કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
“ માળું આનું કારણ શું ? ઓણના વરહમાં વરસાદ ખૂબ સારા વરસ્યા, રોગ-જીવડાની કનડગત પણ હર વરહના પ્રમાણમાં ખૂબ ઓછી રહી અને ખેડૂતોએ ખાતર-પોતર અને સાંતી-સડની માવજત પણ સારા વરહની લાલચે ને લાલચે એવી કરી હતી કે મોલાતે જ્યાં પાણી માગ્યું ત્યાં દૂધ હાજર કર્યું હતું. પણ મારા ખ્યાલે ચોમાસુ કે શિયાળુ એકે ય મોલની ઉપજમાં આપણ ખેડૂતના કોઠા ઠારે એવો હોંકારો નથી મળ્યો. આ બાબતે તમારું શું કહેવાનું છે પોપટભાઇ ?” કૃષિ વિકાસ મંડળની મીટીંગમાં કૃષિ.યુનિ.જુનાગઢના વિષય નિષ્ણાંત –મુખ્ય મહેમાન આવી પહોંચે તે પહેલાના અંદરોઅંદરના “અનુભવની આપલે” કાર્યક્રમની વેળાએ “ઓણનું વરહ કેવું રહ્યું ?” એ વિષય પરની ચાલતી ચર્ચામાં ઠાકરશીભાઇએ પોતાનો બળાપો કાઢ્યો.
“તમારા આ અભિપ્રાયે ઠાકરશીભાઇ ! મારા મનની જ વાત કરી દીધી. મને ય એમ જ લાગ્યું છે કે એક કહેતાં એકે ય મોલમાં ઉતારા બાબતે ઓણ સાલ ભલીવાર ભળાણી નથી. અમારી બાજરીનો પ્લોટ નિંઘલ્યો ત્યારે ઘેરા ઉપર ડૂંડાની ખાપ બાજી ગઈ હતી. ડૂડાની ભરતી અને એનું રૂપ જોઇને વીઘે ચાલીશ ચાલીશ મણ ઉતરી પડશે એવી ‘ઢાળ’ નજરે જોનારા બધા મૂકતા હતા. પણ ખળું લીધું ત્યાં ‘ઢાળ’ ની હવા નીકળી ગઈ ! વીઘે માંડ 28 મણ જેવો ઉતારો આવ્યો.” પોપટભાઇએ ઠાકરશીભાઇના અભિપ્રાયમાં શાખ પૂરી.
“ ઓણના વરહમાં કંઇક એવું બન્યું છે કે બધી મોલાતો ‘ઉતારા’ બાબતે જોઇએ તેટલું હીર દેખાડી શકી નથી. અમે કપાસના પાટલામાં અરધામાં મગ અને અરધામાં અડદનો ચાસ વાવેલો. બન્નેમાં છોડવા ખૂબ ફાલ્યા. આવેલી શીંગો જોઇ હોય તો લાંબી સાંઘરા જેવી ! પણ અંદર દાણા જે સાત-આઠ હોવા જોઇએ –એને બદલે ત્રણ ત્રણ ને ચચ્ચાર જ ! એક બ્લોક જી-20 મગફળીનો હતો. એમાંયે બસ એવું જ થયું ! છોડવા જોયા હોય તો નજર ત્યાં જ ઠરી જાય તેવા પહટેલા ! અને છોડવો ખેંચીએ તો શીંગો યે વળગેલી નીકળે મોટી ડઘોરા જેવડી ! પણ અંદરથી પોલી ભમ ! ફોફું લોંઠકું ને અંદર દાણા માયકાંગલા ! ચકલાની જીભ જેવા-કરચલી વાળા ! ધારણા તો એવી હતી કે ઉતારો બેસશે વીઘે ખાંડી ખાંડી ! પણ તમે કહો છો એ વાત સાચી કે આ વરહમાં કંઇક એવું વાંકું પડી ગયું છે કે જે કળ્યામાં તો ભલે નથી આવ્યું, પણ એની માઠી અસર ઓછા ઉતારામાં જરૂર દેખાઇ આવી છે. અમારે મગફળી ઉતરી 8 વીઘામાંથી માત્ર છ ખાંડી બોલો !” રાજનભાઇએ પણ પોતાને થયેલ અનુભવની વાત કરી.
મને તો ઘણી યે વાર થયો છે. તમને પણ ઠાકરશીભાઇ, પોપટભાઇ અને રાજનભાઇને થયો તેવો અનુભવ-જો બરાબરનું નિરિક્ષણ કર્યું હોય તો થયો હોવો જ જોઇએ. તો મિત્રો ! આમ થવાનું દેખીતું કારણ કોઇ ન જડે ત્યારે આપણા વડવાઓ આવા વરહને “કણહિણું વરહ” કહેતા. અને “એના નિરાકરણની આપણા હાથની વાત નથી, એ તો પ્રકૃતિના ‘સવા-કવા’ ના હાથની વાત છે” એમ કહીને મન મનાવતા.
સવા –કવા એટલે શું ? કોઇ પણ ઘટના પાછળ કોઇને કોઇ વૈજ્ઞાનિક કારણ તો હોવાનું જ ! એટલે ‘સવા’ એટલે શું ? અને ‘કવા’ એટલે શું – એ કોના હિસાબે આવ્યા-ગયા કરે છે તે સમજવું આપણા માટે અગત્યનું થઈ પડે છે. તો મિત્રો ! સવા = સારો વાયરો અને કવા=ખરાબ વાયરો એવો અર્થ આપણે કરી શકીએ. ઉત્પાદન બાબતે બધી વાતાવરણીય બાબતો અનુકૂળ રહે તે ‘સવા’ અને ખાતર-પાણી અને અન્ય માવજતો બરાબરની કરી હોવા છતાં કંઇક એવા ફેરફાર સર્જાય કે જેના હિસાબે ઉત્પાદન પર માઠી અસરો આવી જાય એનું નાક ‘કવા’ ! જરા ઊંડા ઉતરીને નિરિક્ષણ પરિક્ષણ પાછળ સમય આપીએ તો જરૂર જણાઇ આવશે કે એ હતી વરસ દરમ્યાન મોલાતને સમયે સમયે મળવી જોઇતી કુદરતી વાતાવરણની ખામી !
જરૂરિયાત બધાની છે.: જેમ છોડવાને ઊભવા અને ખોરાક મેળવવા માટે પૂરી ફળદ્રુપ અને સારા બંધારણવાળી જમીન હોવી જરૂરી છે, તેમ ઉગવાથી માંડી પાકટ અવસ્થા સુધી મૂળ વિસ્તારમાં જરૂરી ભેજની હાજરીની જરૂર છે, જેમ એની ઉપર આવનારા રોગ-જીવાતના હુમલા વખતે દવા-દારુ અને સાથ-સહકારની જરૂર છે, તેવું જ વનસ્પતિના ઉગવાથી માંડી આખર સુધી જે જે વનસ્પતિના સ્ટેજ કે સમયને અનુકૂળ હોય તેવા “વાતાવરણ” ની પણ એટલી જ જરૂરિયાત હોય છે. વનસ્પતિ પોતે સંપૂર્ણરીતે પ્રકૃતિના જ આદેશને અનુસરનાર જીવ હોઇ, જ્યારે જ્યારે વાતાવરણમાં અણધાર્યા અને વણકલ્પ્યા હુકમો આવી ચડે ત્યારે એ પોતાના જીવનચક્રમાં પણ બદલાવ લાવ્યા વિના રહી શકતી નથી. જેથી ખાતર, પાણી અને સંરક્ષણ બધાં બરાબર રીતે સચવાયા હોવા છતાં વાતાવરણ યોગ્ય ન રહ્યું,તેની ઉત્પાદનના જથ્થા ને ગુણવત્તા પર માઠી અસર આવ્યા વિના રહેતી નથી.
વાતાવરણમાંથી વનસ્પતિ માત્ર પોતાને શ્વસનમાં જરૂરી ઓક્સીજન જ મેળવે છે એવું નથી, વરસાદ વખતે નાઇટ્રોજન પણ એ વાતાવરણમાંથી પામી શકે છે. તે સૂર્યસૂર્યપ્રકાશની હાજરી વખતે કાર્બન ડાયોકસાઈડનો પણ પોતાનો ખોરાક રાંધવા માટે ભરપેટ ઉપયોગ વાતાવરણમાંથી જ કરે છે. વળી વાતાવરણના ભેજ કે ગરમીના પ્રમાણમાં વધ-ઘટ થાય તો પણ વનસ્પતિમાં હરતા-ફરતા ને તેના અંગ-ઉપાંગોને ખોરાક તરીકે વાપરતા કે તેમાંથી રસ ચૂસતા જીવડાંઓની હયાતી, સંખ્યા અને વધ-ઘટ બાબતે પણ એટલા જ ફેરફારો થતા રહેતા હોય છે. વળી કેટલાક ફૂગ-વાયરસના રોગકારક વિષાણુંઓ પણ વાતાવરણીય ઠંડી-ગરમી કે ભેજયુક્તતાને ધ્યાને લઈ વધઘટ થવા પામતા રહેવાનાં.
એટલે આખી સિઝન દરમ્યાન વાતાવરણ મોલાતને અનુકૂળ રહ્યુ છે કે રહ્યુ છે પ્રતિકૂળ ? તેની બહુ મોટી અસરો ઉત્પાદન ઉપર પડતી હોય છે. આપણે એવા કેટલાક ઉદાહરણ તપાસીએ કે જેમાં કેવળ વાતાવરણે આવો ભાગ ભજવ્યો હોય !
આ રહ્યા બોલતા પૂરાવા :
[૧] પાંદડાં દજાડી દીધાં હોય : અમારો ગઢડા તાલુકો એટલે ગણાય સૂકો વિસ્તાર. અહીં ઉનાળો હોય વધુ આકરો ! ગયા વરસે [2010] કેટલાક સાહસિક ખેડૂતોએ કેળ અને પપૈયાના વધુ વળતરની ધારણાએ પોતાના ગજા પ્રમાણેનાં વાવેતર કરેલાં. બન્યું એવું કે ચોમાસુ સાવ નબળું રહ્યું અને શિયાળો પૂરો ઠર્યો નહીં. એટલે ચોમાસા-શિયાળા દરમ્યાન કેળ-પપૈયાના છોડવા ધાર્યો વિકાસ સાધી શક્યા નહીં ત્યાં પહોંચી ગયો ઉનાળો ! કેળ અને પપૈયા બન્નેનાં પાંદડાં હોય પતંગ જેવા પહોળા અને કાગળ જેવા પાતળાં ! અને હોય પાછા એવા કુમળા, કે એને તો હવાના આંચકા યે ફાડી નાખે ! અને ઓણના ઉનાળાનો તડકો જાણે ધગધગતી આગની ઝાળો ! કેળ- પપૈયાના પાંદડાં એ તાપ ન જીરવી શક્યાં. પાંદડાંની નસો બધી ગઈ દાજી અને સપાટી બધી ગઈ શેકાઇ ! શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ બન્ને કાર્યો ખોરંભાયા ! ન સમયસર પપૈયા પાક્યા કે ન કેળની લૂમ ! સિઝન આખી ખોઇ બેઠા ! ખાતર-પોતર ને દવા-દારૂ બાબતે છોડવાને મોઢે માગી માવજત – કહોને ગાદલું અને ગોદડું બે સિવાય બધું આપ્યું હતું ! છતાં આ સૂકા વિસ્તારનું ગરમ વાતાવરણ ખેતીવાડીના સુંવાળા છોરું કેળ-પપૈયા બન્નેને ભરખી ગયું 1
[૨] ફલીકરણમાં વાંધો પડે :
[અ]…….અમારા પંચવટી બાગમાં આમળાંના ઝાડવાનો મોટો ઘેરો છે. આ ઝાડવાની આદત એવી છે કે ફૂલો ખિલવે શિયાળા-ઉનાળાની બરાબર ગડાસાંધ જોઇને ! જ્યારે ઠંડી-ગરમી બન્ને હોય માપસરના. આમળાના નર-માદા ફૂલોની રજ-મિલન પ્રક્રિયાને આ ઋતુ બહુ અનુકૂળ ! ઠંડી વધુ હોય તોય નો ફાવે અને ગરમી વધુ હોય તો પણ વાંધો પડે 1
ચાલુ વરસે સિઝન આખીનો વરસાદ પડ્યો માંડ ૫ ઇંચ. એટલે પિયતના પાણીની તો ખેંચ જ હોવાની ? સૌરાષ્ટ્ર વિસ્તારમાં ફળો ઉતારી લીધા પછી આરામ ઉપર ઊતરી ગયેલા ઝાડવાને થોડુક પિયત દેવાય તો જ એ સમાધી અવસ્થામાંથી જાગૃત થઈ, નવા ફૂલ ધારણ કરવા પ્રેરાય છે. ટપક દ્વારા પિયત આપવાની મથામણ તો કરી, પણ એમાંયે પાણી ઓછું પડ્યું, ને આરામ અવસ્થામાંથી જાગૃત થતાં લાગી વાર ! અને ઉનાળાની ગરમી આંબી ગઈ ! મોડાં મોડાં યે ઝાડવાં પર ફૂલો તો ખિલ્યાં, પણ સમધાત ઠંડી-ગરમીનો ગાળો છાંડી જવાયો. મોડા પડ્યા. અને કાળઝાળ ગરમીમાં કોમળ પ્રજનન અવયવો તેના મિલન પહેલાં જ મરુ બની ગયા ! ને આમળાંના ઝાડવાં ફાલ વિનાનાં ખાલી રહી ગયાં !
[બ]……….બાજરાનો ઘેરો બરાબર થૂલીએ આવ્યો હોય અને ઝરમર ઝરમર વરસાદ વરસવાનો શરૂ થાય, આકાશ આખું વાદળોથી ઢંકાયેલું જ રહે, ૪ – ૫ દિવસ ઉઘાડ દેખાય જ નહીં, એટલે બાજરાનાં ડૂંડાંની શી વલે થાય ? કલ્પના કરો જોઇએ ! ઉપરથી સૂર્યપ્રકાશ મળે તો થૂલી સુકાય, અને થૂલી સુકાય તો જ ફૂલોની રજ ઊડેને ! ઘણા દાડે વરસાદ બંધ થાય ત્યાં તો ફૂલોને ખિલવાની વેળા જ વીતી ગઈ હોય ! કેટલાય ફૂલડાં વાંઝિયા રહી જવા પામે ! ડૂંડાં હોય ફટાફટ ફાંટ ભરાઇ જાય એવડાં, પણ અંદર દાણા બાબતે અરધોઅરધ હોય ખાલી ! બાજરો ઉતારો લે ક્યાંથી ? આપણે માનીએ વરહ “કણહીણું” થયું, પણ આમ થવા પાછળનો જશ તો ફૂલો વખતના પ્રતિકુળ વાતાવરણને જ ભાગે જાય ને ?
[૩] સ્વભાવ બદલી નાખે :
[અ ]……….દિવેલાના બીજ-ઉત્પાદન પ્લોટમાં અનુભવ્યું છે કે સામાન્ય રીતે ‘માદા’ ના છોડ પર ‘નર’ ફૂલો નથી આવતા. પણ જો વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધે તો માદા છોડવા પણ નર ફૂલો ખિલવવા લાગી પડે છે. [જે રોગીંગના રૂપે કાઢી નાખવા પડે છે] જે દિવેલાના છોડનો સ્વભાવ માત્ર ‘માદાફૂલો’ જ ખિલવવાનો હતો તેને વાતાવરણ પોતાનું ધાર્યું કરાવી ‘નરફૂલો’ ખિલવતું કરી દે, એ કાંઇ જેવી તેવી આડોડાઇ ગણાય ? અને એનાથી સાવ ઉલટું- ખલેલાના ‘નર’ ઝાડને કદિ ‘માદા’ ફૂલો ખિલતા હોતા નથી. પણ 2010 ની સાલના ઉનાળાના વાતાવરણે પંચવટી બાગના એક નરના ઝાડવાને ‘માદા ફૂલો’ જથ્થાબંધ ખિલવ્યા અને ફળોનું બંધારણ પણ અમારી અજર સામે જ ગોઠવી દીધું હતું બોલો !
[બ]……..ગાજર અને ડુંગળીની વાવણી સામાન્ય રીતે ચોમાસુ પુરું થયે કરાય. શિયાળાનું ઠંડું અને સુકું હવામાન ગાજરના ગડા અને ડુંગળીના દડા બનાવવામાં બહુ અનુકૂળ ! પણ જો વાતાવરણ થોડુકેય માપથી વધુ ગરમ બન્યું ? તો પછી વાત ગઈ ! એ ના એ જ ગાજરના છોડવામાં ‘ગાજરા’ બની જઈ, ઉપર ફૂલના મોટા ગોટા ખિલવી દે, અને ભોંયમાં ગાજરના ગડા બનવાને બદલે બની જાય સોટી જેવું પાતળું મૂળિયું ! ડુંગળીબાઇ પણ ભોંયમાં દડાને મોટો કરવાનું બંધ રાખી ઉપર કાઢી જાય ‘મોઘરા’ ! કંદ બનાવવાની તાકાતને ફેરવી દે બીજ બનાવવામાં. ઉત્પાદનનો જથ્થો અને ગુણવત્તા બન્ને બની જાય રાંક !
[૪] ફાલની ઋતુ બદલાવી નાખે :
[અ]………શ્રી મનુભાઇ પંચોળી[દર્શક] ની સ્થાપેલી લોકશાળા ‘મણાર’ આવી અલંગના દરિયા કાંઠે. ત્યાં કેસર આંબા, નાળિયેરી અને ચીકુના ઝાડવાં આવકમાં ખૂબ સારો હોંકારો આપે છે. પણ આમળાંના ઝાડવાંને એનું વાતાવરણ એવું વાંકુ પડાવે કે વાત કરવાની નહીં ! ફૂલો આવે ફેબ્રુઆરી-માર્ચ માસમાં-યોગ્ય સમયે જ. પણ અન્ય વિસ્તારોમાં જેમ સીડસેટીંગ પછી એનું નાનું ભૃણ ચાર મહિના સુશુપ્તાવસ્થામાં ચાલ્યુ જાય, તેવું અહીંના વાતાવરણમાં બને નહીં ! અહીં તો ફલીકરણ થયા ભેળું બચડું માંડે વધવા ! તે શ્રાવણ-ભાદરવો આવતા તો પાકીને ટહા જેવું થઈ માંડે કહેવા કે ‘હવે મને ઉતારો’ ! એ વખતે વેચાણ માટે માર્કેટમાં લઈ ગયે કોઇ ગ્રાહક કે વેપારી સામુ જ ના જૂએ ! કોઇ ધણી જ ના થાય એનું શું ? આમળાંનો સાચો ઉપયોગ શિયાળે ઠંડી શરૂ થયા પછી જ લોકો કરે. કરવું શું ? કટાણે પાકેલા આમળાં નાખવા ક્યાં ? ઝાડવા ખોદી નાખવા પડ્યા બોલો ! અને એનું નિમિત્ત ‘વાતાવરણ’ બન્યું.
[બ]…. ૨૦૧૦ નો ઉનાળો શરૂ થતાં કંઇક એવી જાતનું વાતાવરણ સર્જાયું કે આંબા, લીમડા અને ગુંદા–ત્રણેયના ઝાડવાં છેતરાઇ ગયાં ! ઠંડી-ગરમીનો કંઇક એવો મેળ બેસી ગયો કે વૃક્ષો એવા ભ્રમમાં પડી ગયા કે ‘આપણી ફળવાની ઋતુ આવી ગઈ’! અને માળાં ફૂલો માંડ્યાં ખિલવવા ! તે ચાર મહિના અગાઉ લીમડે લીમોળી પાકી પડી અને કેરી તો પાકીને બજારમાં વેચાવા પહોંચી ગઈ ! આ ‘કટાણે’ ફાલ લગાડી દેવા પાછળ ખરચાઇ ગયેલી ત્રેવડનો ઘોબો ‘ટાણાહર’ ની ફાલની વેળાએ પડ્યા વિના થોડો રહેવનો કહો !
[૫] પાકના વર્ધન-ઉત્પાદનમાં અવરોધ સરજે : જે વરસે શિયાળામાં પૂરી ઠંડી ના પડે, તે વરસે ઘઉંના છોડવાને ફૂટ્ય ઓછી થાય, તેનો વિકાસ અવરોધાય, ઉપર ડૂંડી ટુંકી નીંઘલે અને ડૂંડીમાં દાણાની સંખ્યા ઘટે. અને બંધાયેલા દાણા પણ ન હોય પૂરા પોઢા કે ન હોય વજન બાબતે પૂરા નક્કર ! પછી ઉતારો લે કેમ કરીને કહો ! આવું જ શિયાળુ મોલ બધા- જીર, મેથી, ધાણા, રાઇ, ઇસબગુલ, વરિયાળી કે એરંડા સુધ્ધામાં યોગ્ય વાતાવરણ ન મળે તો ઉત્પાદન પર માઠી અસર પડ્યા વિના રહેતી નથી.
[૬] રોગ-જીવાતનો વધારો વહોરી ‘કવા’ લાવે : તમે જૂઓ ! ચોમાસુ હોય એટલે હવામાં ભેજની હાજરી હોવાની.અને એમાં જો ગરમી શરૂ થઈ ? એટલે ઉપદ્રવી જીવડાઓને તો ગોળના ગાડાં મળી જાય ! એની વંશવૃદ્ધિનું ચકરડું બમણા-ત્રમણા જોરથી ફરવા માંડે ! એનો તો કાળો કેર શરૂ થાય ! જમીનજન્ય રોગો પણ ભોંયમાંથી માથાં કાઢે ! કહો, આ બધાથી ઉત્પાદન બાબતે ભૂંડો અકસ્માત સરજાય કે નહીં ? અને આનો જશ બસ, વાતાવરણને જ દેવો પડેને ? તમારું શુ કહેવાનું છે, કહો !
આ વાતને નક્ષત્રોનો ટેકો : ચોમાસામાં ક્યા નક્ષત્રમાં કેવું વાતાવરણ હોય છે, અને આ ટાણે વરસેલો વરસાદ કેવા પરિણામ લાવે એનો વર્ષો સુધી અભ્યાસ કર્યા પછી ખેડૂતોના વડવાઓએ તારણ કાઢ્યાં છે-આદ્રા, મઘા અને પૂર્બા-સ્વાતિ જેવા મીઠાં નક્ષત્રોમાં વરસેલા વરસાદે મોલાતમાં ‘સવા’ જ આવે. જ્યારે અષલેખા,અને પૂનરવસુ જેવાને કડવા તથા હાથિયાને તોફાની નક્ષત્રો ગણાવ્યા છે. એમાં વરસેલા વરસાદે રોગ-જીવાત કે ‘કવા’ લાવે તેવા અનુમાનો કર્યા છે, તે બસ ! ‘વાતાવરણ’ ને જ ધ્યાને લઈ કરેલા જણાય છે. પ્રકૃતિએ વનસ્પતિને વાતાવરણીય ફેરફારોને આધિન રહીને વર્તન કરવાનો આદેશ આપેલો છે. તમે જૂઓને ! દિવાળીટાણું આવે આવે ત્યાં મેડા માથે પડ્યા પડ્યા ડુંગળીના દડા-નહીં જમીન કે નહીં ભેજ તો પણ –આપમેળે પાંદડાં કાઢવા માંડે ! અને લસણના ગાંઠિયા માહ્યલી કળીઓ લીલાં મોઢાં કરી કરી ફોતરાંની બહાર ડોકાવા માંડે ! આપણે સમજી જવું જોઇએ કે લસણ-ડુંગળીનો હવે વાવણીનો સમય પાકી ગયો છે ! આવા રોજ-બરોજના વાતાવરણીય ધ્યાનથી નિરિક્ષણ કરી-સમય સાચવી ખેતીકાર્યો કરી વાળનારા ખેડૂતો ઉત્પાદન બાબતે જરૂર સફળતા મેળવતા હોય છે.
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
