વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

શિક્ષણ

વિદ્યાર્થીઓ માટે : ગીતાનાં શાશ્વત સૂત્રો – [૪] – तान तितिक्षस्व भारत

પ્રકાશકઃ જોય એન્ટરપ્રાઇઝ,
જી૫,શક્તિ સ્ક્વેર, મૅનેજમૅન્ટ એન્ક્લેવ સામે,  નેહરૂ પાર્ક  રોડ,
અમદાવાદ  ૩૮૦૦૧૫
ISBN: 978-93-48694-79-9    કિંમતઃ રૂ. ૨૫૦/-

હરેશ ધોળકિયા

કૃષ્ણ કહે છે કે આ જગતમાં બધું જ પરિવર્તનશીલ છે. મહાન વિજ્ઞાની આઈનસ્ટાઇન કહે છે કે બધું જ સાપેક્ષ છે. સાપેક્ષ એટલે કશું જ પૂર્ણ સત્ય નહિ. બધું જ પરિવર્તનશીલ !. ક્યારેક સુખ આવે તો ક્યરેક દુ:ખ આવે. ક્યારેક સફળતા મળે, તો ક્યારેક નિષ્ફળતા મળે. ક્યારેક ધાર્યું  થાય, તો ક્યારેક ધાર્યું ન પણ થાય. બધું શક્ય છે.

હવે જો સુખ આવે ત્યારે આનંદમાં  આવી જઈએ અને દુ:ખ આવે ત્યારે દુ:ખી થઇ જઈએ, તો સમગ્ર જીવનમાં તો એવા બનાવો વારંવાર આવતા હોવાથી વ્યક્તિ સતત સુખ-દુ:ખ વચ્ચે ઝોલા ખાધા કરશે. તેનું મન ડોલ્યા કરશે. સ્થિર નહિ રહે. અને તો તે સ્વસ્થતાથી વિચારી નહિ શકે. જો શાંતિથી અને સ્વસ્થતાથી વિચારવું હોય અને કામ કરવું  હોય તો  બંને બાબતોનો ત્યાગ કરવો જોઈએ અને મનને સ્થિર રાખવું જોઈએ. સુખ આવે કે દુ:ખ, હું તો મારે જે કરવું હશે તે જ કરીશ. કોઇથી પ્રભાવિત નહિ થાઉં.

રામાયણમાં રામને ચૌદ વર્ષનો વનવાસ મળ્યો. સામાન્ય વ્યક્તિ હોય તો દુ:ખી જ રહ્યા જારે, પણ રામે શાંતિ અને આનંદથી ચૌદ વર્ષ પસાર કર્યા. તે દરમ્યાન સીતાનું હરણ થઇ ગયું, તો પણ ધીરજપૂર્વક  માર્ગ કાઢ્યો અને સીતાને પાછા મેળવ્યા. કૃષ્ણને ખુદને પણ સમગ્ર જીવન અનેક રાક્ષસો સામે લડવું પડ્યું. પોતાના જ સગાઓના વિખવાદ જોવા પડ્યા, છતાં તેઓ સ્વસ્થ રહ્યા અને સુખ દુઃખનો વિચાર કર્યા  વિના પોતાને જે કરવું હતું તે જ કરતા રહ્યા. મહર્ષિ અરવિંદને બ્રિટીશ સરકારે કોઈ પણ વાંક ગુના વિના જેલમાં પૂરી દીધા, તો પણ દુ:ખી થયા વિના ત્યાં તેમણે  સાધના કરી ઈશ્વરના દર્શન કર્યા. લોકમાન્ય તિલકને પણ જેલમાં પૂર્યા તો પણ દુ:ખી થયા વિના અદ્ભુત પુસ્તકો લખ્યા. આ કેમ કરી શક્યા ? કારણ કે તેઓ સુખ કે દુ:ખ વચ્ચે તટસ્થ અને સ્વસ્થ રહેતા હતા. જેણે પણ  સફળ થવું છે તેણે આ સુખ-દુ:ખના ત્યાગને શીખવું પડશે.


હરેશ ધોળકિયા : ન્યુ મિન્ટ  રોડ, પેરીસ બેકરી પાસે, ભુજ-કચ્છ ( ૩૭૦૦૦૧) | ઈ-મેલ : dholakiahc@gmail.com

Leave a Reply