પરેશ ર વૈદ્ય

રસોડામાંથી કાચ ફૂટવાનો અવાજ આવ્યો અને નેહા સફાળી ઊઠીને તે તરફ દોડી.

“શું થયું રમાબહેન? શું તોડયું ?’”

“બહેન, આ કાચની ડિશ હાથમાંથી સરકી ગઈ.”

“પણ તમને મેં કહ્યું તો હતું કે ધ્યાન રાખજો – કાચ છે.’”

“હા, બહેન. મનેય બબર છે એ કાચ છે. સાબુવાળા હાથ હતા તે લપસી ગઈ. માફ કરો બહેન.”?

રમાબહેન જવો અનુભવ લગભગ દરેક જણને થયો હશે. ચિનાઈ માટી કે કાચનાં વાસણ વિશે સભાન હોવા છતાં  આપણાથી એ તૂટે છે. એવું કેમ બને છે તે વિચારવા જેવું છે.

કોઈ પણ ચીજ પરની આપણી પકડ એ ઘર્ષણ ના કારણે હોય છે. ઘર્ષણ એ કુદરતનું એવું બળ કે પરિબળ છે જે જીવનમાં અત્ર-તત્ર-સર્વત્ર હાજર છે. આમ છતાં તેનાં મહત્ત્વ અને હાજરી વિશે આપણે સભાન નથી હોતા. ઘર્ષણ એક વિરોધક બળ છે જે ગતિને રોકે છે. આમ છતાં તેનાં વિધાયક પાસાં એટલાં છે કે એકંદરે તેના ન હોવા કરતાં તેનું હોવું જ વધારે લાભદાયી જણાય છે. જેમ સામાન્‍ય જિંદગીમાં તેમ રસોડામાં પાણ તે સૂક્ષ્મ રીતે હાજર જ છે.

જ્યાં બે સપાટીઓ એકબીજા પર સરકતી હોય કે ઘસાતી હોય ત્યાં ઘર્ષણનું બળ હાજર હોય છે. કબાટ કે ટેબલને ખસેડવા પ્રયત્ન કરીએ ત્યારે ટેબલના પાયાનાં તળિયાં જમીનની સપાટી જોડે ઘર્ષણમાં આવે અને તેથી ખસેડવામાં મુશ્કેલી પડે. જો ટેબલ ભારે હોય તો બે સપાટીઓ વધુ ગાઢ સંપર્કમાં આવે અને ઘર્ષણ વધારે લાગે. જેથી ખસેડવું વધુ મુશ્કેલ જણાય. ઉપરાંતમાં જેમ સપાટી ખરબચડી તેમ વધુ બળ તેને ધકેલવામાં લાગે.

પણ જો આ ટેબલને પૈડાં લગાવેલાં હોય તો એ સહેલાઈથી ખસે છે, કારણ કે જમીન અને ગોળાકાર પૈડાં વચ્ચે સંપર્કમાં આવતું ક્ષેત્રફળ બહુ ઓછું છે. આથી સપાટીઓ વચ્ચેનો સંઘર્ષ ઓછો છે. બીજી નોંધવા લાયક બાબત એ છે કે ફર્નિચરને પહેલી વાર હલાવવું અઘરું પડે છે; એક વાર એ ખસે પછી ઓછા ધક્કાએ પણ તે ખસતું રહે છે. આ ઘટના ઘરે સિલાઈ મશીન ચલાવનારાઓએ નોંધી હશે. મશીન ચાલે ત્યારે તેની અંદરના અનેક પુરજાઓ હલનચલન કરે છે. તેમાં કોઈ બે પુરજાની સપાટીઓ તો ઘસાવાની જ. તેથી મશીન ચલાવતાં જોર લાગે છે. પણ એક વાર હાથની મદદથી ચકરડું ઘુમાવી, તેના તાલમાં પગ ચલાવવા શરૂ કરો, તે પછી મશીન સરરર્‌ ચાલે છે.

જો એ વપરાયા વિના પડી રહ્યું હોય તો કેટલીક સપાટીઓ પર કાટ જામ્યો હોય છે અને તે ખરબચડી થઈ જાય છે. તેથી ઘર્ષણ વધે છે અને મશીન ચાલતું જ નથી. આ સ્થિતિમાં તમે યંત્રમાં બતાવેલ જગ્યાએ તેલ પૂરો છો. તેના કારણે ઢીલો બેઠો હોય તે કાટનો પાઉડર વહી જાય છે, પરંતુ વધુ મહત્ત્વનું એ છે કે તેલ બે સપાટીઓ વચ્ચે પાતળો સ્તર બનાવે છે. હવે બંને સપાટીઓ આ સ્તરના સાપેક્ષમાં ખસે છે. તેલના આ સ્તરની સપાટી લીસી હોવાથી બંને પુરજાઓની સપાટીને તેના ઉપર સરકવું સહેલું થાય છે. તેલના આવા ઉપયોગને ઊંજણ (અંગ્રેજીમાં લુબ્રિકેશન) કહે છે. ઘર્ષણના બળની વિરુદ્ધ ઊંજણ  એ એકમાત્ર ઉપાય છે.

કદાચ જ તમારું ધ્યાન ગયું હશે કે રોટલી વણતી વખતે તેને વારંવાર સૂકા લોટમાં ઝબોળો છો (કે ચકલા પર અટામણ સ્વરૂપે પાથરો છો) તે પણ એક પ્રકારનું ઊંજણ જ છે. રોટલી વણવી એટલે લુવાનો વિસ્તાર વધારી ચકલા પર પ્રસરાવવી. આ એક પ્રકારની ગતિ જ છે ને? જો સૂકો લોટ ન હોય તો રોટલી ચકલાને ચોંટે છે, તેમાં રોટલીની અને ચકલાની સપાટીઓ એક થઈ જાય છે. લોટની હાજરીમાં રોટલી તેના ઉપર સરકતી આગળ વધે છે અને ચકલાની સપાટીથી વેગળી રહે છે. આ ઊંજણનું કામ થયું. નિપૂણ ગૃહિણીઓની રોટલી તો વણતે વણતે ગોળ પણ ફરે છે, તે માત્ર અટામાણની હાજરીમાં જ શક્ય છે.

ઘર્ષણનાં આવાં અવરોધક ઉદાહરાણો આપાણે જોયાં, પરંતુ ઘર્ષણ ઉપકારક પણ હોય છે. આપાગે ચાલી શકીએ છીએ તે ઘર્ષણને કારણે. ચાલવા માટે પગની પાની (એડી)ને જમીન પર ખોડી આપણે ઉપરના શરીરને આગળ ધકેલીએ છીએ. જો ઘર્ષણ ન હોત તો એડી પાછળ તરફ લપસી જાત અને આપણે આગળ તરફ ઊંધે માથે પડી જતા હોત. પ્રાણીઓના જીવનમાં ઘર્ષણનો આ એક મહત્ત્વનો ફાળો છે. રેતીના જાડા થરમાં ચાલવું કેટલું મુશ્કેલ થાય છે? પગ જાણે ઊંડે જઈને નક્કર સપાટી શોધતા હોય છે.

ખુરશી પર બેસીને તેને આપણે આગળ-પાછળ કરીએ છીએ તે પણ ઘર્ષણ છે તેથી જ. નહીં તો વારંવાર પડી જતા હોત – જેમ પ્લાસ્ટિકની ખુરશીમાં બેસનાર ક્યારેક પડે છે તેમ. નવા જમાનાની સુંવાળી ટાઈલ્સ અને પ્લાસ્ટિકના પાયાના બેવડા સંયોગને કારાણે બે લીસી સપાટીઓ હંમેશાં સરકવાને તત્પર હોય છે. કારનાં ટાયર ઉપર જાતજાતની ભાત બનાવેલી હોય છે તે પણ આ કારણે જ. લીસાં કે ઘસાયેલાં ટાયર લીસા રસ્તા પર ચાલે તો આગળ વધવાને બદલે એક જગ્યાએ ઊભીને જ ગોળ ફર્યા કરે. નહીં તો ઘસડાઈને આગળ જાય, જેને અંગ્રેજીમાં skidding  પણ કહે છે.

શીશીનું ઢાંકણું ટાઈટ બંધ થઈ ગયું હોય અને ખૂલે નહીં ત્યારે આપણે બરછટ નેપકીનથી તેને પકડીને ફેરવીએ છીએ. આ ઘર્ષણને નોતરવાની યુક્તિ છે. ઘર્ષણ વિના આંગળીઓ ઢાંકણ પર બળ લગાડ્યા  વિના જ સરકતી રહે છે.

ચાલવાના ઉદાહરણ પર પાછા આવીએ. ક્યારેક આપણને ન જોઈતું હોય ત્યારે લુબ્રિકેશન આવી મળે છે અને ચાલવું મુશ્કેલ થાય છે. ફર્શ પર તેલ ઢોળાયું હોય કે બાથરૂમમાં શેવાળ હોય ત્યારે આવું બને છે. મુંબઈ જેવા બહુ વરસાદવાળાં શહેરોમાં ચોમાસામાં ફૂટપાથ ઉપર શેવાળ છવાઈ જાય છે. તેના ઉપર ચાલતી વખતે કાળજી લેવી પડે છે કે મોટી ડાફો ભરીને ન ચાલવું. નાનાં નાનાં પણ મક્કમ પગલાં ભરવાં. આથી પગ શેવાળ પર અમુક ખૂણે ન પડતાં કાટખૂણે-ઉપરથી નીચે તરફ પડે. આમ કરવાથી આગળ કે પાછળ તરફ લપસી જવાની તક ઘટી જાય છે. મક્કમ પગલાંથી શેવાળ દબાઈને પગને નક્કર ફૂટપાથ મળી રહે છે.

આટલી વાત પછી ચાલો ફરીથી રસોડામાં રમાબહેન પાસે આવીએ જ્યાં કાચનાં વાસણ ફૂટેલાં. વાસણ કાચનાં છે અને તેની સપાટી લીસી છે તે તો રમાબહેનને ખ્યાલ હતો જ. તે માટે કેટલી કાળજી લેવાની થાય તેય ‘ખબર’ હતી, પરંતુ તેમા જેની ગણતરી નહોતી કરી તે હતો હાથ પરનો સાબુ. સાબુનું પાણી એક પ્રબળ ઊંજણ છે. ધોવા માટે ડિશ કે ગ્લાસને બે હાથ વચ્ચે ફેરવતા હો ત્યારે કાચ લીસો છે અને તેથી ઘર્ષણ ઓછું છે તેવી માનસિક તૈયારી તો મજાની છે, પરંતુ હાથમાંનો સાબુ આ ઘર્ષણને તમારી કલ્પના કરતાં અનેક ઘણું ઘટાડી નાખે છે. આથી બે હાથ વચ્ચેની મુસાફરીમાં વાસણ ક્યારેક સરકી જાય છે. ખરી રીત છે કે કાચનાં વાસણને કિચન-સિંકને તળિયે અથવા પ્લેટફોર્મ ઉપર ગોઠવીને જ સાબુ લગાડવો. ત્યારબાદ વાસણ પરથી સાબુ કાઢવાનું (વીછળવાનું) શરૂ કરો તેથી અગાઉ હાથમાંથી સાબુનું પાણી  તદ્દન ધોઈ નાખવું. એ રીતે હવે માત્ર કાચનો જ ખ્યાલ રાખવાનો રહે – સાબુનો નહીં. તેના ઓછા ઘર્ષણનો ક્યાસ તો તમને છે જ.

રોજના જીવનમાં આ ઉપરાંત પણ અનેક પ્રવૃત્તિઓ છે જે તમને ઘર્ષણની હાજરી વિશે સભાન બનાવશે. એક મૂં ગો સાથીદાર જાણે હવેથી બોલવા લાગશે.


સૌજન્યઃ નવનીત સમર્પણ ઓગસ્ટ ૨૦૧૫


ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક pr_vaidya@yahoo.com   વિજાણુ સરનામે થઈ શકે છે.