ફિર દેખો યારોં

બીરેન કોઠારી

દિવાળીના તહેવારોમાં સામાન્ય રીતે ઘરનાં બધાં કે મિત્રો ભેગાં થાય છે. વર્ષભર વિવિધ ભાગદોડમાં વ્યસ્ત રહેવાને કારણે એકબીજાને પૂરતો સમય ન આપી શકતાં પરિવારજનો કે સ્નેહીજનો સાથે મળે છે, સાથે ભોજન કરે છે. પણ આ મેળાવડામાં એક દૃશ્ય સામાન્યપણે  જોવા મળે છે. એક જ રૂમમાં બેઠેલા લગભગ દરેકની નજર પોતાના મોબાઇલ ફોનના સ્ક્રિન પર ખોડાયેલી હોય છે. કોઈ સંદેશા વાંચે છે, કોઈ સોશિયલ મીડિયા ફંફોસે છે, તો કોઈ રીલ જુએ છે. મળવા માટે ભેગા થયેલા લોકો એકબીજાની બાજુમાં બેઠા હોવા છતાં એકબીજાની સાથે નથી. આ પરિસ્થિતિ એટલી હદે સામાન્ય થઈ ગઈ છે કે હવે આમ હોવું કોઈને અજુગતું લાગતું નથી.

આ સંદર્ભે ઇટાલીના સાર્ડિનિયા ટાપુ પર શરૂ થયેલી એક પહેલ ધ્યાન ખેંચે એવી છે. અહીં આવેલી પંદર રેસ્ટોરાંએ નક્કી કર્યું છે કે એક મહિના માટે સપરિવાર જમવા આવતા લોકોને ભોજન દરમિયાન મોબાઇલ ફોન બાજુએ રાખવા માટે પ્રોત્સાહિત કરવા. આ કોઈ કાયદાકીય પ્રતિબંધ નથી. રેસ્ટોરાંમાં આવનારા પરિવારો પોતાની મરજીથી આ પ્રયોગમાં જોડાઈ શકે છે. પોતાના ફોનને બેગમાં મૂકી દેવાનો કે રેસ્ટોરાંમાં રાખેલી ખાસ ટોપલીમાં મૂકવાનો વિકલ્પ તેમને અપાય છે. બાળકોને ફોન કે ટૅબ્લેટ પકડાવીને શાંત રાખવાને બદલે તેમને રમતો, ચિત્રો દોરવાની સામગ્રી અને બીજી પ્રવૃત્તિઓ આપવામાં આવશે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

આ પહેલનો હેતુ બહુ સાદો છે : પરિવારનાં સભ્યો જમતી વખતે એકબીજા સાથે વાત કરે, બાળકો સાથે સમય વિતાવે અને ભોજન માત્ર પેટ ભરવાની ઔપચારિકતા ન બની રહે. સાર્ડિનિયાનાં બાળ અને કિશોર અધિકાર સંરક્ષક અન્ના કાઉએ સ્થાનિક રેસ્ટોરાંના સંગઠન સાથે મળીને આ પ્રયોગ શરૂ કર્યો છે. એક મહિના પછી તેના પરિણામોનું મૂલ્યાંકન કરવામાં આવશે.

આ સમાચાર વાંચતાં પહેલો વિચાર એ આવે કે આવી પહેલની જરૂર જ કેમ પડવી જોઈએ? પરિવાર સાથે જમવું આપણા રોજિંદા જીવનનો સહજ હિસ્સો હતો. જમતી વખતે દિવસભરની વાતો થાય, કોઈના અનુભવની ચર્ચા થાય, બાળકો શાળામાં શું બન્યું તેની વાત કરે, ક્યારેક કોઈ વાતે હસવું આવે, કે કોઈ મુદ્દે મતભેદ પણ થાય. જમવાનું પૂરું થાય ત્યાં સુધીમાં દિવસભરની  વાતો ચર્ચાઈ જાય.

હવે આ દૃશ્ય બદલાઈ રહ્યું છે. મોબાઇલ ફોનને કારણે આપણે દૂર બેઠેલા લોકો સાથે સતત જોડાયેલા રહી શકીએ છીએ, પણ આપણી બાજુમાં બેઠેલી વ્યક્તિ સાથે વાત કરવા માટે સમય કાઢવો મુશ્કેલ છે. કોઈ સંદેશ આવ્યો છે કે નહીં, કોઈએ ફોટો મૂક્યો છે કે નહીં, કોઈ નવો વીડિયો આવ્યો છે કે નહીં- આ બધું તપાસતા રહેવાની લ્હાયમાં સામે બેઠેલી વ્યક્તિ શું કહે છે એ સાંભળવાનું ચૂકાઈ જાય છે. ફોનમાં દુનિયા આખી સમાઈ ગઈ છે એ ખરું, પણ ઘણી વાર એમ લાગે કે આપણી નજીકની દુનિયા જ તેનાથી ઓઝલ થઈ ગઈ છે.

આ પરિસ્થિતિમાં સૌથી વિચારવા જેવો મુદ્દો બાળકોનો છે. બાળકો મોબાઇલ ફોનમાં વધારે સમય વિતાવતાં હોવાની ફરિયાદ મોટા ભાગનાં માતા-પિતા કરે છે. તેમને ફોનથી દૂર રાખવા માટે નિયમો બનાવે છે, સમયની મર્યાદા નક્કી કરે છે અને જરૂર પડે ત્યારે ઠપકો પણ આપે છે. પરંતુ આ  જ  માતાપિતા બાળકને ભોજન કરાવતી વખતે તેને શાંત રાખવા માટે ફોન કે ટેબ્લેટ પકડાવી દે છે. બાળક જમતાં જમતાં વીડિયો જોતું રહે તો તેને જમાડવાનું સરળ પડે છે. બહાર રેસ્ટોરાંમાં ગયા હોઈએ ત્યારે બાળક કોઈ તોફાન ન કરે, બીજા લોકોને ખલેલ ન પહોંચાડે એટલે તેના હાથમાં ફોન થમાવી દેવાય છે.

આમ, ફોન બાળક માટે માત્ર મનોરંજનનું સાધન ન બની રહેતાં, પણ કંટાળો આવે ત્યારે, રાહ જોવી પડે ત્યારે કે કોઈની સાથે વાત કરવાની જરૂર ન લાગે ત્યારે તરત હાથવગો થઈ જાય એવો સાથી બની જાય છે. પછી એ જ બાળક ફોન છોડતું નથી એવી મોટાંઓ ફરિયાદ કરે છે. સવાલ એ છે કે બાળકોને ફોનની આદત પાડવામાં મોટાંની ભૂમિકા કેટલી છે?

સાર્ડિનિયામાં થયેલી આ પહેલ પાછળ એક મહત્ત્વનો મુદ્દો છે. તે એ કે બાળકોને મોબાઇલથી દૂર રાખવાની વાત કરતાં પહેલાં મોટાંએ પોતે પણ ફોન બાજુ પર મૂકવો પડશે. બાળકને જમતી વખતે ફોન ન જોવાનું કહેતા હોઈએ અને આપણે પોતે સતત ફોન તપાસતા રહેતાં હોઈએ તો એ વાતની અસર કેટલી થાય? બાળકોને સૂચના કરતાં દાખલો બેસાડવાની અસર વધારે થતી હોય છે. પરિવારના બધા સભ્યો સાથે મળીને ફોન બાજુ પર મૂકે તો એ માત્ર બાળક માટેનો નિયમ નહીં, પણ સૌએ સાથે મળીને સ્વીકારેલી ટેવ બને.

અલબત્ત, મોબાઇલ ફોનને જ બધા પ્રશ્નોનું મૂળ ગણવું યોગ્ય નથી. ટેક્નોલોજીએ આપણને અનેક સગવડો આપી છે. કામકાજ, માહિતી, સંપર્ક અને મનોરંજન માટે તે અનિવાર્ય બની ગયો છે. ફોન વાપરવો ખોટો નથી. પણ ફોનનો ઉપયોગ ક્યારે કરવો અને ક્યારે તેને બાજુ પર રાખવો, એ નક્કી કરવાનો અધિકાર આપણી પાસે રહેવો જોઈએ. બીજી રીતે કહીએ તો સાધન આપણા હાથમાં હોવું જોઈએ; આપણે સાધનના હાથમાં નહીં.

સાર્ડિનિયાની આ પહેલ ખરેખર તો આપણને સૌને આ મુદ્દે વિચારવાની એક તક આપે છે, એમ કહી શકાય.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૫- ૧૧– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી