જીવનની ખાટી મીઠી
નીલમ હરીશ દોશી
સચિન અને શીલા બંને ભાઇ બહેન ચોથા ધોરણમાં ભણતા હતા. ગરીબ મા-બાપ મજૂરી કરીને પણ છોકરાઓને ભણાવતા હતા. ક્યારેક પોતે અર્ધભૂખ્યા રહેવું પડે એવી હાલત ઘરની હતી. પરંતુ છોકરાઓને ભણાવીએ તો તેમનું ભવિષ્ય તો ઉજ્જવળ બને. એ આશાથી ગમે તેમ કરીને ફી ભરતા હતા.અભણ મા બાપ હૈયાના હેતથી પોતાથી શકય બની શકે તે બધું બાળકો માટે કરતા હતાં.
શિયાળાની સખત ઠંડી હતી. બંને બાળકો સવારે સ્કૂલે જતી વખતે થરથર ધ્રૂજતા રહેતા. પણ આજે તેની ગરીબ મા કયાંકથી કોઇએ આપેલ ફાટેલ તૂટેલ સ્વેટર લાવી હતી. મનમાં એક આશા સાથે કે હવે પોતાના બાળકોને ઠંડી નહીં લાગે.
સચિન અને શીલાને આવા ફાટેલ સ્વેટર પહેરવા ગમ્યા તો નહીં. પણ કોને કહે..? લાચારી હતી. અને પોતાની પરિસ્થિતિથી તેઓ અજાણ નહોતા. અને ઠંડી યે સખત લાગતી હતી. આનાથી થોડી તો રોકાશે..એમ માની બંને ભાઇ બહેન સ્વેટર પહેરી સ્કૂલમાં ગયા.
ત્યાં તેના જેવડા બીજા છોકરાઓ તેમના ફાટેલ સ્વેટર જોઇ મશ્કરી કરવા લાગ્યા. તેની ફાટેલી બાંયમાં હાથ નાખી હસવા લાગ્યા. ‘ એય શ્યામ, જો તો આ હવાબારી છે. શું સ્ટાઇલ છે ! હમણાં આ નવી ફેશન છે હોં ‘ ’ અરે યાર, આપણને તો આવી ફેશનની ખબર જ નથી હોં ! ‘
ને આમ જાતજાતની મશ્કરી કરતા બધા ખડખડાટ હસતા હતા. નાનકડા સચિન અને શીલા મૌન રહીને ત્યાંથી ખસી ગયા. તેમની આંખો છલકાઇ આવી હતી. પણ કરે શું ? અને પછી તો આ રોજનું થયું. બે દિવસમાં તેઓ આ મશ્કરીથી થાકી ગયા. આખરે હતા તો તેઓ પણ દસ વરસના છોકરા જ ને ? રોજ રડીને રહી જતા હતાં. ઘેર વાત કરવાનો કોઇ મતલબ નહોતો..અને સ્વેટર પહેર્યા વિના ઘેરથી કોઇ આવવા દેતું ન’તુ. શું કરવું તેની તેમને સમજ ન’તી પડતી. આવી મશ્કરી સહન કરવી એનાં કરતાં તો ઠંડી સહન કરવી વધુ સારી..એમ બંને ભાઇ બહેનને લાગતું હતું.
બીજે દિવસે બંને સ્કૂલમાં જતા હતા..ત્યાં રસ્તામાં વિચાર આવ્યો કે ઘેરથી ભલે પહેરવું પડે. પણ રસ્તામાં કયાંક મૂકી દેવું અને વળતી વખતે પાછું લઇ લેવું. જેથી ઘેર માને ખબર ન પડે અને તેને દુ:ખ ન થાય. નાનકડા છોકરાઓ પોતાને સૂઝે તેવો જ ઉપાય શોધે ને ? વિચાર કરતાં કરતાં બંને ઝડપથી એવી કોઇ સલામત જગ્યા શોધવા લાગ્યા. કેમકે સ્કૂલનો સમય થઇ ગયો હતો અને મોડું થતું હતું.
બંનેએ આજુબાજુ શોધખોળ આદરી. ત્યાં બાજુમાં વડલાના ઝાડ પાસે એક તૂટીફૂટી ઝૂંપડી જેવું કંઇક તેમને દેખાયું. વિચાર કરવાનો સમય તો કયાં હતો ? તેથી વધુ કોઇ પળોજણમાં પડયા સિવાય સ્વેટર ઉતારી, ત્યાં મૂકી ઝડપથી સ્કૂલે ભાગ્યા. ઠંડી ભલે લાગતી પણ હવે કોઇ મશ્કરી તો નહીં કરી શકે. ઠંડીથી ધ્રૂજતા બાળકો આખો વખત સ્કૂલમાં બેઠા રહ્યા. સ્કૂલ છૂટવાને હજુ એકાદ કલાકની વાર હતી.
ત્યાં સ્કૂલના પ્રિન્સીપાલનું કોઇ દિવસ નહીં અને આજે તેમને જ તેડુ આવ્યું. બંને ગભરાઇ ગયા. શું વાંક આવ્યો હશે તે સમજાયું નહીં !
બંને ડરતા ડરતા તેમની ઓફિસમાં ગયા. ત્યાં તો તેમના વર્ગશિક્ષક પણ હાજર હતા. મર્યા ! નક્કી તેમણે જ કંઇક ફરિયાદ કરી હોવી જોઇએ. બંને ડરી ગયા. ત્યાં પ્રિન્સીપાલે ઉભા થઇ તેમની સાથે હાથ મિલાવ્યા અને કહ્યું, ‘ શાબાશ ! બેટા ! અભિનંદન. આજે તમે માનવતાનું સાચું કામ કર્યું છે. મને તમારા જેવા બાળકોનું ગૌરવ છે.’
બંને આશ્ર્વર્યથી જોઇ રહ્યા. તેમને ખબર ન પડી કે પ્રિન્સીપાલ આ બધું શું બોલી રહ્યા છે ? ત્યાં તેમના શિક્ષકે આગળ આવી ને કહ્યું, ‘ હા, સચિન, શીલા, મેં જાતે જોયું છે કે તમે બંનેએ તમારા સ્વેટર ઉતારીને પેલી ઝૂંપડીમાં રહેતી સ્ત્રીના સાવ નાનકડા બાળકો જે સખત ઠંડીમાં ધ્રૂજતા હતા. તેમને ઓઢાડી દીધા છે. અને તમે પોતે સ્કૂલે આવી ઠંડીમાં એમ જ આવી ગયા છો. તમે જાતે સહન કરીને બીજાને મદદ કરી, માનવતાનું એક ઉદાહરણ રજૂ કર્યું છે. ‘ અને પ્રિન્સીપાલે કહ્યું કે, ‘ હા , બેટા, તમે તમારી પાસે જે કંઇ હતું. તે બધું તમે આપી દીધું છે. આજ સાચી માનવતા છે. આજે તમને બંને સ્કૂલ તરફથી ઇનામ આપવામાં આવે છે. અને કાલે પ્રાર્થના બાદ તમારું સન્માન..આખી સ્કૂલ સમક્ષ કરવામાં આવશે જેથી બીજા બાળકો પણ પ્રેરણા લઇ શકે….! ‘
બંને બાળકો મૂઢની જેમ એકબીજા સામે જોઇ રહ્યા !
નીલમ હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે
