વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
“લતિકામૅમ, આ છોકરી કોની છે ખબર નથી. એને તમે લઈ જાવ તો સારું નહીંતર એ આમથી તેમ રઝળતી ફરશે અને કોઈ ખોટી વ્યક્તિના હાથે ચઢી જશે. વળી, પોલીસથાણામાં પણ કોનો અને કેટલો ભરોસો કરવો?”
મારી ઑફિસમાં આવીને એક અજાણી છોકરીનો હાથ સોંપતા મહિલા ઇન્સ્પેક્ટર બોલ્યા. બે કારણોસર વાત એમની સાચી હતી. એક તો જો કોઈ યોગ્ય આશરો ન મળે તો એ છોકરીનું ભાવિ રોળાઈ જાય અને બીજું સોશિઅલ વર્કર તરીકે આ શહેરમાં મારાં નામ અને કામથી સૌ પરિચિત હતાં.
કૉલેજની પ્રિન્સિપાલ હોવાની સાથે સમાજસેવક અને સમાજસુધારક તરીકે કેટલીય અબળાઓને ન્યાય અપાવવાથી માંડીને લગ્નમાં દહેજમુક્તિ અંગે મારી કામગીરીની નોંધ લેવાઈ હતી.
મારે પણ કોઈ છોકરીની જરૂર હતી જે મારા રોજિંદા કામમાં મને થોડીઘણી મદદ કરે. છતાંય આમ સાવ અજાણી છોકરી ?
“મેડમ, ચિંતા ના કરશો. એને જેટલું યાદ હતું એ મુજબ શક્ય એટલી તપાસ કરી છે. સાવ નાની હતી ત્યારે માબાપથી છૂટી પડી ગઈ એટલે એમનાં નામ-ઠામ એને યાદ નથી, પણ એને જોઈને, એની વાતો પરથી એ સારા ઘરની હોય એવું લાગે છે. તમારી પાસે સલામત રહેશે એમ વિચારીને એને પોલીસ સ્ટેશન લઈ જવાના બદલે અહીં લઈ આવી છું.”
મારા ચહેરા પરની અવઢવ સમજીને મહિલા ઇન્સ્પેક્ટરે જાણે બાંહેધારી આપતાં હોય એમ જવાબ આપ્યો.
એમની વાત સાચી લાગી. છોકરીના નિર્દોષ ચહેરા પર ગજબનો આત્મવિશ્વાસ હતો.
“નામ શું છે તારું?”
“નામ કૃતિકા છે, પણ તમે મને કૃતિ કહીને બોલાવશો તો ચાલશે.” એણે જવાબ આપ્યો.
“અરે, કૃતિકા તો મારી બહેનનું નામ છે. હું તને મિલી કહીશ.”
“ના, નામ બદલવું હોય તો તમારી બહેનનું બદલજો પણ મને તો કૃતિકા કે કૃતિ કહીને જ બોલાવજો.”
અજાણી વ્યક્તિ સાથેય સ્પષ્ટતાપૂર્વક પોતાનું મંતવ્ય આપતી કૃતિકા મને ગમી ગઈ. એને ઘેર લઈને આવી.
“તમે વકીલ છો?” બારણાં પર ‘અશોક શર્મા- હાઇકૉર્ટ એડવૉકેટ’ નેમપ્લેટ જોઈને એણે પૂછ્યું.
“અશોક શર્મા મારા પતિનું નામ છે, હાઇકૉર્ટમાં કામ કરે છે.”
“તમે પણ કામ તો કરો જ છો ને તો પછી તમારું નામ કેમ નથી ?”
‘અરે ! આવો વિચાર મને કે અશોકને આવ્યો જ નહોતો.’
કૃતિકા ખૂબ ચપળ અને હોંશિયાર છોકરી હતી. મારાં નાનાંમોટાં કામો એણે ઉપાડી લીધાં. અહીં આવી એ પહેલાં કોઈ પરિવાર સાથે રહી હશે ત્યાં થોડુંઘણું અંગ્રેજી શીખી હતી. એની ધગશ જોઈને એના માટે થોડાં પુસ્તકો મંગાવી આપ્યાં.
કૃતિ આ ઘરની સદસ્ય હોય એમ સૌ સાથે ભળી ગઈ. ઘરમાં કોને શું ભાવશે એનું હું ધ્યાન રાખું તો મને શું ભાવશે એની ચિંતા એ કરતી.
“અંકલને જે ભાવે એ જ બનાવડાવો છો તો ક્યારેક તમને ભાવતું પણ બનાવી જ શકાય ને?”
‘અરે બાપરે, આ તો મારી મા કે દાદી? મારું આટલું ધ્યાન તો એ બે જણ જ રાખતાં.’
અને, ખરેખર આજે ઑફિસે જમવા માટે ટિફિન ખોલ્યું તો એમાં મીસી રોટી, સરસોનું શાક, રીંગણનું ભરથું, કાંદા-ટામેટાનું કચુંબર..મારી આંખમાં પાણી આવી ગયું. ક્યારે એ છોકરીએ રસોઈવાળાં બહેન પાસે આ બધું તૈયાર કરાવ્યું હશે !?
શાકમાંથી આવતી સરસોના તેલ સોડમથી તો હું પિયર માબાપુ પાસે પહોંચી ગઈ. બાળપણનાં એ દિવસો યાદ આવી ગયા. નાની હતી ત્યારે બાપુજી નાકમાં સરસોના તેલનાં ટીપાં નાખતા.
સાચેજ ખૂબ ખુશ થઈ ગઈ, ચાલો માબાપુની જેમ કોઈક મારું ધ્યાન રાખવાવાળું મળ્યું. કોઈક તો હતું જેને મારી પસંદ-નાપસંદની ફિકર હતી. બાકી અશોક પોતાનાં કામમાં વ્યસ્ત, છોકરાંઓ ગૂગલબાબામાં મસ્ત.
આજે હું પણ મસ્તીમાં આવીને ઘરમાં આમતેમ ફરતાં ફરતાં ગીત ગણગણતી હતી.
“અરે વાહ, તું તો સુપર મૉમ છું. કેટલું સરસ ગાય છે.” કહીને મારી જાણ બહાર છોકરાંઓએ એની વિડીયો ક્લિપ બનાવીને યુટ્યૂબ પર ‘અપલૉડ’ કરી. સેંકડો લાઇક આવી અને પછી તો જે ફોન આવ્યા છે, બાપરે !
“તમારે માત્ર સગાં જ છે? એકે બહેનપણી નથી? “ કૃતિકાએ મને ફોન પર વાત કરતી સાંભળીને પૂછ્યું.
“જેટલા ફોન આવે છે એ ભાઈ, ભાભી, ભત્રીજી, દેરાણી, જેઠાણીનાં જ ? ક્યારેય કોઈ બહેનપણીઓ સાથે વાત કરતા સાંભળ્યાં નથી.”
કૃતિની વાત તો સાચી હતી, ઘર-પરિવાર, કામકાજ સંભાળવામાં મારું પોતાનું સત્વ ખોઈ બેઠી હતી, ગમા-અણગમા ભૂલી ગઈ હતી.
એ રાત્રે બેસીને બહેનપણીઓનાં નામ યાદ કરીને લિસ્ટ બનાવ્યું. ક્યારેક અમે સૌએ સાથે જીવવા-મરવાની વાતો કરી હતી. ત્યારે ક્યાં ખબર હતી કે કોણ ક્યાં હશે ?
માંડ એક મિત્રનો નંબર મળ્યો. એને પૂછીને બીજાના નંબર લીધાં ને એક ગૃપ બનાવ્યું. એક પછી એક સખીઓ જોડાતી ગઈ, એમની સાથે વાતો કરી તો લાગ્યું કે જાણે હું નવપલ્લ્વિત થઈ. નવી ચેતનાના અનુભવી. સમજાયું કે જીવનમાં મિત્ર કેમ જરૂરી છે.
સૌએ મનાલી જવાનું નક્કી કર્યું. પતિદેવને જાણ થઈ તો આખું ઘર માથે લીધું.
“પાગલ થઈ ગઈ છે કે શું?”
“પાગલ પહેલાં હતી, હવે ઠીક થઈ ગઈ છું.” મેં શાંતિથી જવાબ આપ્યો.
પતિદેવે છોકરાંઓ પાસે અકળામણ ઠાલવી. છોકરાંએ જવાબ આપ્યો.
“વન્ડરફુલ. ખરેખર તો મૉમ ઘણી મોડી જાગી, પણ કંઈ નહીં. જાગી ત્યારથી સવાર. તમે ઑફિસના કામમાં વ્યસ્ત રહેતા, દોસ્તો સાથે બહાર જતા ત્યારે ક્યારેય મૉમને પૂછ્યું સુદ્ધાં નહોતું કે મૉમે કેવી રીતે એકલા હાથે અમને સાચવ્યા છે. હકિકત તો એ છે કે અમે કયા ક્લાસમાં ભણીએ છીએ એનીય તમને ખબર નહોતી. So now it’s Mom’s turn. Mom, go and enjoy with your friends.”
******
કયા પંખીએ વિચાર્યું હશે કે એની પાંખોનો રંગ કેવો છે? કયા પંખીને ખબર હશે કે એમના કલરવથી વાતાવરણ કેવું જીવંત બનતું હશે? વહેતી હવાને શું ખબર કે એના સ્પર્શથી કોનાં રોમેરોમ ઝંકૃત થઈ જતાં હશે? એ તો બસ એમની સહજ મસ્તીમાં જ ને?
ક્યારેક અમે સૌ અમારી ઇચ્છાઓના બીજને કોળવા અનુરૂપ જમીન, ખાતર, પાણી કે પ્રકાશ માટે ઝંખ્યાં હોઈશું, પણ આજે તો બસ દુનિયાથી બેખબર એ પંખીઓ, વહેતી હવાની જેમ અમે અમારામાં જ મસ્ત બન્યાં. એ દસ દિવસમાં અમારી દુનિયા બદલાઈ ગઈ. ભીની માટીને કોઈ પણ સ્વરૂપમાં ઢાળી શકાય, અમે તો ચાકડે ચઢીને, નીંભાડામાં તપેલાં છતાં અમારું મિલન ઉત્સવ જેવું બની ગયું.
સૌએ એકમેકની ઝંખનાઓ પારખી. સૌ એકમેકનો હાથ પકડીને બાળપણની સ્મૃતિઓની ગલીઓમાં ફર્યાં, હસ્યાં, રડ્યાં. સમજાયું કે જે ક્ષણો વહી ગઈ છે એ પાછી તો નથી આવવાની પણ એ ઇચ્છાઓને ફરી એકવાર જીવવાની કોશિશ તો કરી જ શકાય.
વિચારું છું કે ખરેખર લાપતા કોણ કૃતિ કે હું?
કૃતિએ તો મને ખોવાયેલી લતિકા મેળવી આપી.
ડૉ. સંગીતા ઝા લિખિત વાર્તા ‘લાપતા કૌન’ પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
