ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી
જિગીષા દિલીપ
એ હરિ….. ઓ…. ઓ ….હરિ……હરિ ….એ …..હરિ…
એક શબદ દો કાન, એક નજર દો આંખ
વૈસે ગુરુ ગોવિંદ દો એક હૈ, તું ઝાંક સકે તો ઝાંક
શબદ જડ્યા રે જગનાં ચોકમાં રે…..
જડ્યા મને વચનો અણપાર…..
કાને રે… અમારા ; વચનો વાંચ્યા રે….
વાંચ્યા ભેગા ઉકલ્યા અણસાર…(૨)
અમે ભણેલી વાણીનાં ભણતર ભૂલીયા રે….
એવા મેં તો ખોયાં મારા ગાન,મેં તો કંઠે આપ્યાં ગાન….
એવાં ગાણાંને ખોયાંની મોજ્યું હું શું કહું રે….
ખોયાં એ તો ….ઓ …રે…ઊતરશે ભવપાર
એવાં નવા રે અવતારે રમશે ચોકમાં રે….
જી …..જી જી જી ઈ ઈ ઈ જી …જી એ જી
નવા રે અવતારે રમશે ચોકમાં રે…
એવાં શબદ જડ્યાં રે જગનાં ચોકમાં રે….
મિત્રો,
ઘેડ પ્રદેશનાં એટલે કે પોરબંદરથી ચોરવાડ સુધીનાં પ્રદેશનાં, લોક ઢાળમાં હાર્દિક દવેનાં કંઠે ગવાયેલ આ ધ્રુવગીતને સાંભળીને તમે શબદને પેલે પાર ન જાઓ તો જ નવાઈ!
હરિને સંબોધીને ગવાયેલ આ ગીતનો દોહો આપણને કબીરની યાદ અપાવી દે જરૂર ,પરતું કબીરે કહ્યું,
ગુરુ ગોવિંદ દોનો ખડે,કિસકો લાગુ પાય ।
બલિહારી ગુરૂ આપકી,ગોવિંદ દીયો બતાય ।।
જ્યારે અહીં તો દાદા કહે છે કે બે કાન વડે આપણને એક શબ્દ સંભળાય છે અને બે આંખોથી એક જ વસ્તુ દેખાય છે. તેવી રીતે ગુરુ અને ગોવિંદ એક જ છે, તું જોઈ શકતો હોય તો જો. આમ કહી દાદાએ ગુરુનો સુંદર મહિમા ગાઈ ગુરુને પરમનું સ્થાન આપ્યું છે. વાત પણ કેટલી સાચી છે !ગુરુ જ આપણને પરમ સુધી પહોંચવાનો અને જીવન સાચી રીતે જીવવાનો રસ્તો બતાવે છે ને?
દોહો પૂરો કરતાં દાદા ગીતની શરૂઆત કરતાં કહે છે, મને મારાં શબ્દો જગતનાં ચોકમાંથી જ મળ્યા છે. ધ્રુવદાદાની જગતને અને લોકોને જોવાની અને સમજવાની દૃષ્ટિ જ સાવ નોખી છે. દાદા કહે છે ,”મને અણપાર વચનો મળ્યા.” તેમને નાનામાં નાના માણસની કે અભણ માણસની પછી ભલે તે, ગીરનાં જંગલ નિવાસી હોય કે દરિયા કિનારે રહેનાર ખારવો, ખલાસી કે આદિવાસી હોય દરેકનાં શબ્દની પેલેપારનો શબદ જ સંભળાય છે. તેઓ જગતનાં દરેક લોકોનાં શબ્દો કાનથી વાંચે છે, સાંભળતાં નથી અને તેથી જ કાનથી વાંચેલા શબ્દોનાં ઊંડાંણભર્યા અર્થો તે ઉકેલી શકે છે, એટલે જ દરિયા કિનારે ખારાપાટમાં અસહ્ય ગરમીમાં કારમી મજૂરી કરતા આદિવાસીને તે કેમ છે ? પૂછે અને જવાબ મળે “હાકલા છીએ બાપા હાકલા” અને ગીત રચાઈ જાય, સૌનું ખૂબ ગમતું” ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે? આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં અને ઉપરથી કુદરતની રહેમ છે”
જગતનાં લોકોની વાણીનાં શબ્દોમાંથી જ એમને વેદ,ઉપનિષદ ,ગીતાનું જ્ઞાન લાધે છે, તેમની આ લોકવાણી સમજવાની અનોખી રીત વર્ણવતા તેઓ કહે છે કે જ્યારે હું જગતનાં લોકોની વાણી સાંભળું છું ત્યારે હું મારી ભણતરની ભણેલી વાણી ભૂલી જાઉં છું. ભણતરનાં જ્ઞાન કરતાં પણ અભણ લોકોનાં વચનોમાંથી દાદાને ઊચું જ્ઞાન સાંપડે છે. દાદાનાં દરેક પુસ્તકમાં ,તેમનાં દરેક પાત્રોનાં સંવાદોમાં આપણે આ વાત સાંભળી ચુક્યા છીએ.
હવે આગળ જે વાત કરી છે તે તો અદ્ભુત છે. દાદા જે જગતનાં લોકોની વાણીમાંથી જે શબદને પામ્યા અને તેમનાં ગીતો તેમણે ગાયા, પણ તેમની ઉદારતા જુઓ તેમણે તે ગીતોને પણ ‘જે ગાય તેના ગીતો ‘ કહી “ તમે ગાયા આકાશ ભરી પ્રીતે,તે ગીત કહેવાય મારા કઈ રીતે?” તેમ કહે છે. આમ કહી પોતાનાં કંઠે ગવાયેલ ગીતોને લોકોમાં વહેંચી, તેની અણકહી મોજ દાદા માણે છે અને નિ:શબ્દતામાં ખોવાઈ જાય છે અને ગાઈ ઊઠે છે,
એવાં મેં તો ખોયાં મારા ગાન, મેં તો કંઠે આવ્યાં ગાન….રે
ગાણાંને ખોયાની મોજ્યું , હું શું કહું રે…
ખોયાં એ તો ઊતરશે ભવપાર
એવાં નવારે અવતારે રમશે ચોકમાં રે…
આગળ વધતાં લોકોની વાણીમાં પોતાનાં શબ્દોને રમતાં મૂકીને સંતોષ અનુભવતાં દાદા કહે છે. મેં મારા શબ્દોને લોકોમાં વહેંચી દીધાં અને સમય જતાં તે શબ્દો બીજા ભવમાં નવા અવતારે અવતરશે અને નવાં સ્વરૂપે ચોકમાં અવતરશે. જેમ વર્ષો પહેલાંનાં મહર્ષિ વ્યાસમુનિ અને વાલ્મિકજીએ લખેલ મહાભારત ,રામાયણ તેમજ ભાગવતને મોરારિબાપુ અને ડોંગરે મહારાજ નવા અવતારે રજૂ કરે છે તેમ. આમ જગતનાં લોકો પાસેથી મળેલા શબ્દોની જ્ઞાનગંગામાં પોતે નાહીને તે ગંગાનાં પાણીમાં જગત સમસ્તને પોતાનાં ગણી સાથે ઝબોળવાની “ વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવનાની સુંદર વાત ધ્રુવદાદાએ તેમના આ ગીતમાં કરી છે. તેમજ જગતનાં ચોકમાંથી જ શબ્દો તેમને મળ્યા અને તેને ગીત સ્વરૂપે તેમણે રજૂ કર્યાં.કેટલી હ્રદયમાં સોંસરવી ઉતરી જાય તેવી વાત છે નહીં?
સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
