પ્રીતિ શાહ-સેનગુપ્તા

કેટલી વાર લાગે ક્ષણો છૂટી જતાં?, રસ્તો ખૂટી જતાં?, દૃશ્ય બદલાઈ જતાં? અનુભવ સમેટાઇ જતાં?  કેટલી વાર લાગે ફરી શહેરી વાતાવરણમાં આવી જતાં? કેટલી વાર લાગે નિસર્ગના હરિત વૈભવને પાછળ રહી જતાં? કૈંક આવા લાગણીશીલ વિચારો આવવા માંડ્યા મને, મિનિ-બસમાં બેઠાં બેઠાં.

એક પર્વત કે એક પર્વતમાળાને જોઈને કોણ જાણી શકે, કે કહી શકે, એમની પાછળ કેટલી અનંતતા હશે તે? કેવું છૂપું પાસું જોઈને નીકળી આવી હતી હું, ફરીથી રોજિંદા લોક-જીવનમાં.

આ મિનિ-બસનો રૂટ જુદો હશે, તેથી થોડી વાર પછી એ હાઇ-વે છોડીને અંદરના રસ્તે, નાનાં ગામોમાં થઈને જવા માંડી. ઘણા લોકો જુદી જુદી મિનિ-બસોને માટે ઊભેલા દેખાતા. મારાવાળી બસમાં કેટલાયે ચઢતા ને ઊતરતા. હું ડ્રાયવરની બાજુમાં બેસી ગયેલી, એટલે મને કોઈ નડ્યું નહીં. પનામાના અંદરના ભાગમાંની દિનચર્યા મને જોવા મળતી ગઈ.

શનિવાર હતો એટલે હાઇ-વે પર ટ્રાફીક ઓછો હતો. કૅનાલ પરના બ્રિજ પરથી પસાર થતાં મિનિ-બસને વાર ના લાગી. એ પછી તો થોડી જ મિનિટોમાં આલબ્રૂક બસ ટર્મિનલ આવી ગયું. ત્યાં પણ ઘણા લોકો દેશમાં અનેક જગ્યાએ જતી બસોની રાહ જોતાં ઊભા હતા.

આલબ્રૂક મૉલ નામનું શૉપિન્ગ સેન્ટર આની સાથે જોડાયેલું જ છે. પનામામાં જ નહીં, પણ આખા મધ્ય અમેરિકામાં એ મોટામાં મોટું ગણાય છે. હું છેક ત્યાં જ હતી, તેથી મૉલને જોઈ આવવાની ઇચ્છા હતી. પહેલી નજરે ખ્યાલ નથી આવતો, પણ આ મૉલમાં સાતસો જેટલા તો સ્ટોર છે. સસ્તી-મોંઘી કોઈ પણ ચીજ અહીં મળે, અને ડિઝાઇનર ચીજોની કિંમત પણ અહીં થોડી ઓછી હોય છે.

આમાં એકસોથી વધારે ખાવા-પીવાની જગ્યાઓ બનેલી છે. ઉપરાંત, અહીં  સુપરમાર્કેટ, ફાર્મસી, સિનેમા, બૅન્કો, બ્યુટી સલૉન, કૅસિનો, છોકરાંઓને માટે રાઇડ, મિનિ-ટ્રેન વગેરે કેટલીયે સગવડો થયેલી છે. ત્રણસો રૂમની એક મોટી હોટેલ પણ અડીને જ બનેલી છે.

આવી જાણીતી જગ્યાએ એક આંટો મારવાના ઇરાદાથી હું ગયેલી. શનિવારની રજા હતી, એટલે લોકો આવતા જ જતા હતા. મારે કશું લેવું તો હતું નહીં. હૅલને એક આઇસ્ક્રીમ કંપનીનાં વખાણ કરેલાં. એ દુકાન જોઈ એટલે એક નાનો ચૉકૉલૅટ આઇસ્ક્રીમ ખરીદ્યો. ભીડમાં ફરવાનું જરાયે ગમતું નહતું, એટલે અડધો કલાક થતાંમાં તો હું ત્યાંથી ભાગી નીકળી.

મૅટ્રોનું સ્ટેશન પણ બાજુમાં જ, અને દસ મિનિટમાં તો હું હોટેલ પર પહોંચી ગઈ. બે દિવસ માટે સામાન નીચે મૂકાવડાવેલો. તેને રૂમમાં ખસેડ્યો, અને થોડી જ વારમાં હું પાછી બહાર નીકળી ગઈ. નજીકમાં પાણીના કિનારા પર બનેલા મોટા રસ્તા પરથી એક બસ લીધી. એમાં પણ ભીડ, ને સળંગ ઊભાં રહેવું પડ્યું. દૂરથી જોયેલાં તે બહુમાળી ઇમારતો હવે પાસેથી જોવા મળી.

મેં વાંચેલું કે શહેરના કન્વેન્શન સેન્ટરમાં ટ્રાવેલ ઍક્સ્પો ચાલતો હતો. એ જોવા ગઈ, ટિકિટ ખરીદીને અંદર ગઈ, ને પછી નિરાશ થઈ. લોકો તો હતા, પણ ઘણો નાનો હતો ઍક્સ્પો, ને ખાસ રસપ્રદ ના લાગ્યો. સ્થાનિક ઇન્ડિયન પ્રવાસીખાતાનો એક સ્ટૉલ હતો. હું ખુશ થઈને હૅલો કહેવા ગઈ, પણ એક સાધારણ ઇન્ડિયનની સાથે હસીને શા માટે બોલે એમાંનું કોઈ?

વળી પાછી મેં બસ લીધી, અને પાણી પરનો પેલો સુંદર બાગ આવતાં ઊતરી ગઈ. ત્યાં તો કશો પ્રસંગ હોય તેવું લાગ્યું. ચારસોથી યે વધારે વિદ્યાર્થિનીઓ ભેગી થયેલી. દરેક છોકરીએ આછા કે ઘેરા ગુલાબી રંગનાં કપડાં પહેરેલાં. કદાચ આખા દિવસ રમતગમત અને કસરતનો કાર્યક્રમ યોજાયો હતો. હવે પૂરો થવામાં હતો. બધાં ખૂબ આનંદમાં હતાં. જોર જોરથી મ્યુઝીક વાગતું હતું. જોકે એ આઠ વાગ્યે બંધ થઈ ગયું.

એ બધાં ધીરે ધીરે પોતપોતાનાં ઘર તરફ જવા માંડ્યાં. પણ સાંજના સમયે બાગમાં ફરવા આવેલાં ઘણાં હતાં. સુંદર સાંજ હતી. સૂર્યાસ્તનો આછો કેસરી પ્રસર્યો હતો. રસ્તા પર દીવાબત્તી થવા માંડ્યાં, ને ગગનચુંબી દીવાલોની બારીઓમાં પણ લાઇટો ચાલુ થવા લાગી. પાણી પર બાંધેલો ગોળ વળતો જતો કૉઝ-વે પણ ચમકવા લાગ્યો. તે પછી ચંદ્રની કમનીય કટારી પણ પ્રગટ થઈ, ને હું હોટેલ પર પાછી વળી.

ખૂબ વહેલી રાતના કલાકોમાં જોરથી વરસાદ પડેલો, પણ જાગીને જુઓ તો રસ્તા બીલકુલ સૂકા થઈ ગયા હતા. રવિવારના આજના દિવસે મારા મિત્ર-કુટુંબની સાથે મળવાનું નક્કી થયેલું. અગિયાર વાગતાંમાં તો અકબરભાઈ એમની દીકરી અનિસાની સાથે મને લેવા આવી ગયા. અમે કેટલાં વર્ષે મળ્યાં, પણ સ્નેહ અને મૈત્રીમાં કશી ખોટ નહતી પડી.

અક્બરભાઈના ઘરના વિસ્તારમાંથી દેખાતું પનામા સિટીનું દ્રશ્ય

જે જૂના વિભાગમાં પહેલાં રહેતાં હતાં ત્યાં હવે એ બધાં નથી રહેતાં. શહેરની બીજી તરફ, શાંત અને સારા લત્તામાં એમણે ઘર લઈ લીધું છે. કમ્યુનિટીનાં બીજાં ઘણાં કુટુંબો પણ એમનું જોઈને એ તરફ રહેવા આવી ગયાં છે. મસ્જિદ અને મદરસા નજીકમાં છે. સ્કૂલ પૂરી કરીને બધા છોકરાઓ મદરસામાં જાય છે.

ફાતિમાબેનને આટલાં વર્ષે પણ યાદ હતું, કે હું શાકાહારી છું. એમણે શાકાહારી બિરયાની, છાશ, ઢોકળાં, પાતરાં, સમોસાં, શીરો, બદામ-પીસ્તાંની બરફી વગેરે બનાવેલું. આટલું બધું?, મેં કહ્યું. ખૂબ ખાધું. બધું સ્વાદિષ્ટ પણ ખરું. બપોરની ચ્હા સાથે સુરતી બિસ્કીટ આપ્યાં. એ પણ ઘેર બનાવેલાં. અરે વાહ.

બીજી દીકરી આઝીઝા પણ મળવા આવી. બંને વચ્ચે એમને ત્યાં પાંચ દીકરા છે. હું થોડી ભેટ અને અમેરિકન ચૉકૉલૅટ લઈ ગઈ હતી. એ તો ખાધી, ને સાથે દોડાદોડી અને ઘોંઘાટ પણ ઘણાં રહ્યાં. અકબરભાઈએ મને એક મોંઘું ફ્રેન્ચ પર્ફ્યુમ આપ્યું. મેં બહુ ના પાડી, પણ ના માન્યા.

ફાતિમાબેન કહે, હવે પનામા આવો ત્યારે અહીં જ આવજો. અનિસા કહે, હા, આપણે સાથે દરિયા-કિનારે રહેવા જઈશું. અરે, એ જ તો કરવું છે મારે, ફરી પનામા જાઉં ત્યારે.


સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.