જયસુખ મોચી

મહાભારતની શરૂઆત તો જન્મેજયની કથાથી થાય છે.પણ આપણે પાંડવો અને કૌરવોના વંશની વાત કરીએ તો ઋષિ પરાશર અને સત્યવતીની કથા  મહાભારતની પહેલી કથા છે.

એકવાર ઋષિ પરાશર નદી પાર કરવા માટે નાવમાં બેઠા.પિતાને મદદ કરવા દાશરાજની દિકરી સત્યવતી નાવ ચલાવતી. ઋષિ પરાશર એની નાવમાં બેઠા.નાવ આગળ ચાલી અને સત્યવતીની સુંદરતા ઉપર ઋષિ મોહી ગયા. અને  સંભોગની ઈચ્છા વ્યક્ત કરી, ઋષિ શ્રાપ આપશે એવો ડર લાગ્યો એટલે સત્યવતીએ હા પાડી અને  પરાશર અને સત્યવતીનું મીલન થયું. પછી ઋષિએ સત્યવતીને વરદાન આપ્યું કે આપણા મિલન થકી જે ગર્ભ રહ્યો છે એ ગર્ભથી  પુત્રનો જન્મ થશે. અને એ પુત્રનો  જન્મ  છતાં તું(અક્ષતયોની) કુવારીકા જ રહીશ. સત્યવતીએ દ્વિપને કિનારે દિકરાને જન્મ આપ્યો અને દિકરો શ્યામ હતો એટલે ‘કૃષ્ણ દ્વેપાયન’ નામ પાડ્યું.અને એમણે વેદનું વિભાજન કર્યું એટલે એ વેદ વ્યાસ કહેવાયા.

ઋષિ પરાશરે કૃષિ સંશોધનનો પાયો મહાભારત યુગમાં નાખેલો.આપણા મહાન ઋષિઓએ હજારો વર્ષ પહેલા જે કહેલું એમાનું ઘણુ ખરુ ટેકનોલોજી કે સંશોધનના નામે પુનરાવર્તન થાય છે.

આર્ય ભટ્ટે શૂન્યની શોધ કરી અને ગણિતમાં આવિષ્કાર થયો એમ વાદળોના બંધારણ પરથી હવામાનની આગાહી ઋષિ પરાશરનું સર્જન છે. પોષ મહીનામાં હવાની ગતિ અને દિશા ઉપરથી આખા વર્ષમાં કેટલો વરસાદ થશે એની વિધિ ઋષિ પરાશરે કહેલી!અત્યારે ભલે લંડનનું હવામાન ખાતું  વખણાતું હોય  પણ એની શરૂઆત આ દેશના ઋષિઓએ કરેલી છે.સનાતન સંસ્કૃતિના વારસ તરીકે આપણને એનું ગૌરવ હોવુ જોઈએ!

ઋષિ પરાશરે ‘કૃષિ પરાશર’ નામનો ગ્રંથ લખ્યો.૨૪૩ શ્લોકના આ ગ્રંથમાં લણણીથી શરુ કરી અને વાવણી સુધીની વિસ્તૃત માહિતી છે.ખેતી, અન્ન, પશુપાલન, અને વરસાદ વિશે ઋષિએ ગઝબ લખ્યું છે.બધુ તો અહી શક્ય નથી પણ થોડું અન્ન વિશે ઋષિના જ શબ્દોમાં

कण्ठे कर्णो च हस्ते च विद्यते यदि ।
उपवासस्तथापि स्यादन्नाभावेन देहिनाम।।

ગળામાં, હાથમાં,કાનમાં ગમે એટલું સોનું હોય એનાથી પેટ નો ભરાય,અન્ન વગર ઉપવાસ જ કરવો પડે!

ઋષિ આગળ કહે છે અન્ન પ્રાણ છે,અન્ન શક્તિ છે. જગતના દરેક કાર્યનું મુખ્ય સાધન અન્ન છે.દેવો દાનવો કે માણસને અન્ન વગર નહીં ચાલે.

હિન્દીમાં આ ગ્રંથનો અનુવાદ વારણસીના વિદ્વાન ‘રામચંદ્ર પાંડે’ એ કર્યો છે.’ઈવ અને આદમ’થી શરુ થયેલી માણસજાતે પોતાનું અસ્તિત્વ ટકાવવા માંસાહાર કર્યો હશે પણ ઋષિ પરાશરના આગમન પછી અન્નનું મહત્વ વધ્યું એ શક્યતા નકારી ન શકાય ! શાકાહારનો ઉત્તમ વારસો ઋષિઓની દેન છે.આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે એમાં ઋષિ પરાશરનું  અમૂલ્ય યોગદાન છે.

આપણી સંસ્કૃતિમાં ગોત્રનું એક વિશેષ મહત્વ છે.

‘મહર્ષિ પરાશર’ ગોત્ર પ્રવર્તક ઋષિ છે.પરાશર ગોત્રની છ શાખાઓ છે. એનો સંબંધ ઋષિ પરાશર સુધી લંબાય છે.આજકાલ આડેધડ પ્રેમલગ્ન કરતી નવી પેઢીને ખબર નથી કે એક જ ગોત્ર(અટક)માં લગ્ન નથી થતા એના વાજબી કારણો છે.આ રિવાજ પાછળ  સમાજ હિતનો હેતું  છે.મેડિકલ સંશોધનમાં સાબિત થયેલું છે કે એક જ ગોત્રમાં લગ્ન થાય પછી જે સંતાન જન્મે એમાં ખોડ-ખાપણની શક્યતા વધે!એટલે આપણી સંસ્કૃતિમાં એક જ ગોત્રમાં લગ્ન નથી થતાં.આપણા સામાજિક રિવાજો પાછળ વૈજ્ઞાનિક અભિગમ હોય છે.આધૂનિકતાના નામે બધુ બદલવું હિતાવહ નથી.ખાસ વાત કે મહાભારતની એકપણ કથામાં પ્રેમનો વિરોધ નથી પણ દરેક વસ્તુની મર્યાદા હોય છે.પ્રેમના નામે “મામા -ભાણી” ભાગી જાય એ પ્રેમ ન કહેવાય એ વાસના કહેવાય.

ઋષિ પરાશરનો શૈલ્ય પર્વત ઉપર આશ્રમ હતો.અનેક શિષ્યો સાથે તેઓ ત્યાં રહેતા. મહાભારતનાં શાંતિપર્વમાં ભીષ્મ બાણશૈયા ઉપર હતાં ત્યારે યુધિષ્ટિરે પ્રશ્નો પૂછ્યા એના જવાબમાં  જનક રાજા અને પરાશરનો સંવાદ આવે છે જે પરાશર ગીતા તરીકે ઓળખાય છે.

મુનીવર પરાશરના  જીવન ઉપયોગી ખૂબ લાંબા સંવાદો છે એમાની એક જ વાત અહીં લખું છું

ઈન્દ્રિયસંયમ ,ક્ષમા,ધૈર્ય, સંતોષ, સત્યભાષણ, લજ્જા , અહિંસા.વ્યસનમુક્તી આ બધા ગુણો સુખ આપનારા છે. મનુષ્યે આસક્તી છોડીને પરમાત્મામાં ધ્યાન લગાવવા પ્રયત્ન કરવો જોઈએ.

ઋષિ પરાશર વશિષ્ઠના પૌત્ર છે.શક્તિ અને અષ્યંતિના  પુત્ર છે. ધૃતરાષ્ટ,પાંડુ અને વિદુરના પિતામહ છે.

દાશરાજની દીકરી સત્યવતી અને પરાશરના મીલન થકી પુત્રનો જન્મ થયો એ  વેદ વ્યાસ વિશે આવતા લેખમાં


(ક્રમશ)


જયસુખ મોચી, મહુવા | Sondagarjayasukh369@gmail.com