પ્રીતિ શાહ-સેનગુપ્તા
ગોબીના રણ જેવી ખુલ્લી, ખાલી જગ્યા મને બહુ નિરાંત આપતી હતી. ગોબીના અન્ય ભાગોમાં વધારે પર્વતો બનેલા છે, જ્યારે પૂર્વ ગોબીનો આ પ્રદેશ ઘણે અંશે સપાટ છે. તેથી નજર મુગ્ધ થઈને ચારે તરફ ફેલાતી રહી શકે છે. આમ જુઓ તો ઘણાંને મુગ્ધ થવા જેવું કાંઈ ના પણ લાગે, પરંતુ આવી રિક્તતા, અને વિયુક્તિ હંમેશાં મારા મનને ખૂબ મોહનીય લાગતી હોય છે.
કશુંક છૂપું, કશુંક છેતરામણું, કશુંક ગૂઢ, કશુંક ગેબી- આવાં વિભિન્ન પાસાં મને આવી જગ્યાઓમાં અનુભવાતાં રહે છે. જાણે જે પાસે લાગે છે તે પાસે ના હોય, જે દૂર લાગે છે તે અતિદૂર હોય -એવું કંઇક. આ ગેબીનું રણ, અને એની ઉપરનું તેજસભર આકાશ મને અનંતતાની સાબિતી આપે છે.
મને થાય કે હું આ પ્રસ્તારને જોયા જ કરું, એના પર ચાલ્યા જ કરું, જાણે આ મહાપરિમાણ સાથે એકરૂપ થઈ જાઉં. જાણે આ જગ્યાના અવકાશી ખાલીપણાને મારી અંદર ભરીને મારી અંદરના દુન્યવી ખાલીપણાને કાઢી નાખું. મેં ક્યાંક ઘાસ દબાઈને કેડી જેવું બનેલું જોયું, ક્યાંક ગાડી ગઈ હોય એવા ચાસ જોયા, પણ એ બધું ત્યાં જ, નજર પહોંચે એટલે જ અટકી ગયું દેખાય. એટલેકે, કોઈ પણ માણસ જાય તો ક્યાં સુધી જાય? ગેબીના રણને તો જાણે છેડો જ નથી. તેથી છેવટે હું ઊભી જ રહી જાઉં, મારી નજરની જે સીમિત શક્યતા છે, તેટલું પામીને સંતોષ માની લેવો પડે.
ને એમ તો બહાર બહુ વાર રહી શકાય તેમ નથી. સવારે દસ વાગતાંમાં તો તાપમાન ૩૮-૪૦ ડિગ્રી સે. જેટલું થઈ જાય. સૂરજનું બહુ જોર, ભઈ. તડકો સોનેરી ખરો, પણ જરા વારમાં આંખો આંજી દે અને માથું તપાવી દે. સાવ સૂકો તાપ, પણ ખાસ હવા નહીં. છતાં એક જગ્યાએ થોડા સ્થાનિક લોકો ભેગા થયા હતા. શનિવાર હતો એટલે હશે. કેટલીક ગાડીઓમાં કુટુંબો આવેલાં. નાની ટ્રકોમાં બે-ત્રણ ઘોડા પણ હોય. લાગે પિકનિક જેવું, પણ ખાણીપીણી નહતી. મને થયું કે બધાં જાણે બસ, ગોબીના ગેબી અસ્તિત્વને પામવા જ નીકળ્યાં હતાં.

થોડે આગળ જતાં, ગોબીના રણના હજારો માઈલોના ખાલી જેવા વિસ્તારમાં ક્યાંક, જાણે અચાનક, મોટી, ઊંચી બબ્બે ખૂંધવાળાં ઊંટોનું એક ટોળું જોયું. અહીં આ ઊંટોનો ઉછેર થાય છે, ને રણની લાંબી મુસાફરીમાં એ બહુ ઉપયોગી નીવડે છે. મૉન્ગોલિયાની આ ખાસિયત ગણાય છે. પાસે એક ઢોળાવ પછી થોડા ઘોડા પણ ઊભેલા હતા. બાજુમાં, સફેદ કાપડ પર ભૂરી ડિઝાઇનવાળો એક સરસ ગૅર કરેલો હતો. રણના જીવનમાં એકદમ લાક્ષણિક એવું આ બધું ભેગું કરીને, અહીં આવતાં પ્રવાસીઓને માટે, જોવા ને જાણવાની એક જગ્યા ઊભી કરવામાં આવી છે.
પ્રવાસીઓમાંનાં કેટલાંક જણે ઊંટ-સવારીનો શોખ કર્યો. તે માંડ પાંચ પાંચ મિનિટ જેટલી સવારી. એ માટે પૈસા આપવાના. પણ એ રીતે બેએક ફોટા પડાવવાનો શોખ પૂરો થાય! ઘોડેસવારી પણ કરી શકાઈ હોત, પણ કોઈ ઢોળાવ ઊતરીને એ તરફ ગયું જ નહીં. સ્થાનિક સ્ત્રીઓ દ્વારા ઊંટડીને દોહવાની રીત બતાવવામાં આવી. પહેલાં એક બચ્ચાને ધાવવા દે. દૂધ આવવા માંડે એટલે બચ્ચાને ખસેડીને સ્ત્રી દોહવા બેસી જાય. બાં ધી રાખેલું બચ્ચું ટળવળે. હું આ જોઈ ના શકી. ખસીને બાજુમાંનો ગૅર જોવા જતી રહી.
એમાં બબ્બે સ્થાનિક સ્ત્રી-પુરુષો અને બે-ત્રણ બાળકો બેઠેલાં. અંદરથી પણ ગૅરને ફૂલ-વેલની ડિઝાઇન કરીને સુશોભિત કરાયો હતો. ટૂરિસ્ટી શો-કેસ હતો ને. એમાં બેસવા માટે પાટ, ખુરશી, ટેલિવિઝન, પાણીના નળવાળો સિન્ક વગેરે સગવડો હતી. સામે વચ્ચોવચ સરસ રીતે બે મોટા વાડકામાં ઊંટનું તેમજ ઘોડાનું, એકદમ સફેદ દેખાતું દૂધ ભરેલું. સાથે મોટા ગોળ ચમચા અને નાના કપ પણ હતા. ઘેર મેળવેલા દહીંમાંથી બનાવેલી, સૂકવેલી બરફી જેવી ચીજ પણ નાના કટકા કરીને બે મોટી તાસકોમાં મૂકેલી. અહીં આવકારની આ પ્રચલિત રીત છે.
એ કટકા સાયનશાન્ડ સ્ટેશન પર વહેલી સવારે પણ બે સ્થાનિક છોકરીઓ દ્વારા ધરવામાં આવેલા. મેં કુતૂહલથી એક લઈને ચાખેલો. તરત મોંમાંથી કાઢી નાખવો પડેલો, ને સ્ટેશન પરની કચરા-બાસ્કેટમાં ફેંકી દીધેલો. એ બધું સ્વાદમાં ખારું, ખાટું, તૂરું લાગે. કૈંક વાસ પણ આવે. આપણને ચાખવાની ઇચ્છા થાય, કે જરા પણ ભાવે એવું નહીં. તોયે વિવેકથી બેમાંનું એક દૂધ જરાક જેટલું પી લીધું.
બહાર એક બાજુ નવો ગૅર બનાવાઈ રહ્યો હતો. અમને એની રીત બતાવવા માટે. પણ એમ બહાર પાંચ-છ મિનિટ માંડ ઊભાં રહી શકાય. માથે ટોપી હોય છતાં સૂરજનો તાપ એવો કે બળી મરવા જેવું લાગે. બધાં થોડી થોડી વારે મિનિ-બસમાં આવતાં રહ્યાં. એ પણ જોકે, વાતાનુકૂલ નહતી. એમાં તો બાફ હતો, પણ માથા પરનો તડકો તો જાય. પ્રવાસીઓ જતાં રહે પછી આ બધું પણ સમેટાઈ જવાનું, એમ લાગતું હતુ.
અમે પાછાં રહેવાસી-કૅમ્પ પર પહોંચીએ એટલાંમાં પાસેની ખુલ્લી જગ્યામાં બેસવા માટેના કેટલાક સ્ટૅન્ડ બની ગયેલા, બેસવા માટે ખુરશીઓ ગોઠવાઈ ગયેલી. વચમાં રાષ્ટ્રીય ધ્વજ અને ફરતે રંગરંગીન વાવટા લાગી ગયેલા. ફટાફટ ‘નાડમ’ કહેવાતા એક લોકોત્સવની તૈયારી થઈ ગયેલી. સમય થતાં પૂર્વીય ગોબી પ્રોવિન્સના ગવર્નરે આવકારના શબ્દો કહ્યા, ત્રણ મૉન્ગોલિયન ગાયકોએ ખૂબ સરસ અવાજમાં, ત્યાંના લાક્ષણિક એવા ખૂબ ઊંચા સૂરે ગાયું; આછા ઘાસથી છવાયેલી જમીન પર ચાર યુવતી અને બે યુવકોએ સરસ રીતે લાક્ષણિક નૃત્ય કર્યાં. વળી, જાજ્વલ્યમાન પોષાક તથા શીંગડાંવાળાં અને પ્રાણીઓનાં મોઢાં દર્શાવતાં મોટાં મહોરાં પહેરેલાં પાત્રોએ ‘ત્સામ’ કહેવાતી શૈલીમાં નાટ્યાત્મક રજુઆત કરી. મૉન્ગોલિયાની બૌદ્ધ-તાંત્રિક પ્રથા પ્રમાણેનાં આ પાત્રો જીવનના સારા અને નરસા અંશોને પ્રદર્શિત કરે છે, અને પ્રજાજનો તથા સ્થાનોના રક્ષણ માટેનાં પ્રતીક ગણાય છે.

આ સિવાય, દરેક મૉન્ગોલિયન પુરુષને માટે, ચંઘીસખાન દ્વારા અગત્યની ગણાતી ત્રણેય પ્રવૃત્તિઓ પણ રજૂ થઈ. કુસ્તી, ઘોડેસ્વારી અને તીરંદાજી – આ ત્રણ અત્યંત અગત્યની ગણાતી આવડતો ડહાપણ, હિંમત અને મજબૂતાઇનું પ્રતીક ગણાય છે. આ બધું છોકરાઓ સાવ નાની ઉંમરથી જ શીખવા માંડતા લાગ્યા. સાત-આઠ વર્ષના લાગતા છોકરાઓ ઘોડાની પીઠ પર બેઠા હોય, હાથમાં ફક્ત લગામ હોય, ને શું ઘોડા દોડાવે. મોઢા પર જરા પણ ગભરાટ નહીં. પ્રેક્ષકોની ગોઠવણીની ફરતે ગોળ ગોળ થઈને દૂર ગયેલા પચીસેક ઘોડા, રેસ કરતા હોય તેમ, દૂરથી ચઢી આવ્યા. એમને ભાગતા આવતા જોવા બધાં એ બાજુ દોડ્યાં. સુદૃઢ શરીરવાળા, ચમકતી ત્વાચાવાળા સામટા આટલા ઘોડાની દોડ મૉન્ગોલિયાનું એક લાક્ષણિક દૃશ્ય છે. વેગે દોડતી એ આકૃતિઓ કળાત્મક પણ લાગે છે.
વચ્ચેના ભાગમાં આઠ-દસ વર્ષના છોકરાઓએ કુસ્તી કરી બતાવી. કુસ્તીનો પ્રકાર અહીં બહુ ક્રૂર કે આક્રમક નહતો, તે સારું લાગ્યું. એક એક દાવ બહુ ટૂંકો ચાલે. શરૂ થયા પહેલાં અને જીત્યા પછી છોકરાઓ નિયમ પ્રમાણે સ્ટાઇલ મારે. નાટ્યાત્મક લાગે. આ જ પરંપરા. સાચવીને બીજી એક તરફ પારંપારિક પોષાક પહેરેલા બે પુખ્ત પુરુષો લાક્ષણિક અદામાં, તીરંદાજીની પારંગતતા બતાવતા હતા. ટાર્ગેટની જગ્યાએ પથ્થરો ગોઠવેલા લાગ્યા. એટલા દૂર હતા કે ક્યાં તીર વાગ્યું તે દેખાય પણ નહીં. પણ એ પુરુષોના ધનુષ પર મૂકેલા બાણ સાથે ખેંચાયેલા હાથ અને સ્વસ્થ અદા જોવામાં આકર્ષક હતા.
હજી એક પ્રવૃત્તિ સમાંતર ચાલી રહી હતી. બાર-પંદર પુરુષો અને યુવકો “કુકરીની ગેમ” રમી રહ્યા હતા. બધા હેઇ-આહા જેવા અવાજ કરીને એકમેકને પ્રોત્સાહન આપતા હતા. પંદરેક ફીટ દૂર એક નાના ટેબલ પર પ્યાદાં ગોઠવ્યાં હતાં. દરેક રમનાર પોતાના એક નાનકડા, છએક ઇંચ જેટલા લાંબા પાટિયા પરથી સરકાવીને ચોરસ કુકરી ફેંકે. પ્યાદાને વાગે તે જીતે, એવું લાગ્યું. હાર ને જીત પ્રમાણે દરેક જણ જગ્યા બદલે.
મેં જોયું કે દરેકની પાસે પોતપોતાના કુકરીના સેટ અને એ મૂકવાની નાની બૅગ હતી. મેં નોંધ્યું, કે દરેકની જુદી હતી, ખાસ પસંદગી કરી હોય એવી. અમુક તો બહુ જ સરસ હતી. કમ્મર પર જમણી બાજુ લટકાવી હોય. વળી, બેસવાની રીત પણ ખાસ હતી. પોતાનું સાવ નાનું સ્ટૂલ હોય. એના પર બેસવાનું, પણ જમણો પગ પાછળ વાળીને રાખેલો હોય. કેટલાકે તો આ પગ મૂકવા માટે નાની કાર્પેટ કે આસન પણ રાખેલાં. આ બધો સરંજામ દરેક જણનું પોતાનું વ્યક્તિત્વ દર્શાવતો હતો, અને બહુ કળાત્મક પણ હતો. આ ગેમ પુરુષો જ રમે. મિત્રો મળીને મઝા માટે, સમય પસાર કરવા માટે, પણ પૈસાથી નહીં. કહેવાય છે કે મૉન્ગોલિયામાં જુગાર રમાતો જ નથી.
ખૂબ જ રસપ્રદ હતી, ગંભીર ભાવે ને છતાં આનંદપૂર્વક રમાતી આ રમત. શું સરસ, શું વિશિષ્ટ બાબતો જોવા ને જાણવા મળી હતી. આ ‘નાડમ’ કહેવાતો ઉત્સવ ગેબીના પ્રદેશમાં, ત્યાં વસતી ‘નોમૅડ’ પ્રજામાં, દર વર્ષે જુલાઈના મહિનામાં ઠેર ઠેર ઉજવાતો હોય છે. અસંખ્ય સ્થાનિક લોકો હંમેશાં એને માણવા અને એમાં ભાગ લેવા ભેગા થતા હોય છે. આજે એ અમારે માટે ખાસ યોજવામાં આવ્યો, અને એ રીતે એ જોવાનો અપૂર્વ લાભ અમને મળ્યો.
ક્રમશઃ
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
