આશા વીરેંદ્ર
પતિની તેરમાની વિધિ હજી તો ગઈકાલે જ પતી હતી ત્યાં આજે સવારથી સૌએ એક પછી એક વિદાય લેવા માંડી હતી. ઘર ખાલી થઈ જશે, પોતે એકલાં પડી જશે એ ડરથી રશ્મિબેને દીકરીને કહ્યું હતું,
“બેટા, બે દિવસ વધારે રોકાઈ જા ને! એકીસાથે બધાં જતાં રહેશે તો મને બહુ આકરું લાગશે.”
“બધું સમજું છું મમ્મી, પણ મારે મારા ઘરનો પણ વિચાર કરવો પડે ને! છોકરાંઓને મૂકીને આવી છું ને મારાં સાસુથી હવે વધારે કામ નથી થઈ શકતું.” પછી માને વહાલ કરતાં એણે કહેલું, “થોડા થોડા વખતે આંટો આવી જઈશ મમ્મી, પણ તારે એકલાં રહેતાં તો શીખવું જ પડશે ને?”
રશ્મિબેનને થયું, પતિએ વિદાય શું લીધી, હવે તો બધાં મને શિખામણ ને સલાહ આપતાં થઈ ગયાં. પિતાની અંતિમ ક્રિયા કરવા પણ ન આવી શકેલો શિકાગોમાં બેઠેલો દીકરો પણ ફોન પર કહેતો હતો, “મમ્મા, ડોંટ ક્રાય. બી પ્રેક્ટીકલ. દરેક કપલમાંથી કોઈ એકે તો એકલા રહેવું જ પડે ને! ને ચિંતા નહીં કરતી. તને અહીં આવવાનું મન થાય ત્યારે કહેજે, તરત ટિકિટ મોકલી આપીશ.”
આજે જમવાનું પણ મન ન થયું. રસોઈ બનાવવા આવેલી મીના પાસે ફક્ત સલાડ બનાવડાવીને ખાઈ લીધું ને છાશ પીને થોડી વાર આડાં પડ્યાં. પલંગમાં પડતાં જ સુધાકરભાઈ સાથે વિતાવેલી પળો ચારે બાજુથી ઘેરી વળી. વધારે વાર સૂઈ ન શકાયું. માથું ભારે લાગતું હતું એટલે ચા મૂકી ત્યાં નણંદનો ફોન આવ્યો, “ભાભી, સાચું કહું તો મારે થોડા દિવસ રોકાઈને તમને કંપની આપવી હતી પણ પછી થયું કે, શરૂઆતથી જ તમારે હિંમતથી રહેવાની ટેવ પાડવી જોઈએ. બધાં ઘેરી વળશું તો તમને ટેવ જ નહીં પડે. એટલે પછી હું નીકળી ગઈ. ભાભી, આજે બરાબર જમ્યાં ને?”
એ મનમાં ને મનમાં ધૂંધવાયાં, આ શું? એક માણસના જતાં સૌ કહેવા લાગ્યાં, આમ કરો ને આમ ન કરો. જાણે આપણામાં તો કંઈ સમજ જ ન હોય!
રાત્રે પડખાં ફેરવતાં ફેરવતાં ક્યારે ઊંઘ આવી ગઈ, ખબર જ ન પડી. સવારે દૂધવાળાએ બેલ મારી ત્યારે સફાળાં જાગી ગયાં. રસોડામાં જઈ દૂધની તપેલી લીધી ને બારણું ખોલ્યું. રોજ સંતોષ દૂધ આપવા આવતો એને બદલે એના પિતા મુરારિને જોઈ એમણે પૂછ્યું, “આજે સંતોષ નથી આવ્યો?”
“ના, એ ચાર-પાંચ દિવસ માટે બહારગામ ગયો છે.”
“ઠીક. હવેથી રોજ અડધો લીટર જ દૂધ આપજો. હવે દૂધનો વપરાશ ઓછો થઈ ગયો.” બોલતાં બોલતાં અવાજ ગળગળો થઈ ગયો. આંખમાં ધસી આવતાં આંસું છુપાવવા એ તપેલી લઈને પાછાં ફરવા જતાં હતાં ત્યાં મુરારિ બોલ્યો, “બેન, તમારી પર મોટું દુ:ખ આવી પયડું પણ ઉપરવાળાની મરજી પાંહે આપડું હું ચાલે? ને એટલું તો હારું થ્યું કે, તમને સાયેબની સેવા કરવાનો મોકો તો મઈલોને? ઘણાને તો એય નથી મલતો. હવે તમારે શાંતિથી રેવાનું ને ભગવાનનું નામ લેવાનું.”
સવાર સવારમાં આ પારાયણ સાંભળીને રશ્મિબેનને ચીડ ચઢી. અરે! આ તદ્દન અભણ માણસ પણ આવી વાતો કરવા બેઠો તે મને શું ગાંડી સમજતો હશે? પોતાનું માણસ ગુમાવવાનું દુ:ખ કેટલું હોય એ આ ગમાર શું સમજે?
“બેન, તબિયત હાચવવાની. આનંદમાં રેવાનું. જનાર તો જતા રે પણ આપડે તો..”
એક દિવસ રશ્મિબેન ભડકી ઊઠ્યાં. “ભાઈ, વાતો કરવી સહેલી છે, પણ જેને માથે દુ:ખ પડે ને, એને જ સમજાય કે દુ:ખ શું વસ્તુ છે? તને નહીં સમજાય.”
ખભે નાખેલો ખેસ આંખો પર દબાવતાં મુરારિએ કહ્યું, “બેન, ઘડીક ટેમ હોય તો મારી વાત હાંભળસો?”
રશ્મિબેને પ્રશ્ર્નાર્થભરી નજરે એની સામે જોયું.
“આ સંતોષથી મોટો મારો દીકરો હતો ને ઈના લગનને છ જ મઈના થ્યાતા ને ઈ એક્સિડંટમાં વયો ગ્યો. અમારે માથે આભ તૂટી પયડું. મારાથી તો વહુના મોઢા હામે જોઈ નો હકાય.”
“પછી? રશ્મિબેનને વાતમાં રસ પડવા લાગ્યો.”
“પસી તો મેં ને મારી ઘરવાળીએ વિચાયરું કે, આપડા નસીબમાં નઈ હોય તે દીકરો તો ગ્યો પણ આનો બચાડીનો હું વાંક? અમે તો હગા-વાલા કે નાતીલાની ઉપરવટ જઈને સંતોષને એની હારે પઈણાઈવો. આજે તો અમારે ઘેર પોતરો ને પોતરી બેય દોડાદોડ કરે છે ને ઘર ભયરું ભયરું લાગે છે.”
“આ તો તમે ધરમનું કામ કર્યું કહેવાય. બાકી જુવાન જોધ દીકરો આમ અચાનક જતો રહે એ કંઈ નાનું સૂનું દુ:ખ છે? આટલા આઘાતમાં તમને આવો રસ્તો સૂઝ્યો કેવી રીતે?”
“બસ, આ જ વિચારે મને રસ્તો બતાયવો. મને થ્યું કે, કાલ તો જતી રઈ. ઈ આપડા હાથમાં નથ પણ આજ ને આવતી કાલ તો આપડી છે ને? બેન, અમે તો અભણ કેવાઈએ, ઝાઝું કાંઈ નો હમજીએ. કાંઈ વધારે બોલાઈ ગ્યું હોય તો માફ કરજો.”
રશ્મિબેન એને જતો જોઈ રહ્યાં. પછી દીકરીને ફોન જોડીને કહ્યું,
“દીકરા, તારું ઘર સાચવવાની તારી પહેલી ફરજ છે. મારી ચિંતા કરી કરીને વારે ઘડીએ અહીં દોડી નહીં આવતી. આટલાં વર્ષો સુધી હું મને ગમતાં જે કામ નથી કરી શકી એ કરવાનું શરૂ કરી દેવાની છું.”
(અલકા ખરેની હિંદી લઘુકથાને આધારે)
ભૂમિપુત્ર : ૧ જૂન, ૨૦૨૪
