રૉનિક જાહેરાતો જ નહીં, પણ સંગીત તથા ફિલ્મ પણ ચાલતી હોય. એ જોવા કે સાંભળવા જાઓ તો ચાલનારાંને ઠેસ વાગવાની, અને મોટરોના અકસ્માત થવાના.
અચાનક એક ડિપાર્ટમૅન્ટ સ્ટોરમાં જઈ ચઢી. જોયું તો નીચલા માળ પર પ્રચુર પ્રમાણમાં પાશ્ચાત્ય પ્રસાધન-સામગ્રી વેચાતી હતી, બાજુમાં ઍપલ કમ્પ્યુટર માટેનો કમરો હતો, અને પાસે જ, સ્થાનિક ઉગાડાયેલાં તેમજ પરદેશોમાંથી મંગાવાયેલાં તાજાં, સુગંધી ફૂલોની માર્કેટ પણ હતી. બીજા માળો પર કપડાં, બૂટ-ચંપલ, રમકડાં, પિત્ઝા ને પેસ્ટ્રી, ફર્નિચર, ટૅલિવિઝન, ઘરગથ્થુ મશિનો- શું શું નહતું. આ એક જ જગ્યાએ બધું જ મળતું હતું.
એવી જ રીતે, એક-બે જણને એક સાધારણ બારણામાંથી અંદર જતાં જોઈ હું પણ ડોકિયું કરવા ગઈ. એમ કે જોઈએ તો ખરાં શું છે ત્યાં. ઓત્તારી, એ તો સોના-બજાર હતું. ખૂબ મોટા એક હૉલમાં ઘણા બધા કાચના શો-કેસ હતા. દરેકમાં શુદ્ધ સોનાનાં ઘરેણાં ગોઠવેલાં હતાં. દરેક શો-કેસ પાછળ જુદાં જુદાં સ્ત્રી-પુરુષો વેચવા માટે ઊભેલાં હતાં. દરેકની પાસે એક-બે એક-બે ખરીદનારાં પણ હતાં.
હું કંઇક અવાચક બની હતી, ને કંઇક મુગ્ધ બની હતી. કંઈક છુપી રીતે રાખેલું હોય તેવું બજાર મને જોવા મળી ગયું હતું. બધી સોનેરી ચમકની સામે, અને ઘરેણાંના ઘાટ જોયા કરવાનું મન થતું હતું. થોડાક શો-કેસ પર જરા જરા નજર નાખી. કોઈએ મારા પર ચાંપતી નજર નહતી રાખી, તેટલું સારું હતું.
ક્રમશઃ
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
