ધંધેકા ફંડા

ઉત્પલ વૈશ્નવ

સમયપત્રક ભરેલું ને ભરેલું જ રહે…

 – મિટિંગો ચાલ્યા જ કરે.

 – દસ્તાવેજોની અવરજવર અટકે જ નહીં

 – લોકો માથું મુકીને કામમાં રચ્યાંપચ્યાં રહે.

થાક લાગે – એ જેટલો શારીરિક એટલો જ માનસિક પણ હોય.

એવું જ પ્રવૃતિઓની ઘટમાળનું છે.

તેમ છતાં, ક્યારેક તો, ખરેખર આગળ તો થોડું જ વધ્યું હોય.

મને આ બધું ધ્યાન પર એટલે આવ્યું કે. ….

કોઈ નિર્ણયો જ થતા નહોતા.

શું ચાલી રહ્યું છે તેની જાણ થતી રહે પણ શું બદલાવું જોઇએ તેની વાત જ ન નીકળે.

પ્રશ્નોને લોકો સાથે સાંકળતી મિટિંગોમાં અસહમતિ વ્યક્ત તો થાય, પણ નિરાકરણ ન થાય.

વિચારસરણીમાં સુધારા લાવતા ફેરફારો થતા રહે પણ પરિણામો અંગે કોઈ નિશ્ચિતપણે બાહેંધરી ન મળે.

જે કંઇ થતું રહે એ બધું કામનું જ હોય.

પરંતુ, એમાં ક્યાંય નિર્ણય જોવા ન મળે.

ખરો નિર્ણય બધું ઉઘાડું પાડી દે છે.

કોઇકે કંઈ પસંદ કરવું પડે.

કંઇક પર પ્રતિબંધ લાગે.

કંઇક પર પ્રતિબંધ હટે.

એક શક્યતા તો નિશ્ચિત જ કહેવાય કે જે વ્યક્તિએ નિર્ણય લીધો હોય તે ખોટી પડી શકે છે.

આ વાક્યનો પાછળનો ભાગ બહુ મહત્વનો બની રહે છે.

કેમકે આવી પરિસ્થિતિ ન જ આવે એ માટે તો સંસ્થાઓ અઢળક ખર્ચા કરતી હોય છે.

વિશ્લેષણો અને આકલનો દ્વારા મપાતી ઉત્પાદકતા છલકાતી રહે.

એક વધારે અસરકારક મિટિંગ કરવી જવાબદારી નિભાવવાની દ્યોતક બને.

જેટલાં વધારે લોકો સંકળાય એટલી સલામતીની ભાવના સુદૃઢ થાય.

‘આપણે આટલું જાણીએ છીએ’

થી

‘આપણે આટલું કરીશું’ની

લક્ષ્મણરેખા કોઈકે તો ઓળંગવી પડશે ….

 એટલે કામની ધમાધમ વચ્ચે સ્થગિતતા અનુભાવા લાગે ત્યારે –

આ ત્રણ સવાલો થવા જોઇએ –

 – નિર્ણય શું હતો?

 – એ કોની જવાબદારી છે?

– શું ખોટું પડશે તેની માટે કેટલી તૈયારી છે?

જવાબો, મોટા ભાગે, બતાવશે કે કંઈક આગળ વધી શકશે કે નહી ….

પ્રવૃતિઓની આવશ્યકતા વિશે બેમત ન હોઈ શકે,

પણ, ઘણી પ્રવૃતિઓ એટલે પ્રગતિ પણ, એમ માની લેવાની ભુલ ન થવી જોઈએ.

ધંધેકા ફંડા – ખોટો ન પડે એ નિર્ણય શા કામનો?

નોંધઃ

આ લેખ મનોજ ઓમકાર સાથેની મારી સહ-ચળવળ,#KillBUSYness,નો ભાગ છે. દરેક વિચારબીજને ખુલ્લામાં ચકાસી જોવાયું છે. KILL BUSYness પરનું મનોજ ઓનકારનું પહેલું પુસ્તક એમેઝોન પર ઉપલબ્ધ છે.


આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.

સંપાદકીય નોંધઃ The UV Almanac પરની આ લેખમાળા, #KillBUSYness, ના બીજા લેખો આપણે અહીં એક પછી પ્રકાશિત કરીશું.