સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
મારા એક જૂના મિત્ર સાથે ગુણવત્તા (quality) અને ઉત્કૃષ્ટતા (excellence) વિશે સામાન્ય ચર્ચા દરમ્યાન મારા ધ્યાન પર આવ્યું કે અમે ‘ગુણવત્તા’ અને ‘ઉત્કૃષ્ટતા’ એ બે શબ્દોનો ઉપયોગ એકબીજાના પર્યાય તરીકે કરી રહ્યા હતા. આના પરથી મને વધુ વિચારવાની પ્રેરણા મળી અને મને નીચે મુજબની બાબતો સમજાઈ:
- ગુણવત્તા સામાન્ય રીતે બાહ્ય (extrinsic) હોય છે. તે બાહ્ય આવશ્યકતાઓ દ્વારા દોરવાય છે. આપણે ઉદ્યોગના ધોરણોને અનુરૂપ શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ (best practices) અમલમાં મૂકીએ છીએ. આપણી પ્રક્રિયાઓને કોઈ ચોક્કસ સ્ટાન્ડર્ડ હેઠળ પ્રમાણિત થવા માટે તૈયાર કરીએ છીએ. આપણે ગ્રાહકોની માંગ મુજબ આપણા ઉત્પાદનો અને સેવાઓ વિકસાવીએ છીએ. જ્યારે આપણે આ માંગણીઓ પૂરી કરતાં રહીએ છીએ, પ્રક્રિયાઓનું પાલન કરતાં રહીએ છીએ અને તેમાં સુધારાઓ કરતાં રહીએ છીએ, ત્યારે આપણે આપણી સફળતામાં પુનરાવર્તનીયક્ષમતા (repeatability) લાવી શકીએ છીએ.
- ઉત્કૃષ્ટતા હંમેશા આંતરિક (intrinsic) હોય છે. ઉત્તમ અનુભવ પૂરો પાડવા માટે સામાન્ય કરતાં કંઈક વિશેષ કરવાની આપણી સહજ ઈચ્છા ઉત્કૃષ્ટતા સ્વરૂપે દેખા દે છે. કોઈ અન્ય વ્યક્તિ તેની માંગ કરે છે તેથી નહીં, પરંતુ ‘આપણે’ પોતે તેમ કરવા ઇચ્છીએ છીએ તેથી આપણે ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા પ્રયત્મશીલ રહીએ છીએ. તેનું ચાલક બળ ઉત્તમ કાર્ય કર્યાનો આપણો પોતાનો સંતોષ છે. ઉત્કૃષ્ટતા એ ‘માન સંબંધો’ સાથે જોડાયેલી બાબત છે અને તે ગુણવત્તાને એક ડગલું આગળ લઈ જાય છે. બંને કિસ્સાઓમાં, કેન્દ્રસ્થાને તો ‘લોકો’ અને તેમની સાથે ‘આપસી સંબંધો’ જ હોય છે.
ગુણવત્તા અને ઉત્કૃષ્ટતા કેવી રીતે સંકળાયેલાં છે?
મારા મતે, ગુણવત્તા એ ઉત્કૃષ્ટતા તરફ આગળ વધતા રહેવાનો માર્ગ છે. જ્યારે લોકોને પાયાની બાબતો યોગ્ય રીતે કેવી રીતે કરવી તે અંગે સંપૂર્ણ સ્પષ્ટતા હોય, ત્યારે જ તેઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે, (પોતાની તેમજ અન્યઓની) અપેક્ષા કરતાં વધુ સારું કામ કરી શકે છે અને મૂલ્યવર્ધન (adding value) વિશે વિચારી શકે છે. પ્રક્રિયાઓ આ ઉપક્રમનો એક મજબૂત આધાર પૂરો પાડે છે જેના પર ઉતરુષ્ટતાનું નિર્માણ કરી શકાય છે.
બીજી બાજુ, જો સારામાં સારા લોકો પાસે પણ જો ગુણવત્તાયુક્ત કામગીરી કરવા માટે યોગ્ય માર્ગદર્શિકાનો ટેકો ન હોય, તો તેઓ કદાચ ભૂલ કરી શકે છે અથવા અટકી જઈ શકે છે.
તે ઉપરાંત, ઉત્કૃષ્ટતાનો સીધો સંબંધ ઉત્તમ કાર્ય કરવા માટની લોકોની પ્રેરણા સાથે છે. લોકો ઉત્ક્રૂષ્ટ પ્રદર્શન પોતાની ઇચ્છાથી, પોતાની પસંદગીથીકરે છે. ઉત્કૃષ્ટ પ્રદાન કરવાની તેમની પસંદગીનો અમલ લોકો કરી શકે તેવું વાતાવરણ ઊભું કરવું એ નેતૃત્વ માટેનો સૌથી મોટો પડકાર છે. તેની શરૂઆત યોગ્ય લોકોને પસંદ કરવા અને યથોચિત સંસ્થાકીય સંસ્કૃતિ (culture) વિકસાવવાથી થાય છે.
અંતે, ગુણવત્તાની જેમ જ, ઉત્કૃષ્ટતા પણ એક ‘ગતિશીલ લક્ષ્ય’ (moving target) છે. આજે જે ‘શ્રેષ્ઠ’ છે તે આવતીકાલે ‘પર્યાપ્ત’ (good enough) બની જાય છે અને પરમદિવસે ‘સાધારણ’ (mediocre) બની જાય છે.
મુખ્ય વાત:
ઉત્કૃટતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો એ એક ઇચ્છ્નીય અને યથાર્થ ધ્યેય છે. ગુણવત્તા અને ઉત્કૃષ્ટતા વચ્ચેના પરસ્પર ગાઢ સંબંધને સમજવો પણ મહત્વપૂર્ણ છે. તેમને સ્પષ્ટ રીતે રજૂ કરવાં એ પણ મહત્વપૂર્ણ છે. લોકોને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરવા, તેમની પ્રેરણા વધારવી, સતત સુધારણા કરતી સંસ્કૃતિનું નિર્માણ કરવું અને નિયમોના અનુપાલન તથા પ્રેરણા વચ્ચે સંતુલન જાળવવું એ અગ્રણીઓ માટે એક મોટો પડકાર છે.
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
