શ્રદ્ધા ભટ્ટ

“આરત….”

એણે આટલું જ કહ્યું અને વીતેલાં વર્ષોની બધી જ ફરિયાદો એના એ અવાજમાં ઓગળતી ચાલી. આવું થશે એવું મેં ધાર્યું નહોતું. એનો ફોન આવશે એવું ય નહોતું વિચાર્યું. સંબંધ અચાનક જ પૂરો થઈ ગયેલો. એણે સફાઈનો મોકો નહોતો આપ્યો કે મારે કશું કહેવું નહોતું – આવા કશા નિર્ણય પર આવું એ પહેલાં તો અમારા બંનેના રસ્તા ફંટાઈ ગયેલા. હું ગોઠવાઈ ગયેલી મારા રૂટીનમાં. એ શું કરતી હશે – એવો વિચાર કાયમ સાથે રહેતો, પર્સમાં રાખેલા પેલા એક્સ્ટ્રા રૂમાલ માફક. ખપમાં ન આવવાનો હોય પણ સાથે હોય તો ધરપત રહે! જીવન વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું હતું, ઘણી સારી રીતે. જોબ હતી, નાનો એવો ફ્લેટ હતો અને…

ગઈકાલે આ ‘અને…’ પછીના ત્રણ ટપકાંની પૂર્તિ કરતો શ્યામાનો અવાજ સાંભળ્યો છે ત્યારથી બધું અસ્તવ્યસ્ત થઈ ગયું છે! પર્સમાં રાખેલો પેલો રૂમાલ અચાનક જ એનો ફલક વિસ્તારીને મોટી ઓઢણી બનીને મારી સામે લહેરાયા કરે છે અને હું એના એક એક તારમાં ગૂંથાયેલી શ્યામા સાથેની યાદોને જોયા કરું છું.

શ્યામાએ ફોનમાં બહુ લાંબી વાત નહોતી કરી. પણ એના અવાજના રણકા પરથી લાગતું હતું કે એ ખુશ હતી. વાત આટલી હોત તો ય વાંધો નહોતો. એ એના જીવનમાં ખુશ, હું મારા. પણ એણે ફોન મૂકતી વખતે મને કરેલું ‘આરત’ સંબોધન અને એનો એ કાંપતો અવાજ… બસ શ્યામાના એ એક સંબોધને બધું જ પડતું મૂકીને હું આજે બસમાં બેસીને એને મળવા એના ગામ જઈ રહી છું. એણે બોલાવી નથી, છતાં જાઉં છું.

બે વર્ષ! બહુ લાંબો સમય ન કહેવાય છતાં આજે લાગે છે કે શ્યામાના ગામથી નીકળી ત્યારે બસમાં બેઠેલી અને અત્યારે ફરી એને ગામ જવા બસમાં બેઠી છું  – આ બે ઘટના વચ્ચે ઘણા વર્ષો વીતી ગયા છે! બારી બહાર જોઉં છું તો બસ સ્ટેન્ડ પર મારી રાહ જોઈને ઊભેલી શ્યામા દેખાય છે. બસનો આવવાનો સમય કદાચ આગળ પાછળ થાય પણ એનો મારી રાહ જોઈને ઊભા રહેવાનો સમય નક્કી જ હોય! હું બસમાંથી ઊતરું અને અમે બંને સાથે ઘર સુધી ચાલીને જઈએ. મારી ઓઢણીનો એક છેડો પકડીને એ ચાલે. ઓઢણી હેઠળ ઢંકાયેલો એનો હાથ મારા પડખે ઘસાયા કરે અને હું મનમાં ને મનમાં મલકાયા કરું. અત્યારે એ વાત યાદ આવી અને ખોળામાં પડેલી ઓઢણીનો છેડો પકડીને સૂંધી જોયો. અણગમા સાથે મેં ઓઢણીને ઝટકો માર્યો. ઓઢણી સાથે તો શ્યામાની સુગંધ જ……

મન આજે અવળચંડાઈ પર ઉતરી આવ્યું છે. દર વખતની જેમ આજે શ્યામાની યાદને મમળાવ્યા કરવાથી શાંત પડે એમ લાગતું નથી. શ્યામના સાથની તીવ્ર તડપ મનના કોઠા વીંધીને શરીરના સંવેદન સુધી ઉતરી આવી છે. શ્યામાને મળીને, એને ભીંસી દેવાની અદમ્ય ઈચ્છા થઈ રહી  છે! શ્યામા પણ મારા વિના આમ જ  ઝૂરી હશે? વિચાર આવ્યો એવો જ એને ખંખેરી દેવા મન આગળ થયું. આટલા વર્ષોમાં હું ક્યાં એના વિના તડપી હતી? એની યાદ અને એના સાથની તડપ – આ બંને અલગ હતા, એ સાથે હતી ત્યારે તો ખરાં જ અને અત્યારે?

કંડકટરે બેલ મારી ત્યારે ભાન થયું કે ગામ આવી ગયું છે. નાનું એવું ગામ અને એનું નાનું એવું બસ સ્ટેન્ડ. વર્ષો વીતે તો ય બહુ મોટો ફેરફાર ન જ થાય. બસ આવી, હું બેગ લઈને નીચે ઊતરી અને બસ જતી રહી. મારા પગ અનાયાસ જ જમણા ખૂણા પર આવેલી ચાની કેબીન તરફ વળ્યા.

“બે ચા આપોને કાકા.” મારામાં રહેલી પેલી જૂની આરતી બોલી ઊઠી.

‘એક જ કપ આપજો કાકા.’ મારા કાનમાં શ્યામાનો અવાજ પડઘાયો. ‘તારી એંઠી ચા પીવામાં જે મજા છે ને….’

ચાના કપ એમનેમ જ રહ્યા.થયું, વળતી જ બસમાં પાછી જતી રહું. શ્યામા વિના ઘર સુધીનો રસ્તો કેમ કપાશે? માસીને ફોન કરવાનો વિચાર આવ્યો પણ માંડી વાળ્યું. ફોન પર શ્યામાનું નામ બોલાઈ જાય તો?

‘તો શું? બેસ્ટ ફ્રેન્ડ છે મારી, એને મળવા ન અવાય?’

‘બેસ્ટ ફ્રેન્ડ? બસ? આટલો જ સંબંધ છે શ્યામા સાથે?’ મન ફરી ફરી અમારા સંબંધની ગોપનીય ગલીઓ ઊઘાડી રહ્યું હતું. શ્યામાએ ફોન પર પૂછેલું,

“તું કેમ છે, આરત.”

આ સાંભળ્યા પછી મારી અંદર કશુંક ખળભળી ગયું છે! આરતી કે આરત – આ બે વચ્ચેનો ભેદ ભૂલી જાઉં એ હદે શ્યામાનો અવાજ મારી અંદર ગૂંજ્યા કરે છે! આ ત્રણ અક્ષરોએ મને ફરી એક વાર સ્તબ્ધ કરી મૂકી છે! શ્યામાના મોંએ આ નામ સાંભળ્યા પછી મને આ ગામ, ગામનું એ ફળિયું, ફળિયાનું એ ખૂણાનું  ઘર અને ઘરની પાછળનો મોટો બધો વાડો – આ બધું જ એકસામટે ક્યારેક ધીમા તો ક્યારેક મોટા સાદે બોલાવી રહ્યું હતું.

આવી તો ગઈ, પણ હવે? મન અવઢવમાં હતું.

‘આરત. તું ખુશ તો છે ને? આપણો આ સંબંધ….’ શ્યામાએ પૂછેલું અને મેં જવાબ આપવાનું ટાળ્યું હતું. અમારી વચ્ચે જે હતું એને કોઈ સંબંધનું નામ ક્યાં આપી શકાય એમ હતું?

“બેનપણા તો બુન તમારા જ હો! વળગેલી જ રહો છો એકબીજીને!”

હા, ફળિયાના દરેક ઓટલેથી આ જ સૂર સંભળાતો. માસી ક્યારેક કહેતી – “સરખી ઉમરની છે ને બેય. સારું ભળી ગયું છે એકબીજા સાથે. આરતીનેય સારી કંપની રહે ને અહીં આવે ત્યારે!”

મને ગમતો એનો સાથ. એની વાતો, એનો સ્પર્શ – બધું જ ગમતું હતું. માસીનું ગામ, એનું નાનું એવું ઘર, ઘરની પાછળનો વાડો, એમાં ઊગેલાં ભાતભાતના ફૂલ છોડ – વેકેશનમાં અહીં આવવાના મારી પાસે ઘણાં  બહાનાં હતાં. આવા જ એક વેકેશનમાં શ્યામા સાથે મુલાકાત થયેલી. બસ સ્ટેન્ડથી આવીને ઘરમાં પગ મૂક્યો એવી હું પાછળ વાડામાં દોડી ગયેલી. બધાં ફૂલો પર હાથ ફેરવતી દીવાલે અડીને આવેલા પલાશ પાસે પહોંચેલી. ઉનાળુ તાપ ખમીને રાતાચોળ થયેલાં પલાશને બાથ ભરવા જાઉં ત્યાં જ મારી નજર પલાશની અડોઅડ ઊગેલા નવા છોડ પર ગઈ. ઝાડને બથ ભરીને વીંટળાઈ ગયેલો એ છોડ નવો હતો. આ પહેલાં ક્યારેય જોયેલો નહીં, એવો.

“અપરાજિતા છે.”

માસીને બદલે પાછળથી કોઈ નવો અવાજ સંભળાયો.

“પલાશના આધારે કેવી સરસ ઊગી છે, નહીં?” અપરાજિતાના જાંબલી પુષ્પોનો રંગ આંખોમાં આંજીને એ પૂછી રહી હતી. હું એને જોઈ જ રહેલી. અપરિચિતતાનો સઘળો ભાર ખરી પડ્યો હોય એમ એની આંખોમાં મને એક પોતીકો સંબંધ ઊગતો દેખાયેલો.

“કોયલ વેલ – આ એનું બીજું નામ.” માસીના અવાજથી અમારું દૃષ્ટિસંધાન તૂટેલું.

“પણ, મને તો અપરાજિતા નામ જ ગમે છે. કેવું અલગ અને મજાનું નામ છે! તને ગમ્યું?” એના એ તું કારે મારો રહ્યો સહ્યો સંકોચ પણ ઓગળી ગયેલો. માસીની હાજરી ભૂલી જવાઈ હતી અને તે દિવસે શરૂ થયેલી અમારી વાતો સમય વીતતાં વધુ ને વધુ ગાઢ થતી જતી હતી.

કેટલો ગાઢ હતો અમારો સંબંધ? બે સરખી ઉંમરની છોકરીઓ વચ્ચે હોવો જોઈએ એવો જ! હું તો ક્યાંય સુધી એવું જ માનતી હતી! શ્યામા સાથે વેકેશનનો સમય એટલો સરસ વીતતો કે હું જીદ કરીને કોલેજ કરવા માસીને ત્યાં જ આવી ગયેલી.

બસ સ્ટેન્ડથી બહાર નીકળી એવી તરત જ શાક માર્કેટ તરફ જવાની લાંબી સાંકડી ગલી દેખાઈ. કશું જ બદલાયું નહોતું. એ જ જૂની ભીંતો, એ જ સાંકડો, લાંબો રસ્તો અને ગલીની શરૂઆતમાં જ આવેલી દરજીની દુકાન.

“હવેથી આ દરજી પાસે માપ દેવા નો આવતી.” કોઈ દિવસ નહીં ને તે દિવસે શ્યામા એ રીતસર હુકમ કરેલો!

“કેમ? કેવા મસ્ત ડ્રેસ સીવે છે. મને તો ગમે છે એનું ફિટિંગ.”

“મને નથી ગમતું. એ ફિટિંગના બહાને તને જ્યાં ત્યાં અડે એ.”

હું જોઈ રહેલી એની સામે. શ્યામાની આંખોમાં આ ક્યો નવો ભાવ આકાર લઈ રહ્યો હતો? હું ઉકેલવા મથી રહેલી અને એ ભરબજારે મને વળગી પડેલી!

‘તું મને બહુ ગમે છે, આરત.’

સાચું કહું છું, કશું જ બદલાયું નથી. શ્યામા અહીં જ છે અને મને બાથ ભરીને કહી રહી છે – આરત…. આરત….

મેં ચાલવાની ઝડપ વધારી. ગલીને નાકે પહોંચીને ડાબે વળું એટલે બજાર અને એ પૂરી થતાં જ આવે નરોત્તમ બાપાનું ફળિયું, ફળિયાને છેક છેડે માસીનું ઘર. ગલી વટાવીને  હું બજાર તરફ વળી અને નજર જઈને અટકી દેસાઈ કાકાની દુકાને. લાકડાની કોતરણી કરેલા બે મોટા ખૂલેલા દરવાજા – જાણે શ્યામા એના બંને હાથ ફેલાવીને કહી રહી છે : આવ, મારી પાસે.

તે દિવસે માસીના ઘેર રાતે રોકાઈ ગયેલી શ્યામાએ મને આમ જ બોલાવી હતી!

“કેટલી વાર આરતી?”

“આવું છું.”

નવરાત્રીનો છેલ્લો દિવસ હતો. શેરી ગરબીમાં મન ભરીને રમી લીધા પછી અમે બંને ઘરે આવેલાં. મોડું થયેલું એટલે શ્યામા એના ઘરે ન જતાં મારી સાથે જ રોકાઈ ગયેલી. ઘરેણાં કાઢતાં કાઢતાં જ હું મેડીએ ચડેલી. ઉપર પહોંચી ત્યારે મારા એક હાથમાં હતી કાનની બુટ્ટી અને બીજા હાથમાં ચણિયો, ગોઠણ સુધી પકડેલો. શ્યામા સામે જ ઊભી હતી. જાંબલી રંગનો ચણિયો, સફેદ રંગની  ઝીણી ઝીણી ડીઝાઇનવાળું એવા જ રંગનું બ્લાઉઝ અને જાંબલી રંગમાં સફેદ છાંટવાળી ઓઢણી – મને થયું સામે શ્યામા નહીં પેલી અપરાજિતાના પુષ્પોથી લચી પડેલી વેલ ઊભી છે.

‘મસ્ત લાગે છે તું આજે.’ મેં એનો ગાલ પંપાળીને કહ્યું. કપડાં બદલવા માટે દોરી પર રહેલો પડદો નાંખ્યો જ હતો ત્યાં શ્યામા આવીને મને વળગી પડી!

‘આરત… આઈ લવ યુ.’ એણે મારી આંખોમાં જોઈને કહ્યું.

અપરાજિતા ખુદ આવીને કહી રહી હતી, મારો આધાર બનીશ? એની આંખોના આમંત્રણનો જવાબ મેં વાળ્યો હતો કે એણે પહેલ કરી હતી ? એની ધડકતી છાતી વચ્ચે શરમાઈને મેં મોં છૂપાવેલું કે એણે આગળ વધીને મારી છાતીના થડકારને અનુભવેલો? આમાંનું કશું જ યાદ નહોતું, યાદ હતું તો આ એક દૃશ્ય. મેડીની ગાર કરેલી જમીન પર મારી અને શ્યામાની ઓઢણીઓ એકમેક સાથે વીંટળાઈને ફેલાયેલી હતી.

“આવો ને બુન. સુ દેખાડું?”

નર્યા આનંદ સાગર પર ઊછળતાં, તરતાં અને ડૂબકી લગાવતાં મનને બળજબરીથી ઊંચકીને કિનારે લાવીને છોડી દીધું હોય એમ હું હતપ્રભ થઈને પ્રશ્ન પૂછનાર સામે જોઈ રહી.

“હાંફ ચડી લાગે તમને. પહેલા બેહો ને પાણી પીઓ.” દુકાનદારે વિવેક કર્યો.

આખો ગ્લાસ ગટગટાવી ગયા પછી ય તરસ છીપાતી નહોતી, આવું આ પહેલીવાર જ થતું હતું! નવરાત્રિની એ રાતે અમારા સંબંધમાં કશુંક ઉમેરાયું હતું. કશુંક અલગ, શરીરી સ્પર્શને ખુલ્લેઆમ આહ્વાન આપતું કોઈ એવું તત્વ જે અમને બંનેને એકત્વ નામના પ્રદેશની ક્યારેય ન ખેડેલી સીમાઓ ખૂંદવા મજબૂર કરી રહેતું. એકમેકના શરીરની ગંધ, અંગોને મર્દન કરતાં હાથ, શરીરના એક એક અણુ પર ચંપાઈ જતા હોઠ, ઉત્કટતાની ચરમસીમાએ પણછ સમાન ખેંચાતાં અને વળતી પળે શિથિલ થઈને એકમેકની હૂંફમાં પોઢી જતાં શરીર…સ્પર્શસુખની આ નવીન અનુભૂતિમાં ભીંજાવું મને ગમતું, યોગ્ય સમયે કિનારે ફરી પાછા ફરવાની શરતે. પણ શ્યામા! ઉફ્ફ….. ક્યારેક રસોડામાં આવીને કાનમાં કહી દેતી – આરત.  અને હું બંધ આંખે પણ એના હોઠનું કંપન અનુભવતી!  ક્યારેક મારા ડ્રેસની ચેઈન ખોલીને પીઠ પર પોતાનું નામ લખી દેતી તો ક્યારેક બધા વચ્ચે ગાલ પર કિસ કરી દેતી. સૂતી હોઉં તો હળવેથી મારા હોઠ ચૂમી લઈને મને જગાડતી. શ્યામાની આ બધી હરકતો ગમતી હતી, પણ મન દર વખતે વિચારે ચડી જતું – શ્યામાને બદલે કોઈ છોકરો….. ઉંમરના એ પડાવ પર આવું બાલિશ વિચારતાં મનને ટપારીને શાંત કરી દીધેલું પણ પછી? કોલેજમાં પેલા કાર્તિકને અછડતો સ્પર્શ થઈ જતો અને મન ઊછળવા લાગતું!

એ ચોક્કસ હશે એની પસંદગી માટે, હું નહોતી. શ્યામા સાથેનું ઐક્ય મારી શારીરિક જરૂરિયાતો પૂરી કરવા સક્ષમ હતું, છતાં કશુંક ખૂટતું હોય એવું લાગ્યા કરતું! શું એ ખબર પડે એવી ઉંમર જ ક્યાં હતી? એટલે જ શ્યામા માટે અમારું આ ઐક્ય સ્પર્શના સીમાડા તોડીને આગળ વધી ગયું છે એનું ભાન મને બહુ મોડે મોડે થયેલું!

એક ક્ષણ તો વિચાર આવ્યો કે મેં અહીં આવવામાં આટલું મોડું કેમ કર્યું હશે? શ્યામા સાથેના સંબંધ પર પૂર્ણવિરામ મૂકીને નીકળી ગયેલી એ વાતનો અફસોસ આજે બમણા વેગથી મને પજવી રહ્યો હતો. આંખ બંધ કરીને હું થોડીવાર એમ જ બેસી રહી. જાંબલી રંગ આંખ સામેથી ખસતો જ નહોતો. મેં આંખો ખોલી. સામે જ ઓઢણીની થપ્પીમાંથી દેખાયો એ રંગ!

“આ ઓઢણી કાઢી આપો ને.” મેં આંગળી ચીંધીને ઓઢણી દેખાડી.

થપ્પામાંથી ઓઢણી કાઢીને દુકાનદારે ખોલીને દેખાડી.

“આ ઓઢણી જો આરતી. મેં જાતે બનાવી છે!” શ્યામા ઓઢણી ઓઢીને શરમાતી મારી સામે ઊભેલી દેખાઈ.

“તે બનાવી, એટલે?”

“ઝીણી નજરે જો તો ખરી.”

આખી ઓઢણીમાં નાના બારીક અક્ષરોથી ભરતકામ કરેલું હતું. ઝીણું એટલું કે ધ્યાન દઈને જોઈએ તો જ સમજાય કે આખી ઓઢણી નાના નાના “આરત” નામના ભરતકામથી ભરેલી હતી!

“શ્યામા…. આ મારું નામ….?”

“તુમ નહીં, તુમ્હારા નામ હી સહી! તને ખબર છે, જયારે તું મારી પાસે નથી હોતી ત્યારે આ ઓઢણી મને તારા સહવાસ જેટલી જ હૂંફ આપે છે! તને ઓઢીને શ્વસવું એટલે શું – એ તને કેમ સમજાવું મારી આરત!”

અને, મેં વાત કરેલી. કાર્તિક સાથેના મારા સંબંધની.

“આરત, તું કાર્તિક સાથે? કઈ રીતે? તને શરમ ન આવી?”

મારી પાસે કોઈ જ જવાબ નહોતો, છતાં કહેવાઈ ગયું,

“જો શ્યામા, આપણી વચ્ચે જે કંઈ થયું એ….”

“બસ. હવે એક શબ્દ પણ નહીં. આપણી વચ્ચે જે થયું એ – એને તું કોઈ ભળતું જ નામ આપે એ મારાથી સહન નહીં થાય.”

વાત ત્યાં જ પૂરી થઈ ગઈ હતી. હું બધું જ છોડીને નીકળી ગયેલી. શ્યામા સાથેના સંબંધમાં જે ખૂટતું હતું એ મને કાર્તિક પાસેથી મળેલું. શ્યામા અપરાજિતાની વેલ બની રહેવા જ સર્જાઈ હતી, જયારે મારા માટે ફક્ત વેલ પૂરતી નહોતી. નકરી સુવાંળપ અને નરમાશ અનુભવ્યા પછી મને ખપ હતો પલાશના થડ જેવી, અડે તો ઉઝરડા પાડી દે તેવી ખરબચડી અનુભૂતિનો! શ્યામાને આ બધું કહેવું હતું, સમજાવવી હતી, પણ એવો મોકો જ મળ્યો નહીં.

એનાથી આ રીતે છૂટા પડ્યાનો ગુસ્સો તો ક્યારનો ઓગળી ગયેલો, છતાંય મારાથી પહેલ થઈ શકી નહોતી. કદાચ, ફરી સંબંધ શરૂ કરવા હું તૈયાર નહોતી. પણ આજે આ ગામની હવા મને વારેવારે ભૂતકાળમાં ખેંચી જતી હતી. શ્યામાને  મળીને એક વાર જૂની બધી ગેરસમજણ વિશે વાત થઈ જાય તો સારું – એ વિચારે હું એના વિના બોલાવ્યે આવી ગઈ હતી. એ વખતે નહીં દેખાયેલી, નહીં અનુભવાયેલી શ્યામાની પીડા આજે એકસામટી આવીને મને ઘેરી વળી હતી.

અપરાધભાવના ભાર તળે ચાલતાં ફળિયા સુધી તો પહોંચી જવાયું. ફળિયામાં પગ મૂકતાં જ જમણી બાજુ આવે શ્યામાનું ઘર. ઘરની બહાર મંડપ સજાવેલો હતો. કોઈ પ્રસંગ હોય એવું લાગતું હતું. શ્યામાના એક મેસેજથી હું ઠેઠ અહીં સુધી દોડી આવી હતી અને હવે એના ઘરનો ઉંબરો ઓળંગવાની હિંમત નહોતી થતી!

“અરે, આરતી. ત્યાં કેમ ઊભી છે? અંદર આવ.” ઘરમાંથી બૂમ આવી. હું ચપ્પલ કાઢીને અંદર ગઈ. એક સાથે ઘણી બધી નજરો મારા તરફ.

‘ઓહો.. ભાણી બા આઈ ગ્યા કેમ?’

‘તી આવે જ ને? આપણી સ્યામાની ખાસમ ખાસ બેનપણી છે! ’

‘હા હો. ઈ વાત હાચી. બેય કેવા આખો દિ હાયરે ને હાયરે રેતા!’

હાથમાં પકડેલી ઓઢણી છાતીની વધુ નજીક દબાવાઈ. શ્યામાને શોધતી હું અંદરના રૂમમાં ગઈ. પીળા રંગની સાડી પહેરીને ઊભેલી શ્યામાનું પ્રતિબિંબ અરીસામાં જોઈને બારણે જ અટકી જવાયું!  આજુબાજુ ટોળે વળીને ઊભેલી એના જેવડી છોકરીઓની મસ્તીભરી વાતોના રંગથી એનો શ્યામ ચહેરો વધુ નીખરી રહ્યો હતો. ભરેલા ગાલ પર શરમની લાલી શોભતી હતી!

‘આરત….. તું મને પાગલ કરી દેશે હો!’ શ્યામા એ નિકટતાની એક ક્ષણે કહેલું.

‘અચ્છા? અને તારી આ બહાવરી નજરમાં હું સતત ખેંચાતી જાઉં છું એનું કંઈ નહીં?’

‘જા… લુચ્ચી!’ શ્યામા એ બે હાથે પોતાનું મોં ઢાંકી લીધેલું. મેં હળવેથી એના હાથ ખોલેલા અને શ્યામા વેલ બની વળગી પડેલી!

એ જ શ્યામા આજે કોઈ બીજાનું નામ સાંભળીને શરમાઈ રહી હતી!

“એ હાલો હવે, ઝટ કરો. કેટલી વાર છોકરીઓ?” બહારથી કોઈની બૂમ સંભળાઈ. શ્યામાએ ઊંચે જોયું. એની નજરની વિહ્વળતા પર કોઈ અજાણ્યું નામ આંજણ બની પથરાઈ ગયું હતું. મેં હાથથી શ્યામાને ‘મસ્ત’ એવો ઈશારો કર્યો. જવાબમાં શ્યામાની આંખો અનાયાસ જ ઢળી ગઈ. સામે ઊભેલી શ્યામા, અરીસામાં દેખાતું એનું પ્રતિબિંબ અને એની આંખોમાં અંજાયેલું નામ – હું તો આ તસ્વીરમાં ક્યાંય હતી જ નહી!

શ્યામાના બારણેથી પાછા વળતી વખતે મારા હાથમાં ફક્ત મારી બેગ હતી. જાંબલી ઓઢણી અને એની સાથે વણાઈ ગયેલી આરતને હું ત્યાં જ મૂકી આવી હતી.