પ્રકૃતિની પાંખો

હીત વોરા

ચેન્જેબલ હોક-ઈગલ (Nisaetus cirrhatus), જેને ગુજરાતીમાં મોરબાજ તરીકે ઓળખવામાં આવે છે, એ ગુજરાતના શક્તિશાળી નિવાસી શિકારી પક્ષીઓમાંનું એક છે. તે મોટું ગરુડ જેવું પક્ષી છે, જેના પહોળી પાંખો, લાંબી પૂંછડી અને માથા પરની કલગી તેને સરળતાથી ઓળખી શકાય તેવું બનાવે છે. શિયાળામાં ગુજરાતમાં આવતા ઘણા સ્થળાંતર કરનારા શિકારી પક્ષીઓથી વિપરિત, મોરબાજ વાર્ષિક સ્થળાંતર કર્યા વિના આખું જીવન એક જ વિસ્તારમાં પસાર કરે છે.

અંગ્રેજીમાં તેનું નામ “ચેન્જેબલ હોક ઇગલ” તેના બે અલગ અલગ રૂપ પર થી જોવા મળે છે, અમુક પક્ષીઓ આછા સફેદ અને ભૂખરા રંગના હોય છે જેને અંગ્રેજીમાં “પેલ મોર્ફ” કહેવાય છે, અને અમુક પક્ષીઓ ઘાટા ભૂરા અને કાળાશ પડતા ભૂરા રંગના હોય છે, તેમને “ડાર્ક મોર્ફ” કહેવાય છે.

[મોરબાજ પેલ મોર્ફ (Changeable hawk eagle pale morph)]

[Changeable hawk eagle; dark morph]
મોરબાજ નામ પાછળની વાર્તા પણ ખૂબ રસપ્રદ છે. જૂના સમયમાં લોકો પાસે મનોરંજનનાં આજના  સમય જેટલાં સાધનો નહોતાં. પ્રકૃતિને નિહાળવું એ પણ મનોરંજનનો એક ભાગ હતું. કોઈ વિશાળ બાજ જેવું પક્ષી અચાનક મોર પર હુમલો કરીને તેને સરળતાથી પકડી લે તે જોવું ખૂબ જ અદ્‍ભૂત દૃશ્ય હશે. કદાચ આ કારણે લોકો તેને મોરબાજ; મોરનો શિકાર કરનાર બાજ કહેવા લાગ્યા હશે. મોર ખરેખર તેના સંભવિત શિકારમાં સામેલ છે, જોકે તેનો આહાર માત્ર મોર પૂરતો સીમિત નથી.

ગુજરાતમાં મોરબાજ મુખ્યત્વે ગીર અને રાજ્યના અન્ય જંગલ વિસ્તારોમાં જોવા મળે છે. જોકે તે માત્ર ગાઢ જંગલ પૂરતો સીમિત નથી. જ્યાં જંગલની સાથે ખેતી, ઝાડી ઝાંખરા અને ખુલ્લી જમીન હોય ત્યાં પણ તે જોવા મળી શકે છે. મોટા વૃક્ષો તેને માળો બાંધવા, આરામ કરવા અને શિકાર પર નજર રાખવા માટે જગ્યા આપે છે. જ્યારે જંગલની ધાર, ખુલ્લા વિસ્તારો અને આસપાસની જમીન શિકાર માટે ઉપયોગી બને છે.

મોરબાજ એક શક્તિશાળી શિકારી છે. તે ઘણીવાર ઊંચી ડાળી પર શાંતિથી બેસીને આસપાસના વિસ્તારમાં શિકાર શોધે છે અને યોગ્ય તક મળતાં અચાનક નીચે ઝપાટો મારે છે. તેનો આહાર ખૂબ જ વૈવિધ્યસભર છે. તેના શિકારમાં ગરોળી, કાચિંડા, ખિસકોલી, ઉંદર, ચામાચીડિયા અને મેના, બુલબુલ, પોપટ, કબૂતર તથા વિવિધ જમીન પર રહેતા પક્ષીઓનો સમાવેશ થાય છે. મોર પણ તેનો શિકાર બની શકે છે. કેટલાક સ્થળોએ મોરબાજ દ્વારા નાના મગરનાં બચ્ચાંનો શિકાર કર્યાના અહેવાલો પણ મળ્યા છે. આવી ઘટનાઓ અસામાન્ય છે, પરંતુ તે મોરબાજની શિકાર કરવાની ક્ષમતા અને ઉપલબ્ધ તક પ્રમાણે શિકાર પસંદ કરવાની ટેવ દર્શાવે છે.

[ગીરના જંગલમાં મોરબાજ એક મોટા ચામાચીડિયા (ફ્રૂટ બેટ)ના શિકાર સાથે]
મોરબાજનું નિવાસી પક્ષી હોવું પણ રસપ્રદ છે. સ્થળાંતર કરનારા પક્ષીઓ ઋતુ પ્રમાણે એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જાય છે અને જ્યાં ઋતુ મુજબ ખોરાક વધુ હોય ત્યાં તેનો લાભ લે છે. પરંતુ નિવાસી પક્ષીને આખું વર્ષ લગભગ એક જ વિસ્તારમાં રહેવું પડે છે. તેને ઉનાળાની ગરમી, ચોમાસું, શિયાળો અને ઋતુ પ્રમાણે ખોરાકમાં થતા ફેરફારોનો સામનો કરવો પડે છે.

નિવાસી પક્ષીને પોતાના વિસ્તારની પણ સારી જાણકારી હોય છે. કયા વૃક્ષ પર માળો બનાવી શકાય, ક્યાં શિકાર વધારે મળે છે અને કઈ જગ્યાએ બેસીને શિકાર પર નજર રાખી શકાય છે, આ બધું તે લાંબા સમય દરમિયાન શીખી શકે છે. તેથી એક જ વિસ્તાર ઘણા વર્ષો સુધી તેના માટે મહત્વનો બની શકે છે.

મોરબાજનું સંરક્ષણ માત્ર મોરબાજને બચાવવા પૂરતું નથી. મોરબાજની હાજરી એ દર્શાવે છે કે તે જંગલ અથવા લેન્ડસ્કેપ જૈ વૈવિધ્યથી સંપન્ન છે અને પૂરી રીતે સ્વાવલંબી છે.

આગલી વખતે ગુજરાતના કોઈ જંગલ કે જંગલની ધાર પર ઊંચા વૃક્ષ પર કલગીવાળું મોટું ગરુડ જેવું પક્ષી બેઠેલું અથવા વહેલી સવારે મસ્ત કિકિયારીઓ મારતું જોવા મળે, ત્યારે ધ્યાનથી જોવું અને જંગલના આ રોયલ પક્ષી ને જરૂરથી નિહાળવું!

કિકિયારી કરતો મોરબાજ :

 

મોરનો શિકાર કરવાની કોશિશ કરતું મોરબાજ:


શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.