ફિર દેખો યારોં
બીરેન કોઠારી
ભારતની વૈજ્ઞાનિક સંસ્થાઓની વાત આવે ત્યારે ‘ઇસરો’ (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)નું નામ વાજબી ગૌરવથી લેવામાં આવે છે. મર્યાદિત સંસાધનો હોવા છતાં સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દે એવી સિદ્ધિઓ આ સંસ્થાએ પ્રાપ્ત કરી છે. આથી જ તે કેવળ એક સરકારી સંસ્થા નથી, પણ તેને ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાનું પ્રતીક ગણાવી શકાય. આવી સંસ્થાના વરિષ્ઠ અને અનુભવી વિજ્ઞાનીઓ ખાનગી અવકાશ કંપનીઓમાં જોડાવા માટે રાજીનામાં આપવા લાગે, તેને એક એવી ચેતવણી ગણવી જોઈએ, જે સરકારને આત્મદર્શનની એટલે કે અરીસામાં જોવાની ફરજ પાડે. ઊચ્ચ વળતર માટે વિજ્ઞાનીઓની લાલચ કે બહેતર ભવિષ્ય માટે નોકરી બદલવા જેવા ઊપરછલ્લા મુદ્દાઓમાં આ મામલો સમેટી લેવાય એવો નથી. મૂળ સવાલ એ છે કે સરકાર આ બાબતને શી રીતે જુએ છે?
એ હકીકત છે કે ખાનગી કંપનીઓ માટે ભારતમાં અવકાશનું ક્ષેત્ર ખુલ્લું મૂકાયા પછી અનેક નવી તકો ઊભી થઈ છે. આમ તો, આ વિકાસનો સ્વાભાવિક ક્રમ છે, કેમ કે, વિવિધ ક્ષેત્રે ખાનગી કંપનીઓનો પ્રવેશ થવાથી સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થાય અને ગ્રાહકને વધુ વિકલ્પ મળે એ આશય છે. આ સંજોગોમાં ‘ઇસરો’ના કેટલાક વિજ્ઞાનીઓ ખાનગી ક્ષેત્ર તરફ વળે, તો એમાં કશી નવાઈ ન લાગવી જોઈએ. પણ અહીં મુખ્ય ફરક અન્ય ક્ષેત્ર અને ‘ઈસરો’ વચ્ચેનો છે. સવાલ એ નથી કે તેઓ શા માટે જાય છે; મૂળ સવાલ એ છે કે તેઓ કયા કારણે ‘ઇસરો’ છોડી રહ્યા છે.
આવા નાજુક મુદ્દે સરકાર સામાન્ય રીતે નિયંત્રણના હથિયારથી કામ લેતી હોય છે. જેમ કે, રાજીનામું મૂકીને ગયા પછી એ સરકારી કર્મચારી અમુક સમય સુધી ખાનગી કંપનીમાં નોકરી ન કરી શકે, એ અંગેના નિયમોને વધુ કડક બનાવવામાં આવે વગેરે.. પણ આ ઊપાયો ખરું જોતાં કેવળ રોગનાં ચિહ્નોનો ઈલાજ કરે છે. મૂળ રોગ એમનો એમ રહે છે. કોઈ પણ વ્યક્તિને સંસ્થામાં રોકી રાખવાનો સૌથી હાથવગો રસ્તો પ્રતિબંધોનો છે. પણ કોઈ પણ ભોગે વ્યક્તિ નોકરી છોડવા ઈચ્છતી હોય, અને એનું મુખ્ય કારણ પોતાની કારકિર્દીની બહેતર તક હોય, તો પ્રતિબંધો ખાસ કારગર નીવડતા નથી.
‘ઇસરો’ની છબિ અને ત્યાંની કાર્યસંસ્કૃતિ અત્યાર સુધી બિનવિવાદાસ્પદ અને ગૌરવપ્રદ બની રહી છે. પડકારજનક કામ, રાષ્ટ્રીય ગૌરવની અનુભૂતિ અને વિશ્વસ્તરીય પ્રોજેક્ટ પર કામ કરવાની તક જેવી વિવિધ બાબતોનો સંગમ ત્યાંની નોકરીમાં થયેલો છે એમ કહી શકાય. અલબત્ત, આ પાસાં બહારની વ્યક્તિને આકર્ષક જણાય, પણ અંદર રહીને કામ કરનાર તેને જુદી દૃષ્ટિએ જોતા હોય એમ બને ખરું. વ્યક્તિગત વિકાસની ગતિ, પ્રમોશનની પારદર્શિતા, સંશોધનની સ્વતંત્રતા, યોગ્ય વેતન, નવી જવાબદારીઓ અને ભવિષ્યની તકો જેવાં પાસાં પણ તેઓ જોતા હોય છે. આવા મામલે સરકારી માળખું પાછળ રહી જાય તો અસંતોષ પેદા થવો સ્વાભાવિક છે.
અલબત્ત, ભારત માટે આવો પડકાર નવો નથી. થોડાં વર્ષ પહેલાં ભારતીય હવાઈ દળને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. અનુભવી પાયલટો સમય પહેલાં નિવૃત્તિ લઈને ખાનગી એરલાઇન્સમાં જોડાવા લાગ્યા હતા. એમાં પણ શરૂઆતમાં નિયમોને વધુ કડક કરવાની વાત ચાલી, પણ બહુ ઝડપથી ખ્યાલ આવી ગયો કે કેવળ પ્રતિબંધથી એ પ્રશ્ન ઉકેલાવાનો નથી. આથી હવાઈ દળે પોતાની માનવસંસાધન નીતિ, કારકિર્દીના માર્ગો અને પ્રગતિની તકો વિશે ફેરવિચાર કર્યો. મૂળ પ્રશ્ન પાયલટોને રોકવાનો નહીં; તેમને નોકરીમાં રહેવાનું મન થાય એવી વ્યવસ્થા ઊભી કરવાનો હતો.
‘ઇસરો’ સંદર્ભે પણ આ મુદ્દો સમજવો જરૂરી છે. અનુભવી વિજ્ઞાનીઓ નોકરી છોડીને અન્યત્ર જઈ રહ્યા હોય તો જરૂર છે તેની પાછળનું કારણ સમજવાની. સરકારની ખરેખરી ફિકર રાજીનામાંની સંખ્યા નહીં, પરંતુ તેની પાછળ રહેલા કારણની અને તેના થકી મળતા સંદેશની હોવી જોઈએ. લોકોના છોડીને જવાથી કોઈ સંસ્થા નબળી પડતી નથી, પણ લોકોના છોડી જવાના કારણોને સમજવાનો પ્રયત્ન ન થાય ત્યારે તે અવશ્ય નબળી પડે છે.

મુશ્કેલી એ છે કે આપણા વહીવટી તંત્રમાં મોટે ભાગે સમસ્યાના સ્વીકારમાં જ વિલંબ થતો હોય છે. શરૂઆતમાં તેને અપવાદ ગણવામાં આવે, પછી તેને વ્યક્તિગત નિર્ણય કહીને હળવાશથી લેવામાં આવે અને જ્યારે પ્રશ્ન ગંભીર સ્વરૂપ ધારણ કરે ત્યારે ઉતાવળમાં નિયમોને કડક કરવાની વાત આવી જાય. આવો પ્રતિક્રિયાત્મક અભિગમ કોઈ પણ ક્ષેત્રમાં લાંબે ગાળે સફળ થતો નથી.
એ જ રીતે ‘ઇસરો’ની સમસ્યાનો ઉકેલ વધુ કડક નિયંત્રણોમાં નહીં, બલ્કે વધુ આકર્ષક માળખું, વિશિષ્ટ કુશળતા ધરાવતા વિજ્ઞાનીઓ માટે ઝડપી પ્રગતિની તક, યોગ્ય પ્રોત્સાહન, સંશોધનની વધુ સ્વતંત્રતા અને ખાનગી ક્ષેત્ર સાથે સુનિયોજિત સહકાર—વગેરે જેવા મુદ્દાઓ પર ગંભીરતાથી વિચારણા કરવાની જરૂર છે. સરકારે અવકાશના ક્ષેત્રમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન આપ્યું છે, તો તેને પરિણામે ઊભી થનારી પ્રતિભાની સ્પર્ધા માટે પણ તૈયાર થવું જરૂરી છે.
‘ઇસરો’ જેવી સંસ્થામાં કામ કરતો વિજ્ઞાની કેવળ એક પગારદાર કર્મચારી નથી. તેને તૈયાર કરવામાં વર્ષોનો સમય, જાહેર નાણાં અને વરિષ્ઠ વિજ્ઞાનીઓની મહેનતનું રોકાણ થયેલું હોય છે. તેથી તેમના રાજીનામાને માત્ર વ્યક્તિગત નિર્ણય કહીને નજરઅંદાજ કરી શકાય નહીં. સવાલ કેવળ ‘ઇસરો’નો નહીં, દેશની તમામ અગ્રણી જાહેર સંસ્થાઓનો છે. જ્ઞાન અને કુશળતાના વર્તમાન યુગમાં પ્રતિભા પર તાળું મારીને તેને જાળવી શકાતી નથી. તેને જતી રોકવી હોય તો સંસ્થાને એવી બનાવવી પડે કે જવાનું મન ન થાય.
આથી ‘ઇસરો’ના રાજીનામાંને સરકાર ફક્ત શિસ્તના પ્રશ્ન તરીકે જોશે તો થોડા સમય માટે આંકડા નિયંત્રિત થઈ જાય એમ બની શકે. પણ તેને માનવસંસાધન નીતિની ચેતવણી તરીકે લેશે, તો તે માત્ર ‘ઇસરો’ને નહીં, સમગ્ર ભારતીય વૈજ્ઞાનિક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી શકશે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૩-૮– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી
